ઘાયલ નાગ છે ફેણ માંડતો,
અગનઝાળ ચોમેર ફેલાય,
દિલ વીંધાયાં કેસરીની ત્રાડે
રણની સારી હવા રેલાય;

વીજ ચીરે જવ વાદળ છાતી
બારે મેઘ ત્યાં ખાંગા થાય;
પ્રાણ તણાં જો મૂળ હલે તો,
મહિમાવાનની જ્યોત છવાય.

આંખે છો અંધારાં આવે ને
ધીમે છોને દિલ ધડકે,
મૈત્રી પ્રેમ ખૂટલ નીવડે ને
ભાગ્ય ભયની સોસો ભડકે
દિલ ભાંગે ને ઘોર અંધારું
મારગડે આખું ભટકે

કરાલ કેવી થઈને કુદરત
ઊભી તમને કચ્ચરવા –
પણ આત્મા ઓ, દિવ્ય છે તું
આગે બઢ તું ધ્યેય વરવા.

નથી ફિરસ્તો, નથી આદમી,
પશુ, દેહ, મન, નર,નારી ના;
ગ્રંથો અચરજે મૂંગા ઊભા
કહે :- તું તે જ છો, કંઈ અવર ના.

ઉદય ન્હોતો સૂર્ય ચંદ્રનો,
ધરા ધૂમકેતુ તારાનો;
કાલ પણ હજી જન્મ્યો ન્હોતો,
ત્યારે હતો, છું; રહેવાનો.

સુંદર ધરણી, ભવ્ય ભાનુ ને
મધુ ચંદ્ર ને મંડિત વ્યોમ;
પ્રકૃતિદોરે એ સૌ દોડે,
બંધે જીવે, મરે પડતાં ભોમ.

મન નિજ અંચલ સ્વપ્નજાળ શો
નાખે સૌ પર ને બાંધે;
વિચાર કેરે તાણેવાણે
ભૂ, સ્વર્લોક, નરક સાંધે.

જાણો આ સૌ રંગે ઉપરનો
સ્થલ, કાલ ને નિમિત્ત તણો;
હું સંવેદન, વિચારથી પર,
સાક્ષી હું આ વિશ્વ તણો.

બે ના, બહુ ના, એક જ છે એ.
સઘળા હું હું માં જ વસે;
ધિક્કારું ના હડસેલું ના
મુજથી મુજને –
મમ ચિત્તે બસ પ્રેમ વસે.

જાગ સ્વપ્નથી, બંધ તોડ તું,
ડર ના, આ મારી છાયા,
રહસ્ય મુજને ગભરાવે ના!
‘સોહમ્’.. જાણ, કશી માયા!

– સ્વામી વિવેકાનંદ
(૧૫-૨-૧૮૯૫)

૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૦મીની વહેલી સવારે, રાત આખી ભારખાનાના ડબ્બામાં ગાળી, મેલાઘેલા શરીરે ને ચોળાયેલે વસ્ત્રે, સ્વામી વિવેકાનંદ શિકાગોના રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે પૂરા ભગવાન ભરોસે હતા. કોઈ ધર્મના કે સંપ્રદાયના અધિકૃત પ્રતિનિધિની હેસિયતથી નહીં ગયેલા સ્વામીજીને વિશ્વધર્મ પરિષદના સંચાલકોએ નનૈયો સુણાવી દીધો હતો ત્યાર પછી, હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્વાન પ્રૉફેસર રાઈટની ભલામણથી સ્વામીજી બૉસ્ટનથી રેલરસ્તે શિકાગો આવી પહોંચ્યા હતા. પરિષદમાં ભાગ લેવાનું તો નિશ્ચિત થઈ ગયું હતું. સ્વામીજીના ઉતારા પાણીની વ્યવસ્થામાં સહાયરૂપ થવા માટે, કોઈ મિત્ર પર પ્રૉ. રાઈટે લખી આપેલો ભલામણપત્ર એ બેફિકરા સંન્યાસીએ ક્યાંક ગુમાવી દીધો હતો. ક્યાં જવું! કેવી રીતે જવું? કોને મળવું? ને તે પણ આ લઘરવઘર વેશે?

પણ સ્વામીજીના યોગક્ષેમની ચિંતા કરનારે, શિકાગોમાં આથડીને એક ફૂટપાથ પર બેઠેલા સ્વામીજી પાસે શ્રીમતી મૅરી હેલને મોકલ્યાં. એ મૅરી બહેનનું ઘર અમેરિકામાંનું સ્વામીજીનું કાયમી સરનામું બની ગયું. એ મૅરી બહેન અને તેમના કુટુંબ સાથે સ્વામીજીને અલૌકિક સંબંધ બંધાઈ ગયો. વિશ્વધર્મ પરિષદ આટોપ્યા પછી સ્વામીજી લગભગ અઢી વર્ષ અમેરિકામાં ઘૂમતા રહ્યા. એ પરિભ્રમણ દરમિયાન શ્રીમતી મૅરી હેલ સાથેનો પત્રવ્યવહાર ચાલુ રહ્યો. સ્વામીજી ક્યાંય પણ હોય, હેલ કુટુંબ તેમની સતત ચિંતા કરતું રહેતું.

સ્વામીજીની ચિંતા કરવા માટે અનેક કારણો હતાં. સ્વામીજીની નિસ્પૃહતા, પોતાની જાત માટે બેકાળજી, બધું જ ભગવાન ભરોસે રાખી ચાલવાની વૃત્તિ વગેરે તો હતાં જ. વધારામાં, વિશ્વધર્મ પરિષદમાં ખ્રિસ્તી ધર્મની સર્વોપરિતા પુરવાર કરવાની કેટલાક રૂઢિચૂસ્ત પાદરીઓની અને કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયોની ઇચ્છાને સ્વામી વિવેકાનંદનાં પ્રભાવશાળી પ્રવચનોએ ધૂળમાં મેળવી દીધી હતી તેથી, પરિષદના સમયથી જ એ લોકો છંછેડાયા હતા અને સ્વામીજી પર જાત જાતના આક્ષેપો મૂકતા હતા. એ આક્ષેપોના સણસણતા ઉત્તરો સ્વામીજી આપતા. આથી હેલ કુટુંબ ખૂબ ચિંતિત રહેતું. હેલ દંપતીની બે પુત્રીઓ પણ સ્વામીજીનું હેત પામી હતી. એમાંથી એકનું નામ, એની માતાના નામનું, મૅરી જ હતું. એ નાની મૅરીએ સ્વામીજીને વિવાદથી દૂર રહેવા સૂચન કર્યું હતું તેનો ઉત્તર સ્વામીજીએ પોતાના ૦૧-૨-૧૮૯૫ના પત્રમાં આપ્યો હતો. પત્રની ભાષા તેજાબી હતી : ‘હું દીનતામાં માનતો નથી..…. ‘પ્રકાશનાં સંતાનો (સમાજનાં) ફરમાનોનું પાલન કરતાં નથી… ‘હું દરેક જૂઠાણાને ‘મીઠો’ અને અનુકૂળ બની શકતો નથી…’ ‘હું જેવો છું તેવો જ રહેવા દો’… ‘બહેન, તમે સંન્યાસીનું મહત્ત્વ જાણતાં નથી (‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભા.૧૧ આ. ૧, ૧૯૬૩, પૃ. ૨૯૭-૯૮)

આ મૅરી સ્વામીજીની લાડકી બહેન હતી એટલે એનું દિલ દુભાયું અને પોતાની વ્યથા એણે પત્રમાં ઠાલવી. બહેનને મનાવવી જ જોઈએ ને? એટલે, સ્વામીજીએ ૧૮૯૫ના ફેબ્રુ.ની ૧૫મીએ મૅરીને લાડ કરતો ટૂંકો પત્ર લખ્યો અને પત્રના ભાગરૂપે જ આ ‘મુક્તોનું ગાન’ ‘ધ સોંગ ઑફ ધ ફ્રી’ કાવ્ય લખ્યું.

આટલી ભૂમિકા કાવ્યને સમજવામાં સહાયરૂપ થશે.

કાવ્યની પહેલી કડીમાં સ્વામીજીએ જાણે કે પોતાની જ વાત કરી છે. પોતાને નાગની જેમ શા માટે ફેણ માંડવી પડે છે? કેટલાક વિરોધીઓ – ખાસ કરીને પ્રિસ્ખિટિરિઅન પાદરીઓ – સ્વામીજી પર ગમે તેવા બેફામ આક્ષેપો કરતા હતા અને હિંદુ ધર્મને નિંદતા હતા. સારમાણસાઈની હદ વટાવી ગયેલા એ સૌ સામે ફેણ માંડવી જ રહી, ફૂંફાડો કરવો જ રહ્યો, વિરોધીઓને જરા દઝાડવા જ રહ્યા. વિરોધનો સામનો વીરતાપૂર્વક ન કરે તો ક્ષત્રિયકુલોત્પન્ન એ શાના? સ્વામીજીની ડણક કેસરી સિંહના જેવી હતી. એની ડણકે રણમાં, વનમાં તુમુલ ઘોષ મચી ગયો. હવાની લહેરે લહેર એ કેસરીની ગર્જનાનું વાહક બની ગઈ. તોતિંગ તરુઓથી તણખલાં સુધી સઘળું બીકણ સસલી બની ગયું.

રુદ્રની, વૈદિક સ્તુતિનો પ્રથમ મંત્ર છેઃ નમસ્તે રુદ્ર મન્યવ. ‘ક્રોધમૂર્તિ રુદ્રને નમસ્કાર’. સ્વામીજીનું એ રુદ્ર સ્વરૂપ જાગી ઊઠ્યું હતું – માતા ભુવનેશ્વરીદેવીએ પુત્ર માટે શિવને જ પ્રાર્થ્યા હતા. વિરોધીઓને માટે સ્વામીજીના શબ્દો વીજળીના લબકાર જેવા હતા – રોમા રોલાંએ અગ્નિબાણ સમા કહ્યા છે તે તદ્દન સાચું છે -, અંધ કરી મૂકે તેવા. અને એ વીજળી ઝબકી તેની સાથે ગાજવીજ સાથે બારે મેઘ ખાંગા થઈને, જોરદાર દલીલોના રૂપમાં, વરસવાના. એ પુષ્કરાવર્તક મેઘમાં વિરોધીઓ પછી તણાઈ જવાના. સ્વામીજી મહિમાવાન નહીં, મહામહિમાવાન હતા. ૧૮૯૦થી ૧૮૯૩ના મે માસ સુધી એ ભારતને ચારે ખુણે ફર્યા હતા. એમના તેજની ઝાંખી પોરબંદરમાં શંકર પાંડુરંગ પંડિતને, જૂનાગઢમાં દેસાઈ હરિદાસ વિહારીદાસને, ખેતડીના મહારાજાને, લોકમાન્ય ટિળકને, મણિલાલ નભુભાઈ દ્વિવેદીને, આલાસિંગા પેરુમલને એમ અનેકને થયેલી. પરંતુ, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં એમના ‘પ્રાણનાં મૂળ’ હલી ગયાં અને, જગતને વિવેકાનંદના તેજ:પુંજની જાણ થઈ. આ પ્રિસ્બિટિરિઅન પાદરીઓ – કેટલાક થિયોસૉફિસ્ટો વિરોધ કરતા હતા, તે પણ – ગમે તેવા આક્ષેપો કરી સ્વામીજીના ‘પ્રાણનાં મૂળ’ હલાવતા હતા એટલે, ‘મહિમાવાનની જ્યોત’ રેલાવા લાગી હતી.

કાવ્યની ત્રીજી કડી આપણને રવીન્દ્રનાથના પ્રેરક ગીત ‘એકલા ચલો’ ‘એકલો જાને રે’ની અને વેણીભાઇ પુરોહિતના ગીત ‘પાકે ન પાકે છતાંયે’ની યાદ આપે છે.

પરિસ્થિતિ ખૂબ વિકટ છે. આંખે અંધારાં આવે છે, દિલ ધડકે છે, મિત્રો ખૂટલ નીવડ્યા છે, પ્રેમમાં દગો મળ્યો છે. દિલ ભયથી ભાંગી ગયું છે અને પંથ કળાતો નથી કારણ, અંધારાં ઘોર મારગને ઢાંકીને બેઠાં છે. પણ તેથી શું? ડરીને, કોઠીમાં મોં ઘાલીને, ખૂણે બેસી પડવાનું? ‘નિર્ભય બનો’ની રણગર્જના કરનાર શું એમ બેસી પડે? પોતાના એક અન્ય ગીતમાં ગુરુદેવ કહે છે તેમ, ‘ચિંતા કરે ચલબે ના’ – ચિંતા કરે ચાલશે ના! ૧૮૯૩ના જૂનમાં અમેરિકા ઊતર્યા પછી, સપ્ટેમ્બરમાં પરિષદ શરૂ થઈ ત્યાં સુધી સ્વામીજી માટે આંખે અંધારાં આવે એવી જ પરિસ્થિતિ હતી ને? સ્વામીજીનું દિલ કેવું વજ્ર જેવું હશે કે એ અપમાનોથી, કેવળ કૌતકભરી દૃષ્ટિથી, પૈસાના અભાવથી, કપડાંની અછતથી અને, વિશ્વધર્મ પરિષદમાંથી એક વાર જાકારો મળ્યા છતાંય, ટકી રહ્યા, એ પરિષદને સંબોધન કર્યે જ છૂટકો કર્યો અને, એ પરિષદને પોતાની મહિમાવાન જ્યોતથી ઝળહળતી કરી . સ્વામીજીનો માર્ગ ‘ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા’ અસ્ત્રાની તેજદાર ધાર જેવો ઓળંગવે અતિશય કપરો’ હતો. ભલે આંખે અંધારાં આવે, છાતી ધડક ધડક થાય, રવીન્દ્રનાથના ગીતમાં છે તેમ, મૈત્રી પ્રેમના દરવાજા બંધ થઈ જાય, દિલ ભાંગી જતું લાગે અને પંથ અંધ તમસથી ભરેલો ભાસે, આત્માએ આગળ વધવું જ રહ્યું; કારણ, આત્મા દિવ્ય છે.

પછીની બે કડીઓમાં સ્વામીજી ઉપનિષદોનાં ગહન સત્યોને સરળ વાણીમાં રજૂ કરે છે. છાંદોગ્ય ઉપનિષદમાંનું મહાવાક્ય કેવી તો વેધક રીતે સ્વામીજી રજૂ કરે છે!

તું તે છો, કંઈ અવર, ના

અને, ‘અવર’ એટલે, ‘ફિરસ્તો’, ‘આદમી’ ‘પશુ’, ‘દેહ’, ‘મન’, ‘નર-નારી’ કંઈ જ ‘તું’ નથી. ‘તું તે જ છો’ – તત્ત્વમસિ. ઈસુ ખ્રિસ્ત કહે છે, ‘હું અને મારા પિતા એક છે’, ત્યારે આ જ વાત કહે છે, ભલે શબ્દો જુદા છે.

આત્મા અનાદિ છે, અનંત છે, અમર છે. એ કાલાતીત છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે :

ઉદય ન્હોતો સૂર્ય ચંદ્રનો,
ધરા ધૂમકેતુ તારાનો;
કાલ પણ હજી જન્મ્યો ન્હોતો
ત્યારે હતો, છું, રહેવાનો.

સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ધૂમકેતુ, તારા, અર્થાત્, સમસ્ત બ્રહ્માંડને પણ આદિ અને અંત છે. નિરવધિ કાલનો પણ જન્મ થયો તે પહેલાં ‘હું’ હતો, આજે ‘છું’ અને ભવિષ્યમાં એ કશું પણ નહીં હોય ત્યારે યે ‘રહેવાનો’ છું કારણ, ‘હું’ કાલથી પર છું. ‘હું’ ‘બ્રહ્મ’ છું.

‘હું બ્રહ્મ છું’ અહં બ્રહ્માસ્મિ – બોલવું સરળ છે, એ માનવું સરળ નથી. ‘તે જ હું તે જ હું શબ્દ’ સાંભળનાર કોઈ નરસિંહ મહેતા, ‘મા’ની સાથે એકરૂપ બની જનાર કોઈ શ્રીરામકૃષ્ણ પરમહંસ કે કોઈ સ્વામી વિવેકાનંદ જ, એના અર્થના પૂર્ણ ભાન સાથે, ઉચ્ચારી શકે. આપણે સૌ દેહના કોચલામાં ભિડાયેલાં છીએ અને એ કોચલું જ આપણો આરાધ્ય દેવ છે. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિપૂજામાં નહીં માનવાનું કહેતા પાશ્ચાત્ય સમાજને સંબોધીને કહ્યું હતું : અવર બોડિ ઈઝ ધ ફર્સ્ટ આઈડલ વી વર્શિપ ઍન્ડ ધ લાસ્ટ આઈડલ વી બ્રેક – ‘સૌ પ્રથમ જે મૂર્તિની પૂજા આપણે કરીએ છીએ તે આપણું શરીર છે અને, સૌથી છેલ્લે જે મૂર્તિનું ખંડન કરીએ છીએ તે પણ એ જ છે.’

સ્વામી વિવેકાનંદના સરળ શબ્દોમાં રજૂ થયેલું ઉપનિષદના મહાવાક્યનું રહસ્ય આ ‘મૂર્તિપૂજા’થી તદ્દન વિરુદ્ધનું છે.

‘ઈશાવસ્ય’ ઉપનિષદ જગતને ‘જગત્યાં જગત’ ‘ચાલતું જગત’ કહે છે. આ બ્રહ્માંડમાં બધું જ ચાલે છે, બધું જ ‘પ્રકૃતિ દોરે દોડે છે, પ્રકૃતિના બંધને બાંધ્યું એ સૌ ‘જીવે’ અને ‘મરે’ છે. ‘જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ’, એમ ગીતા બીજા અધ્યાયમાં કહે છે. કોટિ કે અબજો વર્ષ જીવીને સૂર્ય સદાને માટે અસ્ત પામવાનો, આકાશનાં નક્ષત્રો પણ મટી જવાનાં.

વેદાન્ત અનુસાર, ખરેખર તો આવું કશું છે જ નહીં. જે દેખાય છે, સંભળાય છે, ઈન્દ્રિયોની સંવેદનાઓ અનુભવાય તે સઘળું મનનો જ ખેલ – મનમાં જ પરણવું અને મનમાં જ રાંડવું છે. ‘ભૂ, સ્વર્ગલોક અને નરક’, અર્થાત્, ત્રણેય લોક મનની સ્વપ્નજાળનું જ સર્જન છે, વિચારને તાણેવાણે મન બધાંને બાંધી રાખે છે.

નામરૂપની આ સમગ્ર સૃષ્ટિ દેશ, કાલ અને નિમિત્ત કાર્યકારણ સંબંધ – પર ઊભી છે. સ્વામી વિવેકાનંદે અન્યત્ર જણાવ્યું છે કે માયાના પટલમાંથી આપણને બ્રહ્મ આ વિશ્વ તરીકે દેખાય છે. એ પટલને ભેદીએ એટલે પછી, જૂજવાં રૂપ જોવા નહીં મળે

બે ના, બહુ ના, એક છે

એ ‘એક જ’ દેખાશે. આ અભેદ દર્શન સરળ નથી. અદ્વૈતની અનુભૂતિ થઈ એ પછીના દિવસોમાં, પંચવટીમાંની તાજી ધ્રો પર કોઈને ચાલતું જોઈ, શ્રીરામકૃષ્ણ પરમહંસને લાગ્યું હતું કે કોઈ પોતાનાં રૂંવાડાં ખેંચી રહ્યું છે. અને, ગંગાતટે એક માછીમારે બીજાના વાંસામાં માર્યું તેના સોળ ઠાકુરના વાંસામાં ઊઠી આવ્યા હતા. આવું અદ્વૈત સધાયું ત્યાં,

ધિક્કારું ના, હડસેલું ના
મુજથી મુજને-,

મારી જાતમાં જ બધાંને અને બધામાં મારી જાતને હું જોતો થાઉં પછી મારે કોને ધિક્કારવાનો? કોને આઘે હડસેલવાનો? પછી ચિત્તમાં પ્રેમરસનાં પૂર ઉભરાવાનાં :

મમ ચિત્તે બસ પ્રેમ વસે.

પુત્રી કુંવરબાઈના મોસાળા પ્રસંગે વાંકાબોલી કુંવરબાઈની નણંદ, ‘ઘણું ભારે માણસ’, એવી વડસાસુ કે ઠઠ્ઠા કરતાં નાગર નરનારીઓ સૌ માટે નરસિંહ મહેતાના હૃદયમાં પ્રેમની જ સરવાણી વહેતી હતી.

આઠમી કડીમાં આવતો શબ્દપ્રયોગ ‘સ્વપ્નજાળ’ અહીં છેલ્લી કડીમાં થોડા શબ્દભેદે આવે છે :

જાગ સ્વપ્નથી-,

મનની સ્વપ્નજાળથી આપણે જાતે રચેલો આ સંસાર સ્વયં સ્વપ્ન છે. એ સ્વપ્ન દૂર કર્યું, આપણે જાગ્રત થયા એટલે, બંધ આપોઆપ તૂટી જશે.

ઠાકુરનું એક સરસ દૃષ્ટાંત યાદ આવે છે.

એક દંપતીનો એકનો એક દીકરો અચાનક જુવાન વયે અવસાન પામ્યો. એ જુવાનની માતા કલ્પાંત કરવા લાગી. દીકરો એકનો એક, કંધોતર, વળી જુવાન ને એ ચાલ્યો ગયો; પોતાની આગળ. ખૂબ રુદન કરે. પણ એ જુવાનનો બાપ શાંત બેઠેલો, એની આંખમાં આંસુનું ટીપું નહીં. એની પત્ની કહે: ‘હાય હાય, આપણો આવડો જુવાન દીકરો ફાટી પડ્યો ને તમે આમ પાણા જેવા જડ બેઠા છો? તમને રોવું નથી આવતું! તમે તે કેવા બાપ?’

પેલા પુરુષે જવાબ આપ્યો : ‘તારી વાત સાચી છે. મને રોવું નથી આવતું પણ કારણ શું તે તું જાણે છે?’

‘તમે મોઢેથી કાંઈ બોલો તો ખબર પડે ને? ‘છોકરાની મા બોલી. ‘સાંભળ’, પતિએ જવાબમાં કહ્યું. ‘મને આજ રાતમાં સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં હું એક મોટા રાજનો રાજા હતો અને તું રાણી હતી. રહેવા મોટો મહેલ હતો. ખૂબ વૈભવ હતો. અને આપણને એક નહીં છ રાજકુંવર હતા. જાગ્યો ને સ્વપ્ન ઊડી ગયું. હવે હું એ આપણા રાજકુંવરોને રોઉં કે આપણા આ દીકરાને રોઉં?’

પુત્રવિરહે રુદન કરતી પત્નીને આમ કહેનાર એ પુરુષ, સાચા અર્થમાં ‘જાગી’ ગયો હતો, એના બંધ બધા તૂટી ગયા હતા. દેહ પડ્યા પહેલાં જ એણે કામને, ક્રોધને, મોહને ત્યજી દીધા હતા તેથી એ સુખી હતો.

ડર ના, મારી છાયા-,

ભગવાનનાં દર્શનની વાત કરવી કે એ દર્શનની ઇચ્છા કરવી સહેલી છે. અર્જુને એ ઇચ્છા કરી ત્યારે, ભગવાન શ્રીકૃષ્ણે એને કહ્યું હતું કે, ‘તું આ તારાં ચર્મચક્ષુથી મારું સાચું સ્વરૂપ નહીં જોઈ શકે માટે, હું તને દિવ્ય ચક્ષુ આપું છું.’ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યા પછી અર્જુને ભગવાનનું જે સ્વરૂપ જોયું તેથી એ ખૂબ ગભરાઈ ગયો હતો.

અંગ્રેજ કવિ ફ્રાન્સિસ ટૉમ્સનનું પ્રખ્યાત કાવ્ય ‘ધ હાઉન્ડ ઑફ હૅવન’ ‘સ્વર્ગનો શિકારી શ્વાન’ છે તેમાં, જુદા સ્વરૂપે પણ, આ ગભરાટની જ વાત આવે છે. માનવી સંસારમાં પડે છે તેની પાછળ, તેના રક્ષણ માટે, ભગવાન ચાલી રહ્યા છે. પાછળ નજર કરતો માનવી ગભરાઈ વિચારે છેઃ પાછળ કોક પડ્યું છે. જલદી ભાગો. એ જેમ પ્રભુથી દૂર જવા કરે છે તેમ તેમ પ્રભુ એટલા જ વેગથી જઈ એની પાછળ જ રહે છે. આખરે, થાકી હારીને, લોથપોથ થઈ એ મનુષ્ય બેસી પડે છે. ત્યારે પ્રભુ એને કહે છે :

Ah, Fondest, blindest, weakest,
I am He Whom thou seekest!

પ્રભુથી, પ્રભુની છાયાથી, ડરવાનું શું? એને તો આપણે શોધવા નીકળ્યાં છીએ. આપણે એનાથી કેટલે દૂર દોડી શકવાનાં? આપણે મૂર્ખ છીએ, અંધ છીએ, નિર્બળ છીએ. એ ‘બળરામ’ આપણને કહે છે :

ડર ના, મારી છાયા.

‘તે જ હું, તે જ હું’ બોલાતો શબ્દ આપણે ગ્રહણ કર્યો, આપણે ‘સોહમ્’ જાણ્યું પછી, જે જ્ઞાન થયું તે જ્ઞાનતલવારથી માયાનો પડદો ચીરાઈ જવાનો.

મુક્તિની અનુભૂતિની ઝાંખી કરાવતું આ કાવ્ય અહીં પૂરું થયું, સ્વામીજીનો પત્ર પણ અહીં પૂરો થયો. આ પત્રથી જુનિયર મૅરીનો રોષ શમી ગયો એમ એની અને સ્વામીજી વચ્ચેના આ પછીના તુરતના પત્રોની આપ લે પરથી જણાય છે.

પોતાના એ પ્રેમાળ પત્રોમાં સ્વામીજીની એ યુવાન ભગિની વેદાન્તની ઊંડી સમજણ વ્યક્ત કરે છે. એ હેલ કુટુંબ સાથે સ્વામીજી કેટલું રહ્યા હશે? પણ જે થોડો સમય એ રહ્યા એ ટૂંકા સમયગાળામાં, સ્વામીજીને રંગે – બૉસ્ટનમાં જેમ પ્રૉ. રાઈટનું કુટુંબ રંગાઈ ગયું હતું તેમ – શિકાગોનું આ કુટુંબ પણ રંગાઈ ગયું અને, સ્વામીજીની વાતચીતથી, એમણે ચીંધેલાં થોડાંક પુસ્તકો આજથી સો વર્ષ પહેલાં ભારતીય દર્શન સમજાવતાં પુસ્તકો અંગ્રેજીમાં કેટલાં થોડા હતાં? તે -વાંચી અને તેથી વિશેષે તો, સ્વામીજીને નિકટથી નિહાળીને જ, એ કુટુંબની યુવાન દીકરી આ અસાધારણ લબ્ધિ પામી.

કેટલું મહાન એ બહેનનું સદ્ભાગ્ય?

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.