જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો – નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે – હર્ષોલ્લાસથી ‘જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે’ બોલતાં બોલતાં જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથોને રસ્સીથી ખેંચીને જઈ રહ્યો છે. નાતજાતના ભેદભાવ વગર બધા આ મહોત્સવમાં ભાગ લે છે. ફક્ત જગન્નાથપુરીમાં જ નહિ, દેશનાં વિભિન્ન સ્થળોએ આ ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. કેટલાય સૈકાઓથી આ પ્રથા ચાલી રહી છે. અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અવિભાજ્ય અંગ બની ચૂકી છે.

એમ માનવામાં આવે છે કે નવમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યે જગન્નાથપુરીમાં જ ‘જગન્નાથષ્ટક’ સ્તોત્રની રચના કરી હતી. વળી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ યાત્રામાં સંકીર્તન અને નૃત્ય સાથે સમ્મિલિત થઈ રાજા પ્રતાપરુદ્ર વગેરે બધાને પરમ આનંદિત કર્યા હતા. આપણા સમયમાં શ્રીરામકૃષ્ણદેવે પણ આ રથયાત્રામાં ભાગ લીધો હતો – પણ જરા જુદી રીતે. તેઓ પોતાના ભૌતિક દેહથી જગન્નાથપુરી ક્યારેય ગયા નહોતા કારણ કે તેમની એવી માન્યતા હતી કે, તેમના દેહનો આવિર્ભાવ જગન્નાથ પ્રભુથી જ થયો છે અને તેમનાં દર્શન પછી એ દેહ પોતાના મૂળ સ્વરૂપમાં સંકેલાઈ જશે. પણ તેમણે પોતાના ભક્ત બલરામ બોઝના ભવનમાં ૧૪મી જુલાઈ ૧૮૯૫ના રોજ આયોજિત રથયાત્રાના ઉત્સવમાં ભાગ લીધો હતો. બલરામ બોઝના ઘરમાં જગન્નાથજીની નિત્ય સેવા થતી હતી. (હવે આ ભવન ‘બલરામ મંદિર’ના નામથી પ્રખ્યાત છે, અને રામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર બની ગયું છે.) શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આ પ્રસંગનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે.

મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫. આજે રથોત્સવ. શ્રીરામકૃષ્ણદેવ બલરામબાબુને ઘેર પધાર્યા છે. બપોર નમી ગયા છે. ઓસરીમાં ઠાકોરજી શ્રી જગન્નાથદેવનો નાનો રથ ધજા, પતાકા વગેરેથી સારી રીતે શણગારીને બહાર લાવવામાં આવ્યો છે. શ્રી જગન્નાથ, સુભદ્રા અને બલરામ ચંદનચર્ચિત છે અને વસ્ત્ર, આભૂષણ અને પુષ્પમાળા વગેરેથી સુશોભિત થયાં છે. ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) બનવારીનું કીર્તન છોડીને ઓસરીમાં રથની સામે પધાર્યા. ભક્તોય સાથે સાથે ચાલ્યા. ઠાકુરે રથની દોરી પકડીને જરાક વાર ખેંચી. ત્યાર પછી રથની સામે ભક્તો સાથે નૃત્ય અને કીર્તન કરે છે. બીજાં ગીતોની સાથે ઠાકુરે ગીત ઊપાડ્યું :

જેમના હિર બોલતાં નયન ઝરે એવા,
એવા બે ભાઈ આવ્યા છે રે!

જેઓ માર ખાઈને પ્રેમ યાચે એવા,
એવા બે ભાઈ આવ્યા છે રે!

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ ૩, પૃ.૧૨૯)

આ પછી તો સંકીર્તનની રમઝટ ચાલી. ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં શ્રીરામકૃષ્ણદેવની સાક્ષાત ઉપસ્થિતિમાં ભક્તોએ રથયાત્રાનો આનંદ માણ્યો.

રથયાત્રાની આ પરંપરા ક્યારે પ્રારંભ થઈ એ વિષે વિદ્વાનોમાં મતભેદ છે. ચીનના પર્યટક ફાહ્યાને પાંચી શતાબ્દીમાં પોતાની ભારતયાત્રાના વર્ણનમાં ભગવાન બુદ્ધના જન્મોત્સવના ઉપલક્ષમાં આયોજિત બે રથયાત્રાઓનું વર્ણન કર્યું છે. કેટલાક લોકોના મતે બુદ્ધદેવની આ યાત્રા જ પછીથી જગન્નાથની યાત્રામાં પરિણમી. પણ પદ્મપુરાણ, સ્કંદ પુરાણ વગેરેમાં રથયાત્રાનો ઉલ્લેખ છે, અને પુરાણોનો રચનાકાળ ગુપ્તયુગમાં (ચતુર્થ શતાબ્દી) હોવાથી આ મત સૌને સ્વીકાર્ય નથી. આ સિવાય, કુર્મ, ભવિષ્ય, વારાહ, મત્સ્ય વગેરે પ્રાચીન પુરાણોમાં અન્ય પ્રકારની રથયાત્રાઓનું વર્ણન છે. આથી એટલું તો સાબિત થાય છે કે દેવતાઓની રથયાત્રા ભારતીય પરંપરાનું અવિભાજ્ય અંગ છે.

રથના ઘણા પ્રસંગો આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. શ્રીમદ્ ભાગવતમાં વર્ણન આવે છે – અક્રુર શ્રીકૃષ્ણ અને બલરામને રથમાં બેસાડીને વૃંદાવનથી મથુરા લઈ જઈ રહ્યા છે અને વ્રજની ગોપિકાઓ વિરહમાં ક્રંદન કરી રહી છે. આ પ્રસંગને અનુલક્ષીને તો કેટલાંય ભાવવાહી ગીતો રચાઈ ગયાં છે.

ગીતાના પ્રારંભમાં જ અર્જુન ‘કપિધ્વજ’વાળા પોતાના રથમાં સારથી શ્રીકૃષ્ણને સેનાની વચ્ચે રથને ખડો કરવાનો આદેશ આપતાં કહે છે. ‘સેનયોરૂભયોર્મધ્યે રથં સ્થાપય મેડચ્યુત’ (ગીતા : ૧/૨૧) અર્જુન પોતાના સગાંવહાલાંઓને યુદ્ધભૂમિમાં જોઈ શોકમગ્ન થઈ, સ્વધર્મ ભૂલી જઈ ધનુષ્યબાણ રાખી રથમાં બેસી પડે છે અને પછી પ્રારંભ થાય છે ભગવાન શ્રીકૃષ્ણનો ગીતાનો એ અમર સંદેશ – જે આજે હજારો વર્ષોથી માનવજાત માટે આર્શીર્વાદરૂપ રહ્યો છે. કેટલાય કલાકારોએ, સારથી શ્રીકૃષ્ણ રથમાં બેઠેલા અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, એ દૃશ્યને પોતાની પીંછી વડે આંકવાનો પ્રયત્ન કર્યો છે. આ વિષય પર સ્વામી વિવેકાનંદજીનો શ્રી પ્રિયનાથ સિંહા સાથે રસપ્રદ વાર્તાલાપ થયો હતો. સ્વામીજીએ કહ્યું, આજ એક રમુજી કિસ્સો બન્યો. હું એક મિત્રને ઘેર ગયો હતો. તેની પાસે એક ચિત્ર હતું. એનો વિષય હતો : ‘કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર અર્જુનને ઉપદેશ આપતા શ્રીકૃષ્ણ.’ ચિત્ર બતાવી તેણે તે અંગે મારો અભિપ્રાય માગ્યો. મેં કહ્યું ‘ચિત્ર ઠીક છે. પણ તે વિષે મને ચોક્કસ અભિપ્રાય આપવા આગ્રહ કરવાથી નાછૂટકે મેં નીચે પ્રમાણે કહ્યું, ‘ચિત્રમાં મને ગમે તેવું કાંઈ નથી. પ્રથમ કારણ એ છે કે શ્રીકૃષ્ણના જમાનામાં હાલની મંદિરના આકારની ગાડીઓ જેવો રથ નહોતો, અને એ ઉપરાંત શ્રીકૃષ્ણના મોં પર કોઈ ભાવ નથી.’ તે કાળે મંદિરના આકારનો રથ નહોતો વપરાતો? આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું, ‘તમને ખબર નથી કે આપણા દેશમાં બુદ્ધના કાળથી ઘણી બાબતમાં ગેરસમજ પ્રવર્તે છે. રાજાઓ આવા મંદિરના આકારના રથમાં બેસીને કદી પણ લડતા નહિ. રાજપુતાનામાં હજુ પણ એવો રથ છે કે જે પ્રાચીન કાળના રથ સાથે મળતો આવે છે, ગ્રીક પુરાણકથાઓમાંના રથનાં ચિત્રો તમે જોયાં છે? એને બે પૈડાં હોય છે અને તેમાં પાછળથી ચડાય છે; આપણે ત્યાં તે પ્રકારના રથ હતા. જો વિગતો ખોટી હોય તો ચિત્ર ચિતરવાથી શો લાભ? જ્યારે પૂરતા અભ્યાસ અને સંશોધન પછી તે સમયમાં વસ્તુઓ જેવી હતી તેવી જ આલેખવામાં આવે ત્યારે જ કોઈ ઐતિહાસિક ચિત્ર ઉત્તમ કોટિમાં આવી શકે. ‘શ્રી પ્રિયનાથ સિંહાએ પ્રશ્ન પૂછ્યો – ‘સ્વામીજી, તો પછી એ ચિત્રમાં શ્રી કૃષ્ણને કેવા આલેખવા જોઈતા હતા?’ સ્વામીજીએ કહ્યું, શ્રીકૃષ્ણ જેવા હતા તેવા, મૂર્તિમંત ગીતા તરીકે એમને આલેખવા જોઈએ. તે સમગ્ર ચિત્રમાંથી ગીતાનો મધ્યવર્તી ભાગ ઊઠવો જોઈએ.’ આમ કહી શ્રીકૃષ્ણને જે રીતે આલેખવા જોઈએ તે દર્શાવતી ઢબમાં સ્વામીજી ઊભા રહ્યા અને કહ્યું, ‘જુઓ, ઘોડાની લગામ તેઓ આમ પકડે છે – એટલી સખત રીતે કે ઘોડાઓ બે ૫ગ ઉ૫૨ ઝાડ થઈ ગયા છે; તેમના આગલા પગ તેઓ હવામાં વીંઝે છે અને મોં ખુલ્લાં થઈ ગયાં છે. આમ શ્રીકૃષ્ણની આકૃતિ મહાન કર્મશીલતા દર્શાવશે. તેમનો મિત્ર વિશ્વવિખ્યાત વીર અર્જુન પોતાના ધનુષ્યબાણ છોડી દઈને બન્ને સૈન્યની વચ્ચે કાયરની માફક રથમાં બેસી ગયો છે, અને શ્રીકૃષ્ણ એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં લગામ ખેંચી અર્જુન તરફ ફરીને ઊભા છે, તેમના બાળક જેવા મુખ ઉપર અપાર્થિવ પ્રેમ અને સહાનુભૂતિ ઝળકે છે. દૃષ્ટિ શાંત અને ગંભીર છે અને પ્રિય મિત્રને ગીતાનો ઉપદેશ આપે છે. હવે કહો, ગીતાના ઉપદેશક શ્રીકૃષ્ણનો આમાંથી ક્યો ભાવ આ ચિત્ર તમારી પાસે રજૂ કરે છે? શ્રી પ્રિયનાથ સિંહાએ જવાબ આપ્યો, ‘કર્મશીલતાની સાથે દૃઢતા અને સૌમ્ય ભાવ.’ સ્વામીજીએ કહ્યું, ‘હા તે જ! સમગ્ર શરીરમાં પ્રખર કર્મશીલતા અને છતાં ચહેરા પર નીલ આકારૂંની ગહન શાંતિ! બધા સંજોગોમાં શાંત અને દૃઢ રહેવું તથા શરીર મન અને આત્મા ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવાં, આ જ છે ગીતાનો મુખ્ય ભાવ.’

રામચરિતમાનસ’માં પણ રથના ઘણા પ્રસંગો આવે છે – સુમંત્ર રાજા દશરથને રથમાં બેસાડીને જાનની સાથે જનકપુર જાય છે, શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે રથમાં બેસીને અયોધ્યાથી વનવાસ માટે રવાના થાય છે, વગેરે. રાવણની સાથે તો શ્રીરામને રથ વગર યુદ્ધ કરતાં જોઈને વિભીષણને ગ્લાનિ થાય છે, અને સંશય થાય છે કે રથ વગર શ્રીરામ રાવણને કેમ જીતશે? ત્યારે શ્રીરામ ધર્મરૂપી રથનું સુંદર વર્ણન કરતાં કહે છે –

સૌરજ ધીરજ તે હિ રથ ચાકા ।
સત્ય શીલ દૃઢ ધ્વજા પતાકા ॥

બલ બિબેક દમ પરહિત ઘોરે ।
છમા કૃપા સમતા રજુ જોરે ॥

ઈસ ભજનુ સારથી સુજાના ।
બિરતિ ચર્મ સંતોષ કૃપાના ॥

દાન પરસુ બુધિ સક્તિ પ્રચંડા ।
બિર બિગ્યાન કઠિન કોદંડા ॥

અમલ અચલ મન ત્રોન સમાના ।
સમ જમ નિયમ સિલીમુખ નાના ॥

કવચ અભેદ ગુર પૂજા ।
એહિ સમ બિજય ઉપાય ન દૂજા ॥

‘શૌર્ય તથા ધૈર્ય તે રથનાં પૈડાં છે; સત્ય અને શીલ તેની મજબૂત ધજા તથા પતાકા છે; બળ, વિવેક, દમ, ઈન્દ્રિયનિગ્રહ અને પરોપકાર – એ ચાર તેના ઘોડા છે; જે ક્ષમા, દયા તથા સમતારૂપી દોરીથી રથમાં જોડ્યા છે. ઈશ્વરનું ભજન ચતુર સારથી છે, વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ તલવાર છે, દાન ફરશી છે. બુદ્ધિ પ્રચંડ શક્તિ છે અને શ્રેષ્ઠ વિજ્ઞાન કઠિન ધનુષ છે, નિર્મળ અને અચળ મન ભાથા સમાન શમ-મનનો નિગ્રહ, યમ તથા નિયમ્ -એ અનેક બાણો છે, બ્રાહ્મણો તથા ગુરુનું પૂજન અભેદ્ય કવચ છે. આના સમાન વિજયનો બીજો કોઈ ઉપાય નથી.’

રથના ઉદાહરણને માધ્યમ બનાવી ઉચ્ચતમ ઉપદેશ આપવામાં આવ્યો છે – કઠોપનિષદમાં. યમરાજ નચિકેતાને આત્મતત્ત્વનું નિરુપણ કરતાં કહે છે –

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रगहमेव च ॥

इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥

(૧/૩/૩-૪)

‘હે નચિકેતા, જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણ, શરીરને જ રથ માન તથા બુદ્ધિને સારથી જાણ અને મનને લગામ સમજ. વિવેકી પુરુષ ઈન્દ્રિયોને ઘોડારૂપે જણાવે છે ને તેમની ઘોડારૂપે કલ્પના કરવામાં આવતા વિષયોને તેમના માર્ગ હોવાનું કહે છે ને શરીર, ઈન્દ્રિય તેમજ મનથી યુક્ત આત્માને ભોક્તા કહે છે. એટલા માટે પરમ પદની પ્રાપ્તિ માટેનો માર્ગ દર્શાવતા યમરાજ કહે છે –

विज्ञानसारथिर्यस्तु मनः प्रग्रहवान्नरः ।
सोडध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥

(૧/૩/૯)

‘જે મનુષ્ય વિવેયુક્ત બુદ્ધિરૂપી સારીવાળો અને મનને વશમાં રાખવાવાળો હોય છે, તે સંસારમાર્ગને પાર કરી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લે છે.’

ધર્મગ્રંથોની વાણી છે –

‘रथे तु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते’

રથમાં અવસ્થિત વામન અર્થાત્ વિષ્ણુના દર્શન કરવાથી પુનર્જન્મ નથી થતો. એટલા માટે જ કદાચ શ્રી જગન્નાથની રથયાત્રા જોવા માટે લાખો શ્રાદ્ધાળુઓ ઉમટી પડે છે. પણ જેઓ આ રથયાત્રા નથી નિહાળી શકતા તેઓને માટે શો ઉપાય છે? કઠોપનિષદમાં આ વામન શબ્દની વ્યાખ્યા આત્માના રૂપમાં કરવામાં આવી છે.-

‘मध्ये वामनासीनं विश्वे देवा उपासते’

(૨/૨/૩)

‘હૃદયના મધ્યમાં રહેવાવાળા તે વામનની સૌ દેવતાઓ ઉપાસના કરે છે.’

‘अंगुष्टमात्रः पुरुषो मध्य आत्मनि तिष्ठति’

(૨/૧/૧૨)

‘અંગુઠા જેવડા પરિમાણવાળો પુરુષ દેહના મધ્યમાં અવસ્થિત છે.’ માનવમાત્રનું કર્તવ્ય છે કે દેહમાં અવસ્થિત આ વામન અર્થાત્ આત્માનું દર્શન કરે.

આમ આપણે જોઈએ છીએ કે આપણા ધર્મગ્રંથોએ સાધારણ માનવ માટે મનોવૈજ્ઞાનિક ઢબે, રથની ઉપમા દ્વારા ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનને સુલભ કરી દીધું છે.

રથયાત્રાના પ્રસંગે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા બુદ્ધિરૂપી સારથીને વિવેક પ્રદાન કરે જેથી આપણી રથયાત્રા સફળ થઈ જાય અને આપણે ૫રમપદની પ્રાપ્તિ કરી શકીએ.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.