એવો પણ એક સમય હતો જ્યારે સ્વામી ગંભીરાનંદજી બેલુરમઠમાં પોતાના દફતરમાં બેસી આતુરતાથી બપોરની ચાની રાહ જોતા. ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી હતા. જો કે ખરું પૂછો તો એ ચામાં કંઈ જ વિશિષ્ટતા કે મામલત ન હતી. સવારની ચા તો અમે જેમ તેમ કરી ગળે ઉતારતા. અમે કેટલાક તો એ ખાસ જાતની ચાની ઠેકડી પણ ઉડાવતા. અને કહેતા કે આ ચા તો કેવળ પરંપરા છે. પણ અમે અસલમાં જાણતા નહિ કે સમજતા નહિ કે આ ચાની કઈ જાતની પરંપરા? ચાની એ પરંપરા કેટલી ગૂઢ અને ગહન હતી! તેથી આ લેખનો ઉદ્દેશ્ય એ પરંપરા સમજાવવાનો છે.

આ ચાના સાવ સામાન્ય માધ્યમથી પણ સ્વામી ગંભીરાનંદજી ચાની પરંપરાનાં બીજાં ગંભીર પાસાંઓ માણતા; એમ દેખીતી રીતે આપણે કહી શકીએ. તેઓ મઠના બધા લોકો જોડે આ જ ચા પીતા. પણ તેથી કંઈ એ ચાની જાત ઉમદા કે ઉત્કૃષ્ટ હતી એવું નહિ. અસલમાં તો એ સાવ નિકૃષ્ટ હતી – પણ એની પાછળ સમાનતા અને ભાઈચારાની ભાવના હતી. બધાં સાથે મળી તેઓ એ સમાન રૂપે માણતા. જો કે તેઓ જો ઈચ્છત તો પોતાને માટે અને દફતરની ખાસ વિશિષ્ટ વ્યક્તિઓ માટે ખાસ ઊંચી જાતની ચાનો અલગ બંદોબસ્ત કરી જ શક્યા હોત. કેમકે બેલુર મઠ પહેલાંની જેવો ત્યારે કંગાળ પણ નહોતો રહ્યો. પણ, ના, એમણે એવું નહોતું કર્યું, કદાચ એમને ત્યારે સાંભરતા હશે, તેઓ માણતા હશે પેલાં બેલુ૨ મઠમાં વીતાવેલાં સાધનાનાં કઠોર જીવનનાં જૂનાં સંભારણાં! એ જ પેલી કઠોર સાધકજીવનની સાદી-સીધી ચા, જે ચાની કોઈ વિશિષ્ટ જાત નહિ. જે ચાના ઉકાળામાં ન તો પૂરતી સાકર કે ન પૂરતું દૂધ, ખરું પૂછો તો એ જાણે ગંગાજળ જ. હા, પણ એનો સ્વાદ જરાક વિચિત્ર, એટલી જ એની ખાસિયત! કદાચ એ વિશિષ્ટતા વરાહનગર મઠના જમાનાથી જ ચાલતી આવી હશે! પણ એ તપ, ભાઈચારો અને સમાનતાની પરંપરા સર્વોત્તમ! સર્વશ્રેષ્ઠ! એમાં તો કોઈ શક જ ન હતો. પણ એમાં ‘શુદ્ધતા’ કે કાર્યદક્ષતા ક્યાં? એવો સવાલ વખતે કોઈના મનમાં ઊઠે એ શક્ય છે! આવી ચાની પરંપરા દાયકાઓ સુધી મુદ્દલે બદલાયા વિના ચાલી આવી શકે! લગભગ એ જ ચા, રામકૃષ્ણ મઠના ઇતિહાસની શરૂઆતથી ચાલી આવી હતી. વખતે એ જ ચાની પરંપરા કળિયુગના અંત સુધી પણ ચાલુ નહિ રહે, એવું કોણ કહી શકે!

