‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ સમજીએ: આર્યો પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઠરી ઠામ થયા ત્યારની આ વાત છે. વૈદિક સાહિત્યની સમાપ્તિનો એ સમય હતો. ત્યારે આર્યોએ માનવનું વિશેષ અધ્યયન આદર્યું. બહારની પકૃતિરમણીયતામાંથી તેઓ આંતરિક અદ્ભુતતા તરફ વળ્યા. પ્રશ્નો અને પ્રતિપ્રશ્નો દ્વારા એમણે માનવમનના ભીતરી પ્રકાશને પામવાની ખોજ શરૂ કરી. અને પૂરી નિર્ભયતાથી અને અપૂર્વ સાહસથી એમાં સતત મંડ્યા રહ્યા. એના ફળસ્વરૂપે ‘ઉપનિષદો’ થયાં. એ જ આ ‘વેદાન્ત-વેદનો અંત – વેદોનું સારતત્ત્વ’ છે. આ શોધપ્રક્રિયા ભારતમાં ક્યારેય અટકી નથી અને હજુ આજેય એ ચાલુ જ છે. આ ‘વેદાન્ત’ બીજસ્વરૂપે વેદોમાં રહેલું જ હતું.

શબ્દગુચ્છનો બીજો શબ્દ ‘મૂલ્ય’ છે. એ વિશે આટલો ખ્યાલ રાખીએ કે ‘મૂલ્ય’ અને ‘સદાચાર’ એ બંને પર્યાયવાચી શબ્દો નથી. ‘સદાચાર’ કે ‘આચાર’ બાહ્ય છે, જ્યારે ‘મૂલ્ય’ આંતરિક છે. કોઈ પદાર્થ પ્રત્યે આપણા મનમાં અમુક વિચાર જાગે છે. મન બાહ્ય પદાર્થને અમુક અર્થ આપે છે અને એ પ્રમાણે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વર્તન-આચાર કરે છે. આમ, ‘મૂલ્ય’ માનસિક છે અને આચાર શારીરિક છે. ‘મૂલ્ય’ આંતરિક છે, આચાર એની બાહ્ય અભિવ્યક્તિ છે. ‘મૂલ્ય’ એક દૃષ્ટિ છે અને આચાર એની સૃષ્ટિ છે. અહીં ‘મૂલ્ય’નો એવો જ સાચો અર્થ લેવો જોઈએ. આ આંતરિક અને બાહ્ય વસ્તુઓની સંવાદિતા જ આપણને અખંડ જીવનની ભેટ આપી શકે છે.

આ અખંડ જીવનદર્શન માટે ભારતે ‘વેદાન્ત’નો પાયો પસંદ કર્યો છે અને વેદાન્તમાંથી જ આવાં જીવનમૂલ્યો શોધવાની મથામણ કરી છે. ભારતનું આ અતિમહત્ત્વનું જીવનદર્શન પશ્ચિમના ઘણા અભ્યાસુ વિદ્વાનોને સમજવું મુશ્કેલ પડે છે. ગ્રૉફે, યુકેન અને ઘણીવાર તો પૉલ ડાયસન જેવા પૂર્વીય વાઙ્મયનું પરિશીલન કરનારા વિદ્વાનો પણ આ બાબતમાં મૂંઝવણ અનુભવતા જણાય છે. તેઓ કહે છે કે વેદાન્તનું ૫૨મ-ચ૨મ તત્ત્વદર્શન તો “એકમેવાદ્વિતીયમ્” છે. એક અને અદ્વિતીય બ્રહ્મ જ સત્ તત્ત્વ છે. અને આ દેખાતી ભિન્નતા તો એક વૃથા ઈન્દ્રજાળ છે. વેદાન્ત તો ઉદ્ઘોષણા કરે છે કે “દ્વિતીયા દ્વૈ ભયં ભવતિ”“બીજી વસ્તુ હોય તો એનાથી ભય જન્મે છે.” તો પછી આવા એકમાત્ર પારલૌકિક નિરપેક્ષ પરમતત્ત્વને પ્રબોધતાં ઉપનિષદોના તત્ત્વ સાથે દ્વૈતપ૨ક જીવનમૂલ્યોનો મેળ બેસી જ કેમ શકે? મૂલ્યો તો દ્વૈતના પાયા પર રચાયેલાં શાસ્ત્રોનો જ વિષય છે. એને ભલા ઉપનિષદોના અદ્વૈત સાથે શી લેવાદેવા હોઈ શકે?

પશ્ચિમના મૂલ્યમીમાંસકોને અને નીતિશાસ્ત્ર વિશારદોને આ મુશ્કેલી નડતી નથી. કારણ કે તેમનું જીવનદર્શન દ્વૈતપ૨કતાના પાયા પર ઊભું છે. ત્યાં હૉબ્સ, બ્રૂબેકર વગેરે અનેક નીતિશાસ્ત્રીઓ થયા છે અને તેમણે કરેલા ચિંતનને પરિણામે ત્યાં આધિભૌતિક સુખવાદ, દૂરદર્શી સ્વાર્થવાદ, ઉપયોગિતાવાદ વગેરે જેવી અનેક શાખાપ્રશાખાઓમાં આ મૂલ્યશાસ્ત્ર પાંગર્યું અને એક વિશિષ્ટ શાનશાખા રૂપે હસ્તી પામ્યું. ભારતમાં પણ ચાર્વાક આદિ દ્વૈતપ૨ક દર્શનોમાંથી સ્વાર્થવાદ વગેરે જન્મ્યા તો હતા પણ ઉપનિષદના પાયાને એ ડગાવી શક્યા નથી.

