(૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના ભાગરૂપે ધાર્મિક અને આધ્યાત્મિક વડાઓની સંસદ મળી હતી. એ સભામાં ચર્ચા માટે ચાર અગત્યના પ્રશ્નો પસંદ કરવામાં આવ્યા હતા. રામકૃષ્ણ સંઘના મંતવ્યો શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે અને, ન્યુયૉર્કના રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના સ્વામી આદીશ્વરાનંદજી મહારાજે રજૂ કર્યાં હતાં.)

પ્રશ્ન-૧ શાંતિ, પીડિતોની શુશ્રૂષા અને પૃથ્વીના સંરક્ષણ માટે આંતરધર્મ સહકાર્ય માટે જગતમાં ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાનો કોઈ સુમેળ પર આવી શકે ખરા?

ઉત્તર: હા, એ શક્ય છે. જગતના બધા ધર્મો સત્ય, વૈશ્વિક પ્રેમ, અહિંસા અને શાંતિ તથા માનવજાતના યોગક્ષેમની તજવીજ કરવાનો બોધ આપે છે. સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું તે પ્રમાણે, ‘પવિત્રતા, શુચિતા અને ઉદારતા કોઈ એક જ ધર્મની સુવાંગ માલીકીના નથી અને… દરેક ધર્મે એકદમ ઉદાત્ત ચારિત્ર્યવાળાં નરનારીઓ આપ્યાં છે. જુદા જુદા ધર્મોના ઈશ્વરને પામવાના માર્ગો વિશેની સમજ જુદી ભલે હોય, જીવનનું એકમાત્ર ધ્યેય ઈશ્વરને પામવાનું છે એ બાબત બધા ધર્મો સહમત છે. આથી, સૈદ્ધાન્તિક રીતે, દુનિયાના ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાનો માટે બધા ધર્મો સત્ય છે, ૫રમાત્મા માટે ભલે બ્રહ્મ, ગૉડ, અલ્લાહ કે જિહોવા જેવાં નામો જૂજવાં હોય પણ, અંતિમ લક્ષ્ય એ જ સત્ય છે એવું પ્રતિપાદન કરવામાં કશો બાધ આવવો જોઈએ નહીં. વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે પ્રવર્તતા પૂર્વગ્રહો, ધિક્કાર અને ગેરસમજનો ખોટો ભાગ દૂર કરી, પરસ્પર શાંતિ અને સમજણને વિકસાવવામાં, દરેક ધર્મના સત્ય અને વિશેષતાનું આ પ્રતિપાદન સહાયરૂપ થશે. દેશ, ધર્મ કે રાષ્ટ્રીયતાનો ભેદ રાખ્યા વિના, ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓએ ‘શાંતિ, પીડિતોની સેવા અને આંતરધર્મ સહકાર’ જારી રાખવાં જોઈએ. ધર્મો, રાષ્ટ્રો અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પોષવા માટે એમનામાં રહેલી એકતા ઉપર ભાર મૂકવો જોઈએ, નહીં કે એમની વચ્ચેના ભેદો ૫૨. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે: ‘એ એકતાને ઘડે તે તમામ સત્ય છે, પ્રેમ સત્ય છે, ધિક્કાર જૂઠો છે કારણ, ધિક્કાર ભેદો ઊભા કરે છે. ધિક્કાર માણસને માણસથી જુદો પાડે છે માટે, ધિક્કાર જૂઠો છે ને ખોટો છે…પ્રેમ બાંધે છે, પ્રેમ એકતા જન્માવે છે…કારણ પ્રેમ અસ્તિત્વ છે, સ્વયં પરમેશ્વર છે. અને આ સઘળું થોડા ઘણા વ્યક્ત પેલા પ્રેમનો આવિષ્કાર છે.’

પ્રશ્ન-૨ પોતાની પ્રજાઓ અને પોતાના રાષ્ટ્રીય નેતાઓ સમક્ષ રજૂ કરે અને પોતે જેમને ટેકો આપે એવાં કઈ યોજનાઓ કે સર્વસ્વીકૃત કાર્યો છે?

ઉત્તર: સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘ધર્મ સમું આપણને ક્રુર કરનારું કશું નથી અને ધર્મ સમું આપણને કોમળ કરનારું કશું નથી.’ અને એમણે બીજે સ્થળે કહ્યું છે, ‘માણસે અનુભવેલો ઉત્કટ પ્રેમ ધર્મમાંથી ઉદ્ભવ્યો છે અને માણસે અનુભવેલો સેતાની ધિક્કાર પણ ધર્મમાંથી ઉદ્ભવ્યો છે. જગતમાં હિંસાનું એવું કારણ બનનાર ધાર્મિક અસહિષ્ણુતા ઘણી વાર બીજા ધર્મોના બોધના અજ્ઞાનથી જન્મે છે. એથી ઉલટું, શુચિતા, નિઃસ્વાર્થતા, પ્રાણીમાત્ર સાથે એકાત્મતા અને દયા જેવા ગુણો જેમની ૫૨ બધા ધર્મો ઊભા છે તેમની ઉપર ભાર દેવાથી શાંતિ, સમજ અને વિશ્વમાં સહકાર માટેનું સમર્થ બળ ધર્મ બને છે. આથી, બધા ધર્મોમાં અનુસ્યૂત એકતાનું જ્ઞાન સૌથી અગત્યનું છે. પોતાની કલ્પના મુજબના વૈશ્વિક ધર્મના સ્વરૂપની આલોચના કરતાં, ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ઘોષણા કરી હતી કે:… કદીયે વિશ્વધર્મ સ્થપાય તો એ સ્થળકાળથી પર હશે; જે પ્રભુને એ પ્રબોધશે તેના જેવો જ અનંત તે હશે અને એનો સૂર્ય કૃષ્ણ અને ક્રાઈસ્ટ ઉપર, પુણ્યાત્માઓ અને પાપીઓ ઉપર સમાન પ્રકાશશે અને એ ધર્મ નહીં હોય બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્તી કે મહંમદી પણ, એ સર્વના સ૨વાળા જેવો એ હશે અને એના વિકાસ માટે અનંત અવકાશ હશે; અને એ એટલો ઉદાર હશે કે એના નિઃસીમ બાહુમાં પ્રત્યેક મનુષ્યને સમાવી લેશે. ધાર્મિક વિવેકબુદ્ધિનો રહસ્યમંત્ર હશે ‘સ્વીકાર’ નહીં કે ‘આઘા રહો’. અને ‘વિવિધતામાં એક્તા’ પર એ આધારિત હશે. ધર્મના આવા વૈશ્વિક રૂપના સ્વીકા૨નો અર્થ એ નથી કે કોઈએ પોતાનો ધર્મ તજવો પડશે કે ધર્મોએ પોતાની લાક્ષણિકતાઓ છોડવી પડશે. ઊલટું એનો અર્થ એ છે કે દરેક ધર્મ પોતાની વ્યાવર્તક પ્રકૃતિને વળગી રહેશે અને છતાંય, બીજા ધર્મોમાં મૂર્તિમંત થયેલાં પાયાનાં સત્યોને સ્વીકારશે તેમજ, વિવિધ ધર્મોના અનુયાયીઓ પોતાના ધર્મના સિધ્ધાંતો વિધિઓ અને પયગંબરોને પ્રેમથી વળગી રહ્યા છતાં બીજા ધર્મોનાં વિશિષ્ટ લક્ષણોને પોતાનાં હૃદયમાં સ્થાન આપશે.

બધા ધર્મોના અનુયાયીઓને તેમજ જાહેર જનતાને બધા ધર્મોના અનુસ્યૂત સિદ્ધાંતોની સમજણ આપવા માટે નીચેના જેવા કાર્યક્રમો હાથ ધરી શકાય:

(૧) જુદા જુદા ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ શાંતિ, માનવપ્રેમ, અહિંસા આદિના સનાતન સંદેશોનું ધાર્મિક સાહિત્યનું પ્રકાશન કરવું.

(૨) એમનાં પોતાનાં ધર્મસ્થાનકોમાં આંતરધર્મ સંવાદોના આયોજન દ્વારા સહિષ્ણુતા ખિલવવી.

આ રીતે તૈયાર થઈ બહાર પડેલા લોકોનાં શક્તિશાળી નિવેદનો દ્વારા, સત્ય, શાંતિ, અહિંસા આદિ માટે રાષ્ટ્રના નેતાઓમાં જાગ્રતિ આણવી.