જ્યારે કોઈ ચાનો વિચાર પણ કરે, ત્યારે સંભવ છે કે અતીતની સ્મૃતિમાં સંઘરાયેલો પેલો સ્વામી સુબોધાનંદજીનો કિસ્સો (ખોકા મહારાજનો) યાદ આવ્યા વિના ન રહે. સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, કલકત્તા – નિવાસી, અભિજાત કુળમાં જન્મ, ચાના ખૂબ જ શોખીન. અરે, ખુદ ઠાકુરને પણ કાશીપુરમાં એમણે ગળાનાં દર્દ માટે ચા પીવાની ભલામણ કરેલી, અને બાલકવત્ ઠાકુર તો તરત તૈયાર પણ થઈ ગયેલા! પણ વળી સ્વામી બ્રહ્માનંદજી (રાખાલ મહારાજ)એ વાર્યા, કે ગરમ પડશે; જો કે ત્યારે ખોકા મહારાજ જરાક નિરાશ તો જરૂર થયેલા. હા, પણ આ તો થઈ આડ વાત, આવા ચાના શોખીન ખોકા મહારાજ પર સ્વામીજી વ૨સી ગયા, કહે, ‘માગ માગ, માગે તે આપું!’ ત્યારે ખોકા મહારાજે શું માગેલું ખબર છે? આ ચા! તેઓ ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય તો પણ ક્યારેય એક કપ ચાથી વંચિત ન રહે! અને સ્વામીજીએ ‘તથાસ્તુ’ પણ કહેલું. જો કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે એમણે કેવળ બેલુર મઠની ગંગાજળી ચાનું વરદાન માગેલું કે એક પ્યાલા ઉમદા ચાનું! જો કે એ પણ વાત સાચી છે કે એક કપ ચા વિના (સારી ચાની તો વાત જ જવા દો) માણસ ચોક્કસ સંદિગ્ધ, અર્ધનિંદ્રિત, અર્ધ-સ્વપ્નાવસ્થામાં સહેલાઈથી પ્રવેશી જઈ શકે.

જો કોઈ સ્વામી સુબોધાનંદજીનો માનસપટ પર કલ્પના કરવાનો પ્રયાસ કરે તો સામે ખડો થાય એક નિર્મળ સરળ બાળકનો ચહેરો! બિલકુલ નિર્દોષ તો નહિ, પણ નટખટ! અને એમના શરીર પર શોભતા ચાઈનીઝ ઓવરકોટના પ્રાધાન્યને લીધે ચીની કે જાપાની અસર તરત જ દૃષ્ટિગોચર થાય. અને તરત જ તમે ચીની જાપાની બીજી પરંપરા અને તવારીખનાં સ્વપ્નમાં સરી પડો. કેમકે એક કપ સારી ચા વિના, અને વધારે તો એના કેફીનની અસરની ગેરહાજરીમાં, કોની તાકાત છે કે તમને આ માયાના (સ્વપ્ન) જગતમાંથી પૂર્ણપણે જાગૃત રાખી શકે! અને સ્વપ્ન એટલે બીજા દેશ-કાળની પરિસ્થિતિમાં વિહરણ.

એટલે એ રીતે તમે અત્યારે જાપાનમાં છો. જ્યાં (રાજા) કામાકુરાના યુગ (૧૧૮૫-૧૩૩૮) પહેલાં પણ ચાની પ્રથા પ્રચલિત હતી. પણ એનો પ્રથમ વ્યાપક પ્રસાર સામાન્ય રીતે આઈસાઈનાં (દાંડવા) સમયથી ચાલુ થયો હતો. (૧૧૪૧-૧૨૧૫) આઈસાઈ ઝેન માસ્ટર (આચાર્ય) હતા. તેઓ ચીનથી ચા લાવેલા અને એમના મિત્રના મઠના પ્રાંગણમાં એમણે ચાના છોડ ઉછેરી ચાનો વિકાસ કરેલો, એવું સુઝુકીએ મંતવ્ય કરેલું, અને એમ કહેલું, “આઈસાઈ આ રીતે જાપાનમાં ચા સંવર્ધનના પિતા તરીકે જાણીતા છે. તેઓ એમ પણ માનતા કે ચામાં કેટલાક રોગનાશક ગુણો છે. તેથી ચા ઘણા રોગો માટે ફાયદાકારક છે.

આ આઈસાઈના વિધાનથી સ્વાભાવિક છે કે મને સ્વામી વીરેશ્વરાનંદજીની યાદ આવે. સ્વામી વીરેશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના દસમા પરમ અધ્યક્ષ અને ચાના બેહદ ચાહક. અને નવાઈ તો એ કે એમનો ચહેરો ઘણો બધો જાપાની ચહેરાને મળતો આવતો! તેઓને પણ ઘણીવાર મેં શરી૨માં સ્ફૂર્તિ અને આરોગ્ય લાભ માટે ચાના ગુણગાન ગાતા સાંભળ્યા છે. એક વાર તેઓ અરુણાચલ ગયેલા અને ત્યાંના ઉચ્ચ હોદ્દો ધરાવતા સરકારી અમલદારો એમને મળવા આવેલા. ત્યારે એમની સાથે ચાપાન કરતાં, ચાની પ્રશંસા કરતા સાંભળેલા. પણ આ તો થઈ બહુ જૂની વાત. તેઓ કેવળ ચાના ચાહક જ નહિ પણ ચાનાં અનુષ્ઠાન, જેમ કે ચા બનાવવી, ચા પીવડાવવી વગેરેમાં પણ ઊંડો રસ ધરાવતા.