તો ઉપનિષદ પ્રબોધિત એક અને અદ્વિતીય બ્રહ્મતત્ત્વના પાયા પર ભિન્ન ભિન્ન અને ભાતભાતનાં દ્વૈત૫૨ક મૂલ્યોનો મેળ કેવી રીતે બેસી શકે, એ આપણી સમસ્યા છે. આ સમસ્યાને ઉકેલ્યા સિવાય આપણે આપણું પોતાનું જીવનદર્શન પણ સ્પષ્ટ રીતે ન પામી શકીએ અને પશ્ચિમના લોકોને પણ પરિતોષજનક ઉત્તર ન આપી શકીએ.

આને માટે એવું કહેવામાં આવે છે કે ઉપનિષદોમાં પાયાનું અદ્વૈત તો છે, પણ એમાં આ દેખાતા દ્વૈતનો ક્યારેય અનાદર કરવામાં આવ્યો નથી. એમાં દ્વૈતનો સ્વીકાર પણ છે. એટલું જ નહિ પણ દ્વૈતની અનિવાર્યતા અને એની મહત્તા પણ દર્શાવાઈ છે. ઉપનિષદ કહે છે: “એકાકી ન રમતે” “એકલો કોઈ આનંદ પામી શકતો નથી”. “સોઽ કામયત એકોડહં બહુ સ્યાં પ્રજાયેય” “તેણે કામના કરી – હું એકમાંથી અનેક થઈને જન્મું” વગેરે આ વાક્યો દ્વૈતની હસ્તી આવકારે છે.

વળી, ઈશોપનિષદમાં વિદ્યા અને અવિદ્યા તેમજ સંભૂતિ અને વિનાશ સંબંધી કેટલાક મંત્રો અપાયા છે. એમાં વિદ્યા અદ્વૈતપ૨ક બ્રહ્મનિષ્ઠાનું અને અવિદ્યા દ્વૈતપરક મૂલ્યવ્યવહારનિષ્ઠાનું સૂચન કરે છે. એ જ પ્રમાણે ‘સંભૂતિ’ અદ્વૈતપ૨ક બ્રહ્મનિષ્ઠાનું અને વિનાશ દ્વૈત૫૨ક મૂલ્યવ્યવહારનિષ્ઠાનું સૂચન કરે છે. આ ઉપનિષદ કહે છે કે આ વિદ્યા અને અવિદ્યા અથવા સંભૂતિ અને વિનાશ બન્ને જીવનમાં આવશ્યક છે. તમે એ બન્નેમાંથી કોઈને પણ છોડી શકો નહિ. કેવળ અવિદ્યાનો ઉપાસક અંધારામાં સબડે છે પણ કેવળ વિદ્યામાં રત માનવ તો એથી પણ વધારે ગાઢ અંધકારમાં સબડે છે. એ ઉપનિષદમાં અવિદ્યા-દ્વૈતપ૨કતાને મૃત્યુને તા૨નારી કહી છે.

મુંડકોપનિષદમાં પણ ‘પરા’ અને ‘અપરા’ નામની બે વિદ્યા બતાવી છે. પરાવિદ્યા અદ્વૈતપરક બ્રહ્મનિષ્ઠાનું અને અપરા વિદ્યા દ્વૈતપ૨ક મૂલ્યવ્યવહાર નિષ્ઠાનું જ સૂચન કરાયું છે. આ બન્ને વિદ્યાઓનું વર્ણન કર્યા પછી આ ઉપનિષદ કહે છે “દ્વે વિદ્યે વેદિતવ્યે” “આ બંને વિદ્યાઓ જાણવી જોઈએ” આમ અહીં પણ અદ્વૈત બ્રહ્મ અને મૂલ્યવ્યવહારને સાથે બેસાડવામાં આવ્યાં છે.

કઠોપનિષદનો ‘શ્રેયસ્’નો (બ્રહ્મ-નિષ્ઠા)નો અર્થી નચિકેતા પણ યમરાજ પાસેથી પહેલાં બે વરદાનોમાં ‘પ્રેયસ્’ ૫૨ક (મૂલ્ય વ્યવહારપરક) વસ્તુઓ જ માગે છે! પહેલા વરથી ક્રુદ્ધ પિતાના ક્રોધની શાન્તિ માગે છે અને બીજા વરથી સ્વર્ગપ્રાપ્તિના સાધનરૂપ ‘ત્રિણાચિકેત’ અગ્નિની ઉપાસના માગે છે! અહીં પણ એ શ્રેયસ્ (બ્રહ્મનિષ્ઠા) અને પ્રેયસ્ (વ્યવહાર નિષ્ઠા) સાથે જ બેસાડે છે.

