શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ વિદેશમાં, ઉદાહરણ તરીકે અમેરિકામાં, જ્યાં આવી પ્રવૃત્તિઓની જરૂર નથી ત્યાં મિશન શું કરે છે? એ ‘અદૃશ્ય સેવાઓ’ આપે છે એમ લેખિકા કહે છે. વેદાન્ત સોસાયટીઓનાં સભ્યો ધર્મમય જીવન જીવવા અને ધર્મ શું છે તે દર્શાવવા પ્રયત્ન કરે છે. અને અમેરિકાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાનો શાંત યત્ન કરે છે. કારણ, લેખિકા જણાવે છે તે પ્રમાણે, ‘જગત જેટલું ધર્મ વિનાનું નથી એટલું એ સાચો ધર્મ શું છે તે જાણતું નથી.’ શું વેદાંત ભાવિધર્મ છે? એ સ્વામી વિવેકાનંદના પ્રશ્નના ઉલ્લેખ વિના, પ્રવ્રાજિકા કહેતાં જણાય છે કે, ચોક્કસ, એમ જ છે! અમેરિકાની ધાર્મિક અપેક્ષાઓનું વલણ દર્શાવે છે કે, બિનધોકાપંથી, અ-સંસ્થાકીય, વ્યક્તિગત અને છતાં માનવતાવાદી વેદાંત, ખરેખર જગતનો ભવિષ્યનો ધર્મ છે. આ ઉત્તમ લેખ માટે અમે, રામકૃષ્ણ મઠ અને મિશનના હૉલીવુડ કેન્દ્રના સાંતા બાર્બરા સ્થિત કૉન્વેન્ટનાં સંન્યાસિની, પ્રવ્રાજિકા વ્રજપ્રાણાના ઋણી છીએ. – સં.
‘आत्मनो मोक्षार्थम् जगद्धिताय च -’
‘જાતને માટે મોક્ષ અને જગજનોની સેવા’ – એ રામકૃષ્ણ સંઘ માટે ખાલી નારા કરતાં કશુંક વિશેષ છે. નારાઓ સ૨ળતાથી સામાન્યતામાં સરી પડે છે જે, મૂલ્યહીન ચલણી વાક્ય બની જાય છે. રામકૃષ્ણ મિશનના આદર્શોને વરેલાઓ માટે, આ બેવડો સ્વીકાર એટલે સંઘની આધારશિલા; એ ધ્યેય છે અને એ ધ્યેયે પહોંચવાનો માર્ગ પણ એ છે. સૂત્રમાં કહીએ તો જેના ઉપર આપણું દૈનિક જીવન દોરી શકાય તેવો સ્ટેન્સિલ કાગળ એ છે.
ભારતમાં સેવા પાસું સરળતાથી જોઈ શકાય છે. એ ખૂબ પ્રેરક અનુભવ છે. રામકૃષ્ણ મિશનને કાર્યરત જોઈ કોઈ પણ વ્યક્તિ ધ્યાન, ઉત્સાહ અને આદરથી થતા એ કાર્યથી અભિભૂત થયા વિના રહી શકે નહીં. પ્રાથમિક શાળાઓથી જબરદસ્ત કૉલેજો સુધી, પૂરરાહતથી તે ભૂખ્યાંને ભોજન સુધી, ગ્રામ આરોગ્ય કેન્દ્રોથી બહુમાળી હૉસ્પિટલો સુધી, અંધજન તાલીમ કેન્દ્રો અને વ્યાવસાયિક તાલીમ શાળાઓથી ભૂકંપે પાઘર કરેલાં મકાનો અને જીવનો ઘડવા સુધી – આ યાદી જેટલી અસરકારક છે એટલી જ અનંત છે. એ કાર્યના જેટલી જ એ કરનાર સાધુની એકદેશી ભક્તિ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. આ સેવાને ‘દૃશ્યમાન સેવા’ કહી શકાય. એવી જ મોટી ‘અદૃશ્ય સેવા’ પણ છે.
એકાંતમાં બેસી ધ્યાન ધરનારાઓ તથા મંદિરમાં પૂજા કરનારાઓ પણ સેવા જ કરે છે. આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે પૂરા દિલથી લાગી રહેનાર આ સંતો સેવાફલના વૃક્ષને વારિ સિંચન કરે છે. ઈશ્વર સાક્ષાત્કારના આદર્શને અગ્રતાક્રમ ન અપાય તો સેવાનો આદર્શ અહંમન્યતાના અને આત્મભાવના ઢાંચામાં પડી જશે. ઈશ્વર – સાક્ષાત્કારના આદર્શને દૃષ્ટિ સામે રાખીને, રામકૃષ્ણ મિશનનું મહાવૃક્ષ આધ્યાત્મિકતાની ભૂમિમાં દૃઢ મૂળ થઈ શકશે અને પોતાની સેવાનો લાભ લેનારાંઓને પોતાની ચોમેર ફેલાતી શાખાઓ નીચે આશરો આપી શકશે.
જેમનાં મુખ પોતે કદી જોવાના નથી તેવા ભૂખ્યા આત્માઓ માટે પ્રેરણાના બોલ લખનાર સંતના શાંત પ્રયત્નો પણ મોટી સેવાનું કાર્ય છે. એ જ રીતે આંધીઓ અને ચેપી રોગોને કાળે જે સાધુ મેજ સામે બેસી, અનંત કલાકો સુધી કાર્ય કરવામાં માને છે તેનું પણ છે. કંપ્યૂટરના પડદા સામે આંખો ફાડતા સાધુ વિશે પણ તેમ જ છે. એમની સેવાઓ ઓછી દૃશ્યમાન છે તેથી એ ઓછી મહત્ત્વપૂર્ણ નથી. દરેક સંન્યાસીનું અર્પણ પોતાની વિશિષ્ટ રીતે વીર્યવંતુ છે. અખંડનો પ્રત્યેક ભાગ સંવાદિતાનો સ્વર હોઈને, દરેક સંતના જીવનમાંથી શ્રમ અને ભક્તિના મહાસંગીતની એક વિશિષ્ટ સંગીત રેખા દોરે છે.