સુઝુકીનું એમ પણ કહેવું છે કે આઈસાઈ જાપાનમાં ચા લાવ્યા, એને લોકભોગ્ય બનાવી… પણ ચાનાં અનુષ્ઠાન વખતે કેવું આચરણ કરવું જોઈએ એ એમણે સ્પષ્ટતાથી શીખવેલું નહિ. એમણે ચીનના ઝેન મઠમાં ચા અનુષ્ઠાન તો ચોક્કસ જોયાં જ હશે ને! એ તો ખરેખર પ્રશંસાપાત્ર કહેવાય કેમકે ચાનું અનુષ્ઠાન મઠમાં આવેલા મહેમાનોના મનોરંજન કરવા માટે તેઓ કરતા. અને કદી કદી મઠના અધિવાસીઓ આપસમાં પોતાનાં મન બહેલાવવા પણ ચાનું અનુષ્ઠાન કરતા. તેથી ઝેન અને ચા બનાવવાની કલામાં સામ્ય એ છે કે બંને સાદગીનો સતત પ્રયત્ન કરે છે. બોધિસત્ત્વની સ્વતઃ સ્ફૂર્ત પ્રાપ્તિ દરમિયાન ઝેનથી જે અપ્રયોજનીયની પ્રાપ્તિ થાય છે તેનો ત્યાગ કરવો. અને તેઓ ચાની કલાથી ચા ખંડમાં રહીને, ચા જે રીતે બનાવવી, અને આપવી જોઈએ એ રીત અનુસરીને એનો ત્યાગ કરતાં શીખે છે. ચાની કલા એ પ્રાથમિક સાદગીનો સૌંદર્યબોધ છે. એનો ઉદ્દેશ્ય છે નિસર્ગની વધુ નજીક જવાનો. અને એની પ્રાપ્તિની અનુભૂતિ કરવી હોય તો મનુષ્યે ઘાસછાયા ઘ૨માં ક૨વો, જે ઘરનું કદ હોય માત્ર દસ ઘન ફૂટ, પણ એ કલાત્મક રીતે બનાવેલું હોય, અને સુંદર રીતે સજાવેલું હોવું એ જરૂરી છે. ઝેનનો એવો પણ ઉદ્દેશ્ય છે કે બધાં જ કૃત્રિમ આવરણો જે માનવતાને ઢાંકે છે તે ઉતારી લેવાં, અને એની સહજ પવિત્રતાને છતી કરવી.

હા, એક જમાનામાં ખૂબ સાદી ચા હતી, ગામડામાં હોય એવું ઝૂંપડાં જેવું ચા-ઘર હતું. એ ક્યાં ગયું? હજુ પણ બેલુ૨ મઠમાં સાદી ચા તો સાદગીથી દેવામાં આવે છે. બીજાં ઘણાં મઠ કેન્દ્રોમાં પણ એવું છે. પણ પેલું કઠોર તપોમય જીવન જે ભૂતકાળમાં ચાનું સાથીદાર હતું એ નથી. બે ત્રણ દાયકા પહેલાં જૂનું જાપાની વાંસનું વન હતું જે ઇતિહાસ અને કેટલાંક જૂનાં સંસ્મરણોને મૂર્ત કરતું હતું, એ ક્યાં ગયું? એને બદલે એકલું ખડું છે પેલું, ઘેરા લીલા પાંદડાંથી છવાયેલું, એકલું અટૂલું ફણસનું ઝાડ! હવે કેવળ થોડા ઘણા બુઝુર્ગ સાધુઓ જ એ દિવસોની સાદગી અને સંવાદિતાનું બયાન કરી શકશે. અને ચા-ખંડની આંતરિક ભવ્યતા, અને ખાસ તો સહુની વચ્ચેના ભાઈચારાની વાતો ક૨શે અને દાવો કરશે.

એ સમયની ૧ સંવાદિતા (wa વા) ૨ આદરભાવ (kei કી) ૩ પવિત્રતા કે શુચિતા (sei સી) અને ૪ શાંતિ (jaku જાકુ) અત્યાર કરતાં ત્યારે ઓછાં નહોતાં. સુઝુકીના મતે, “પહેલાં બે તત્ત્વો વા અને કી સામાજિક કે નૈતિક છે. ત્રીજું સી શારીરિક અને માનસિક બંને છે. જ્યારે ચોથું જાકુ આધ્યાત્મિક કે દાર્શનિક છે. સુઝુકીને લાગે છે કે આ ચારે તત્ત્વ ચાર મત કે વાદનું પ્રતિનિધિત્વ કરે છે, આ ચાર મત છે ૧. કન્ફ્યુશિયસ મત ૨. તાઓ મત ૩. શીન્ટોઈઝમ અને ૪. બૌદ્ધમત. સ્વામી વિવેકાનંદને ગૌતમ બુદ્ધ અતિ પ્યારા હતા અને એમની ‘સંઘ’ની કલ્પના પણ બૌદ્ધ મતની જ તો દેન છે!

વ્યક્તિગત જીવનની આંતરિક સંવાદિતામાંથી જ તો આ સફર શરૂ થાય છે. અને ‘સંઘ’ એ સંવાદિતાનું જ બાહ્ય રૂપ છે. ચા આ બાહ્ય સંવાદિતાનો સાથે મળી વિનિમય કરવા માટેનું માધ્યમ છે. જેને અંગ્રેજીમાં કહીએ ‘Sharing’. તેથી સંવાદિતા વ્યક્તિગત અને સામુહિક છે એમાં શંકા નથી. પણ તાઓમત એને પ્રાકૃતિક પણ કહે છે. તાઓ મત કહે છે કે ‘નિસર્ગ’ સાથે સંવાદિતા જાળવવી એમાં સ્ત્રી અને પુરુષના સંબંધની સંવાદિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાઓમત કે હિંદુમત જેમ પ્રકૃતિ સાથેની સંવાદિતા ૫૨ ભાર આપે છે એમ બૌદ્ધમત નથી આપતો. પણ આ ભેદ ઝૈન બૌદ્ધમતમાં નથી. પણ બેલુર મઠનાં નવ-હિંદુઓએ તો આ સંવાદિતા કેવળ વિશ્વ અને પ્રકૃતિ સાથે જ નહીં પણ બીજા દરેકે દરેક ધર્મ સાથે સાધવાના મુદ્દા પર ભાર મૂક્યો છે. પણ આ પણ કંઈ નવી વાત નથી, કેમકે પુરાણકાળમાં હિંદુઓએ સમસ્ત નિસર્ગ – નદીઓ, ઋતુઓ, વૃક્ષો, ફળ, ફૂલ, સમસ્ત નિસર્ગની સમગ્રતા સાથે એકતા, સંવાદિતા અને શાંતિ માટે પ્રાર્થના કરી છે. કેવળ પોતાનાં આ વક્તવ્ય માટે તેઓ વધુ સ્પષ્ટ અને મુખર છે. પણ કમનસીબે આ ‘શાંતિ’ અને ‘સંવાદિતા’ની કલ્પનાનો દરેક ધર્મે ગલત અર્થ કર્યો છે. અને આ શાંતિ એટલે જાણે મૃત્યુમાં જ પામી શકાય, અથવા તો કોઈ બીજી અલૌકિક રૂપે, યા બીજા અતિલોકમાં; પણ આ શાંતિનો અર્થ તેઓ આ જ દુનિયામાં સતત અને વિદ્યમાન શાંતિરૂપે નથી કરતા. તેથી સુઝુકીએ આ શાંતિના ક્રિયાશીલ અર્થને દોહરાવતાં કહેલું, “આ ચાનું અનુષ્ઠાન આ ક્રિયાશીલ શાંતિની (અર્થાત્ Jaku) પ્રાપ્તિ માટે છે. એ રીતે સમાહિત અવસ્થા (Sabi-સાબિ) પ્રાપ્ત થાય છે. જ્યારે આ ક્રિયાશીલ શાંતિની વાત કરીએ ત્યારે બે મહાપ્રાણ પુરુષો યાદ આવે, ઓકાકૂરા (જાપાની ઝેન માસ્ટર) અને સ્વામી વિવેકાનંદ; જેઓ વધુ કાર્યક્ષમ અને જાગ્રત સમતા, શાંતિ અને વિકાસની પ્રવૃત્તિને જોડી શકે એ માટે એકમેકને મળવા વ્યગ્ર બનેલા.

કેમકે આમ તો મોટા ભાગના ભારતીયોને શાંતિ અને વિકાસ એકમેકના વિરોધી ભાસતા હતા. આ પ્રવૃત્તિમાં જ શાંતિની ખોજ કરવાની છે. આપણે શાંતિને એક સ્થિર, કે મૃત અવસ્થા માનતા, યા તમોગુણી જડ સ્થિતિ. સ્વામી વિવેકાનંદે જીવનને, રાજસિક, ક્ષત્રિય સમ જીવન, જે પ્રાણવાન, ગતિશીલ અને કાર્યક્ષમ હોય અને જે જીવન વિકાસ સાધતાં શાંતિ-પરમ શાંતિ, પૂર્ણ શાંતિ બક્ષે, જે શાંતિ કેવળ નકારાત્મક ન હોય પણ ગતિશીલ હોય એ રીતે જીવન જીવવાની હાકલ કરી.

સુઝુકી કહે છે, “આ શબ્દ ‘જાકુ’ – (શાંતિ) ઘણી વાર બૌદ્ધ-સાહિત્યમાં ‘મૃત્યુ’ કે ‘નિર્વાણ’નો ઉલ્લેખ કરવા માટે પણ વપરાયો છે.”

પણ આ ‘જાકુ’ શાંતિ ચાનાં અનુષ્ઠાનમાં વપરાય છે ત્યારે દરિદ્રતા ‘સાદગી’ અને ‘એકલતા’ના અર્થમાં વપરાય છે. આ નિર્ધનતાની યોગ્ય કદર જાણવા, જે મળે તેને પ્રફુલ્લ ચિત્તે સ્વીકારવા માટે શાંત અને સ્થિતપ્રજ્ઞ મનની જરૂર છે. અને નિરાશ ખિન્ન મનને આ સ્થિતિએ લઈ જવા માટે જ છે આ ચાનું અનુષ્ઠાન. પહેલાંનાં જમાનામાં ચા સોમ પાનનું અનુષ્ઠાન થતું, તે પણ આ પ્રક્રિયા માટે હતું અને એ લોકપ્રિય પણ હતું. એ વૈદિક સંસ્કૃતિનું એક અપરિહાર્ય અંગ પણ હતું.

આ દરિદ્રતા અને ન્યૂનતામાંથી ઘણીવાર નકારાત્મક ગુણો પણ જન્મે છે ખરા. જેમકે જીર્ણતા, ગતિહીનતા, શિથિલતા, મંદતા અને જટિલતા, સાથે સાથે વિરોધી લાગણીઓ પણ થાય છે. જેવી કે ચપળતા, ગતિશીલતા, સ્ફૂર્તિ, સાદાઈ, વૃદ્ધિ, પારદર્શીતા વગેરે. પણ જે કેટલાક ગુણો પ્રકટે છે સૌંદર્યબોધના પરમ આનંદને સમાહિતતાને કેળવવામાં મદદ કરે છે. ચા-પાનારાઓ કહેશે, “ચા અનુષ્ઠાન બહારના ખાલીપાને ન્યૂનતાને અંત૨ની સમૃદ્ધિથી ભરી દે છે. અને આત્મસ્થિત-અવસ્થા વસ્તુસ્થિત-અવસ્થામાં પલટાઈ જાય છે. આ માનસિક પ્રક્રિયા કેવળ પ્રતિક્રિયા રૂપે જ નથી થતી; એમાં સૌંદર્યબોધનો સિદ્ધાંત સક્રિય રીતે રહેલો છે. એ જ્યારે સૌંદર્યબોધ નથી હોતો ત્યારે એ નિર્ધનતા રાંક ને કંગાળ બની જાય છે. એકલતા સામાજિક, સામુહિક બહિષ્કાર, માનવ દ્વેષ કે પાશવી અતડાપણું બની જાય છે. આ નિર્ધનતાના સક્રિય સૌંદર્યબોધની અનુભૂતિ આપણને થાય, જ્યારે આપણે ચા અનુષ્ઠાનનાં એક અંગ કે ઘટક તરીકે નિર્ધનતાને સ્વીકારીએ.