ગુરુપદને પણ આ બન્નેથી પરા-અપરા કે શ્રેયસ્-પ્રેયસ્થી નવાજવામાં આવ્યું છે. ગુરુને બે વિશેષણો આપ્યાં છે: ‘શ્રોત્રિય’ અને ‘બ્રહ્મનિષ્ઠ’. ‘શ્રોત્રિયં’ શબ્દ ગુરુમાં અપરાવિદ્યાની – દ્વૈતમૂલક વિદ્યાની – શાસ્ત્રજ્ઞાનની -અપેક્ષા રાખે છે અને ‘બ્રહ્મનિષ્ઠ’ શબ્દ ગુરુમાં અદ્વૈત સાક્ષાત્કારની પણ અપેક્ષા રાખે છે.

આમ વેદાન્ત – ઉપનિષદોમાં વારંવાર સમાન્તરે આ વિદ્યા-અવિદ્યા, પરા-અપરા, શ્રેયસ્-પ્રેયસ્, બ્રહ્મનિષ્ઠા-વ્યવહાર મૂલ્યો, નિરૂપાયાં છે ખરાં, પણ એટલા માત્રથી આપણી મુંઝવણનો ઉકેલ આવી જતો નથી. કોઈ એક કવિ પ્રકાશ અને અંધકારનું નિરૂપણ કરતાં કાવ્યો લખી જાય અને સમાન્તરે એ પરસ્પર વિરોધી વર્ણનકાવ્યો પોતાના કાવ્યસંગ્રહમાં છાપી દે, તેથી કંઈ પ્રકાશ અને અંધકારનું સહઅસ્તિત્વ સાબિત થઈ જતું નથી. એ રીતે મૂલ્યોનું દ્વૈત અને બ્રહ્મનું અદ્વૈત સમાન્તરે નિરૂપી દઈએ, તેથી કંઈ એ બન્ને વચ્ચેનો વિરોધ શમી જતો નથી. સ્પષ્ટ વાત છે કે મૂલ્યોના સ્વીકા૨માં અદ્વૈતવિરોધી દ્વૈતની સત્તા માનવી પડે છે. કેવળ અદ્વૈતની સત્તાના સ્વીકારમાં દ્વૈતપ૨ક મૂલ્યોની કશી હસ્તી હોતી જ નથી.

ત્યારે કરીશું શું? આ કોયડાનું તર્કપૂત સમાધાન વેદાન્તે કાવ્યાત્મક અને પ્રતીતિકર રીતે શોધ્યું છે. વેદાન્ત કહે છે કે આ પરા-અપરા, શ્રેયસ્-પ્રેયસ્, વિદ્યા-અવિદ્યા એ કોઈ પ્રકાશ-અંધકાર જેવા પ્રતિયોગી શબ્દો નથી. એ બંને વચ્ચે કશોક સંબંધ છે. આ સંબંધ સમજાવવા માટે કઠોપનિષદમાં અને ભગવદ્ગીતામાં ઊંચા મૂળવાળા અને નીચે ડાળીઓવાળા એક વૃક્ષનું રૂપક અપાયું છે. આ વૃક્ષને નામ જ એવું અપાયું છે કે જેના વ્યુત્પત્તિલભ્ય અર્થથી આપણી સમસ્યાનું અડધુંપડધું સમાધાન તો મળી જ જાય’. એ નામ છે ‘અશ્વત્થ’. સંસ્કૃતમાં બે શબ્દો છે. ‘હ્યઃ’ એટલે ગઈ કાલ અને ‘શ્વઃ’ એટલે આવતી કાલ. અ + શ્વઃ એટલે આવતીકાલે જે નહિ હોય તે. અર્થાત્ પરિવર્તનશીલ દ્વૈતપ૨કતા. પણ એ શેમાં રહેલી છે? કોને આધારે એ ટકી છે? એની હસ્તીનો પાયો શો છે? જવાબ મળે છે ‘સ્થ’ (ત્થ)માં. સ્થિર, અચલ, અદ્વૈતમાં એ રહેલ છે, ‘સ્થ’ને કારણે એ ટકે છે અને ‘સ્થ’ને કારણે જ એની હસ્તી છે! આ રીતે સ્થ – બ્રહ્મ – અચલ – અદ્વૈતમાં અ + શ્વ – પરિવર્તનશીલ દ્વૈત રહેલું છે. બન્ને વચ્ચે પોષ્યપોષકભાવનો સંબંધ છે, વિરોધ નથી.

