મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે પોરબંદરમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદજીની ભવ્ય પ્રતિમાના અનાવરણ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઇ-બહેનોને અને પ્રબુદ્ધ નગરજનોને જે અત્યંત પ્રેરક વકતવ્ય આપ્યું હતું, તેનો સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

મારું અહીં પોરબંદર આવવું મારા માટે એક મહાન તીર્થયાત્રા સમાન છે. નવા વર્ષના પ્રારંભમાં મારે કઇ તીર્થયાત્રામાં જવું જોઈએ એવું વિચારતી હતી ત્યાં તો મને આ પ્રસંગમાં આવવાનું નિમંત્રણ મળ્યું. મને લાગ્યું કે ઈશ્વરની ઇચ્છા છે કે મારું આ વર્ષ પોરબંદરની તીર્થયાત્રાથી પ્રારંભ કરું, તેથી આ નિયંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો.

ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને આ બંગલો (જેમાં સ્વામી વિવેકાનંદજીએ નિવાસ કર્યો હતો) અને તેની પાસેની જમીન સોંપીને યોગ્ય કાર્ય કર્યું છે કારણ કે બધા જાણે છે કે રામકૃષ્ણ મિશન જ એવી સંસ્થા છે જે એનો પૂરેપૂરો સદુપયોગ કરશે. અને આનો લાભ અહીંની જનતાને જ મળવાનો છે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓનો પોતાનો કોઈ પરિવાર તો છે નહિ, વળી તેઓ આજે અહીં છે તો કાલે બીજી જગ્યાએ જશે. અને વિધવિધ સંન્યાસીઓ આ કાર્યની દેખરેખ કરવા આવશે. અહીં પુસ્તકાલય, ઔષધાલય વગેરે થશે તેનો લાભ અહીંની જનતાને જ મળવાનો છે.

મને જાણીને આશ્ચર્ય થયું કે ભગવાન શ્રીકૃષ્ણના પાદસ્પર્શથી પવિત્ર થયેલ આ સુદામાપુરીને, જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવી વિભૂતિનો જન્મ થયો હતો, જ્યાં સ્વામી વિવેકાનંદજી જેવી મહાન વિભૂતિએ પોતાના પરિવ્રાજક જીવનનો લાંબો સમય અહીં ગાળ્યો હતો, તે ભૂમિને અપરાધીઓની નગરી કહેવામાં આવે છે! અહીંના રહેવાસીઓ આ પાવન તીર્થસ્થળમાં અપરાધીઓને સાંખી કેમ લે છે? નજીકમાં જ આવડો મોટો સમુદ્ર શા માટે છે? ફેંકી દો બધા અપરાધીઓને તેમાં! જો આપણે ઊંઘી જઇશું તો અપરાધીઓ જાગશે, જો આપણે નિષ્ક્રિય થઇ જઇશું, તો અપરાધીઓ સક્રિય થવાના જ. માટે જાગો, કાર્યમાં મંડી પડો, આ મહાન તીર્થસ્થળને ફરી દિવ્ય નગરી બનાવવામાં લાગી જાઓ. મને તો લાગે છે, આ નગરીને દિવ્ય નગરી બનાવવા માટે જ અહીં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલનો પ્રારંભ થયો છે.

અહીં ઉપસ્થિત યુવા ભાઇ-બહેનોને મારે એટલું જ કહેવું છે કે બહાદુર બનો, વીરતાપૂર્વક સમસ્યાઓનો સામનો કરો, સમસ્યાઓના સમાધાનકાર (Problem -solver) બનજો, નહિ તો તમે પોતે અન્ય લોકો માટે સમસ્યા (Problem) બની જશો.

તિહાર જેલમાં અમે આ જ કર્યું. પહેલાં કેદીઓને પોતપોતાની સમસ્યાઓ શોધી કાઢવા માટે પ્રેરણા આપવામાં આવી. પછી આ સમસ્યાઓને પડકાર સમજી વીરતાપૂર્વક સામનો કરવા માટે, તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બધી સમસ્યાઓનું સમાધાન પણ તેઓએ જ એક સાથે બેસીને ચર્ચા-વિચારણા દ્વારા શોધી કાઢ્યું. જ્યાં સુધી સમસ્યાઓનું સમાધાન ન થઇ જાય ત્યાં સુધી બહાદુરીપૂર્વક ઝઝૂમવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીનો સંદેશ હંમેશાં યાદ રાખો, ‘ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થઇ જાય ત્યાં સુધી મંડ્યા રહો.’

એક બીજી વાત યુવા ભાઇ-બહેનોને કહેવાની છે કે આપણે ભારતવાસી છીએ તેનો આપણને ગર્વ હોવો જોઈએ. વિશ્વના ઘણા દેશોમાં મેં ભ્રમણ કર્યું છે પણ ભારત જેવો શાંતિપ્રિય દેશ ક્યાંય નથી જોયો. અહીં તો પોલીસવાળાઓ પાસે પણ બંદૂક નથી હોતી, હોય તો પણ સ્વાધીનતા પહેલાંની બ્રિટિશ અમલના સમયની જૂની બંદૂક, પણ અમેરિકા અને અન્ય દેશોમાં તો સામાન્ય નાગરિકોને પણ બંદૂક રાખવી પડે છે. અરે! નાનાં બાળકો પણ બંદૂક ચલાવતા થઇ ગયા છે!

આ દેશમાં જેવો સ્નેહ, જેવી ઇજ્જત મળે છે તેવાં અન્ય કોઈ દેશમાં નથી મળતાં. ત્યાં તો પરિવાર જેવું કંઇ છે જ નહિ! મોટા ભાગના વિવાહો છૂટાછેડામાં પરિણમે છે, પરિવારના સભ્યો વચ્ચે કોઈ સ્નેહ-સંબંધ નથી. અહીં ભારતમાં હજુ પણ પરિવારના સભ્યોમાં સ્નેહનાં બંધન છે. મારે દેશના મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા માટે રાત-દિવસ પરિશ્રમ કરવો પડે છે; આ જોઇને મારી માતા મારા ઘેર મારી સાથે રહે છે, મારી દીકરીને તેમણે જ મોટી કરી છે. વિદેશમાં કોઈ માતા પોતાની પુત્રીની પુત્રીની દેખરેખ કરશે? તરત જ કહેશે, ‘હું કંઇ બેબીની દેખરેખ કરવાવાળી નોકરાણી નથી.’ માટે ભારતવાસી હોવાનો ગર્વ રાખો, જુઓને મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ કેટલા મહાન દેશભક્ત હતા! તેઓની પાસેથી પ્રેરણા લઇ દેશભક્ત બનો.

ગર્વ રાખવાની સાથે સાથે પરિશ્રમ પણ કરવો પડશે. વિદ્યાર્થીઓએ ખંતપૂર્વક અભ્યાસમાં લાગી જવું પડશે. કાલથી નહિ, આજથી જ અભ્યાસમાં લાગી જાઓ, સાથે સાથે ચારિત્ર્ય ઘડતર માટે પણ પ્રયત્ન કરો. અંતમાં હું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અહીંનો દરેક નાગરિક સમસ્યાઓનું સમાધાન કરનાર (Problem solver) બને. વન્દે માતરમ્!

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.