રામકૃષ્ણ સંઘનું અમેરિકાનું કાર્ય ઘણું ખરું ‘અદૃશ્ય સેવા’ના ક્ષેત્રમાં આવે છે.૧ એથી શું અમારું કાર્ય ઓછું ગહન છે? જરાય નહીં. ઊંડાણ અને અર્થ સિવાયના દરેક ક્ષેત્રમાં અતિના ભારે દબાયેલી પ્રજા માટે એ કાર્ય જ આવશ્યક છે.
રામકૃષ્ણ સંઘની પશ્ચિમની શાખાઓ, વેદાંત સોસાયટીનું કાર્ય પણ, ભારતમાં છે તેમ, ‘માનવસેવા’ જ છે. તેમ જ, ભારતની માફક, અમારું ધ્યાન તાતી આવશ્યકતાઓ ઉપર કેન્દ્રિત છે. ઉત્તર અમેરિકામાં આનો અર્થ એ છે કે, આધ્યાત્મિક દારિદ્રયને દૂર કરવા પર, આત્માની ભૂખ ભાંગવા ૫૨, સાર્થક જીવનની તૃષા પર અમારી સેવા કેન્દ્રિત કરવી.
અમેરિકા વિરોધાભાસી દેશ છે, વિવિધ તત્ત્વો અને બાબતોની ખીચડી છે, જે ઘણી વાર પરસ્પરની આમને સામને હોય છે. પણ આ ખૂબ વેગથી પરિવર્તિત સંસારમાં કેટલાંક અચલ તત્ત્વો છે અને આવું એક અચલ તત્ત્વ ધર્મમાં દૃઢ નિષ્ઠા છે.
ઉપભોગની જણસોના ઘોડાપૂરમાં અમે તણાયાં જઈએ છીએ અને, એની અમને ખૂબ આવશ્યકતા છે એમ માધ્યમો દ્વારા અમારી ઉપર સતત ઠસાવવામાં આવે છે એ અર્થમાં, અમે ભૌતિકવાદી દેશ હતા અને છીએ એ બાબતને આથી નકારવી નથી. અગત્યનું એ છે કે, ભૌતિકવાદ – પોતાની પાસે રાખવા ખાતર જ વસ્તુઓને રાખવી તે – તે સામાન્ય રીતે સારો ગણાતો નથી. ભૌતિક પદાર્થોના પૂરમાં અમે બધાં તણાઈ રહ્યાં છીએ એ હકીકતે ઊંડો અસંતોષ જન્માવ્યો છે.
કશાક ઉચ્ચતર અને મહત્તરને ઝંખતા, ઉત્તર અમેરિકાનો આજે, સદીને અંતે, આધ્યાત્મિક પુનર્જાગ્રતિ અનુભવે છે તેનો પુરાવો સમાજના દરેક પાસામાં જોઈ શકાય છે. કૅનૅડા બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશને કરેલા એક સર્વેક્ષણ અનુસાર, ‘જેમને પૂછેલું તેમના પૂરા પચાસ ટકાએ જણાવ્યું હતું કે એમનું જીવન છેલ્લાં થોડાંક વર્ષોમાં વધારે આધ્યાત્મિક બન્યું છે…. ૮૨ ટકા જેટલી વિશાળ બહુમતિ પોતાની જાતને ‘થોડી કે વધારે આધ્યાત્મિક’ માને છે.’૨
કેવળ આ વરસમાં જ, યુનાઈટેડ સ્ટેટ્યૂટસની પાંચ મૅડિકલ શાળાઓએ પોતાના ભાવિ તબીબો માટે ધાર્મિક શિક્ષણ ફરજિયાત કર્યું છે. બીજી મૅડિકલ શાળાઓ પણ તેને અનુસરશે તેવી આશા છે. નવાં પ્રકાશિત પુસ્તકોનાં શીર્ષકો આધ્યાત્મિકતાનું આવાહન કરતાં જણાય છે. માત્ર ધાર્મિક અને આત્મ-સહાયનાં પુસ્તકોની નિત્ય વૃદ્ધિ પામતી સંખ્યામાં જ નહીં પણ, વેપાર અને સંગઠન રીતિઓનાં, પારસ્પરિક સંબંધોનાં, કૌટુંબિક અને માતૃત્વ-પિતૃત્વને લગતી બાબતોનાં, ગૃહશોભાનાં, મેદ ઓછો કરવાનાં અને સ્વજાતિ સંસર્ગને લગતાં પુસ્તકોમાં પણ આધ્યાત્મિકતાને સાદ દેવામાં આવે છે.