એક ઘરગથ્થુ ઉદાહરણથી આ વાત જરા વધુ સમજીએ: હું આ લેખ લખી રહ્યો છું ત્યારે મારું લેખકત્વ દેખા દે છે. થોડી વાર પછી હું જમવા બેસીશ ત્યારે મારું લેખકત્વ ચાલ્યું ગયું હશે અને ભોક્તૃત્વ ઉત્પન્ન થશે. વળી થોડી વાર પછી જમીને હું ભાષણ ક૨વા જઈશ. ત્યાં મારું ભોક્તૃત્વ નહિ હોય પણ વક્તૃત્વ આવી લાગ્યું હશે. આમ મારાં લેખકત્વ, ભોક્તૃત્વ અને વક્તૃત્વ તો પરિવર્તનશીલ છે પણ એ બધાંની હસ્તી જેને આધારે છે તે હું મારું મનુષ્યત્વ તો એ બધાંમાં જ એક અખંડ અનન્ય સ્વરૂપે રહેલું ,પરોવાયેલું અને અપરિવર્તિત રૂપે રહેલું જ છે. એ જ રીતે એક અખંડ અદ્વૈત બ્રહ્મમાં આ પરિવર્તનશીલ દ્વૈત રહેલું છે. એની હસ્તી નકારી શકાય તેમ નથી. ફક્ત એટલું જ કહેવાનું કે એ દ્વૈતની હસ્તી પરાધીન છે, સાપેક્ષ છે, ગૌણ છે અને એના આધારભૂત ચૈતન્યની હસ્તી સ્વાધીન છે, નિરપેક્ષ છે, મુખ્ય છે.

આનો અર્થ એ થયો કે મારા મનુષ્યત્વમાં લેખકત્વ, ભોક્તૃત્વ અને વક્તૃત્વ જેવાં લક્ષણો છે, તેમ એ ભોક્તૃત્વ – લેખકત્વ – વક્તૃત્વમાં પણ મારું મનુષ્યત્વ પરોવાયેલું છે જ. કારણ કે મનુષ્યત્વ વગ૨ તો એ બધાં લક્ષણોની હસ્તી જ સંભવી શકે નહિ. એ જ રીતે અદ્વૈતમાં દ્વૈત અને દ્વૈતમાં અદ્વૈત રહેલાં છે. વસ્ત્રમાં તાંતણા અને તાંતણામાં વસ્ત્રનો આ ખેલ છે. કાર્યમાં કારણ અને કારણમાં કાર્યની આ લીલા છે. એટલે જ ‘ઈશાવાસ્યમ્’ શબ્દના જુદા જુદા સમાસવિગ્રહો દ્વારા બે અર્થો ક૨વા ઉચિત છે. એક તો ‘ઈશસ્ય આવાસ્યમ્’ એટલે ઈશ્વરનું ઘ૨ એવું આ દ્વૈતમય જગત છે અને બીજો અર્થ, ‘ઈશઃ આવાસ્યમ્ યસ્ય તત્, જગત્’ એટલે કે ઈશ્વરરૂપી ઘ૨માં રહેલું આ જગત. આમ, બ્રહ્મ જગતમાં અને જગત બ્રહ્મમાં -દ્વૈત અદ્વૈતમાં અને અદ્વૈત દ્વૈતમાં રહે છે, એમ કહી શકાય.

ડૉ. રાધાકૃષ્ણને આપણા બુદ્ધિપરિઘની વાત દ્વારા આ વાત સમજાવી છે. ધરતી પરથી ચંદ્ર પર જવા માટે એક ચંદ્રયાન અવકાશમાં ઊડે છે. અવકાશના પહેલા બસો માઈલ સુધી ગુરુત્વાકર્ષણનો નિયમ એ અવકાશ ભાગમાં કામ કરે છે, પણ બસો માઈલ વટાવ્યા પછી ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરતો નથી. ચંદ્રયાને એ વાતાવરણ ભેદવા છલાંગ મારવી પડે છે. અને એમાં ભારે સાવધાનીની જરૂર પડે છે. અહીં વાતાવરણવાળું પણ અવકાશ છે અને વાતાવરણ વગરનું પણ અવકાશ તો એક – અખંડ છે. પણ વાતાવરણનો ભાગ એનો કલ્પિત અને નિઃસત્ત્વ ભેદ પાડે છે. એ રીતે એક જ સર્વવ્યાપક અખંડ, અનન્ત બ્રહ્મના જાગતિક ભાગનો ભેદ પણ કલ્પિત અને નિઃસત્ત્વ છે અને છતાં એ ‘છે’ એની ના પાડી શકાય તેમ નથી! વેદ કહે છે:

“પાદોઽસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ” આ બ્રહ્મના ત્રણ અંશો તો ઊર્ધ્વના પ્રકાશમાં અમર વિરાજે છે અને એના એક અંશમાંથી આ જગત બન્યું!”

શ્રીરામકૃષ્ણદેવે પણ આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે. તેમના મતે સર્વે સદાચાર મૂલ્યો એક નીસરણી જેવાં છે. જેમ નીસરણીનું એકએક પગથિયું ચડતાં ચડતાં છેવટે ટોચ – અગાસી પર જઈ શકાય છે, તેવી જ રીતે માણસ પોતાની કક્ષા પ્રમાણેના પગથિયેથી – આચારથી – વિચારથી – ઉપર ચડતાં ચડતાં છેવટે પરમોચ્ચ કક્ષા સુધી પહોંચે છે – અદ્વૈતને પામે છે. જેમ જેમ આપણે પગથિયાં ચડતા જઈએ તેમ તેમ પાછલાં પગથિયાં નકામાં થઈ જાય છે, તેમ વધુ ઊંચાં મૂલ્યો પામતાં પાછલાં નાનાં ક્ષુદ્ર મૂલ્યો નકામાં થઈ જાય છે. આમ તેઓ મૂલ્યોના દ્વૈતનો અદ્વૈત બ્રહ્મ સાથે સાધ્યસાધનભાવનો સંબંધ બનાવે છે. અને કહે છે કે ટોચ પર ગયા પછી તો બધું જ સિમેન્ટ! આત્મસાક્ષાત્કાર પછી બધું જ બ્રહ્મ!!

આ બધાનો સાર એવો નીકળે છે કે મૂલ્યોને, દ્વૈતને, જગતને પણ પોતાની સત્તા છે જ, પણ એ પારમૂલ્ય રહેલા બ્રહ્મની સત્તાને આધારે ટકે છે. મૂલ્યો સાપેક્ષ સત્તાવાળાં અને બ્રહ્મ નિરપેક્ષ સત્તાવાળું છે. આ જ વાત શંકરે દ્વૈતને ‘વ્યાવહારિક સત્તા’ કે ‘મિથ્યા’ કહીને સમજાવી છે, રામાનુજે એને પરમતત્ત્વના સ્વગત ભેદ તરીકે ગણીને અદ્વૈતમાં બેસાડ્યું છે અને જુદા જુદા આચાર્યોએ પોતપોતાની કક્ષા પ્રમાણે એનું વિવરણ કર્યું છે. અને પેલા અશ્વત્થની શાખાએથી મૂળ સુધી પહોંચવાની પોતપોતાની પ્રક્રિયાઓ બતાવી છે.

પણ આપણે અહીં એ વિવિધ વિવરણો અને જુદી જુદી પ્રક્રિયાઓમાં પડવાની કશી જરૂર નથી. શ્રીરામકૃષ્ણદેવની ભાષામાં કહીએ તો પાંદડાં ગણવાં નથી, કેરી ખાવી છે. એટલે ઉચ્ચ મૂલ્યમાંથી ઉચ્ચતર અને ઉચ્ચતરમાંથી ઉચ્ચતમમાં પહોંચવાનું છે. એટલે આ મૂલ્યોની ઉચ્ચતા-શ્રેષ્ઠતાના માનદંડ વિશે થોડો વિચાર કરીએ:

વૃક્ષના થડની નજીકમાં પાંદડાં વહેલાં ઊગે છે અને મોડાં ખરે છે અને એની ટોચ પરના પાંદડાં મોડાં ઊગે અને વહેલાં ખરી જાય છે. તેવી રીતે જે મૂલ્ય એના થડ રૂપ બ્રહ્મચૈતન્યની વધારે નજીક હશે તેની પરંપરા ય લાંબી હશે અને એ એટલું ચિરંજીવ પણ હશે. કારણ કે એમાં આત્મચૈતન્યનું પ્રતિફલ સદા થતું રહે છે, અને એથી ચેતોવિસ્તાર વધતો રહે છે, આ ચેતોવિસ્તાર જ મૂલ્યોની ચિરંજીવતાનો આધાર છે.

આવાં કેટલાંક સ્થાયી અને ચિરંજીવ – જગત ટકે ત્યાં સુધી ટકનારાં મૂલ્યોનો જ આપણે અહીં વિચાર કરવાનો છે. અને એવાં મૂલ્યોનો જ આપણી આજની કેળવણીમાં વિનિયોગ કરવાનું અહીં અભિપ્રેત છે. વળી, એની આજની કેળવણીમાં પ્રસ્તુતતા પણ વિચારવાની છે.

આ કેળવણી આમ તો એક આજીવન પ્રક્રિયા છે. માતાના ગર્ભથી શરૂ થઈ ને અવસાન પર્યંત અખંડ ચાલ્યા કરે છે. પણ અહીં કેળવણીનો અર્થ, “શાળામહાશાળામાં આજે અપાતું શિક્ષણ” એવો મર્યાદિત જ રાખવાની વિવક્ષા છે. કારણ કે વ્યાપક અર્થની કેળવણીમાં તો સમાજની પ્રત્યેક વ્યક્તિ વિદ્યાર્થી ગણાય અને સંતોમહંતો બધા શિક્ષકો ગણાય. એટલે મૂલ્યપસંદગીમાં આપણી ત્રણ શરતો છે: સ્થાયિત્વ, શાળામહાશાળામાં વિનિયોગક્ષમતા અને આજે એની પ્રસ્તુતતા.

તો વેદાન્તમાં આપેલાં અનેક મૂલ્યોમાંથી ઉપરની ત્રણ શરતોને અધીન રહીને કેટલાંક મૂલ્યો ચૂંટવાં રહ્યાં. આ ચિરંજીવ મૂલ્યો કોઈ એક ભૂમિભાગના નથી, પણ સાર્વત્રિક – વૈશ્વિક છે.

