એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા.

હવે એ ગામના પાંચ આંધળા હાથીને જોઈ શક્યા ન હતા. તેથી એના સ્વરૂપ વિશે માહિતગાર બનવા તેમણે હાથીને અડકીને જાણવાનો નિર્ણય કર્યો. એ બાપડા આંધળાઓને તેમ કરવાની છૂટ આપવામાં આવી.

પછી જ્યારે સરઘસ ચાલ્યું ગયું, ત્યારે તેઓ પણ લોકોની સાથે ઘેર પાછા ફર્યા અને હાથી વિશે વાતચીત કરવા લાગ્યા.

એક કહે : ‘હાથી દીવાલ જેવો જ હતો.’

બીજો હે : ‘ના, એમ ન હતું. તે દોરડા જેવો હતો.’

ત્રીજો કહે : ‘તમારી ભૂલ છે. મેં તેને અડકી જોયો હતો અને તે મોટા સાપ જેવો હતો.’

હવે ચર્ચામાં ગરમી આવી ગઈ. ચોથો બોલી ઊઠ્યો : ‘હાથી તો મોટા તકિયા જેવો હતો.’

પાંચમો બોલ્યો : ‘ના, ના. હાથી તો થાંભલા જેવો હતો.’ આથી તો ચર્ચા વધારે ઉગ્ર બની ગઈ અને પાંચે આંધળા લડવા લાગ્યા.

એવામાં એક દેખતો માણસ ત્યાં આવી પહોંચ્યો. તેણે પૂછ્યું : ‘કેમ દોસ્તો! શી વાત છે!’

તકરાર તેને સમજાવવામાં આવી. એ સાંભળીને પેલો માણસ હસતો હસતો બોલ્યો : ‘ભાઈઓ! તમે બધા સાચા છો. મુશ્કેલી એ છે કે, તમે હાથીને જુદે જુદે સ્થળે અડક્યા હતા. દીવાલ એ તેનું પડખું હતું, દોરડું એ તેની પૂંછડી હતી, સાપ એ તેની સૂંઢ હતી, તકિયો એ તેના પેટનો નીચેનો ભાગ હતો અને થાંભલો એ તેનો પગ હતો. તમારો ઝઘડો હવે બંધ કરો અને પોતપોતાને ઘેર જાઓ.’

આ જગતમાં ધર્મ આવા ઝઘડામાં ઊતરી પડ્યો છે, બધા એમ માને છે કે, મારો જ ધર્મ સાચો છે અને બીજા બધા ધર્મો ખોટા છે. પણ જેમણે ખરેખર ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે તેઓ જાણે છે કે, બધા ધર્મો સાચા છે અને એક જ ઈશ્વર તરફ લઈ જાય છે.

Total Views: 634

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.