હજી હમણાં સુધી તો, વિવેકભરી વાતચીતમાં ધર્મ અને ઈશ્વર ઉપર પ્રતિબંધ હતો. બીજા કોઈ પણ વિષય ઉપર છૂટથી વાતચીત કરી શકાય, ધર્મની દૃઢ શ્રદ્ધાની વાત હલકી રુચિની અને અકળાવનારી ગણાતી. આજે હવે સામાન્ય વાતચીતમાં જ નહીં પણ, મુદ્રિત માધ્યમોમાં રેડિયો-ટેલિવિઝન પરનાં વાર્તાલાપોમાં અને ઇન્ટરનેટ પરના ‘ચેટરૂમો’માં પણ એના કરતાં વધારે લોકપ્રિય બીજું કશું નથી. જાહેરાતો કરનારાઓએ જીન વસ્ત્રો, કોલન વૉટર અને હૅર્બર્ગર વેચવા માટેની જાદુઈ લાકડી તરીકે પણ આધ્યાત્મિકતાનો ઉપયોગ કર્યો છે એ વક્રોક્તિ છે. પારલૌકિકતાની જેમ કશું વેચાતું નથી એમ લાગે છે. શા માટે? સફળ જાહેરાત કરનારાઓ લોકોની ઊંડે રહેલી જરૂરતોને અપીલ કરે છે અને આજને તબક્કે, ઊંડામાં ઊંડી જીવન પ્રેરણા જીવનનો આધ્યાત્મિક આધાર છે. વૉટર કૂલરથી ઇન્ટરનેટ સુધી આધ્યાત્મિકતાની જ ફૅશન છે. મેનિટોબામાં ફિલસૂફીના અધ્યાપક જૉન સ્ટૅકહાઉસે કહ્યું છે : ‘લોકો પારલૌકિકની ખોજ જ કરે છે.’3
વર્જિનિયાના ધાર્મિક વિચારકોના ટ્રિનિટિ ફોરમના ઑસ ગિનેસ ઉમેરે છે : ‘(દેવળનાં આસનોની) હારોમાના લોકો કંટાળી ગયા છે. લોકોને કોઈક પ્રકારની આધ્યાત્મિકતા જોઈએ છે પણ, તેમને સાર્થકતા પણ જોઈએ છે…. છેલ્લાં પાંચ વર્ષોમાં, એવા અસંખ્ય લોકોના સંપર્કમાં હું આવ્યો છું જેમની પાસે પૈસો અને સત્તાની બાબતમાં બધું જ છે પણ, એમને લાગે છે કે તેમનું જીવન રિક્ત છે અને, એ લોકો વધારેની ઝંખના કરે છે.’ ૪
પ્યુરિટનો અમેરિકાને કાંઠે લાંગર્યા ત્યારથી જ અમેરિકાને ધર્મનું વળગણ રહેલું છે; એ લોકો ધારતા હતા કે પોતે અહીં નવું યરુસલેમ ‘ટેકરી પરનું નગર’ ઊભું કરશે. અહીં ઈશ્વર (પ્યુરિટનોના વિચાર પ્રમાણેના ઈશ્વર)ની આરાધના કરશે અને, ઈશ્વરનો ડર રાખતા જીવનનો પોતાનો ખ્યાલ પ્રગટ કરશે. હજી આપણું ધર્મનું વળગણ એટલું જ છે પણ, સંસ્થાગત ધર્મનાં જૂનાં રૂપો કાલાતીત થઈ ગયાં છે અને, ચૉકલેટને વિંટાયેલા કાગળની જેમ તે તજી દેવાયાં છે.
મતગણતરીથી જાણવા મળે છે કે, ૯૩ ટકા અમેરિકનો ઈશ્વરમાં કે વૈશ્વિક આત્મામાં માને છે. માત્ર ૯ ટકા કોઈ ધર્મને અનુસરતી નથી. બીજી કોઈ પ્રજામાં છે તેના કરતાં અમેરિકામાં દેવળોની સંખ્યા વધારે છે – દર ૯૦૦ અમેરિકનો દીઠ એક દેવળ છે.૫ પણ આજની અમેરિકન પ્રજા પોતાનાં વડીલો જતાં હતાં તે સંખ્યામાં દેવળોમાં જતી નથી. આજે કેવળ ૪૫ ટકા અમેરિકનો દેવળમાં જાય છે.૬ જે જાય છે તે, મોટે ભાગે, પ્રોટેસ્ટંટ સંપ્રદાયોના હોતા નથી; એ સંપ્રદાયો ખ્રિસ્તી ધર્મના અને અમેરિકન સમાજના પાયારૂપ હતા.
વિશેષ વૃદ્ધિ પામતા ખ્રિસ્તી સંપ્રદાયો ઈવેજૅલિકલ – અર્થાત્, ઈસુ ખ્રિસ્ત સાથે વ્યક્તિગત સંબંધ પર ભાર મૂકનાર – સંપ્રદાયો છે. આ સંપ્રદાયો સુગ્રથિત નથી. ચડઊતર પાયરીઓના નથી. અને સંસ્થાગત નથી. ઘણા લોકો માને છે કે, આપણે હવે ‘સંપ્રદાયોત્તર’ કાળમાં છીએ. આજે અમેરિકાનો ‘પોતાનો’ ધર્મ પોતે સર્જે છે, પોતાનાં જ હૃદયોમાં દેવળોનાં ગર્ભગૃહો, સિનેગૉગો અને મંદિરો બાંધે છે. યુ.એસ ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર, ‘તાજેતરના કેટલાક અભ્યાસોનાં તારણ પ્રમાણે, લોકોની ચોક્કસ સંપ્રદાયો પ્રત્યેની નિષ્ઠા ઓછી થઈ છે, પોતાની ધાર્મિક માન્યતાઓમાં વધારે ખુલ્લાં મનવાળા થયા છે અને બીજા ધર્મો પ્રત્યે વધારે સહિષ્ણુ થયા છે. તથા, પોતાની આધ્યાત્મિક યાત્રા માટે પોતાની ભીતર ધ્યાન કેન્દ્રિત કરતા અને પોતાની અંગત જરૂરિયાતોને સંતોષતા થયા છે.૭
વ્યવહારમાં આનો અર્થ એ છે કે મુખ્ય પ્રવાહનાં દેવળો ભૂતકાળના અવશેષો સમાં બની રહ્યાં છે ત્યારે, ઈશ્વરના અંગત, પ્રત્યક્ષ અનુભૂતિ તરીકેની આધ્યાત્મિકતામાં રસ ઘાતીય વેગે વધે છે. સંસ્થાગત ધર્મોમાં જે ઊણપ જણાય છે તે, પોતાની મેળે, જ્યાં મળે ત્યાંથી, લોકો શોધી લે છે. કૅનૅડાના વિક્ટોરિયાના રોમન કૅથલિક બિશપ રૅમિદ રૂએ કહ્યું છે કે, ‘આપણી ચોમેર, દેવળોમાં ભૌતિક સભ્ય સંખ્યા ઘટી રહી છે તેનો અર્થ એ નથી કે લોકો ઓછા ધાર્મિક થઈ ગયા છે. ‘મૂલ્યો’, ‘આત્મા’ અને ‘અંતઃકરણ’ જેવા શબ્દો સામાન્ય વાતચીતમાં કેટલા આવવા લાગ્યા છે તે જાણવું રસપ્રદ છે. કોઈ પણ કાળે હતા તેટલા જ લોકો આધ્યાત્મિક છે.’૮
આ પરિવર્તન શાથી થયું?