આવાં મૂલ્યોમાં સૌથી પહેલું યાદ આવતું મૂલ્ય ભેદની ભીંતોને ભાંગવાનું છે. ઉપનિષદમાં સત્યકામ જાબાલની કથા આવે છે. એ જાબાલ ગુરુ ગૌતમને ત્યાં ભણવા જાય છે, ત્યારે ગુરુએ એનું ગોત્ર પૂછ્યું. જાબાલ એની મા પાસે ગોત્ર પૂછવા ગયો અને માએ આપેલ જવાબ ગુરુને શબ્દશઃ એણે કહ્યો. માએ કહ્યું હતું: “દીકરા, દુકાળનાં કારમાં વરસોમાં જ્યાં ત્યાં રખડતી. રખડતી વખતે તારો જન્મ થયો હતો. એટલે મને ખબર રહી નથી કે તારા પિતા કોણ છે. એટલે જા, ગુરુ પાસે જઈને આ વાત કર અને કહે કે હું જાબાલાનો પુત્ર છું, અને મારું નામ સત્યકામ છે. આથી વિશેષ હું કશું જાણતો નથી.”

સત્યકામ જાબાલનાં આ સત્યપૂત વચનો સાંભળીને ગૌતમે પ્રસન્ન થઈ કહ્યું: “બેટા તને આશ્રમમાં હું પ્રવેશ આપું છું, તું બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણ સિવાય આવું યથાતથ સત્ય કોઈ ઉચ્ચારી શકે જ નહિ.”

આનો અર્થ એ છે કે સમાજની સુવ્યવસ્થા માટે પાડેલા વર્ણવિભાગોનો મૂળ આધાર ‘ગુણ-કર્મ’ હતો. ઋગ્વેદકાલીન એક જ વર્ણ – જાતિમાંથી સમાજ સુવ્યવસ્થાની સગવડ ખાતર પાછળથી ચાર વર્ણો થયા હતા. પણ ઉચ્ચનીચના ભેદભાવ વગરની આ વૈજ્ઞાનિક સુવ્યવસ્થામાં કાળાન્તરે આનુવંશિકતાનું ભયંકર દૂષણ પ્રવેશી ગયું અને એ સડાને પરિણામે સમાજ છિન્નભિન્ન અને હોંસાંતુસીની ભેદભાવભરી ભીંતોવાળો બની ગયો. આ ભેદભાવની ભીંતો ચણવા પાછળ સમાજ પર વર્ચસ્વ જમાવવાની દોટ હતી અને રક્તશુદ્ધિનું બહાનું હતું. જ્યારે આ દૂષણ નહોતું ત્યારે તો જનક જેવા ક્ષત્રિયવંશી રાજાના દરબારમાં બ્રાહ્મણવંશી જનો સમિત્પાણિ થઈને જતા, અજાતશત્રુ જેવા ક્ષત્રિયના સાંનિધ્યમાં બ્રાહ્મણવંશીઓ જિજ્ઞાસુ થઈને જતા. સનત્કુમાર (ક્ષત્રિય?) પાસે નારદ (બ્રાહ્મણવંશી) જ્ઞાન મેળવવા ગયા હતા. આવાં તો અનેક ઉદાહરણો વેદાન્તમાં મળે છે.

આ ભેદની ભીંતોને ભાંગવાનો સમય આજે પાકી ગયો છે. તો જ નાતજાતનો ઊંડા મૂળ ઘાલેલો સડો દૂર થશે. શાળામહાશાળાઓના વિદ્યાર્થીઓમાં આ વેદાન્તી મૂલ્યનું પ્રતિષ્ઠાપન આજે અનિવાર્ય બન્યું છે.

આવું જ બીજું વેદાન્તિક મૂલ્ય પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવાનું છે. સત્યકામ જાબાલને આશ્રમમાં પ્રવેશ આપ્યા પછી ગુરુ ગૌતમે એને સો ગાયો આપીને કહ્યું હતું: “આ સો ગાયોમાંથી બસો ગાયો થાય, ત્યાં સુધી વનમાં એને ચરાવતો રહેજે અને પછી પાછો મારી પાસે આવજે.” ગુરુનો આ પાછળનો હેતુ શિષ્યમાં પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય સાધવાનો હતો. પ્રકૃતિનું નિરીક્ષણ, પરીક્ષણ, આસ્વાદ અને છેવટે તાદાત્મ્ય શિષ્ય કેળવવું જ રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં કાલિદાસની અમરતાનું આ જ રહસ્ય છે. રવીન્દ્રનાથે ભારતીય સંસ્કૃતિને ‘તપોવનની સંસ્કૃતિ’ કહી છે. અબ્રહામ લિંકન કહેતા: “નાસ્તિક માણસને ખુલ્લા આકાશ તળે રાત્રે તારાઓનું નિરીક્ષણ કરાવજો, એ આસ્તિક થઈ જશે.”

કેવળ વર્ગની ચાર દીવાલોમાં ગોંધાઈ રહેલા અને સ્વકેન્દ્રી છાત્રોમાં આ મૂલ્ય સ્થાપવાની પણ તાતી જરૂર છે. કવિ કરસનદાસની કાવ્યપંક્તિઓ યાદ આવી જાય છે:

“વસંત-વર્ષા-ગ્રીષ્મ-શરદના ભેદ બધાય ભુલાણા; તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!”

