બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની ચર્ચા કરવાની શી જરૂર છે? ભલાં કામ કરો અને ભલા થાઓ. એ જ તમને મુક્ત કરશે અને પરમ સત્ય તરફ લઈ જશે.’

આ વાક્યો ઉચ્ચારવાની હિંમત કરનાર બુદ્ધ પ્રથમ હતાઃ ‘કોઈ જૂની હસ્તપ્રતો બતાવવામાં આવે તો માનશો નહીં; તમારી એ રાષ્ટ્રીય માન્યતા છે અથવા તમને બચપણથી એ માનતા કરવામાં આવ્યા છે માટે માનશો નહીં. એ બધાંનો બુદ્ધિપૂર્વક વિચાર કરો; એનું પૃથક્કરણ કર્યા પછી તમને જો એમ લાગે કે તેથી સર્વનું શુભ થશે તો જ તમે માનજો. એ પ્રમાણે જીવજો અને અન્યને જીવવામાં સહાય કરજો.’

પોતાને માટે કશુંક પણ મેળવવાની ઈચ્છા નહીં હોવાથી તેમને સ્વર્ગ જોઈતું ન હતું, કે સંપત્તિ જોઈતી નહોતી. તેમણે રાજપાટ છોડ્યું, સર્વસ્વનો ત્યાગ કર્યો; ભારતની ગલીએ ગલીએ ભીખ માગતા ફર્યા કર્યું; સાગર જેટલું વિશાળ હૃદય રાખી મનુષ્યને પ્રાણીઓના કલ્યાણ માટે ઉપદેશ આપ્યા કર્યો. તે એક જ એવો પુરુષ હતો કે જે પશુઓ માટે યજ્ઞમાં તેમનાં બલિદાનો અટકાવવા માટે પોતાની જિંદગી આપવા તૈયાર થયો. એક વખત તેમણે એક રાજાને કહ્યું : ‘જો ઘેટાના બલિદાનથી તમને સ્વર્ગ મેળવવામાં સહાય મળતી હોય તો માનવીનું બલિદાન વિશેષ સહાયભૂત થશે. તેથી મારું જ બલિદાન આપો.’ રાજાને આશ્ચર્ય થયું.

ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી ઘણાનો માર્ગ સરળ બને છે. પણ બુદ્ધનું જીવન બતાવે છે કે જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતો નથી, જેનામાં તત્ત્વજ્ઞાન નથી, જે કોઈ સંપ્રદાયનો નથી, જે કોઈ મંદિરમાં જતો નથી, જે ખુલ્લો ભૌતિકવાદી છે, તે પણ આધ્યાત્મિકતાને શિખરે પહોંચી શકે છે. તેનો ન્યાય તોળવા બેસવાનો આપણને કોઈ અધિકાર નથી. હું તો ઈચ્છું કે બુદ્ધના હૃદયનો એક અણુ જેટલો અંશ પણ મારામાં હોય. બુદ્ધ ઈશ્વરમાં માનતા હોય કે ન માનતા હોય, તેની સાથે મારે કોઈ નિસ્બત નથી. ભક્તિ-ઈશ્વરમાં પ્રેમ – ના જ્ઞાન દ્વારા અન્ય મહાપુરુષો જેમ પૂર્ણતા પામ્યા તેવી જ સ્થિતિ તેમણે પ્રાપ્ત કરી.

– સ્વામી વિવેકાનંદ

(‘અભયવાણી’ પૃ.૮૯-૯૦માંથી સંકલિત)

Total Views: 31
By Published On: April 25, 2022Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram