દેખા હોય સો કહી બતલાવો,

મોતી કેસા રંગા?

ગુરુગમ કરીને ગોતો ગગનમાં,

વાં હે ગુપતિ ગંગા.

ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા,

અગમ ભાખે નહિ ગમ નૈણે, આપ વખાણે અંધા. – દેખા.

દીપક ગુરુએ જ્ઞાન બતાયા, નામ પ્રતાપ નૌ ખંડા,

પિંડ બ્રહ્માંડે અપરમ પાચા, નહીં સૂર, નહીં ચંદા. – દેખા.

કહાં સે આયા, કહાં જાયગા, એ હિ બડા અચંબા,

મોતીને નીરખા, પિયુજીને પરખા, આપ ભયા આનંદા. -દેખા.

આતમ ચીના, અનુભવ પાયા, મીટ ગયા સબ ફંદા,

દાસ અરજણ જીવણકે ચરણે, ધ્યાની પુરુષકા ધંધા. –

દેખા હોય સો કહી બતલાવો,

મોતી કેસા રંગા?

તમે તમારી નજરે જોયું હોય તો કહી બતાવો કે ‘મોતી કેસા રંગા ? આત્માનું સ્વરૂપ કેવું છે? ગુરુમુખી જ્ઞાન દ્વારા તમે એ મોતીની તમારા ગગનમાં – બ્રહ્મરન્ધ્રમાં તપાસ કરો. ત્યાં ‘ગુપ્ત ગંગા’ ગૂઢ અને વિમલ આનંદમાં, ચન્દ્રમૃતમાં તમને મોતીનો મર્મ સમજાઈ જશે.

પણ આવી આત્મ-શોધને બદલે આપણે જગતમાં શું જોઈએ છીએ? ‘દિવસ નહીં પગદંડા’ જેમણે જ્ઞાનના પ્રકાશમાં પગ નથી મૂક્યો અને જેમનું અજ્ઞાન ઓસર્યું નથી એવા ઘૂવડ જેવા અજ્ઞાની ગુરુઓ અને ચામાચીડિયા જેવા મૂઢ ચેલાઓ આત્માનુભવ વગર બ્રહ્મની વાતો કરે છે. અને આ અંધ લોકો પોતપોતાનાં વખાણમાંથી ઊંચે આવતા નથી.

ઉપનિષદ્ આવા ગુરુઓ વિષે કહે છે:

‘અવિદ્યાયામ્ અંતરે વર્તમાનાઃ

સ્વયં ધીરાઃ પંડિતમ્ મન્યમાનાઃ।

દન્દ્રમ્યમાણાઃ પરિયન્તિ મૂઢા

અન્ધેનૈવ નીયમાના યથાન્ધાઃ॥

 (કઠોપનિષદ્)

‘અવિદ્યામાં રહેતા છતાં પોતાને બુદ્ધિમાન પંડિત માનવાવાળા એ મૂઢ લોકો આંધળાથી આંધળો દોરાતો હોય એમ અનેક યોનિઓમાં ભટકતાં ઠોકરો ખાય છે.’

કબીર:

‘બિન દેખે વહ દેસકી બાત કહૈ સો કૂર,

આપૈ ખારી ખાત હૈ, બેચત ફિરત કપૂર.’

‘એ દેશને જોયા વિના જે એની વાત કરે છે તે અંધ છે. પોતે તો ખારી ધોળી માટી ખાય છે અને કપૂર વેચતા ફરે છે.’

દીપક જેવા ગુરુએ સ્વયં આત્મજ્યોતિ જાગ્રત કરીને જીવતું જ્ઞાન આપ્યું. મારા અંતરનો દીવો ચેતાવી આપ્યો. અને તેથી સમસ્ત જીવનમાં અજવાળું થઈ ગયું. પિંડ અને બ્રહ્માંડમાં પરમાત્માનાં દર્શન થયાં. જ્યાં સૂર્ય અને ચન્દ્ર નથી પ્રકાશતા ત્યાં સ્વયંપ્રકાશિત બ્રહ્મજ્યોતિ નિહાળી.

‘દીવે દીવા કીજિયે, ગુરુમુખ મારગિ જાઈ,

દાદૂ અપણે પીવકા, દરસન દેખૈ આઈ.’

આ આત્મા ક્યાંથી આવ્યો છે? ક્યાં જશે? એ મહા આશ્ચર્ય છે. પણ મેં તો આત્મારૂપી ઉજ્જવળ મોતીને જોઈ લીધું, પરમાત્માને પિછાણ્યા અને હું આનંદસ્વરૂપ બની ગયો.

આત્માને ઓળખ્યો, અનુભવ મેળવ્યો, બધી માયાજાળ મટી ગઈ. અરજણ કહે છે કે ધ્યાની પુરુષનું આ કાર્ય છે.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.