શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. સ્વામી વિવેકાનંદ તેમ જ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોના ૬૦ વર્ષના દીર્ઘ કાળના ગાઢ સહવાસ, સેવા, શાસ્ત્ર અધ્યયન, કઠિન તપશ્ચર્યા અને નિષ્કામ કર્મયોગીના જીવનના પરિપાકરૂપે અને તેમના અનુભવરાશિના પરમોપયોગી નિચોડ સ્વરૂપ તેમના ગ્રંથ ‘પરમપદને પંથે’ના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.

દીક્ષા લીધાને થોડોક સમય થયો કે તરત જ ઘણાય કહે કે, ‘મન સ્થિર થતું નથી કેમ? ધ્યાન બરાબર થતું નથી કાં? મન જેથી સ્થિર થઈ જાય એવું કરી આપો.’ અરે, મન સ્થિર થવું, ધ્યાન થવું એ તે શું કાંઈ સહેલી વાત છે? મન જન્મ જન્માંતરના વિષયાસક્તિના સંસ્કારોને લીધે સ્વભાવે જ બહિર્મુખ નિરંતર વિષયોભોગો શોધતું ફરે અને તેમાં જ તેને રસ આવે. એ ચંચળ મનને સ્થિર કરવું હોય તો અભ્યાસ અને વૈરાગ્ય વિના ટૂંકો માર્ગ (Short cut) કોઈ નથી. દિવસોના દિવસ, મહિનાના મહિના, વરસોનાં વરસ સુધી ધીરજ અને નિષ્ઠાપૂર્વક ગુરુએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે જપધ્યાન વગેરેનો સતત અભ્યાસ કર્યે જવો જોઈએ, અને સાથેસાથે વિષયો પ્રત્યે અનાસક્તિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વિષયો પ્રત્યેનું ખેંચાણ જેટલું ઘટશે અને ઈષ્ટદેવ ઉપર જેટલું વધશે અને એ પોતાનાથી પણ વધુ પ્રિય છે એમ જણાશે, તેટલું તમે જોજો કે મન પોતાની મેળે જ સ્થિર અને શાંત થતું આવશે. ત્યારે પછી ધ્યાન પણ જામશે અને આનંદ ને શાન્તિયે આવશે. જરાક-તરફ ધ્યાન જપ કરીને આનંદ ન આવ્યો એટલે છોડવું નહિ, ઝટ ફળને માટે ઉતાવળા ન થતાં શ્રીરામકૃષ્ણની વાત માંહેના ‘ખાનદાન ખેડૂત’ની પેઠે એકધાર્યું વળગ્યા રહેવું જોઈએ. દસ વરસ વરસાદ ન પડે તોય એ ખેતી કરવાનું છોડે નહિ.

શરૂઆતમાં નિયમપૂર્વક જપધ્યાન કરવાં જોઈએ. મન સ્વભાવથી જ કામ કરવામાં, મહેનત કરવામાં નારાજ, કેવળ બહાનાં ગોતીને કામ ટાળવા માગે. જે કામમાં તેને લગાડવા માગો એમાં ન લાગતાં બીજી બાજુએ દોડાદોડ કર્યા કરશે. જો કોઈ કામમાં નહિ લગાડો તો ખોટાં યા નકામાં કામ કરશે. વાતમાં કહે છે ને કે ‘કામ વિનાનું મન એ સેતાનનું કારખાનું’ એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક routine – દૈનિક કાર્યક્રમ કરવો કે, જેનું પાલન કરી શકાય, અને દૃઢ સંકલ્પ રાખવો કે ગમે તે અવસ્થામાં પડો, બીજું ગમે તે કામ આવી પડે પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દૃઢતા જોઈએ. આહારવિહાર, ભણવુંગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાન ભજન, એટલે સુધી કે ખુશીમજા, રમતગમત : એ બધાં કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડી અવળી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું, નિયમ બાંધીને મનને દૃઢ ભાવે હુકમ કરીને કહેવું : ‘અરે બાપલા, તું ઈચ્છે કે ન ઈચ્છે, તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે.’ થોડાક દિવસ મન વાંકું થઈ બેસશે, કોઈ રીતે અંકુશ માનવાનું નહિ, એને પકડીને પરાણે કામમાં લગાડવું. સાથેસાથે તેને સમજાવવુંય. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું. અસીમ ધૈર્ય, ખંત અને ઈચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન દેખશે કે અરે બાપરે! કોઈ રીતે આ બંધન તૂટે એમ નથી, ત્યારે પછી એ પોતાનું અક્કડપણું છોડવાનું, ને ડાહ્યું ડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસયોગ. એના વિના મનને વશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી એ નક્કી જાણજો.

Total Views: 15
By Published On: April 24, 2022Categories: Virjananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram