સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે,
મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે.

સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાતમ જોયા સરખા રે,
સખી, નેણે નીરખ્યા મારા નાથને, મારી મટી ગઈ અંતર તરસા રે.

સખી, શું રે કરું હવે સાધના, મારી સુરતામાં હરિ સંધાણા રે,
સખી, જ્યારે જોઉં ત્યારે દીસે પાસમાં, મારે વચને વાલોજી બંધાણા રે.

સખી, જોગ બન્યો જુગદીશનો, હરિ અબળાને મોલે આવ્યા રે,
સખી, બોધ કરીને બળ દાખવે, એ તો ફાલ્યાં ફૂલ કરમાવાં રે.

સખી, ઊંચું જોઉ તો આકાશમાં, હું હેરું તો હરિ હેઠા રે,
સૂઈને જોઉં તો ઝલકે સેજમાં, બેસું તો તખત પર બેઠા રે.

સખી, પરણી પિયુજીને પ્રીછવે, કુંવારી કંથમાં શું જાણે રે,
કુંવારી રમે ઢીંગલે પોતિયે, એ તો મેરમને શું માણે રે.

સખી, પરણ્યા પિયુજીની પ્રીતડી, મૈયરિયે નવ કહીએ રે,
સખી, પોતે જણાવે પ્રીતડી, એનાં લોચનિયાંમાં લહીએ રે.

સખી, પિયુ મળ્યાનાં પારખાં, એની કાયા કહી બતલાવે રે,
સખી, અરસપરસ હુઈ રહ્યાં, તેને ખલકમાં કોણ ખાળે રે.

સખી, ગાંડી ઘર ચલાવે નહીં, એ તો પીયરિયે જઈ શું માલે રે,
સખી, ચિત્ત રે ચડ્યું એનું ચાકડે, એ તો ઠગનીને શું ઠારે રે.

સખી, મેલી મરજાદા જે મળ્યા, એની છત નહીં રે’વે છાની રે,
સખી, ભાણ પ્રતાપે રવિ બોલિયા, હું તો મેરમને મન માની રે.

પ્રેમલક્ષણા ભક્તિનું ભજન

‘હિર અબળાને મોલે આવ્યા’ – ભક્તિસાધનાનું એક મુખ્ય તત્ત્વ-પ્રપત્તિ, શરણાગતિ. બળ, ઐશ્વર્ય, આધાર એક માત્ર શ્રીહરિના ચરણોમાં. ભક્તને માટે પોતાની સાધનાનું પણ બળ નહીં. કૃપા દ્વારા જ સઘળું સાધ્ય. તેનો મૂળમંત્ર:

યત્કિંચિત્ પૌરુષં નૃણામ્ એતત્ કૃષ્ણકૃપાસાધિતમ્

જે કાંઈ મનુષ્યનો પુરુષાર્થ, એ સર્વ કૃષ્ણકૃપા દ્વારા જ સાધિત.

‘સખી, જોગ બન્યો જુગદીશનો’-પ્રભુનો મને મેળાપ થયો. જેનામાં કાંઈ જ શક્તિ નથી એવા પ્રેમીના જીવનમાં ભગવાન પધાર્યા. જે કોઈ અહંકાર રાખી પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે છે તે તો પોતાના ફાલ્યાફૂલ્યા જીવનને પણ નિષ્ફળ બનાવી નાખે છે. પ્રભુ ત્યાં પ્રગટ થતા નથી.

‘પરણી પિયુજીને પ્રીછવે’-જેણે પ્રેમભક્તિથી ભગવાનને પોતાના કર્યા છે એ જ પ્રિયતમની લીલા જાણે છે. આ અનંત બ્રહ્માંડનો સ્વામી એક ક્ષુદ્ર લાગતા મનુષ્યના જીવનમાં પણ કેવો પ્રગટ થાય છે એનું રહસ્ય તે જાણે છે. બીજાઓને તેની શી ખબર પડે?

‘સખી પિયુ મળ્યાનાં પારખાં એની કાયા કહી બતલાવે.’ – જેને ભગવાન મળ્યા, જેને બ્રહ્મની પ્રાપ્તિ થઈ એનું તેજ અછતું રહેતું નથી. છાંદોગ્ય ઉપનિષદ્માં સત્યકામ જાબાલની આવી કથા આવે છે. તેને આંતરિક રીતે બ્રહ્મજ્ઞાન થાય છે અને તે ગુરુ ગૌતમના આશ્રમમાં પાછો ફરે છે ત્યારે તેને જોઈ ગુરુ બોલી ઊઠે છે: ‘બ્રહ્મવિદ્ ઇવ વૈ સૌમ્ય, ભાસિ – તું બ્રહ્મજ્ઞાની હોય એવું લાગે છે, બેટા!’ એ જ રીતે સત્યકામના શિષ્ય ઉપકોસલને પણ આત્મજ્ઞાન થાય છે અને સત્યકામ જાબાલ યાત્રાએથી પાછા ફરે છે ત્યારે ઉપકોસલનો દીપ્તિમાન ચહેરો જોઈ કહે છે: ‘બ્રહ્મવિદ્ ઇવ સૌમ્ય, તે મુખં ભાતિ’- ‘બેટા, તારો ચહેરો બ્રહ્મજ્ઞાનીની જેમ પ્રકાશે છે.’

કબીરની આ વિષે સાખી છે:

જિહિ હિરદૈ હરિ આઇયા, સો ક્યૂં છાનાં હોઈ?
જતન જતન કરી દાબિયેં, તઉ ઉજાલા હોઈ.

‘સખી, મેલી મરજાદા જે મળ્યા’-મરજાદા-પાશ, બંધન. પરમાત્માની પ્રાપ્તિ આડે આઠ પાશ કે બંધન ગણાય છે:

ઘૃણા લજજા ભયં શોકો જુગુપ્સા ચેતિ પંચમી,
કુલં શીલં ચ જાતિશ્ચ એષૌ પાશા: પ્રકીર્તિતા:

ઘૃણા, લજજા, ભય, શોક, નિંદા, કુળ, શીલ અને જાતિનું અભિમાન: આ આઠ પ્રકારના પાશ કહેવાય છે. આ આઠ પાશને દૂર કરી જે ભગવાનને ભેટે છે તેની છત-વિપુલતા, અપાર પ્રાપ્તિ છાની રહેતી નથી.

– મકરંદ દવે

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.