રાજકારણીઓ, લશ્કર, અખબાર, તબીબી તંત્ર કે સંસ્થાગત ધર્મ હોય, બધી સંસ્થાઓ પ્રત્યે વધતો અવિશ્વાસ અમેરિકન સમાજમાં ઓતપ્રોત થઈ ગયો છે અને, વધતા જતા અન્વેષણનો ભોગ દરેક સંસ્થા બની છે. જેમને આપણે વિભૂતિઓ બનાવ્યા હતા તે માટીપગા નીકળ્યા. પૂર્વ અને પશ્ચિમના ધર્મોના ગુરુઓ અને સંપ્રદાયોની દશા પણ એવી જ થઈ. ‘જ્ઞાની’ ગુરુઓ અને ઉપદેશકો એક પછી એક અફવાઓમાં ફસાવા લાગ્યા – આટલી દયાજનક ભોળી અને છતાંય, આધ્યાત્મિક સત્ય માટે આટલી ભૂખી પ્રજા માટે એ મોટો આઘાત હતો.
પરંપરાગત મુખ્ય દેવળોના આધારો વિશે શંકા ઉઠાવવામાં આવી રહી છે તે અગત્યનું છે. એક પેઢી અગાઉ, આપણે એક સરખા સમાજમાં રહેતા અને બીજા ધર્મ કે બીજી સંસ્કૃતિના લોકને મળવાનો પ્રશ્ન કદી ઊભો થતો ન હતો. આજે એ લગભગ અશક્ય છે. આ વિશાળ દેશમાં માણસ ગમે ત્યાં રહેતો હોય એક યહૂદી, મુસલમાન, બૌદ્ધ, કે હિંદુ, શ્વેત એંગ્લો-સેકસન ખ્રિસ્તીનો સાખ પડોશી હોવાની શક્યતા આજે ઘણી છે.
તમારી બાજુમાં કંપ્યૂટરને છેડે બેઠેલો આદમી, કદાચ, થાઈલેંડનો બૌદ્ધ હોય; તમારો સાખ પડોશી, કદાચ, બેંગ્લોરનો હિંદુ હોય; તમારી પુત્રી, કદાચ, બૉસ્નિયાના મુસ્લિમને પરણવા માગે છે. ગઈ પેઢીમાં ‘અમેરિકન’નો મૂળભૂત ખ્યાલ જ એટલો બધો બદલાઈ ગયો છે કે, એક વેળાનો પૂર્ણ શ્વેત ખ્રિસ્તી સમાજ આથી આંચકો અનુભવે છે. કોઈ બિનખ્રિસ્તીને જાણતા ન હો ત્યાં સુધી તમે સરળતાથી માની શકો કે એ બધા તમસમાં સબડવાના છે; પણ એ તમારા સાળાસસરા થાય, મિત્રો, પડોશીઓ અને સાથીઓ થાય ત્યારે, એમ માનવું મુશ્કેલ છે.
બીજું પરિવર્તન એ છે કે, અસંખ્ય લોકો ઈશ્વરને આજે વિશ્વાત્મા કે ઉચ્ચતર ઊર્જા તરીકે સમજે છે, આકાશમાં સિંહાસને બેઠેલા માનવી તરીકે નહીં. પોથીમાંની પ્રાર્થનાઓ ગવાતી હોય તે દેવળોમાં જવાથી આધ્યાત્મિક સંતોષ નહીં મળવાથી, લોકોએ સંસ્થાબદ્ધ દેવળોને તરછોડ્યાં છે અને વનોમાં, પહાડોમાં, રણોમાં ઈશ્વર સાથે સંવાદ શોધ્યો છે.
રૂઢ ખ્રિસ્તી ધર્મની વડીલશાહી અને ઘણાં ખ્રિસ્તી દેવળોની વડીલશાહી ચડઉતર વ્યવસ્થા ઉત્તરોત્તર વિવાદનો વિષય બન્યાં છે. આજે ઘણી સ્ત્રીઓ ભગવાનને કેવળ નરરૂપે સ્વીકારવા તૈયાર નથી. અદ્યતનોત્તર જગતમાં પ્રાચીન યહૂદી – ખ્રિસ્તી ધર્મનો દંડકર્તા ઈશ્વર – જે બધાંનો ન્યાય તોળે છે અને જેના ક્રોધથી બધા ભય પામે છે તે – બંધ બેસતો નથી. બધું ક્ષણિક ચંચળ અને અસત્ય જણાય છે તેવે સમયે, ઈશ્વરનાં મા તરીકેનો પ્રેમ અને રક્ષણ સાર્થક અને શાતાદાયક જણાય છે. વિશેષમાં, કાર્યના ક્ષેત્રમાં, પુરુષના આધિપત્ય સામે (ઘણે અંશે સફળ) લડાઈ લડ્યા પછી, પોતાનાં પૂજાસ્થાનોમાં સ્ત્રીઓ એ આધિપત્યને જરીય નહીં સહી લે. પોતાની બાબતો અને લાગણીઓ પ્રત્યે ધ્યાન નથી અપાતું એમ તેમને લાગશે તો તેઓ તુરત જ બહિષ્કાર જાહેર કરશે. ને ઘણી નારીઓએ તેમ જ કર્યું છે.
વળી, ઘણાં ચર્ચો આજના માનસશાસ્ત્રીય કોયડાઓના હાર્દમાં રહેલા દાર્શનિક પ્રશ્નો સાથે મેળ બેસાડી શકતાં નથી. ભગવાન હોય તો, નિષ્પાપ લોકોને એ શા માટે પીડા સહન કરવા દે? સદીઓથી આ યક્ષપ્રશ્નનો ઉત્તર જૉબની કિતાબમાંથી સાંપડ્યો છે; વ્યક્ત ઈશ્વરની ઇચ્છાના સ્વીકારથી; ઈશ્વરની અકળ લીલાનો પાર પામવાની મનુષ્ય બુદ્ધિની અલ્પતાથી. હૉલકૉસ્ટ (holocaust – ૧૯૪૧માં નાત્સીઓએ કરેલી યહૂદીઓની સામુહિક કતલ)ની દિવાલ સાથે ભટકાયા સુધી આ બધી દાર્શનિક માન્યતાઓ ચાલુ રહી. એ અનિષ્ટના વિરાટ સ્વરૂપે આ ઊંટવૈદોનાં ઔષધોને વાયરાથી ઊડતાં તણખલાંની જેમ ઉડાડી મૂક્યાં. સાઠ લાખ યહૂદીઓની ભગવાન કસોટી કરતો હતો એમ જૉબ અનુસાર કોણ માનવાનું? આવાં અનિષ્ટોને ઈશ્વર થવા દેતો હોય તો, કાં એનું અસ્તિત્વ જ નથી ને કાં, અનિષ્ટને રોકવાને એ અસમર્થ છે. ઈશ્વર અશક્તિમાન હોય તો, એને માટે ભાંજગડમાં પડવા જેવું નથી. આ બે બાબતોને દાર્શનિક વિકલ્પો ગણતાં, આધુનિકોત્તર જગતનો રોગ નિરાશા અને અસાર્થકતાની ભાવના બની ગયેલ છે તેની કશી નવાઈ નથી.
આ દૈત્ય બેલડીને કોઈ ચર્ચ મહાત કરી શક્યું નથી. દુર્ભાગ્યે આ અનિવાર્ય છે કારણ, યહૂદી – ખ્રિસ્તી જગત મર્યાદિત વ્યક્ત ઈશ્વરના ખ્યાલથી કંડારાયેલું છે. સર્વ – કૃપાવાન અને સર્વ – ભલા વ્યક્ત ઈશ્વરનો પ્રશ્ન એ છે કે, અનિષ્ટ માટે થોડા ખુલાસાની એમાં આવશ્યકતા રહે છે. ‘તમને નિત્ય અનુભવ થશે કે, વ્યક્ત ઈશ્વરની વિભાવના સાથે વ્યક્ત સેતાનની વિભાવના પણ જોડવી પડે છે,’ એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે.૯ ‘વધારે ખરાબ તો એ છે કે, આ અલ્પાતિઅલ્પ માનવજીવન સમજ ઉપરાંતની વ્યથાથી સદા પીડાય છે તે સર્વકાળને માટે સમગ્ર અસ્તિત્વનું સત્ત્વ છે. ચક્રાકારને બદલે રૈખિક અભિગમથી કાલને જોવાનાં આ ભયસ્થાનો છે.
અંતમાં, જગત પ્રત્યેના યહૂદી – ખ્રિસ્તી અભિગમે લાદેલી મર્યાદાઓએ સ્થાપિત ધર્મ સિદ્ધાંતો સાથે વિજ્ઞાનની શોધોનો મેળ બેસાડવાનું મુશ્કેલ કર્યું છે. ગઈ આખી સદીમાં બે વિરોધી પરિબળો વચ્ચેના તનાવે લોકોને એમ માનતા કર્યા છે કે, વિજ્ઞાન અને વસ્તુલક્ષી તર્ક અથવા ચર્ચના આદેશો, બેમાંથી એકની પોતે પસંદગી કરવાની રહેશે. પ્રથમ વિકલ્પની પસંદગીથી માનવજાત અંતિમતા વિહોણી થઈ જશે અને બીજો વિકલ્પ અંધશ્રદ્ધાનો ઉકરડો ઊભો કરશે – બિનસાંપ્રદાયિકતાના ગોટાળાથી દરેક સંસ્કૃતિમાં વિકલ્પોની આ પસંદગી ઝડપથી ઊભી થઈ રહી છે.
માનવજાતિની સ્થિતિસ્થાપકતા કેટલી પ્રશંસનીય છે કે એ વિરાટ પ્રતિબળો સામે થઈ પારલૌકિકતા ઝંખે છે. બીજી બાજુએ, પશ્ચિમમાં આપણે માટે બાકી રહેલી એક જ બાબત આધ્યાત્મિકતા છે.
આપણી પાસે સમૃદ્ધિ હતી અને એણે આપણને જણસો આપી. આપણી પાસે જણસો આવી અને તેમણે આપણને સલામતીનો આભાસ આપ્યો. પણ એ સલામતી ક્રૂર મશ્કરી નીકળી અને પૈસાથી ખરીદી શકાતી તથા જગતથી આપી શકાતી કોઈ પણ ચીજ પોકળ જીવનની પીડાનો લેપ ન બની શકી. આપણી પાસે જે કંઈ હતું કે જે કંઈ કમાયા તે કદી પૂરું ન પડ્યું તે સત્ય પીડાકારક હતું.