આપણે જ્યાં પણ રહેતા હોઈએ, જે પણ સ્થિતિમાં હોઈએ, પણ આપણા મનમાં એક અસ્પષ્ટ નૂતન જીવનની સતત તલાશ ઘુમરાયા કરતી હોય છે. ત્યારે ચાની જાત કેવી છે એની પરવા નથી હોતી. મૂળભૂત સંવાદિતા એ જીવનનો આંતરિક ગુણ છે, જે આપણે વિનિમય કરવા, સહુ સાથે સહિયારી રીતે માણવા ઈચ્છતા હોઈએ છીએ ત્યારે ચાનું સહપાન કરીએ છીએ.

સ્વામી વિવેકાનંદે આ ‘સંવાદિતા’ને ‘વિસ્તૃતિ’ નામ આપ્યું છે. આ વિસ્તૃતિ કે વૃદ્ધિ કોઈ પણ જાતની હોય, રાજદ્વારી, સામાજિક કે આધ્યાત્મિક હોઈ શકે. આ સંવાદિતા અસલમાં છે પોતાનાં ‘સ્વ’નું વિસ્તરણ અને આત્મવિસ્તાર કરી સંવાદિતાનો સહુ સાથે વિનિમય. તેથી ચા-પાન એટલે કેવળ ચા જ પીવાની નથી. પણ એ સાથે માનસિક – આકાશનો વિકાસ કે વિસ્તાર કરવાનો છે. ચાપાન એ આંતરિક ચેતનાની વિસ્તૃતિ છે. આ માનસિક વાતાવરણની વિસ્તૃતિ, જ્યારે આપણે ઝાંખા-ઉજાસમાં નીચી છતનાં ચા-ખંડમાં બેઠા હોઈએ, ચૂલા પર ચાની લોઢાની કીટલીમાં ચાનું પાણી ઊકળતું હોય, એના અવાજ સાથે ચા બનાવનારનું વ્યક્તિત્વ મુખર બની સૂર સાથે સૂર મિલાવતું હોય ત્યારે સર્જાય છે અને આપણે અનુભવીએ છીએ શુદ્ધ દરિદ્રતાનો આત્મા. એ પળે વસ્તુ અને વ્યક્તિ, સારું અને ખરાબ, ખરું અને ખોટું, માન અને અપમાન, લાભ અને નુકસાન, કંઈજ નથી રહેતા.

અને આ સમયે થાય છે બુદ્ધ-દેશની શુચિતાની, પવિત્રતાની અનુભૂતિ. આ સમયે આંગણાંમાં કે ચા-ઘરમાં ધૂળની રજકણ માત્ર પણ હોવી ન જોઈએ. આ સમયે ઝેન માસ્ટર અને મહેમાન – મુલાકાતીઓ વચ્ચે આવી વસે છે શુદ્ધ સંપૂર્ણ નિખાલસતા; અહીં સામાન્ય આચારવિધિનાં માપદંડ નથી હોતા કે નથી હોતો બાહ્ય શિષ્ટાચાર.

અહીં ચૂલો સળગાવી, ચાનું પાણી ઉકાળી, ચા બનાવી ચા પીવા દેવામાં આવે છે. બસ અહીં આટલી જ જરૂર છે. અહીં કોઈ પણ દુન્યવી વિચારને પ્રવેશ નથી.

બસ આવો જ એક અનુભવ, સ્વામી શરણાનંદજીને અર્ધી સદી પહેલાં થયેલો. સ્વામી શરણાનંદજી ૯૦ વર્ષના વયોવૃદ્ધ ડૉક્ટર સંન્યાસી, જેમનું તાજેતરમાં મૃત્યુ થયું છે, લખનૌ આશ્રમમાં રહેતા. એમણે મને કહ્યું, “હું ત્યારે સારગાછિ (મુર્શિદાબાદ જિલ્લો) આશ્રમમાં નવો જ જોડાયેલો ત્યારે સ્વામી અખંડાનંદજી, રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ હતા, પણ સારગાછિના એમના આશ્રમમાં રહેતા. તે વખતે એકવાર સૂર્ય-ગ્રહણ થયેલું, મોટા ભાગના મઠવાસીઓ પવિત્ર સુરધુનિમાં સ્નાન કરવા ગયેલા, કેવળ હું જ સ્વામી અખંડાનંદજી પાસે હતો. ગ્રહણ પૂરું થતાં એમણે મને ફક્કડ ચા બનાવવાનો આદેશ દીધો. સવા૨થી મઠમાં કંઈ બનેલું નહિ. હું તો ચા બનાવવા બેઠો. ચૂલો સળગાવી. ચાની કીટલી માંજવા ગયો. પાસે જ કૂપ (Tube Well) હતો. સ્વામીજી મારી દરેક ક્રિયા ધ્યાનપૂર્વક નિહાળતા હતા. હું કીટલી માંજી પાણી ભરી લાવ્યો, પણ એમને કીટલી બરાબર સાફ ન લાગી, ફરી મને માંજવા મોકલ્યો, હું ફરી ગયો, ફરી નાપસંદ, ફરી ગયો, આમ મને સાત આઠ વા૨ પાછો ધકેલ્યો. અને પ્રત્યેક વેળા તેઓ વધુને વધુ મારા પર ચીડાતા ગયા. હું પણ મારી ધીરજ ગુમાવી દેવાની તૈયારીમાં જ હતો. મને થયું, હવે તો હદ થાય છે, હું ભલે એમનો શિષ્ય છું, એ મારા ગુરુ છે, પણ હવે તો હું અહીંથી ચાલ્યો જ જાઉં. બસ, આમ વારંવાર અપમાનિત થવાની શી જરૂર!… અને થોડી જ વારમાં મને મનમાં જ થઈ આવ્યું અને મને આ શુદ્ધિનું મહત્ત્વ સમજાયું. આ મારા અહંકાર નાશની પ્રક્રિયા હતી. અને મારા મનનો મોટાભાગનો મેલ એનાથી સાફ થઈ ગયેલો.”