પ્રશ્ન-૩ માનવજાતમાં બધાંને સ્પર્શતા પ્રશ્નોના ઉકેલ માટે ધર્મ પરિષદ સતત કાર્યરત રહે અથવા, ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓની એક સમિતિ રહે અને વ્યવસ્થિત કામ કરે તે વિશે આ સંસદના સભ્યોએ વિચારવું જોઈએ?

ઉત્તર: હા, પ્રયત્ન કરી જોવા જેવો છે. પ્રથમ એક સમિતિ રચાય જેનું કાર્યક્ષેત્ર સલાહકારનું રહે અને પછી, જરૂર જણાય તો, પરિષદ કાર્ય કરે.

પ્રશ્ન-૪ (તૈયાર થતી) પરિષદની જગતની નીતિ વિષયક અને એવી બીજી, ઉદ્ઘોષણાને સંસદના સભ્યો ટેકો આપી શકે?

ઉત્તર: ઉ૫ર ચર્ચ્યા પ્રમાણેના બધા ધર્મોના અનુસ્યૂત સિદ્ધાંતોનો સમાવેશ જગતની નીતિવિષયક ઉદ્ઘોષણામાં થવો જોઈએ અને બધા ધર્મો એ માટે સંમત હોવા જોઈએ. જગત અને તેમાં વસતા સઘળા લોકોના ઉત્થાન માટે બધા ધર્મો પ્રવૃત્તિ કરી શકે તે માટેના અગત્યના આ મુદ્દા છે. બીજાં માનવબંધુજનો અને પોતે જેમાં વિચરે છે તે જગત સાથે પોતાની એકતા માટેની તાર્કિક ભૂમિકા એ માનવીને બક્ષે છે અને આમ, પરસ્પર સહકાર, વિશ્વાસ અને આદર માટે તેને પ્રેરણા આપે છે.

જગતની નીતિવિષયક ઉદ્ઘોષણામાં નીચેના બાબતો સમાવિષ્ટ કરવી જોઈએ: પ્રથમતઃ સર્વત્ર લાગુ પડતાં બધા ધર્મોનાં સનાતન સત્યો – વિજ્ઞાન સાથે જેમનો બહુધા મેળ બેસતો હોય તેવાં સત્યો – એમાં સ્વીકારાવાં જોઈએ.

બીજું, બધા ધર્મો “વિવિધતામાં એકતા”ના સિદ્ધાંતની અભિવ્યક્તિઓ છે તે બાબતનો એમાં સ્વીકાર થવો જોઈએ.

ત્રીજું, એણે બધા ધર્મોને સત્ય તરીકે સ્વીકારવા જોઈએ અને સંપ્રદાયવાદ તથા અસહિષ્ણુતાને જરાય સ્થાન નથી તેની પર ભાર દેવો જોઈએ.

ચોથું, એણે માનવતાવાદી મૂલ્યો પર ભાર દેવો જોઈએ જેથી, માનવીને જીવનની મૂંઝવણો દૂર કરવામાં સહાય કરી શકે.

છેલ્લે, મનુષ્યને ઉત્તમ શાંતિ અને પૂર્ણતાની અનુભૂતિ કરાવે તેવી એક માત્ર બાબત, જીવનના અંતિમ ધ્યેય, ઈશ્વરના સાક્ષાત્કા૨ ત૨ફ તેનું ધ્યાન વાળવું જોઈએ.

પરંતુ, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર ઉદ્ઘોષણા ક૨વાથી ધર્મ દ્વારા કે સામાજિક કે રાષ્ટ્રીય કક્ષાએ સંવાદ કે સહકાર સાધી શકાશે નહીં. સાચી સમજણશક્તિથી જ સંવાદ પ્રગટી શકે. જગતની નીતિવિષયક ઘોષણા કે એવાં બીજાં નિવેદનોમાં આ તાત્ત્વિક મુદ્દાઓ હોય તો આ સંસદના સભ્યોએ તેને ટેકો આપવો જોઈએ.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

(‘પ્રબુદ્ધ ભારત’માંથી સાભાર)

Total Views: 423

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.