અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા, નોકર ઉપર ચાલતી શેઠની સત્તા, શાસ્ત્રોની સત્તા, પરંપરાની સત્તા, સ્ત્રીજાતિ ઉપર ચાલતી પુરુષોની સત્તા, એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્ર ઉપર ચાલતી સત્તા એ બધા પ્રયોગો મનુષ્યજાતિએ અજમાવ્યા છે. સત્તાનું સામર્થ્ય જોઈ સત્તાને માટે પડાપડી ચાલી. ધર્મની સત્તા તોડી રાજની સત્તા સ્થાપી. રાજાની સત્તા તોડી પ્રજાની સત્તા સ્થાપી. જમીનદારોની સત્તા તોડી કારખાનેદારોની સત્તા સ્થાપી અને તેમનીયે સત્તા તોડી મજૂરોની સત્તા સ્થાપી. પણ ઉપાસના તો સત્તાની જ ચાલી છે. સત્તાનો સ્વભાવ જ એ છે કે તે આંધળી હોય છે, એકાંગી હોય છે, ન્યાય વિશે બેદરકાર હોય છે, અને સ્થિતિપ્રિય હોય છે. યુરોપમાં પ્રૉટેસ્ટંટ લોકોએ પોપની સત્તા તોડી પણ બાઈબલની સત્તા એટલી તો વધારી કે જૂના પ્રૉટેસ્ટંટ લોકોની અસહિષ્ણુતા આપણને આશ્ચર્યકારક લાગે છે. અમેરિકા ગયેલા પ્રૉટેસ્ટંટ લોકો ધર્મની બાબતમાં જેટલા અસહિષ્ણુ હતા તેટલા રોમન કૅથૉલિક લોકો પણ વખતે ન હોય. જ્યાં સુધી સત્તાની ઉપાસના ચાલે છે ત્યાં સુધી સત્તાનો આધાર બદલાય, રૂપ બદલાય, પણ એના દોષો એ ને એ જ રહે છે. ભવિષ્યની કેળવણીએ સત્તાનો આધાર જ તોડવો જોઈએ. રાજ્યનું રૂપ કેવું હોવું જોઈએ એ ચર્ચા કરતાં રાજ્ય જ શા માટે હોવું જોઈએ એ જાતની ‘ચેલેન્જ’ કેળવણીએ શરૂ કરવી જોઈએ. ધર્મતંત્ર કેવું હોવું જોઈએ એની ચર્ચા કરવા કરતાં ધર્મતંત્રની જરૂર જ શી છે એ પ્રશ્ન પ્રથમ ઉઠાવવો જોઈએ.

જ્યાં સુધી કેળવણી સત્તાને સ્વીકારે છે ત્યાં સુધી કેળવણી કવાયતકસરત કરતાં વધારે મહત્ત્વ ભોગવવાની નથી. કેળવણીને સાર્વભૌમ બનાવવી હોય અને એ વાટે દુનિયાને નવો રસ્તો દેખાડવો હોય તો કેળવણીમાં સત્તાનો સંપૂર્ણ બહિષ્કાર હોવો જોઈએ. કેળવણીના આદર્શમાં, કેળવણીની રચનામાં, અને કેળવણીની સંસ્થાઓમાં વ્યવસ્થા ગમે તેટલી આગ્રહભરેલી હોય પણ એમાં સત્તાને તો સ્થાન ન જ હોવું જોઈએ! કેળવણીનો પ્રથમ ઉદ્દેશ સત્યની શોધ ક૨વાનો છે, સત્યનો પ્રચાર ક૨વાનો છે, સત્યને આત્મસાત્ કરવાનો છે. એ સત્તાથી કોઈ કાળે થાય નહીં. સત્ય અને સત્તાનો વિરોધ આત્યંતિક છે. જ્યાં સત્તા છે ત્યાં સત્ય નિષ્પ્રાણ થાય છે. સત્તાને ઓગાળી નાખ્યા વગર સત્ય પ્રસ્થાપિત થાય જ નહીં.

કેળવણીનું બીજું તત્ત્વ તે શ્રદ્ધા અને નમ્રતા છે. બીજા આગળ શિર ઝુકાવવાની વૃત્તિને લોકો નમ્રતા તરીકે ઓળખે છે. ખરી નમ્રતા એ નથી. મોટેરા જે કહે, શાસ્ત્રો જે કહે તે વગર વિચાર્યે સ્વીકારવાની જડતાને લોકો શ્રદ્ધા તરીકે ઓળખે છે. ખરી શ્રદ્ધા એ નથી. ડૉ. ભાંડારકરે એક વખત શ્રદ્ધાનો અર્થ કર્યો હતો ‘The Open Mind’. શ્રદ્ધાની આટલી સુંદર વ્યાખ્યા બીજી ન હોઈ શકે. કોઈ પણ વસ્તુ વિશે વગર વિચાર્યે અનુકૂળ કે પ્રતિકૂળ આગ્રહ ન બાંધવો અને એ વસ્તુને અનુભવની કસોટીએ ચડવાની તક આપવી એનું નામ તે શ્રદ્ધા. એ શ્રદ્ધા પાછળ રહેલી નમ્રતા એટલી જ કે આપણે સર્વજ્ઞ નથી. મનુષ્યજાતિનો અનુભવ અલ્પ છે. અનુભવના ક્ષેત્રમાં આજે ન આવી શકે એવી કેટલીયે વસ્તુ પડેલી છે જે આપણા જીવન ઉપર જબરદસ્ત અસર કર્યે જ જાય છે, આપણે ઘણું જાણવાનું છે, સત્યનો નવો નવો સાક્ષાત્કાર કરવાના છીએ. એ જાતની અપેક્ષા ને ઉત્કંઠા એનું નામ નમ્રતા. શ્રદ્ધા ને નમ્રતા દરેક વિદ્યાર્થી માટે સ્વાભાવિક હોવાં જોઈએ. એ જ્યાં નથી ત્યાં કેળવણી શક્ય નથી. શ્રદ્ધા-નમ્રતાનો અભાવ એ જડતાનું એટલે ઘડપણનું લક્ષણ છે.

કેળવણીનું ત્રીજું તત્ત્વ હિંમત ગણાય. કેળવણીનો અર્થ જ એ છે કે આપણે અજ્ઞાનના ક્ષેત્રમાં મુસાફરી કરવા માગીએ છીએ. જે સમુદ્રના નકશાઓ આપણી પાસે નથી એવા સમુદ્રમાં આપણે આપણું સર્વસ્વ સાથે લઈ આપણું વહાણ હંકારવાના છીએ. હિંમત વગર એ થઈ ન શકે. માણસ પોતાનું સર્વસ્વ – જીવનસર્વસ્વ – જોખમમાં મૂકી શકે એ વૃત્તિનું નામ આસ્તિકતા છે. એ આસ્તિકતા પણ કેળવણીના પાયામાં રહેલી છે કે હું કલ્યાણમાર્ગે જાઉં છું, મારું અકલ્યાણ થવાનું નથી, મારો વિનાશ નથી. ભારે ખમવું પડે તો ફળ પણ એટલું જ ભારે મળવાનું છે. મારો પ્રયોગ એળે તો જવાનો જ નથી એ જાતનો વિશ્વાસ તે આસ્તિકતા. એ જ્યાં હોય ત્યાં ગમે તેટલી હિંમત કરતાં, હામ ભીડતાં, માણસ અચકાય નહીં. આજના કેળવણીકારો, અધ્યાપકો અને શિક્ષકો આ કસોટીએ કસતાં એવા તો પામર દેખાય છે કે તેમના હાથમાં કેળવણી જેવું પવિત્ર કાર્ય શી રીતે ગયું એનું જ આશ્ચર્ય થાય છે. સાચી કેળવણી જાગશે ત્યારે આ આખું ટોળું એની મેળે ખરી પડશે, અગ્નિને જોઈ જાનવરો જેમ ભાગે છે તેમ.

કેળવણીનું ચોથું તત્ત્વ તે અમીદૃષ્ટિ છે. પોતાનો સ્વાર્થ જરાય આડે આણ્યા વગર બધાંનું હિત થાઓ, હંમેશનું હિત થાઓ એ જાતની સદ્ભાવના એ અમીદૃષ્ટિ છે. પરોપકાર કેળવણી માટે કેળવાયેલો સદ્ગુણ ન હોય. એ સ્વાભાવિક જ હોવો જોઈએ. “મારે આ જિંદગીમાં શું સાથે લઈ જવાનું છે કે હું પક્ષપાત કરું! મારે મન બધા સ૨ખા, બધાનું હિત જોઈને હું રાજી થાઉં. બીજું સુખ હું જાણું જ નહીં તો પછી તેને માટે હું મથું શી રીતે!” એ જાતની વૃત્તિ તે કેળવણીની વૃત્તિ. સત્તા સાથે છૂટાછેડા કર્યા પછી કેળવણીને હાથે દુનિયાનું અકલ્યાણ થવાનું કારણ જ નથી. જો અજ્ઞાન સાથે, રૂઢિ સાથે અથવા આળસ સાથે કેળવણી માંડવાળ કરે તો તે કેળવણીની આત્મહત્યા છે. પછી એને હાથે દુનિયાનું કયું અહિત નહીં થાય એ કહેવું જ મુશ્કેલ છે. કેળવણી એટલે અખંડ જાગૃતિ, અખંડ શુદ્ધિ અને અખંડ પ્રગતિ. તે આવી અમીદૃષ્ટિ વગર સંભવે નહીં. જેટલાં એકાંગી તત્ત્વો છે તે બધાં કેળવણીનાં વિરોધી છે. જે સંપૂર્ણ છે, સર્વાંગીણ છે, વ્યાપક છે, ચિરંતન છે, તે જ કેળવણીને અનુકૂળ છે.

(નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાલેલકર ગ્રંથાવલિ – ૪માંથી, પૃ. ૪૮-૫૦)

Total Views: 114
By Published On: April 22, 2022Categories: Kaka Saheb Kalelkar0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram