લોકોના શબ્દોની કશી પરવા ન કરો; જે માણસ તેમની નિંદા કે સ્તુતિ ઉપર ધ્યાન આપશે તે કોઈ પણ મહાન કાર્ય કરી શકશે નહિ. मायमात्मा बलहीनेन लभ्यः એટલે કે ‘આત્મા નિર્બળ (માનવી)થી પ્રાપ્ત કરી શકાતો નથી.’ જો શરીર અને મનમાં તાકાત ન હોય તો આત્માનો સાક્ષાત્કાર કરી શકાય નહિ.
પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું જોઈએ; ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે. તમારા મન અને શબ્દોમાં તમારે ઘણી શક્તિનો સંગ્રહ કરવો જોઈએ. ‘હું ક્ષુદ્ર છું, હું ક્ષુદ્ર છું’ તેવા વિચારો વારંવાર કરવાથી માનવી પોતાને નીચો પાડે છે અને હીન બનાવે છે. માટે જ શાસ્ત્રો કહે છે : ‘જે પોતાને મુક્ત માને છે તે મુક્ત બને છે, જે પોતાને બદ્ધ માને છે તે બદ્ધ રહે છે; આ લૌકિક કથન સત્ય છે. જેવો જેનો વિચાર તેવો તે બને છે.’ મુક્તિની ભાવના પરત્વે જે નિરંતર જાગ્રત છે તે મુક્ત બને છે; જે પોતે બદ્ધ છે એમ માને છે તે અનેક જિંદગીઓ સુધી બંધનમાં જ સબડ્યા કરે છે. આ સત્ય હકીકત છે. આ સત્ય પારમાર્થિક તેમજ વ્યાવહારિક બંને ક્ષેત્રોને સરખું લાગુ પડે છે.
જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. જન્મે જન્મે શોક અને વિલાપ કરતા તેઓ આવે છે ને જાય છે. विरभोग्या वसुन्धरा એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો. હંમેશાં બોલો : ‘મને કોઈ ડર નથી.’ દરેકને કહો : ‘નિર્ભય બનો.’ ભય તે મૃત્યુ છે, ભય તે પાપ છે, ભય તે નરક છે, ભય તે અધમ છે, ભય તે મિથ્યા જીવન છે. ભયની આ દુષ્ટ ભાવનામાંથી જ બધા નિષેધાત્મક વિચારો અને આદર્શો આવ્યા છે. આ ભયને કારણે જ સૂર્ય, વાયુ અને મૃત્યુ પોતપોતાના સ્થાનમાં રહીને કર્મ કર્યા કરે છે; કોઈ જ તેમના બંધનમાંથી ચસકી શકતું નથી. માટે તો શ્રુતિ કહે છે :
‘આના ભયથી અગ્નિ બળે છે; સૂર્ય તપે છે, તેમ જ ઈન્દ્ર અને વાયુ પોતાનાં કર્તવ્યો બજાવે છે; અને પાંચમું મૃત્યુ આ પૃથ્વી ઉપર ફરે છે.’ જ્યારે ઈન્દ્ર, ચંદ્ર, વાયુ, વરુણ વગેરે દેવો અભય દશાને પામશે ત્યારે તેઓ બ્રહ્મ સાથે એક બનશે, અને ત્યારે દુનિયાની ભૂતાવળ અદૃશ્ય થશે. માટે હું કહું છું કે ‘નિર્ભય બનો, નિર્ભય બનો.’
– સ્વામી વિવેકાનંદ
(‘વિવેકાનંદજીના સાંનિધ્યમાં’, પૃ.૮૮-૮૯)
Your Content Goes Here