ડૉ. દીપક ચોપરાના પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે. હવે તેમણે સફળ ટી.વી. સિરિયલો પણ શરૂ કરી છે. થોડા સમય પહેલાં તેમણે ભારતની મુલાકાત વખતે આધ્યાત્મિક જીવનના મહત્ત્વ વિશે સમજણ આપી હતી. ‘હિન્દુસ્થાન’ના પ્રતિનનિધિ પહેલાં સાથેની તેમની મુલાકાતના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

પ્રશ્ન : સૌ પ્રથમ મારે તમારી આધ્યાત્મિક જાગૃતિ વિષે એક સવાલ પૂછવો છે. તમે ઘણી વાર કહ્યું છે કે તમે માદક દ્રવ્યોના રવાડે ચઢી ગયા હતા. સતત ધુમ્રપાન તો ચાલ્યા જ કરે અને શરાબની તો લત જ લાગી ગઈ હતી. જીવન જાણે માનસિક બોજથી દુષ્કર બની ગયું હતું.

ઉત્તર : ૧૯૭૦ના દસકમાં મેં આ બધું જ કર્યું હતું. હું ૧૯૭૦ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ગયો હતો. ૧૯૭૧માં મેં મારી રૅસિડન્સી શરૂ કરેલી. યુવાન હતો. હજુ તો વીસીના ચક્કરોમાંથી પસાર થઇ રહ્યો હતો. મગજ ઉપર સતત તાણનો બોજ લઇને ફરતો હતો. કદાચ તેનું એક કારણ અમેરિકાની હૉસ્પિટલોની વચ્ચે ચાલી રહેલી ભયાનક સ્પર્ધા હતી. એ દિવસોમાં આજના કરતાં પણ વધુ પ્રૅકટીસ શરૂ કરી હતી, પણ અહિંયા પણ મારી અંદર જૂની સ્પર્ધાઓ કરવાની વૃત્તિ ગઇ ન હતી. હું બધાને પાછળ પછાડીને આગળ વધ્યા કરવાની અદમ્ય ઇચ્છાઓ રાખતો હતો. બૉસ્ટનમાં કદાચ મારી પ્રૅકટીસ સૌથી વધારે હતી. સ્મોકીંગ અને ડ્રીંકીંગ તો નૉન સ્ટૉપ ચાલ્યા કરતા હતા. પણ મને ખબર હતી કે આ બધું બરોબર નથી.

પ્રશ્ન : તમારા મન ઉપર આ બધી બાબતોનું ભારણ રહેતું હતું ખરું?

ઉત્તર : હા. એ તો રહેતું જ હતું. ૧૯૮૦માં મને લાગ્યું કે હવે આ બધું બંધ કરી દેવું જોઈએ. પણ એક વાત કબૂલ કરીશ કે આ બધું કાંઇ એકાએક થયું ન હતું. આ બધું ક્રમશઃ શરૂ થયું હતું.

પ્રશ્ન : અને પછી ઍનલાઇટન્મૅન્ટ (દિવ્ય પ્રકાશ)નો અનુભવ થયો, તમે તમારા જીવનના બીજા તબક્કામાં પ્રવેશ્યા, ખરું ને?

ઉત્તર : મારા નવજીવનમાં મેં ધીમે ધીમે પ્રવેશ કર્યો હતો. હું શરૂઆતથી જ આધ્યાત્મિક વાંચનનો ખૂબ જ શોખીન હતો. કૃષ્ણમૂર્તિ મારા પ્રિય તત્ત્વચિંતક હતા. તેમના થૉટ પ્રોસેસ (વિચાર પ્રક્રિયા)ની મારા મન ઉપર ઊંડી છાપ પડી હતી. હું ભારતના આધ્યાત્મિક સાહિત્યનો રસાસ્વાદ માણી રહ્યો હતો. આમ ધીમે ધીમે હું મારા જીવનના નવા જ સ્વરૂપમાં પ્રવેશ્યો હતો.

પ્રશ્ન : તમે સ્પર્ધા વગર સફળતાને મેળવી શકો ખરા? અને જો આજે પણ તમે સ્પર્ધા કર્યા કરતા હો તો તમારા મન ઉપર આજે પણ માનસિક તનાવની અસર તો રહેતી જ હશે?

ઉત્તર : આજે હું એ અવસ્થામાં નથી. મજાની વાત તો એ છે કે જે ઘડીએ મેં સ્પર્ધા છોડી છે તે દિવસથી જ હું ખૂબ જ સફળ થયો છું. મારી માન્યતા મુજબ સ્પર્ધાથી તમારી શક્તિ હણાય છે. એક વાર તમે સ્પર્ધામાંથી મુક્ત થઇ જાવ પછી તમારી પ્રવૃત્તિ માત્ર નિજાનંદ માટે જ થાય છે. આજે હું બધું મારા આનંદ ખાતર જ કરું છું. હવે બધું જ એની મેળે આપોઆપ જ બન્યા કરે છે. મારે તેમાં મારી શક્તિનો વ્યય કરવાની જરૂર પડતી નથી.

પ્રશ્ન : માણસ સતત હરિફાઇમાંથી કેવી રીતે છૂટી શકે?

ઉત્તર : મોટા ભાગના માણસોને ખરેખર ખબર જ હોતી નથી કે તેઓ ખોટી હરિફાઇમાં જોડાઇને પોતાની શક્તિનો વ્યય કરી રહ્યા છે. અને જો તેઓ આ વાત જાણતા હોય તો પણ તેમના મનમાં એવી જ ભ્રાન્તિ રહ્યા કરે છે કે તેમની હરિફાઇ બહુ સારી પ્રવૃત્તિ છે અને પોતે બહુ મોટા ગજાના શક્તિશાળી માણસ છે. બહુ જ મહત્ત્વાકાંક્ષી બનવું તેને બહુ મોટા ગુણ ગણવા લાગ્યા છે. મારી ચોક્કસ માન્યતા છે કે જે આ જગતના સૌથી સફળ માણસો ખરેખર વધુ પડતા મહત્ત્વાકાંક્ષી નથી હોતા, તેમની અંદર એક દૃષ્ટિ હોય છે. તેમની અંદર ધબક્તો ઉત્સાહ જોવા મળે છે. તેમના દિલમાં પ્રેરણાનો પ્રકાશ ફેલાયેલો હોય છે – આ લોકો પોતાના વિઝનને સાકાર કરવા મથે છે.

પ્રશ્ન : અને આ લોકો અથાકપણે પોતાના ધ્યેય પાછળ દોડ્યા જ કરે છે એમ ને?

ઉત્તર : ચોક્કસ. પણ તેમાં (પૅશન) લગની હોય છે, કોઈની ખોટી સ્પર્ધા નહિ, ખોટી સ્પર્ધા અને લગની વચ્ચે બહુ મોટો તફાવત છે. ધારો કે મારી અંદર કોઈ બાબતની પૅશન છે. ઊંડી લગની લાગી ચૂકી છે. મારી પાસે પુષ્કળ સમય છે, પૈસા છે તો હવે મારે કઇ પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ? તો મારો જવાબ છે – જે પ્રવૃત્તિ હું આજે કરી રહ્યો છું તે જ.

પ્રશ્ન : માનવીને સતત કોઈની સ્પર્ધા કરવાની ઇચ્છા થયા કરે છે. તો આમાંથી મુક્ત થવાનો ઉપાય શો?

ઉત્તર : ઘણા લોકોને એ પણ ખબર હોતી નથી કે પોતે કોઈની સાથે સ્પર્ધા કરી રહ્યા છે. સ્પર્ધા તેમના લોહીમાં જકડાયેલી છે. ધે નીડ ટુ ડુ ઇટ. એમને એ કર્યા વગર ચાલતું જ નથી. એ એમનો સ્વભાવ થઇ બેઠો છે.

જો તેમને ખબર પડે કે પોતે સ્પર્ધા, હરિફાઇ, ચડસાચડસી કર્યા જ કરે છે તો તેને તેઓ પોતાનો ઉત્તમ ગુણ માની બેસે છે. પોતાની બહાદુરી સમજે છે. પણ હું ચોક્કસપણે માનું છું કે આ જગતમાં જે સફળ વ્યક્તિઓ છે તે ખરેખર અતિમહત્ત્વાકાંક્ષી લોકો હોતા નથી. તેમની એક વિઝન (કલ્પનદૃષ્ટિ) હોય છે. તેમનામાં અદમ્ય ઉત્સાહ ભરેલો હોય છે. તેઓ કોઈ અભૂતપૂર્વ પ્રેરણાના આધારે પોતાનાં સ્વપ્નો સિદ્ધ કરવા માગતા હોય છે. એક વાર તેઓને પોતાની કાલ્પનિક સૃષ્ટિનો આભાસ થાય છે કે તરત જ તેઓ ખંતપૂર્વક તેને સાકાર કરવા મચી પડે છે. ધે હેવ એ વિઝન, ધે હેવ ઍ ન્યુઝીએઝમ, ધે આર ઇન્સ્પાયર્ડ ઍન્ડ ધે ગો ફોર ઇટ.

પ્રશ્ન : તમે તમારા નામ આગળ ડૉ. લખવાનું બંધ કેમ કર્યું છે?

ઉત્તર : આ ડૉ. બંધિયારપણું ઊભું કરે છે. રૂમિના શબ્દોમાં કહું તો જ્યારે તમે મારું કોઈ લેબલ (નામ) નક્કી કરો છો, જ્યારે તમે મને બંધિયાર બનાવી દો છો, ત્યારે તમે મારી અસલી જાતથી વંચિત રહો છો અને તેથી મારી અંદર સ્વત્વનો દુષ્કાળ શરૂ થાય છે. ઠંડા શબ્દોના ખીલા ઠોકીને જ્યારે તમે મને એક લાકડાના ખોખામાં રુંધી નાખો છો ત્યારે એ ખોખું મારું કફન બની જાય છે અને જ્યાં સુધી હું ગુંચવાડામાં ભરાઇ પડું છું ત્યાં સુધી કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકતો નથી.

પ્રશ્ન : તમે સતત એક વાત કર્યા કરો છો કે માઇન્ડ (મન) અને સોલ (આત્મા)ની અંદર ઍકસ્ટ્રા ઑર્ડિનરી પાવર્સ એટલે કે અદ્‌ભુત શક્તિઓ પડેલી છે. મન અને આત્મા ઉપર તેનું જ વર્ચસ્વ હોય છે એનું શું કારણ?

ઉત્તર : વાસ્તવમાં મન (માઇન્ડ) અને આત્મા (સ્પિરિટ) વચ્ચે મોટો ભેદ છે. મન આપણી અનુભૂતિનું કેન્દ્ર છે. જે આંતરિક સંવાદ ચાલ્યા કરે છે તેનું આદાન-પ્રદાન મન દ્વારા થાય છે.

જીવનની દૈનિક ક્ષુલ્લક બાબતોનો સંબંધ મન સાથે છે. જીવનની મોટા ભાગની શક્તિઓ આ ક્ષુલ્લક બાબતોમાં જ ખર્ચાઇ જતી હોય છે. આપણે ઘરનાં બિલો ચૂકવવાના બાકી છે. આપણા બાળકોને સારી શાળામાં પ્રવેશ અપાવવો છે પણ તે કામ અત્યંત મુશ્કેલ છે. આ બધું મન દ્વારા થાય છે. મનથી ઉપરની ભૂમિકા આત્મા સાથે સંલગ્ન છે. મનની શક્તિ આત્માની અંદર સિંચિત થયેલી છે. આત્મા શાંત છે. તે અત્યંત સૃજનશીલ શક્તિ છે. તેમાં અદ્‌ભુત સામર્થ્ય સમાયેલું છે. જો તમે આ આત્મિક શક્તિની ભીતરમાં પ્રવેશ કરી શકો તો પેલી કુંડલિની શક્તિ જાગૃત થાય. આપણે ત્યાં પરાપૂર્વકાળથી આ બાબતની જાણકારી છે. આ આત્મિક શક્તિમાંથી આપણી સર્જનશક્તિ અને તાકાત ઊભાં થાય છે.

પ્રશ્ન : તમે કર્મની તત્ત્વદૃષ્ટિમાં માનો છો?

ઉત્તર : મારી માન્યતા મુજબ કર્મ બાબતમાં ઘણી બધી ગેરસમજ પ્રવર્તે છે. મોટા ભાગના લોકો કર્મને નકારાત્મક દૃષ્ટિથી મૂલવે છે. જે કાંઇ બને છે તેને કર્મનું ફળ ગણાવે છે. અંગ્રેજીમાં તેને ફૅટાલિસ્ટિક ઍટિટ્યુડ કહે છે. સ્વામી વિવેકાનંદે એવું કહ્યું છે કે કર્મ ફ્રી વીલ અને ફ્રી ચૉઇસનું અલ્ટીમેઇટ ઍફરમેશન છે. તેનો મતલબ એવો થાય કે મારી મુક્ત પ્રજ્ઞા ઇચ્છાશક્તિ અને મુક્ત પસંદ – નાપસંદ કર્મ દ્વારા નિશ્ચિત થાય છે. જો કર્મના અગાધ રહસ્યને હું પિછાણી શકું તો બીજી વાત મારી સમજમાં આવે છે કે હું પોતે મારા કર્મને લખી પણ શકું છું. મતલબ એ છે કે, પૂર્વજન્મનાં કર્મો મારાં બંધનો ભલે હોય પણ આ જન્મમાં હું મારાં કર્મોનો વિધાતા પણ બની શકું છું.

જો હું સતત એક વાતની સભાનતા કેળવું કે હું વર્તમાનકાળમાં જે કાંઇ રુચિઓ કેળવું છું તેની અસર મારા ભવિષ્ય ઉપર પડ્યા વગર રહેવાની નથી તો હું સભાનપણે પસંદગી કરતાં શીખું છું.

પશુની માફક માત્ર કુદરતી આવિર્ભાવો વશ થઇને બધું કર્યા કરતા નથી. આ કુદરતી આવિર્ભાવોના મારા ઉપર લોકો દ્વારા તથા આસપાસની પરિસ્થિતિ દ્વારા સતત મારા થયા જ કરતા હોય છે.

તો અવિદ્યા અને વિદ્યા વચ્ચેનો આ જ સૌથી મોટો ફરક છે. એકને અજ્ઞાન અને બીજાને જ્ઞાન કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો એકને પ્રકાશ અને બીજાને અંધકાર કહી શકાય.

જે અજ્ઞાની વ્યક્તિ છે તે જગતને પોતાના ઉપર સવાર થવા દે છે. જાગૃત અને સભાન વ્યક્તિ એવું કહે છે કે, હું મારી સ્મૃતિનો ઉપયોગ કરીશ અને મારું ભાવિ ઘડીશ. મારી સ્મૃતિઓને મારું ભાવિ ઘડવાનો છૂટો દોર તો નહીં જ આપું.

આનો અર્થ એવો થયો કે હું પાવલોવના કૂતરાની માફક વૃત્તિઓનો ગુલામ બનીને ઘંટડી વાગે ત્યારે લાળ પાડવા નહીં માંડુ. પાવલોવ પહેલા ઘંટડી વગાડતો હતો અને કૂતરાની વૃત્તિઓને જાગૃત કરી દેતો હતો પછી તેને ખાવા આપતો હતો. ત્યાર બાદ જ્યારે જ્યારે એ ઘંટડી વગાડતો હતો ત્યારે ત્યારે કૂતરો લાળ પાડવા માંડતો હતો. પછી ખોરાક મળે કે ન મળે. (આને મનોવિજ્ઞાનમાં કન્ડિશન્ડ રિફલૅકસ કહેવામાં આવે છે.) માનવી પણ વૃત્તિઓનો ગુલામ બની જાય તો પાવલોવના કૂતરા જેવો થઇ જાય છે.

કૃષ્ણમૂર્તિ આવી વૃત્તિને અનકન્ડિશન્ડ માઇન્ડ કહે છે : સિમ્પલ – શુદ્ધ, સરળ, મુક્ત મન.

આજે અખબારો, મૅગૅઝિનો, અને રેડિયો તથા ટી.વી. જેવાં પ્રસાર માધ્યમો આપણા રિફલૅકિસસ કન્ડિશન્ડ કરતાં હોય છે. મતલબ આપણી વૃત્તિઓને નિશ્ચિત ઢાંચામાં ઢાળીને આપણને પાવલોવના કૂતરા જેવા નિર્માલ્ય અને ગુલામ બનાવી દે છે.

આ ઉપરાંત આપણા મા-બાપના સંસ્કારો પણ આપણી અંદર જન્મથી જ નિશ્ચિત મનોભાવો કેળવે છે. પછી જીવનભર માનવી આ જન્મના સંસ્કારોમાંથી મુક્ત થઇ શકતો નથી.

ત્રીજી પ્રબળ અસર ધર્મની થાય છે. બચપણથી જ જો બાળક ઉપર કોઈ નિશ્ચિત ધર્મની વિચારધારા જકડી દેવામાં આવે તો પછી તેનું માનસ કન્ડિશન્ડ રિફલૅકસથી પીડિત થઇ જાય છે. પછી એ પોતાની ધાર્મિક દીવાલોનો કેદી બની જાય છે. બીજા બધા તેના માટે વિધર્મીઓ અને પ્રતિસ્પર્ધીઓ બની જાય છે.

ચોથી અસ૨ રાજકારણની થાય છે. જે વિચારધારાથી માનવી રંગાય છે તેનો તે ગુલામ બની જાય છે.

પાંચમી અસર વ્યક્તિના સામાજિક માળખાની થાય છે. જે દેશના સામાજિક વાતાવરણમાં માનવી ઉછરે છે તેમાંથી તે કદી મુક્ત થઇ શકતો નથી.

છઠ્ઠી અસર વ્યક્તિ ઉપર નૈતિકતાના ખ્યાલોની થાય છે. જે નૈતિકતા તમારી અંદર સિંચવામાં આવે છે તે જ તમને સાચી અને ઉત્તમ નીતિ લાગે છે.

Total Views: 19
By Published On: April 25, 2022Categories: Dipak Chopra Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram