શ્રીમદ્ ભગવદ્‌ગીતા ભાવાર્થ (ભાગ ૧-૨-૩)

લેખક : શ્રી હીરાભાઈ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન

વતી હેમંત એન. શાહ, ૧૧ એ, નારાયણનગર સોસાયટી,

જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ :

મૂલ્ય અનુક્રમે રૂ. ૧૪૫, ૧૨૫ અને ૧૧૫.

શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૫ર લખાયેલાં બહુવિધ વિવેચનોમાં આ ત્રણ દળદાર પુસ્તકથી એક વધુ ઉમેરો થાય છે. રૂપેરંગે સુંદર બનેલા આ ત્રણેય ગ્રંથો, ગુજરાતીમાં જાણીતાં છ પુસ્તકોના લેખક શ્રી હીરાભાઈ ઠક્કરે લખેલાં છે. એમનાં કર્મનો સિદ્ધાંત, વેદાન્ત વિચાર, મૃત્યુનું માહાત્મ્ય એ ત્રણ પુસ્તકો પછી ગીતા વિષયક આ ત્રણ પુસ્તકો મળીને કુલ છ પુસ્તકો પ્રકાશિત થયાં છે ભગવદ્‌ગીતાના પહેલા ભાગમાં ૧થી ૬ અધ્યાયો, બીજામાં ૭થી ૧૨ અધ્યાયો અને ત્રીજા ભાગમાં ૧૩થી ૧૮ અધ્યાયો સંગ્રહાયા છે. અને ત્રણેય ભાગોનાં નામો પરંપરિત રીતે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ રાખવામાં આવ્યાં છે.

રેવન્યુ ખાતાની લાંબી નોકરી કરીને નિવૃત્ત થયા તે દરમ્યાન તેઓ અનેક સ્થળે ફર્યા અને ત્યાં પોતાની સહજ આધ્યાત્મિક રુચિ – રસ – વલણ અનુસાર વેદાન્ત – ગીતા – ઉપનિષદો – ભાગવત – રામાયણાદિ પર અનેક પ્રવચનો આપ્યાં અને છેલ્લે આ ગીતા ભાવાર્થમાં એ બધાંનો પરિપાક નજરે પડે છે.

આ ગ્રંથોમાં લખાણનો ક્રમ એવો રાખ્યો છે કે વાચકને સમજવામાં સરળ પડે અને સંસ્કૃત ન જાણનારને પણ સંસ્કૃતભાષાનો આસ્વાદ મળી શકે. પહેલાં તો મૂળ શ્લોક ગુજરાતી લિપિમાં આપવામાં આવેલ છે. પછી તે શ્લોકની સંધિ છોડીને છૂટા શબ્દો લખવામાં આવ્યા છે. ત્યાર પછી અન્વય કરવામાં આવેલ છે અને એમાં શ્લોકમાંના દરેકે દરેક શબ્દનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. અને ત્યાર પછી એ શ્લોકનું સળંગ ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. અને છેલ્લે લેખકનું વિવેચન મૂક્યું છે આ રીતે ગીતાને સુગમ બનાવવાનો સમુચિત પ્રયાસ થયો છે.

લેખકના વિવેચનમાં લેખકનું પરિશીલન પ્રતિબિંબિત થાય છે. એમની માહિતીની મોટી મૂડી છે અને ચિંતન પણ દરેક વાચકને ખૂબ ગમે તેવું છે. એનું કારણ એમાંનાં ઘરગથ્થુ ઉદાહરણો છે. લેખક દાર્શનિક બાબતમાં ઊંડા ઊતર્યા વગર વ્યાવહારિક ભૂમિકા ઉપર ઊભા રહીને ગીતાનું પરમ જ્ઞાન સમજાવવાનો સારો પ્રયાસ કર્યો છે.

શ્રીમદ્ભગવદ્‌ગીતા વિશે લેખકનો પોતાનો અભિગમ ખૂબ પ્રશસ્ય છે. એને લેખકના જ શબ્દોમાં ઉતારીએ :-

‘માણસ પોતાના પૂર્વજન્મોમાં સંચિત કરેલા સંસ્કારોને અનુરૂપ કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અગર જ્ઞાનમાર્ગ – એ ત્રણમાંથી ગમે તે એક માર્ગ પર ચાલવા માંડે તો આખરે આ ત્રણેય માર્ગો તેના ગન્તવ્ય સ્થળ પર ભેગા થઈ જાય છે. માણસ હવાઈ (પ્લેન)માર્ગે જાય કે રેલમાર્ગે જાય કે રોડ માર્ગે જાય પરંતુ દિલ્હી આગળ આ ત્રણેય માર્ગો ભેગા થઈ જાય છે… માણસ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરે કે સેંકડ ક્લાસમાં કે થર્ડ ક્લાસમાં મુસાફરી કરે; પણ ત્રણેય ડબ્બા એક જ સમયે તેને દિલ્હી સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ઉતારી દે છે.’

લેખકનો આ સમન્વયાત્મક અને બિનસાંપ્રદાયિક પૂર્વગ્રહમુક્ત અભિગમ સાચે જ આજના યુગની માગ છે. માનવ મનની ભાતભાતની તાસીર પ્રમાણે માર્ગ પસંદગીની વાત પૂરી મનોવૈજ્ઞાનિક છે. અને આ જ વાતને સ્વામી વિવેકાનંદે પુરસ્કારી છે. લાડુ ગમે તેટલા પૌષ્ટિક હોય પણ સાવ નાના બાળકને એ ન જ અપાય. એમાં વિવેકની જરૂર છે. આજના સામાન્ય જનને અને યુગકાર્યને ખ્યાલમાં રાખીને લેખકે કર્મમાર્ગને આગળ ધર્યો છે તો ખરો પણ એ બહુજનોપયોગી લાગવાથી જ આગળ ધર્યો છે.

ગ્રંથની શરૂઆતમાં ગીતાધ્યાનમંત્રો પણ ગીતાની જ શૈલીમાં અપાયા છે ત્યાં લેખકે પોતે વિવેચન કર્યું નથી. આમ અંદરની સમૃદ્ધિ અને બહારનો રૂપરંગ, સુંદર છપાઈ, સારા કાગળો વગેરેથી શોભીત ગીતા ભાવાર્થના આ ત્રણેય ગ્રંથો ગીતાને ‘સુગીતા’ કરવામાં ખૂબ સહાયક નીવડે એવી આશા રાખી શકાય.

ગુજરાતી ભાષાનો જોડણીની ક્યાંક ક્યાંક રહેલી ક્ષતિઓ ખૂંચે છે ખરી. આપણે આશા રાખીએ કે ભવિષ્યની આવૃત્તિઓમાં આ ક્ષતિઓ દૂર કરાશે. આ ગ્રંથની શરૂઆતમાં ગીતાન્યાસ અને ગીતા માહાત્મ્ય પણ આપ્યાં હોત તો વધુ સારું થાત એવું લાગે છે.

આવી જ રીતે શ્રી હીરાભાઈ ઠક્કર પોતાનાં પ્રવચનો અને પુસ્તકો દ્વારા વેદાન્ત જ્ઞાનનો પ્રચાર – પ્રસાર કરતા રહે એવી શુભકામનાઓ.

– કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.