જીવનનો આદર કરવાનું ત્રીજું વેદાન્તિક મૂલ્ય પણ પોતાના આરોપણની રાહ જોઈને ઊભું છે. સ્વજીવનનો આદર અને પરજીવનનો પણ આદર કરવાનું આ મૂલ્ય શીખવે છે. ઈશોપનિષદનું “જિજીવિશેચ્છતં સમાઃ” વેદોના “શતં જીવેમ શરદઃ” કે “ભદ્રંકર્ણેભિઃ શ્રૃણુયામ દેવાઃ” જેવા મંત્રો સ્વજીવનના આદરની શીખ આપે છે, તો વળી, “મા હિંસ્યાત્ સર્વા ભૂતાનિ” જેવા અનેક વેદમંત્રો પરજીવનનો આદર કરવાનો સંદેશ આપી જાય છે. આમ, “જીવો ને જીવવા દો”નું આ વેદાન્તનું મૂલ્ય આજના આપઘાત અને હત્યાના વમળમાં સપડાયેલા માનવને હોશ બક્ષશે. આ મૂલ્યનું આરોપણ પણ આપણી શાળા મહાશાળામાં જ થાય એ આ સમયની માગ છે.

‘ત્યાગ’ પણ એક પાયાનું વેદાન્ત મૂલ્ય છે. ઈશાવાસ્યોપનિષદ કહે છે કે “તેન ત્યક્તેન ભુંજીથાઃ” “ત્યાગીને ભોગવી જાણો” શ્રીરામકૃષ્ણદેવ ગીતાના સારરૂપે ત્યાગને જ ગણતા અને ‘ગીતા’નું ‘તાગી’ કરીને બોધ લેવા સૂચવતા. આ ત્યાગનો અર્થ મોટી ઉપલબ્ધિ માટે નાની ઉપલબ્ધિનો ત્યાગ કરવો એવો થાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતાઃ આગળ વધો, ચંદનવન આવ્યું, આગળ વધો, રૂપાની ખાણ આવી, આગળ વધો, સોનાની ખાણ આવી, આગળ વધો… આમ મોટી અનંતની પ્રાપ્તિ માટે નાનકડા ચકરાવાને છોડવો, એનું નામ ત્યાગ. શ્રેયસ્ ના અર્થી નચિકેતાને યમરાજાએ સ્ત્રીઓ, રથો, વૈભવવિલાસોની લાલચ આપી. પણ એણે ચોખ્ખુંચટ સંભળાવી દીધું: “તવૈવ વાહાસ્તવ નૃત્યગીતે” યમરાજ તમારાં રથો, નૃત્યો અને ગીતો તમને મુબારક હો! મારે તો શ્રેયસ્ જોઈએ. મથુરાનાં નોતરાં આવે ત્યારે કૃષ્ણે વ્રજત્યાગ કરવો જ રહ્યો! ભલે રાધા સહન કરે, ભલે જશોદા ઝૂરી મરે, ભલે ગોપીઓ રથ આડે સૂઈ જાય! આમ, લક્ષ્યની પ્રાપ્તિ માટેનો દૃઢ નિશ્ચય અને એ માટે કરવા જોઈતા ત્યાગની સમજણ પણ આજની કેળવણીમાં અપાવી જોઈએ કે જેથી ક્ષુદ્ર વસ્તુઓના અવરોધક વમળમાં પડી જઈને વિદ્યાર્થીઓ પેલા આખા રોટલાના દુશ્મન સમા અડધા રોટલાને વળગીને બેસી ન રહે!

સર્વમતસહિષ્ણુતા કે સર્વમતસ્વીકા૨નું મૂલ્ય પણ વેદાન્ત ‘એક સદ્વિપ્રા બહુધા વદન્તિ’ “એક જ સત્ને જ્ઞાનીઓ જુદે જુદે રૂપે કહે છે” એમ કહીને પ્રબોધે છે. પુષ્પદંતે રુચિવૈચિત્ર્યને કારણે સ્વીકારાતાં વિવિધ પ્રસ્થાનોની એકતા નદી – સાગરના ઉદાહરણથી મહિમ્નસ્તોત્રમાં બતાવી છે. શ્રીરામકૃષ્ણદેવે પણ ‘જતો મત તતો પથ’ એમ કહ્યું છે. ભારતીય સંસ્કૃતિનું તો પહેલેથી જ આ વલણ રહ્યું છે એટલે જ તો ભારતમાં ધસી આવેલી વિવિધ જાતિઓને એ પોતામાં એકાકાર કરી શકી છે. કોમવાદથી ભડકે બળતા અને સાંપ્રદાયિક દુરાગ્રહોથી પીડાતા આપણા સમાજને આ મૂલ્ય જ ઉગારી શકે તેમ છે પણ એનું આરોપણ શાળાકીય સ્તરથી જ થાય તો જ એ ફળદાયી બને.

