ન્યૂયોર્કમાં વેદાન્તની પાંચમી આંતરરાષ્ટ્રીય પરિષદ

ઑગસ્ટની ૧૦થી ૧૪ સુધી ઓહિયો રાજ્ય (યુ.એસ.એ.)ના મિયામી વિશ્વવિદ્યાલયમાં વેદાંતની ૫મી આંત૨રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ૧૦૦થી વધુ વિદ્વાનોએ આ પરિષદમાં ભાગ લીધો હતો. કૅનેડા, યુ.એસ.એ. અને ઈંગ્લેંડના વિદ્વાન પ્રાધ્યાપકોએ પોતાના ચર્ચાપત્રો રજૂ કર્યા હતા. આ પરિષદના અનુસંધાને એક વિશિષ્ટ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. ૧૧ ઑગસ્ટથી ૧૩ ઑગસ્ટ સુધી યોજાયેલ ત્રણ દિવસના સમારંભના મુખ્યખંડમાં સ્વામી વિવેકાનંદની વિશાળ કદની છબી મુકવામાં આવી હતી. અગિયારમી ઑગસ્ટે (સ્વામી વિવેકાનંદે ન્યુયોર્કમાં સ્થાપેલ વેદાન્ત સોસાયટીના શતાબ્દી મહોત્સવ પર્વ નિમિત્તે) યોજાયેલ વિશિષ્ટ સમારંભમાં – “અમેરિકામાં વેદાન્તનાં સો વર્ષ” એ વિષય પર એક પરિસંવાદનું આયોજન થયું હતું. આ સમારંભના અધ્યક્ષસ્થાને મિયામી વિશ્વવિદ્યાલયના એસ.એસ. રામરાવ પપ્પુ હતા. વેદાન્ત સોસાયટી ન્યૂયોર્કના સ્વામી તથાગતાનંદજી, કેન્સાસ વિશ્વવિદ્યાલયના રોબર્ટ એન. માયનોર, લેઈક મિશિગન કૉલેજના કે. સુંદરમ્ અને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના – સ્વામી વિવેકાનંદ વિશે સંશોધનાત્મક કાર્ય કરીને પીએચ.ડી. થયેલા – ટીમ બ્રાયસનનાં વક્તવ્યો પણ રહ્યાં હતાં. પ્રો. બ્રાયસને “વિવેકાનંદનાં ધર્મ અને સમાજ વિશે મંતવ્યો” એ વિષય પર પોતાનો ચર્ચાપત્ર પણ રજૂ કર્યો હતો. સ્વામી તથાગતાનંદજીએ “ભારતીય તત્ત્વજ્ઞાન અને વૈશ્વિક વિચારધારામાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન” એ વિષય ૫૨ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

ન્યૂયોર્કની વૈશ્વિક ધર્મપરિષદ

‘કાઉન્સિલ ફોર ધ કૉન્ફરેન્સ ઑન વર્લ્ડ રિલિજીયન’ દ્વારા જુલાઈની ૯ અને ૧૦ના રોજ ક્વિન્સ કૉલેજ, ન્યૂયોર્કમાં વૈશ્વિક ધર્મપરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મપરિષદ અને ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે સ્થાપેલ ન્યૂયોર્કની વેદાન્ત સોસાયટી આ બન્નેના શતાબ્દી મહોત્સવોના ઉપલક્ષ્યમાં યોજાઈ હતી. વેદાન્ત સોસાયટી ઑફ ન્યૂયોર્ક અને ‘The Temple of Understanding New York’ નામની સંસ્થાઓ પણ એમાં જોડાઈ હતી. જાહેર જનતા માટે ખુલ્લી આ પરિષદમાં ૫૦૦ ભાવિકોએ ભાગ લીધો હતો. ગત વર્ષે ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદ દ્વારા નિર્દેશિત વિવિધ ધર્મો વચ્ચે પરસ્પર સમજણ અને સુમેળની ભાવનાને સતત વહેતી રાખવાના ઉદ્દેશને નજર સમક્ષ રાખીને ન્યૂયોર્કમાં ભારતીયજનોએ આ પરિષદનું આયોજન કર્યું હતું.

હિન્દુ, ઈસ્લામ, બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી અને બહાઈ-વર્લ્ડ ફેલોશીપ તેમજ આફ્રિકાના મૂળ ધર્મોના મહાનુભાવોએ આ પરિષદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ ધર્મો વચ્ચેના સુમેળ અને સ્વીકૃતિની ભાવના સાથે કોલ્ડન સેન્ટર ઑડિટોરિયમમાં આ પરિષદનો શુભારંભ ૯ જુલાઈ સવારે ૧૦ વાગ્યે થયો હતો.

ન્યૂયોર્ક શહેરની આંતરરાષ્ટ્રીય સંસ્થા The Temple of Understandingના વડા ફાધર લુઈસ એમ. દોલાને આ પરિષદનો સંક્ષેપમાં ખ્યાલ આપ્યો હતો. “હું હિન્દુ તો નથી છતાં’ એમ કહેતાં ઉમેર્યું કે ‘સ્વામીજીના અમર ઉદ્ગારોને કારણે હું શિકાગોની વિશ્વધર્મ પરિષદ ૧૮૯૩ને મુગ્ધ બનીને સન્માનની ભાવનાથી સ્મરુ છું.” સાધુ વાસવાણી મિશનના અધ્યક્ષ દાદા જે. પી. વાસવાણીએ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના સંદેશ વિશે પ્રભાવક પ્રવચન આપ્યું હતું. વિવિધ ધર્મોના ૨૨ ધર્માધ્યક્ષોએ આશીર્વચન આપ્યાં હતાં. વેદાન્ત સોસાયટી, ન્યૂયોર્કના વડા સ્વામી તથાગતાનંદજીએ જણાવ્યું હતું, “ચાલો, આપણે સૌ ધર્મગુરુઓ સહિષ્ણુતા અને ભ્રાતૃભાવનાભર્યું ઉચ્ચતર જીવન જીવીએ કે જેથી આપણાં અનુયાયીઓ પણ આપણાં જીવન અને સદાચરણમાંથી જીવંત બોધપાઠ મેળવે.” આ શુભ પ્રસંગને અનુરૂપ મંગળસંગીતનો કાર્યક્રમ સૌને માટે મનહર અને મનભર બની ગયો.