સાઠીનાં પુષ્પ બાળકો સીત્તેરના દાયકામાં ‘હું-પેઢી’ બની ગયાં. એંશીના દાયકામાં એ પોતાનાં મૂડી રોકાણોનું રક્ષણ કરતાં અને નેવુંમાં ધોળા વાળવાળાં ભૂતકાલના હિપ્પોઓ પોતાના નિવૃત્તિકાળ માટે બચત કરવા લાગ્યાં અને આરસીમાં પોતાના મોતને નિરખતાં ઊભાં. પૂર્ણતાની પોતાની ખોજમાં ક્યાંક, સાઠીની એ પેઢીએ આજના યુવાનોને જન્મ આપ્યો –આઠ કરોડ આત્માઓની એ પ્રજા ‘ક્ષ-પેઢી’ (x-generation) તરીકે વારંવાર ઉલ્લેખાય છે.
વ્યવસ્થિત ધર્મ અને આધ્યાત્મિકતાના જ્ઞાન વિના ઉછેરાયેલી પહેલી પેઢી આ ક્ષ-પેઢીની બહુમતિ છે. ૧૯૬૫ અને ૧૯૭૫ વચ્ચે અમેરિકા લગ્નવિચ્છેદનો દર બમણો થઈ ગયો. આગલી પેઢીમાં જન્મેલા બાળક કરતાં, સાઠીમાં જન્મેલ બાળક માતાપિતા બેમાંથી એકની સાથે જ રહે તેવા સંજોગો ત્રણગણા થઈ ગયાં.૧૦
વિડિયો અને ઍમ. ટી.વી.ના આદર્શ સાથે ઊછરતી. ક્ષ- પેઢીને મોટા ભંડારોમાં સાંત્વન અને ટૅલિવિઝનમાં ભાવનાત્મક સંવાદિતા મળવા લાગ્યાં. અગાઉની કોઈ પણ પેઢીના કરતાં એમણે વધારે વસ્તુઓ સંઘરી પણ કુટુંબોને અને સમાજસમૂહોને એક રાખતો ગુંદર એમને કદી ન મળ્યો.
આ ચિત્ર ટાઢ વાય તેવું હોવું જોઈએ અને છે. જે જગતમાં કશા પર વિશ્વાસ મૂકી શકાય નહીં, કશા પર આધાર રાખી શકાય નહીં તેવા જગતમાં ઉછરી, એ યુવાપેઢીને જીવનની અસહ્ય એકલતાનો સામનો કરવો પડ્યો છે. પણ એ એકલતાએ જ આજની આધ્યાત્મિક પુનર્જાગ્રતિની ભૂમિકા પૂરી પાડી છે. સાર્થકતા અને આત્મ પરિચયની કટોકટીએ ધાર્મિક જાગ્રતિની ચિનગારી પ્રગટાવી છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ધર્મશાસ્ત્રી ગિબ્સન વિટંરે થોડા સમય પહેલાં કહ્યું હતું;૧૧ ‘પોતાને અપાયેલી બધી વસ્તુઓ છીછરી અને ક્ષુલ્લક છે તેમ જાણી ક્ષ-પેઢી વેગથી આધ્યાત્મિકતા ભણી વળી છે. એને સમજાયું છે કે, ‘વક્રતાથી બળેલાં’ એમના જીવનને ઈશ્વર જ બચાવી શકશે. ક્ષ-પેઢીનો લેખક અને એ પેઢીનો અનિચ્છુક પ્રતિનિધિ, ડગ્લસ કુપલૅન્ડ (Douglas Coupland) લખે છે :
હું તમને જેટલા ખુલ્લા હૃદયથી કહું છું કે, એટલું હૃદયનું ખુલ્લાપણું મને કદીય નહીં મળે એવી શંકા છે, એટલે હું પ્રાર્થુ છું કે તમે આ શબ્દો સાંભળો ત્યારે એક શાંત ઓરડામાં બેઠાં હો. મારું રહસ્ય એ છે કે મારે ભગવાન જોઈએ છે. હું માંદો છું અને, એકલો પહોંચી શકું તેમ નથી. ભગવાન મને આપવામાં સહાય કરે તેમ ઝંખું છું કારણ, મને લાગે છે કે મારામાં આપવાની શક્તિ નથી, એ મને દયાળુ બનાવે કારણ, મને લાગે છે કે મારામાં દયા બતાવવાની શક્તિ નથી, અને પ્રેમ કરતો બનાવે કારણ, મને લાગે છે કે હું પ્રેમ કરવાની શક્તિથી પર છું. ૧૨
આ શબ્દો કેવળ એકમાત્ર અપ્રતિનિધિ વ્યક્તિના છે એવી શંકા જાય તે માટે અમેરિકાનાં યુવાન લોકોની ‘છ પાયાની જરૂરિયાતો’ નક્કી કરવા થયેલી ગેલપ પોલ (મોજણી)નાં પરિણામો તરફ આપણે નજર નાખીએ. લેખકે જે વાત કરી છે તેનું શુષ્ક પ્રતિબિંબ એ મોજણી દર્શાવે છે. એ મોજણી અનુસાર એ જરૂરિયાતો નીચે પ્રમાણે છે :
૧. જીવન સાર્થક અને સહેતુક છે એમ માનવાની જરૂરિયાત;
૨. સમાજ માટેની અને ઘેરા સંબંધોની જરૂરિયાત;
૩. પ્રશંસા અને પ્રેમની આવશ્યકતા;
૪. પોતાની વાત કોઈ સાંભળે તેની આવશ્યકતા;
૫. પોતાની શ્રદ્ધા વધે છે તેમ અનુભવવાની આવશ્યકતા;
૬. સમજદારીભરી શ્રદ્ધાનાં વિકાસમાં વ્યવહાર સહાયની આવશ્યકતા. ૧૩
જેવા યુવાનો, તેવો દેશ. જીવન અર્થવાળું અને હેતુવાળું છે એમ માનવાની આવશ્યકતા, પ્રથમ આવશ્યકતા સંતોષાય એટલે, બાકીની આવશ્યકતાઓ કુદરતી રીતે પોતાની મેળે સંતોષાઈ જશે. ભાગ્યવશાત્ પોતાનામાં જ સતત ડૂબેલી સાઠીની પેઢી અને તેમનાં બાળકોની ક્ષ-પેઢી – જે સતત આગળ વધવામાં માને છે તે – બંને, આખરે, પોતાના માર્ગને છેડે એક જ આશાથી આવી ગયાં છે, એ આશા છે આત્માકેન્દ્રી જીવનની.
આ પહેલી જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે તેનો ઉત્તર, ઉત્તર અમેરિકાની વેદાંત સોસાયટીએ ઉત્તર અમેરિકાની વાસ્તવિકતાઓ સાથે ‘અદૃશ્ય સેવા’ રૂપી સમાગમ કરે છે તેના પર આધારિત છે. અમારું કાર્ય સતત આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાનું રહ્યું છે અને અગાઉના કરતાં આજે અમારા એ કાર્યની આવશ્યકતા સવિશેષ છે. આધ્યાત્મિક દારિદ્રય કેવી રીતે હટાવાય? માનવજીવન હેતુપૂર્વકનું, સાર્થ અને મહાન બક્ષિસ છે એ વાતની પૂરી ખાતરી આપીને, એને કદી ક્ષુલ્લક ગણવું જોઈએ કે વેડફવું જોઈએ નહીં.
આપણું જીવન સાર્થક છે કારણ, આપણું સાચું સ્વરૂપ દિવ્ય છે અને, યથાસમય આપણે સર્વે આપણી દિવ્યતાને પ્રગટ કરીશું. આપણે એકમેક સાથે નિકટતાથી સંકળાયેલાં છીએ માટે આપણું જીવન સાર્થક છે. ભલે બીજાઓને નેમ બનાવી કરેલાં આપણા વિચારો અને કાર્યો આપણે કરીએ પણ, તેમનું પ્રતિફલન આપણી ઉપર જ પાછું થાય છે અને આથી, નિ:સ્વાર્થપણાનું અને અનુકંપાનું આપણું થોડુંક પણ કાર્ય આપણા આધ્યાત્મિક વિકાસમાં સારાં પરિણામો લાવશે. આપણું જીવન સાર્થક છે કારણ, આપણાં કાર્યો પ્રત્યક્ષ પરિણામદાયી છે : આપણે કંઈ શેતરંજની રમતનાં પ્યાદાં નથી કે આપણે કદી કશું સમજી જ ન શકીએ. ગઈ કાલના આપણા વિચારો અને કાર્યોએ આપણી આજ ઘડી છે એ રીતે, આપણા વિચારો અને કાર્યો આપણી આવતીકાલોનું નિર્માણ કરશે. આપણા સિવાય બીજા કોઈનો વાંક કાઢી શકાય તેમ નથી. બીજા કોઈને જ વખાણી શકાય તેમ નથી. આ આખરી જવાબદારીની સાથે આપણી જાતમાં પરિવર્તન કરવાની શક્તિ આવશે. કારણ ત્યારે જ આપણી આસપાસના જગતમાં આપણે પરિવર્તન આણી શકીશું.
એક સદીથી આત્માની દિવ્યતાનું, અસ્તિત્વની એકતાનું, લોભ, અજ્ઞાન અને ક્રૂરતા કરતાં નિઃસ્વાર્થતા અને અનુકંપાના ચડિયાતા મૂલ્યનું સત્ય આ વિરાટ દેશની સામુહિક ચેતનામાં ધીમે ધીમે ઊંડું ઊતરવા લાગ્યું છે. એક સૈકાથી આ સંદેશ લાખો રીતે બોલાયો છે, લખાયો છે અને ચર્ચાયો છે અને આકરા તેજાબની જેમ, પ્રજાનાં મન અને હૃદયો સુધી પહોંચવાનો માર્ગ એ ખોતરવા લાગ્યો છે.