એ પછી એમને આંગણામાં ખડા જૂના ચીડ વૃક્ષનાં સોય જેવા પાંદડાંમાંથી વહેતા પવનના સૂસવાટા, અને કીટલીમાં ઉકળતા પાણીના સિસકારા બંને જાણે સંવાદિતા સાધી સંગીત સર્જતા લાગ્યા. આ રીતે સમગ્ર પરિવેશ સર્જકના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરવા માંડ્યો. આમાંથી તેઓ શિખ્યા સ્થિતપ્રજ્ઞતા – શાંતિ અને સમતા અને અવિરોધિતા. એમના પ્રાણ અને મનનો સૌમ્યતાએ તે દિવસથી કબજો લઈ લીધો.

સુઝુકી કહે છે, “કેટલીક વાર આપણું વ્યક્તિત્વ જે વસ્તુ કે વ્યક્તિ સામે આવે એને સમતાથી ગ્રહણ નથી કરી શકતું. વિરોધ કે બળવો કરે છે. અને આ વિરોધ એટલે ઘર્ષણ અને અસંવાદિતા, એ જ છે બધી મુસીબતની જડ. જ્યારે અહં નાશ થાય છે ત્યારે હૃદય શાંત અને સૌમ્ય બને છે. ત્યારે બાહ્ય અસરો સામે બળવો નથી પોકારતું. સમતા જાળવે છે.”

રામકૃષ્ણ મઠના સાધુઓને પણ સૌમ્યતા – ભદ્રતા, સૌજન્યતા પસંદ છે. ‘ભદ્ર’ શબ્દ ઉપનિષદની પ્રાર્થનામાં પણ છે. પણ આ ભદ્રતાને યંત્રની જેમ નથી પાળવાની, આ એક બાહ્ય વિકાસ કરતાં વધારે તો આંતરિક સ્થિતિ છે. આત્માની સૌજન્યતા કે સૌમ્ય હૃદયતા આ પૃથ્વી પરના જીવનનો પાયો છે. ચાની કળા આ ઝેન જૂથમાં બૌદ્ધ-પ્રદેશ સ્થાપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, તેથી એમનાં બધાં કાર્યો આત્માની સૌમ્યતાથી શરૂ થાય છે. આ આત્મ સૌમ્યતા સહુ પ્રત્યે આદરભાવ જન્માવવામાં મદદ કરે છે.

દરેક જાતની અહં-પ્રતિષ્ઠા અને સત્તાના પદની શેખી પ્રત્યે નાપસંદગી, સમાન આહાર અને પેય, સહુ વચ્ચે સમાનતાથી વિતરણ કરતા, સહુ પ્રત્યે આદર જન્મે છે, આ કેવળ આહાર-પેયનું સમાન વિતરણ જ નહિ; આ જાણે આધ્યાત્મિક સત્તાની વહેંચણી વિસ્તરણ અને ૫૨મ સુખનો ઉપભોગ.

સ્વામી વિવેકાનંદ કહે છે, વેદાંત અનુસાર પણ, વિતરણ, વહેંચણી એટલે પોતાના ખાસ હક્કને જતા કરવા, અને જો બીજા પ્રત્યે આદરભાવ ન હોય તો એનો અર્થ થયો બીજાનું આડકતરી રીતે અપમાન.

આ રીતે આદરભાવથી સમાનતાની ભાવના પ્રકટે છે. કન્ફયુશિયસે વિધાન કરેલું ‘આચારસંહિતાનો ઉપયોગ એ માનસિક વલણ છે, અને એવી ચા તું બની જા’ (cha – no -you). સુઝુકી પણ કહે છે ‘આચારસંહિતાનો સિદ્ધાંત છે સહુ પ્રત્યે પૂજ્યભાવ બોધ.’

તમે તમારાથી ચડિયાતી કે ઊતરતી વ્યક્તિ જોડે સમાન રીતે વર્તન કરો. ચા-ખંડનું અનિર્વચનીય વાતાવરણ આ સંવાદી – સંબંધને વધારે છે અને કુદરતી બનાવે છે.

આ જ ભાવના હિંદુ સંસ્કૃતિમાં પણ છે. આ સમાનતાના સિદ્ધાંત પર લંગરખાનું કે સદાવ્રત બનેલાં છે. અહીં પણ કોઈ ઊંચ કે નીચ નથી. આ કેવળ ઝેન કે બૌદ્ધોમાં છે એવુંયે નથી. મુસલમાનોમાં પણ છે, જેમ કે કુરાનમાં કહ્યું છે કે એક દસ્તરખાન પર મૂકેલા એક ભાણામાંથી બધાંએ ભેગા બેસી જમવું. એ રિવાજ પણ ભાઈચારો જ પ્રતિષ્ઠિત કરે છે. પ્લૅટોએ પણ પોતાના પ્રજાસત્તાક રાજ્યમાં સમાન આહારની વહેંચણી અને, સહભોજનની પ્રથાની અસરકારકતા વિષે કહ્યું છે. કબીર અને બીજા વૈષ્ણવ સંતોએ તો આ વિચારને પોતાના જીવનમાં, આચરણમાં ઉતાર્યો હતો. રામકૃષ્ણ મઠનો પણ આદર્શ છે એકમેક પ્રત્યે આદરભાવ રાખવો.

સુઝુકીએ એ ઉલ્લેખ કર્યો છે, “ચા – ઘરની સંવાદિતાને જીવંત રાખવા માટે આદિથી અંત સુધીનાં ચા- અનુષ્ઠાનનાં દરેકે દરેક અંગને એવી રીતે આચરવું જોઈએ જેથી આડંબર અને જટિલતાથી અનુષ્ઠાન દૂર રહે, સાધનો ભલે જૂનાં પુરાણાં હોય પણ મનને એવું પ્રાણવાન બનાવો કે એ તાજગીથી ભરપૂર રહે, નિત્ય બદલાતી ઋતુઓને આવકારવા તત્પર રહે અને એને લીધે બદલાતા દૃષ્ટિબિંદુને પ્રતિસાદ આપવા ઉન્મુખ રહે. મન કદી ખુશામતખો૨ ન બને કે ઉડાઉપણા ભણી ન ઝૂકે એની હંમેશાં તકેદારી રાખો અને સર્વદા સહૃદય રહો.”

આ ચાનું અનુષ્ઠાન, રેાજિંદા જીવનની નીરસ ચાપાનમાં ન જડે કે એ સાંસારિક સમારંભ કે સામાજિક સંમેલન કરતાં જુદું છે એવું માનવાની જરૂર નથી. સ્વસ્થતા, શાંતિ, સમતા, સંવાદિતા એ તો માનવીની પ્રત્યેક પળની હિલચાલનો પાયો છે, મુખ્ય આધાર છે. શાંતિને ખરી રીતે તો પ્રેરણાશક્તિ તરીકે માનવી જોઈએ, સમજવી જોઈએ. નહિ તો પછી એ મનના બે ભાગ પડી દેશે. અને ચા બનાવનાર માણસ પોતાની આત્મસત્તાથી અલગ પડી જશે. મનુષ્ય અને કાર્યના જો બે ભાગ પડી છુટા થઈ જશે તો પછી ચા, ચા નહિ રહે.

આ જ ચા-અનુષ્ઠાનની પરંપરાની પાછળની ભાવના છે. તેથી ચા કેવળ સ્ફૂર્તિદાયક જ છે એવું નહિ, અસલમાં તે આત્મ-જાગૃતિ પણ છે.

ભાષાંતર: ડૉ. સુકન્યા ઝવેરી

Total Views: 368

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.