શુભારંભના સમારંભ પછી આ સભા બે સમાન્તર ચર્ચાસભામાં ફેરવાઈ ગઈ હતી. રાતના દશ વાગ્યા સુધી ચાલેલ પ્રથમ દિવસની સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંભાષણોની હારમાળા સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં.

વિવિધ ધર્મના ચોવીસ પ્રતિનિધિઓએ પોતાની ધર્મ પરંપરા દ્વારા બઘા ધર્મો વચ્ચેની પરસ્પર સમજણ અને સુમેળ કેવી રીતે કેળવી શકાય તેમ જ સમાજ અને માનવ-સમુદાયને સાચી ધર્મભાવનાભરી આધ્યાત્મિક શ્રદ્ધાથી ભરપૂર જીવન જીવતાં કઈ રીતે કરી શકાય એ વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી તથાગતાનંદજીએ તેમ જ દક્ષિણ કૅલિફોર્નિયાનાં વેદાન્ત સોસાયટીના પ્રવ્રાજિકા ભક્તિપ્રાણાએ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારા વિશે મનનીય પ્રવચન આપ્યાં હતાં. ૧૯૯૩ની શિકાગો વિશ્વધર્મ પરિષદના નિયામકશ્રી અને વેદાન્તના તજ્જ્ઞ ડેનિયેલ ગોમેઝ ઈબાનેઝે પણ આ સભાને સંબોધી હતી.

આ જ કૅમ્પસમાં બીજા સ્થળે સમાન્તર ચાલતી ચર્ચાસભામાં આમંત્રિત ધર્મગુરુઓ અને સમાજના નેતાઓ દ્વારા ન્યૂયોર્કમાં ધર્મ-ધર્મ વચ્ચે સમજણ – સમભાવ કેળવવા અને તેની વૃદ્ધિ કરવાના ઉપાયો શોધવાની ચર્ચા ચાલતી હતી. બીજા દિવસના અંતે આ સભામાં એક જાહેર ઉદ્ઘોષણા જેવો મુસદ્દો ઘડવામાં આવ્યો. ભારતના ધર્મોના વડાઓ અને અનુયાયીઓ ન્યૂયોર્કના જન-જીવનમાં જાતિ-જાતિ વચ્ચે અને ધર્મ-ધર્મ વચ્ચેના સુમેળભર્યા કાર્યમાં કેવી રીતે મહત્ત્વનો ભાગ ભજવી શકે તે માટેનાં અગત્યનાં સૂચનો આ મુસદ્દાનું હાર્દ હતું.

રામકૃષ્ણ મિશનના વિધાર્થીઓનું ઉજ્જવળ પરીક્ષાફળ

રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ પ. બંગાળની ૧૯૯૨ અને ૧૯૯૩ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે:

૧૯૯૨ – ૧,,,,૧૦,૧૧ (૨ વિદ્યાર્થીઓ) ૧૩ અને ૨૦ મું

૧૯૯૩ – ૫ (૨ વિદ્યાર્થીઓ) ૮,૧૧,૧૬ અને ૧૭ મું

રામકૃષ્ણ મિશનના નરોત્તમનગર કેન્દ્રની (જિ. તિ૨૫) શાળાના એક વિદ્યાર્થીએ ૧૯૯૪ની સિનિય૨ સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા (ધો.૧૨)માં અરુણાચલ પ્રદેશના આદિવાસીઓમાં રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓએ મદ્રાસ યુનિવર્સિટી દ્વારા ૧૯૯૪ માં લેવાયેલ પરીક્ષામાં મેરિટ લીસ્ટમાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે:

બી.એ. (દર્શનશાસ્ત્ર) ૧,,,,૫ અને ૬ (સંસ્કૃત) – ૧ (અંગ્રેજી) – ૩ અને ૫ (અર્થશાસ્ત્ર) – ૮ અને ૯ બી.એસસી. (ભૌતિક શાસ્ત્ર) – ૧૦ એમ.એસસી. – ૨,૬ અને ૮

પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૪માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં નીચેનાં કેન્દ્રોની શાળાઓએ ૧૦૦ ટકા સફળતા મેળવી છે – આસનસોલ, બરાનગર, કામારપુકુર, માલદા, મનસાદ્વીપ, મિદનાપુર, નરેન્દ્રપુર, પુરુલિયા, રાહડા, રામહરીપુર, સરિશા અને ટાકી.

રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની કૉલેજના વિદ્યાર્થીઓએ કલકત્તા યુનિવર્સિટી દ્વારા ૧૯૯૪માં લેવાયેલ બી.એ; બી.એસસી. પરીક્ષામાં મેરિટ લીસ્ટમાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે:

આંકડાશાસ્ત્ર – પ્રથમ (સમસ્ત યુનિવર્સિટીમાં) ગણિત – ૧ અને ૩ રસાયણ શાસ્ત્ર – ૪

રામકૃષ્ણ મિશનના આલોંગ કેન્દ્રની શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન, દિલ્હી દ્વારા લેવાયેલ અખિલ ભારતીય માધ્યમિક શાળાની પરીક્ષાની સ્ટેટ મેરિટ લીસ્ટમાં પહેલું, ચોથું અને નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.