કોઈ હિર જન હોય તો જાગે,
કોઈ પ્રેમી હોય તો જાગે,
જંતર વાગે.

બત્રીસ ગમાકા જંતર બનાયા,
નવસો તાર લગાયા રે,
સોળ સહસ્ર રાણીનો રાજા,
એણે જંતર બજાયા રે. – જંતર વાગે.

ઇંગલા પિંગલા સુષમણા નાડી,
સહેજ શૂન્યમાં જાગે રે,
અધર તખત પર આપ બિરાજે
જ્યાં અનહદ વાજાં વાગે રે. – જંતર વાગે.

વણ તુંબડે વણ ડાંડવે,
વણ તારે ઝણકારા રે,
સાંભળ શ્રવણે, નીરખ નૈણે,
નિરાધાર આધારા રે. – જંતર વાગે.

વનરાવનની કુંજગલીમાં;
તરવેણીમાં બોલે રે,
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ
નિજ નામને તોલે રે. – જંતર વાગે.

કોઈ પ્રભુનાં પ્રેમી હોય તો જાગીને સાંભળો. તમારી અંદર જ એક અદ્‌ભુત વાજિંત્ર વાગી રહ્યું છે, અનાહત નાદ થઈ રહ્યો છે.

‘બત્રીસ ગમા કા જંતર બનાયા’ – શરીરમાં બત્રીસ કોઠા અને નવસો નાડીના તારથી આ વાંજિત્ર બનાવવામાં આવ્યું છે. ‘સોળ સહસ્ર રાણીનો રાજા’ એટલે સઘળી નાડીઓમાં મુખ્ય એવી સુષુમ્ણાનો સ્વામી શિવસ્વરૂપ આત્મા. આ વાંજિત્ર વગાડે છે. સહસ્રનાડી એટલે સુષુમ્ણા વિશે ગોરખનાથ કહે છે.

‘ષોડસ નાડી ચંદ્ર પ્રકાસ્યા, દ્વાદસ નાડી ભાનં;
સહસ્રા નાડી પ્રાણકા મેલા, જહાં અસંખ્ય કલા શિવસ્થાનં,

‘અધર તખત પર આપ બિરાજે’- શૂન્ય નિરાલંબસ્થાન સહસ્રારમાં પરમાત્મા પોતે બિરાજી રહ્યા છે અને અનાહત નાદ થઈ રહ્યો છે.

‘વણ તુંબડે વણ ડાંડવે’ – આ વાંજિત્રને નથી તુંબડું; નથી દાંડી, નથી તાર, છતાં ઝણકાર થઈ રહ્યો છે. કોઈ જાતના બાહ્ય આધાર વિના સ્વયંમેવ વાગતા સંગીતનો તું અનુભવ કરી લે.

જે બ્રહ્મ નાદ વૃંદાવનની કુંજગલીમાં કૃષ્ણની બંસીમાંથી રેલાયો હતો, એ તરવેણી – ત્રિકુટિ પર વાગી રહ્યો છે. ભવાનીદાસ કહે છે કે નિજનામ – સોહમ્ જાપને સિદ્ધ કર્યો હોય તો આ ધ્વનિ સાંભળી શકાય છે.

અનાહત નાદને જંતરની ઉપમા આપી. કબીર ગાય છે :

‘જી જી જંતર બાજૈ
કર ચરન બિહૂના નાચૈ
કર બિન બાજૈ, સુનૈ સ્રવન બિનુ,
શ્રવણ શ્રોતા સોઈ,
પાટ ન સુબાસ, સભા બિનુ અવસર,
બૂઝૌ મુનિ-જન ઓઈ’

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.