આ કાર્ય કદી અહીં ભપકાદાર જણાયું નથી. કેટલીક વાર તો એ સંપૂર્ણપણે અદૃશ્ય રહ્યું છે. આધ્યાત્મિક સત્યની ખોજમાં આવનાર સાથે વાતો કરવામાં કેટલા કલાક ગળાયા તે બીજું કોઈ જોતું નથી. કદાચ પચાસ જ શ્રોતાઓ સાંભળવા આવે તે વ્યાખ્યાનની તૈયારી પાછળ કેટલા ક્લાકો ગાળવામાં આવ્યા છે તે કોઈએ જોયું નથી. કોઈક વાર એમ લાગ્યું છે કે ખેડાણ થઈ રહ્યું છે તે ભૂમિ તદ્દન વંધ્ય છે, કાદવ, ડાભ અને અનુપકારક પથરાથી ભરેલી. પણ આમ કદીયે ન હતું. અનંત ધૈર્યની આવશ્યકતા હતી પણ, શ્રીરામકૃષ્ણ સંઘની ઉપસ્થિતિ ક્ષણિક આફતો પાસે નહીં નમનાર રૂઢ ખેડૂતના દૃષ્ટાંતરૂપ પુરવાર થઈ. અગાઉના કરતાં ક્યાંય મોટી સંખ્યામાં, અમેરિકામાં લોકો આજે વેદાંત સોસાયટીઓ પાસેથી આધ્યાત્મિક આધાર શોધે છે. ઉત્તર અમેરિકાનું આધ્યાત્મિક પુનરુત્થાન શ્રીરામકૃષ્ણ મિશનની શતાબ્દી સાથે સંકળાય છે તે એક સુંદર, સુખદ અકસ્માત છે. અને આજે આપણે ત્રીજી હજારીમાં પ્રવેશવાને થનગની રહ્યા છીએ ત્યારે, આરંભેલું કાર્ય ચાલુ રાખવાનું બીડું આપણે ઝડપવાનું છે. ડગલસ કુપલૅંડનું અવતરણ ફરી આપવાનું કે, મારી જાતને હું યાદ દેવરાવું છું કે, આપણે જીવંત પ્રાણીઓ છીએ, આપણામાં ધાર્મિક ધગશ છે – એ હોવી જ જોઈએ – અને છતાં, ધર્મવિહીન જગતમાં એ ધગશ કઈ તિરાડોમાં ઊતરી જાય છે?’ ૧૪
એ તિરાડોને પૂરવાનો પડકાર ઉત્તર અમેરિકાની વેદાંત સોસાયટીમાં અમારી સામે છે. જગત જેટલું ધર્મ વિનાનું નથી એટલું, સાચો ધર્મ શું છે તે એ જાણતું નથી. આપણે પથદર્શક ચિહ્ન, સાક્ષી, જીવંત સાબિતી થવું જોઈએ; સ્વામી વિવેકાનંદે કહ્યા પ્રમાણે, ‘તમારાં જીવનથી દર્શાવો કે, ધર્મનો અર્થ શબ્દો, નામ કે સંપ્રદાયો નથી પણ આધ્યાત્મિક સાક્ષાત્કાર છે.’ ૧૫
જીવનને સાર્થક એ બનાવશે. આધ્યાત્મિક દરિદ્રતાના નિવારણના આપણા યજ્ઞમાં, આપણને સૌને સુલભ છે તે, આ સાક્ષાત્કારનું વચન સમિધનું કાર્ય કરશે.
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
(‘પ્રબુદ્ધ ભારત’ – જાન્યુ. ‘૯૭માંથી આભાર)
નોંધ
૧. નોંધવું જોઈએ કે, ઉત્તર અમેરિકાની ઘણી વેદાંત સોસાયટીમાં નિરાશ્રયીઓને ભોજન આપવું, સુપ કિચનોમાં સેવા આપવી, હૉસ્પિટલોમાં સેવા આપવી, ઈ. સેવાકાર્યો કરે છે. પણ, વેદાંત સોસાયટીઓનો મુખ્ય ઝોક એની પર નથી.
૨. શેરન ડૉઈલ ડ્રીજર, ‘ઑન અ હાયર પ્લેય્ન’. ‘મેક્લિન્સ’, ૧. જાન્યુ, ૧૯૯૬, પૃ. ૨૩
૩. એજન સાયન્સ મૉનિટર ૧૯ ઑગસ્ટ ૧૯૯૬ પૃ. ૧-૪
૪. એજન ‘ઈન્ફ્લુઅન્સ ઑફ ન્યુ એઇજ’, મૅગાચર્ચિઝ ગ્રોઝ, ક્રિશ્ચિયન
૫. ‘સ્પિરિચ્યુઅલ અમેરિકા’, યુ.ઍસ. યુઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ, ૪-૪-૯૪, પૃ. ૪૮- ૫૦.
૬. બ્રૂસ ડી. માર્શલ, ‘વ્હાય બૉધર વિથ ધ ચર્ચ?’ ધ ક્રિશ્ચિયન સૅન્ચરી, ૨૦-૧-૯૬, પૃ. ૭૪
૭. એજન, પૃ.૫૦
૮. ‘ન્યુ એઇજ ડ્રિમ્સ ઈન હાર્ડ ટાઈમ્સ’. મૅક્લિન્સ. ૧૦-૧૦-૯૪, પૃ.૩૮
૯. ધ કંપ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૭૩) વૉ. ૧, પૃ. ૩૭૬.
૧૦. નીલ હાઉ અને બિલ સ્ટ્રૉસ, થર્ટીન્થ જનરેશન, (ન્યૂયૉર્ક, વિંટેજ બુક્સ, ૧૯૯૩), પૃ. ૧૩, ૭.
૧૧. ‘અમેરિકા ઈન સર્ચ ઑફ હર સોલ’, થિયૉલૉજી ટુડે, જાન્યુ. ૧૯૯૬, પૃ. ૪૭૨
૧૨. ‘લાઈફ આફ્ટર ગૉડ (ન્યૂયૉર્ક, પૉકેટ બુક્સ, ૧૯૯૪), પૃ. ૩૫૯
૧૩. જ્યોર્જ ગૅલપ જુનિયર અને રોબર્ટ બેઝિલા, ધ રિલિજિયસ લાઇફ ઑફ યંગ અમેરિકન્સ (પ્રિન્સ્ટન, ન્યુ જર્સી, ધ જ્યૉર્જ સેકંડ ગૅલપ ઈન્ટરનેશનલ ઈન્ટિસ્ટયૂટ, ૧૯૯૨) પૃ. ૧૨-૧૪.
૧૪. લાઈક આફ્ટર ગૉડ, પૃ. ૨૭૩-૭૪.
૧૫. કંપ્લીટ વર્કસ, વૉ. ૪, પૃ. ૧૮૭.
Your Content Goes Here