‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા જ સમાચારો પ્રકાશિત કરીશું – જે ઉત્સાહવર્ધક હોય, પ્રેરક હોય, રસપ્રદ હોય. -સં

પ્રામાણિકતામાં ભારતીયો સૌથી મોખરે

ભ્રષ્ટાચારથી ખદબદતા સમાજમાં તથા જે સમાજમાં મોટા માગના રાજકારણીઓ લાંચિયા છે, એવી પરિસ્થિતિમાં પણ ભારતના ઘણા નિર્ધન લોકો પ્રામાણિક છે- એવું ઘણી જગ્યાએ જોવા મળે છે. પ્રામાણિકતા એ કંઈ શ્રીમંતોનો ઈજારો નથી. રીડર્સ ડાયજૅસ્ટ’ નામના સામયિકે આ બાબત પોતાના સર્વે દ્વારા સાબિત કરી આપી છે.

વિશ્વના કેટલાય સ્થળોએ – મહાનગરો તથા નાના ગ્રામ્ય વિસ્તારમાં આ માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. રૂા. ૩૫૦થી ભરેલો એક એક બટવો (તેમાં નામ-સરનામું-ટેલિફોન નંબર વગેરેનો ઉલ્લેખ કરેલો હતો.) રસ્તા ઉપર છોડી દેવામાં આવ્યો હતો. કેટલા બટવાઓ પાછા મળ્યા તેના પરથી લોકોની પ્રમાણિકતાનો અંદાજ કરવામાં આવ્યો હતો. આ ઉપરથી એવું ફલિત થયું હતું કે મહાનગરોના લોકો કરતાં ગ્રામ્ય વિસ્તારના લોકો વધારે પ્રામાણિક છે. બહુ જ થોડા લોકોમાં શેતાન અને ઈશ્વર વચ્ચે સંઘર્ષ જોવા મળતો હતો. અંતે તો ઈશ્વરનો જ વિજય થતો હતો અને મોટાં શહેરોમાં શૈતાન વધારે ‘ઍક્ટિવ’ હોય તેમ લાગતું હતું.

ભારતનું થિરુવંથાપુરમ્ ગામ પ્રમાણિકતામાં ૧૦માંથી ૮ પૉઈન્ટ સાથે સૌથી મોખરે રહ્યું હતું. સમૃદ્ધ સિંગાપુરને ૧૦માંથી ૧ પૉઈન્ટ મળ્યો હતો. જે લોકોએ આ બટવા પરત કર્યા તેઓને પુરસ્કારરૂપે ધન આપવામાં આવ્યું હતું. અહીં પણ અમેરિકા અને યુરોપના સમૃદ્ધ દેશો કરતાં એશિયાના ગરીબ દેશોમાં વધારે પ્રામાણિકતા જોવા મળી. અમેરિકામાં માત્ર ૧૦ ટકા વ્યક્તિઓએ આવો પુરસ્કાર લેવાની ના પાડી. જ્યારે એશિયાના ૭૨ ટકા લોકોએ પુરસ્કાર લેવાની ના પાડતાં કહ્યું, ‘ના, આભાર, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે, આ માટે કોઈ પુરસ્કાર ન લઈ શકું.’ રીડર્સ ડાઈજેસ્ટના ભારત શાખાના ડૅપ્યુટી ઍડિટર શ્રી મોહન શિવાનંદે એક હૃદયસ્પર્શી ઉદાહરણ આપતા કહ્યું : ‘થિરુવંથાપુરના એક વિદ્યાર્થી પાસે તો ફોન કરવાના પૈસા પણ નહોતા. આવો બટવો મળ્યા પછી તેણે એક રૂપિયો ઉછીનો લીધો અને ફોન કર્યો.’

(ઈન્ડિયન એક્સપ્રેસ, ૨૬ માર્ચમાંથી સંકલિત અંશ. સંકલક શ્રી એમ. કે. દવે)

સત્ય પણ કલ્પનાતીત

ચાર હજાર વર્ષ પહેલાં પાંગરેલી હડપ્પા સંસ્કૃતિ જે ધોળા વીરામાં પુનર્જિવિત કરવામાં સહાયરૂપ થઈ રહી છે. અહીં ચાલતાં ખોદકામમાં છસ્સોથી વધારે લોકોને રોજી મળી રહે છે. તેમને અછતનાં કામો પર મળતી રોજી કરતાં પણ અહીં વધુ રોજી મળે છે. આ રીતે ભૂતકાળે આ ગામને નામના, કીર્તિ અને સમૃદ્ધિ અપાવ્યાં છે.

‘આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા’ના શ્રી રવીન્દ્રસિંહ બિસ્તની દેખરેખ હેઠળ ૫૬ એકર જમીનમાં ખોદકામ ચાલે છે. ડૉ. બિસ્તના કહેવા પ્રમાણે ધોળા વીરાનું ખોદકામ અન્ય સિંધુ ખીણ સંસ્કૃતિ જેવી કે મોહેં-જો- દડોના કરતાં વધુ આયોજનબદ્ધ કરવામાં આવી રહ્યું છે. તેથી તે ખુબ જ મહત્ત્વ ધરાવે છે અને અત્યાર સુધી ન જોવા મળેલી બાબતો પર તે પ્રકાશ પાડશે.

આ પ્રાચીન નગર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે, જેમાં શાસકો માટેનો કિલ્લાનો વિસ્તાર, અધિકારીગણ માટેનું મધ્યનગર અને શહેરીજનો માટે નીચેનો વિસ્તાર છે. અહીં માટીચૂનામાંથી બનાવેલી વસ્તુઓ, ઘરેણાંઓ અને મણકાઓ જેવી વસ્તુઓ પણ મળી આવી છે – રોમન સંસ્કૃતિ જેવું સ્ટેડિયમ, દરવાજાઓ, કિલ્લાઓ, સ્તૂપો – પ્રકારનું સ્થાપત્ય પણ અહીં જોવા મળે છે. અહીં રહસ્યસભર લિપિમાં સિંધુ સંસ્કૃતિકાળના ઉદય અને અસ્ત લખેલો જોવા મળ્યો છે.

૬૦ ફૂટ ઊંડો કૂવો એ સમયની ઈજનેરી કુશળતાનું પ્રમાણ આપે છે. જળાશયો અને નહેરોનું સુવ્યવસ્થિત તંત્ર દર્શાવે છે કે પાણી આજની જેમ એ સમયે પણ અપ્રાપ્ય હતું. સ્ટેડિયમનું ભોંયતળિયું સૌરઊર્જાથી પકવેલી ઇંટોથી બનાવેલું છે.

હજુ તાજેતરમાં જ એક કબ્રસ્તાન પણ મળી આવેલ છે – જેમાં મૃતદેહોના મસ્તકો ઉત્તર તરફ રાખી ઊંડા ખાડામાં દફનાવવામાં આવતા હતા – આ પ્રથા હજુ પણ હિંદુ દફનવિધિમાં અપનાવાય છે. શ્રીમાન બિસ્ત ઉપરાંત માટીકામ – માનવવંશશાસ્ત્રના, ખડકમાંના જીવાવશેષ શાસ્ત્રના તજ્જ્ઞો કામ કરી રહ્યા છે. ભારતીય અને નેપાલી યુનિ.ઓની પાંચ વિદ્યાર્થીનીઓ સહિત કુલ ૩૨ આર્કિયૉલૉજીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મુલાકાતીઓ અને પ્રવૃત્તિઓથી આ સ્થળ ધમધમી રહ્યું છે.

(ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ૩૧ માર્ચની આવૃત્તિમાંથી. સંકલક : શ્રી જે.ડી. દવે)

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.