જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ પાશ્ચાત્ય પ્રજા એથી વધુ આગળ જોઈ શકતી નથી. તેનો સિદ્ધાંત ચાર્વાકના જેવો છે. એ કહે છે, કે “જીવો ત્યાં સુધી સુખ માણી લ્યો!” “આ દુનિયા એક દુઃખમય ખાઈ હોવાથી સુખના જે કાંઈ ટુકડા આપણને મળે તે આપણે પૂરેપૂરા ભોગવી લેવા!” આની વિરુદ્ધ હિન્દુને મન ઈશ્વર અને આત્મા જ સાચા છે, આ જગતથી અનંતગણા સાચા છે; અને તેથી ઈશ્વરને માટે આ બધાંને ત્યજી દેવા તે સદાય તૈયાર હોય છે.

જ્યાં સુધી રાષ્ટ્રીય માનસમાં આ ભાવના ચાલુ છે, અને તે સદાય ચાલુ રહે તેવી અમારી પ્રાર્થના છે, ત્યાં સુધી આ અંગ્રેજી બની ગયેલા દેશભાઈઓને માટે “પોતાના મોક્ષ અને વિશ્વના કલ્યાણ માટે” સર્વસ્વનો ત્યાગ કરવાની ભારતીય નરનારીઓની ભાવનાને રોકી શકવાની કોઈ આશા નથી.

પહેલાં યુરોપમાં પ્રોટેસ્ટંટોએ વાપરેલી, પછી બંગાળી સુધારકોએ ઉછીની લીધેલી અને હવે આપણા મુંબઈના બંધુઓએ અપનાવેલી સંન્યાસની વિરુદ્ધની દલીલ – કે સંન્યાસી પોતાના બ્રહ્મચર્યને લીધે જીવનની સંપૂર્ણતા અને અનુભવની વિવિધતાથી વંચિત રહે છે – એ દલીલનું સડેલું મડદું, – જો તેમના પૂર્વજો વિશેના પૌરાણિક ઇતિહાસની કંઈ કિંમત હોય તો – જીવનની સુવાસ ફેલાવનારા તેમના કુલીન ગોત્રના બ્રાહ્મણ પૂર્વજો માટે ગમે તેવી પિતૃભક્તિ હોવાનું માની લેવામાં આવે છતાંય – આ પ્લેગના જમાનામાં આ સડેલ શબને અરબી સમુદ્રમાં સદાને માટે પધરાવવામાં આવશે તેવી અમે આશા રાખીએ છીએ.

વળી, ઈશ્વરે આપણને જાત જાતની શક્તિ આપી છે, તે કંઈ ને કંઈ ઉપયોગ કરવા માટે. તેથી પ્રજોત્પત્તિ ન ક૨વામાં સાધુની ભૂલ છે, તે પાપી છે! તો પછી આપણને કામ, ક્રોધ, નિષ્ઠુરતા, ચોરી, લૂંટ, છેતરપિંડી વગેરેની વૃત્તિઓ પણ ઈશ્વરે આપી છે, અને આ પ્રત્યેક વૃત્તિ સુધરેલા કે વણસુધરેલા સમાજ-જીવનની રક્ષા માટે તદ્દન આવશ્યક જ છે! તો પછી આ બધી વૃત્તિઓનું શું કરવું? વિવિધ અનુભવના સિદ્ધાંતને અનુસરીને આ વૃત્તિઓને પણ આપણે સંપૂર્ણ છૂટથી ચાલુ રાખવી કે નહીં? અવશ્ય, સર્વશક્તિમાન ઈશ્વર અને તેના હેતુઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા હોઈ, સમાજસુધારકોએ આ પ્રશ્નનો ઉત્તર હકારમાં આપવો જોઈએ.

પછી આવે સાધારણ રીતે ભ્રષ્ટ સાધુઓ, કે જેઓ દુર્બળ કે દુષ્ટ સ્વભાવને કારણે પોતાના આદર્શને વળગી ન રહ્યા; તેમને આ ગાળો દેવી યોગ્ય છે. પણ આદર્શ સીધો અને નિર્દોષ હોય, તો દેશના કોઈ પણ ગૃહસ્થાશ્રમીના કરતાં, ‘પ્રેમ ન કરવો તેના કરતાં પ્રેમ કરીને પસ્તાવું વધારે સારું’ એ ઉક્તિ અનુસાર, આવો ભ્રષ્ટ સાધુ અનેકગણો ચઢિયાતો છે; કદીયે પુરુષાર્થ ન કરનાર કાયર કરતાં તે શૂરવીર છે.

આપણા સામજસુધારકોનાં ટોળાંમાં માનસિક વલણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો સાધુ અને ગૃહસ્થાશ્રમીઓમાં ચારિત્ર્યભ્રષ્ટોના ટકા કેટલા વધારે છે તે નોંધવા માટે ફિરસ્તાને જ આવવું પડે; અને આવો નોંધનાર ફિરસ્તો આપણા જ હૃદયમાં છે.

અને ધર્મનું શું? તે રહેવાનો છે કે અદૃશ્ય થવાનો છે? જો તે રહેવાનો હોય, તો તેને માટે તેના નિષ્ણાતો અને સૈનિકોની જરૂર રહેવાની. ધર્મને પોતાના જીવનનું એક માત્ર ધ્યેય બનાવવાને કારણે ધર્મની બાબતમાં સાધુ નિષ્ણાત છે, તે ઈશ્વરનો સૈનિક છે. જ્યાં સુધી આવા ધર્માનુરાગી સાધુઓનું જૂથ સમાજમાં હોય, ત્યાં સુધી ક્યો ધર્મ નાશ પામે?

હાય ભારત! પાશ્ચાત્ય બનેલું ભારત! બેટા! ભૂલતો નહીં, કે આ સમાજમાં એવી સમસ્યાઓ છે, કે જે તું કે તારા પાશ્ચાત્ય ગુરૂઓ હજી પણ સમજી નહીં શકે, કે ન તો તેનો ઉકેલ લાવી શકે!

(‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા’, ભાગ – ૫, પૃ. ૨૩૯-૨૪૦)

Total Views: 250

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.