સ્વામી વિવેકાનંદને ઉપનિષદોમાંથી જો કોઈ એક ખૂબ અગત્યનું મૂલ્ય લાગ્યું હોય તો તે નિર્ભયતાનું મૂલ્ય છે. બાપના કહેવા માત્રથી નચિકેતા નિર્ભયતાથી મૃત્યુના દેવ યમરાજને ઘેર પહોંચી ગયો હતો! લક્ષ્ય સિદ્ધિ માટે આ નિર્ભયતા સિવાય કોઈ આરોઓવારો નથી. વિકાસાવરોધક ભયને ખંખેરી નાખીને, નિષ્ફળતાનો ડર રાખ્યા સિવાય સ્વલક્ષ્ય સિદ્ધિ માટે મંડ્યા રહેવાનું આ મૂલ્ય શીખવે છે. આ ખંત અને ખેવના પણ આજની કેળવણીમાં મુખ્ય નિર્ભયતાના આનુષંગિક મૂલ્ય તરીકે છાત્રોમાં આરોપણીય મૂલ્ય છે.

આગળ દર્શાવેલાં બધાં વેદાન્તિક મૂલ્યોની ધરી સમાન એક વિશિષ્ટ મૂલ્ય છે પ્રાણીમાત્રની ભીતરમાં રહેલ દિવ્યતાની વિભાવના. આ મહામૂલ્યની આસપાસ બધાં મૂલ્યો પરિક્રમા કરે છે. મૂલ્યમાળાનો આ મેરુ છે. એના પાયા પર બધાં મૂલ્યો ચણાયાં છે. આ મૂલ્યનું છાત્રમાં આરોપણ કરવામાં શિક્ષકની કુશળતાની કસોટી થાય છે. પણ જન્મજાત શિક્ષક એ માટે હામ ભીડી શકશે.

સર્વવ્યાપક ચૈતન્યનું વ્યક્તિમાં પ્રતિફલન કરતું સમવેદનાનું વેદાન્તમૂલ્ય છાત્રોની હૃદયસંપત્તિ વધારવા માટે આવશ્યક અને અનિવાર્ય છે. પૂર્ણ માનવ કેવળ મસ્તિષ્કથી બનતો નથી, એમાં હૃદયસંપત્તિ ભળે ત્યારે જ પૂર્ણ વિકાસ શક્ય બને છે. પોતાના ઓરડાની બારીમાંથી એક નાવિકને પડતો માર જોઈને શ્રીરામકૃષ્ણદેવની પીઠ પર સૉળ દેખાયા હતા એનું રહસ્ય આ સમવેદના છે. બાળપણમાં બિલાડીને હેરાન કરતા ગણેશ જ્યારે પોતાની માતાના શરીર પર એ હેરાનગતિની નિશાનીઓ જુએ છે, ત્યારે માતા પાર્વતી એને આ જ સમવેદનાના મૂલ્યનું રહસ્ય સમજાવે છે. વિદ્યાર્થીને “પારકી છઠ્ઠીના જાગતલ” બનાવવા માટે બાળપણથી જ આ મૂલ્ય શીખવવું જોઈએ.

વેદાન્તમાં મૂલ્યો તો અનેક છે. તૈતરીય ઉપનિષદ્નો આચાર્યોપદેશ દયા – દાન – દમના ત્રણ દકારનો ઉપદેશ, ગુરુશિષ્ય સંબંધ વગેરે છે જ. પણ આગળ કહ્યા પ્રમાણેની ત્રણ શરતોને અધીન રહીને જ ચૂંટેલાં વેદાન્તમૂલ્યોની વાત કરી છે.

આ વેદાન્તમૂલ્યો ઓછામાં ઓછી દસ હજાર વરસની પરંપરાથી આજ સુધી અવિચ્છિન્ન રીતે ભારતના આદર્શ તરીકે ચાલ્યો આવ્યો છે. અંતઃસલિલા સરસ્વતીની પેઠે એનો પ્રવાહ ભલે ક્યારેક નરી આંખે ન દેખાતો હોય પણ એ પ્રવાહ અખંડ વહ્યો છે, આજેય વહે છે. વળી, આ મૂલ્યો વૈશ્વિક છે, એને કોઈ ભૌગોલિક નામ નથી, એના પ્રે૨કનું નામ પણ એને લાગ્યું નથી, ‘સનાતન’ છે. ‘હિન્દુ’ શબ્દ તો આપણને પરદેશીઓએ અપભ્રંશ કરીને ભેટ આપ્યો છે. આર્ય જાતિ ખરી પણ આ મૂલ્યો કંઈ કેવળ આર્યમૂલ્યો નથી એટલે એને નામ મળ્યું છે – સનાતન. ભારતમાં આ મૂલ્યોનો ઊગમ અને વિકાસ થયો છે, એ સાચું પણ ભારતનો એ દાવો નથી કે આ મૂલ્યો અમારાં છે. બીજા કોઈનાં નહિ! ભારતમાં ઋગ્વેદ, કૃષ્ણ, બુદ્ધ, અશોક, શંકર, અકબર, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ આ મૂલ્યોના માર્ગસૂચક સ્તંભો છે. તે સિવાય પણ કબીર, નાનક, દારા શિકોહ વગેરે અનેકોએ આ મૂલ્યો જીવતાં રાખ્યાં છે. આમ આ મૂલ્યો પાછળ વૈશ્વિકતા, શાશ્વતતા અને લાંબી પરંપરાનું જબરું પીઠબળ છે.

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.