વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે :

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।

(ઓમ, ‘તે’ અનંત પૂર્ણતા બ્રહ્મ છે અને એ જ અનંત પૂર્ણતા ‘આ’ બ્રહ્મ છે અને એ જ અનંત પૂર્ણતા આ સીમિત વિશ્વમાં પણ (છુપાયેલા) છે. જ્યારે એ જ અનંત પૂર્ણતાને અનંત પૂર્ણતામાંથી લઈ લેવામાં આવે, તો ય બાકી તો અનંત પૂર્ણતા જ રહે છે.)

વૈદિક દ્રષ્ટાઓએ આ પારમાર્થિક સત્તત્ત્વનો કે બ્રહ્મનો સાક્ષાત્કાર. અનંત સત્, ચિત્ અને આનંદના સ્વરૂપે કર્યો હતો. અદ્વૈત વેદાન્તના શ્રેષ્ઠ મહારથી શંકરાચાર્યે ભારપૂર્વક કહ્યું કે, ‘ब्रह्म सत्यम्’ – ‘બ્રહ્મ જ સત્ય છે’ અને બ્રહ્મની આવી અનુભૂતિ પામવા માટે જ એમણે આગળ વધીને કહ્યું કે આ પરિવર્તનશીલ વિવિધ ઘટનામય વિશ્વને મિથ્યા-સાવ શૂન્ય જેવું માનો : ‘जगन्मिथ्या’.

આવી અનુભૂતિ થયા પછી, આ ખાલીખમ, પરિવર્તનશીલ, ક્ષણભંગુર, દેશ-કાલમય વિશ્વ, એ એક પારમાર્થિક સર્સ્વરૂપ બ્રહ્મની જ અભિવ્યક્તિ તરીકે અનુભવાય છે : ‘जीवो ब्रह्मैव नापर :’ પ્રકૃતિ શૂન્યતાને ધિક્કારે છે. શૂન્યતા હંમેશાં પૂર્ણતાથી ભરેલી હોય છે.

આ દેશકાલની હસ્તીની શૂન્યતાની અનુભૂતિ, એ દેશકાલથી પર રહેલ બ્રહ્મને – અનંત પૂર્ણતાને, પરમાનંદને પામવા માટેનું આવશ્યક પગથિયું છે. ઋગ્વેદનું નાસદીય સૂક્ત આ શૂન્યની સ્થિતિ વિષે કહે છે :

‘ત્યારે ‘સત્’ ન હતું અને ‘અસત્’ પણ ન હતું. આ જગત પણ ન હતું અને એની ઉપરનું આકાશ પણ ન હતું. તો આ ધૂંધળાપણું શેનાથી ઢંકાયેલું હતું? એ કોનું હતું? આ ગાઢ અંધકારના ઊંડાણમાં શું હતું? * * * ઉચ્ચતમ સ્વર્લોકનું આધિપત્ય કરનાર કદાચ એ જાણતો હશે. અને કદાચ એ પણ નહિ જાણતો હોય.’

શૂન્યતા એ બધા જ ઈશ્વરસાધકોનો ઈશ્વરસાક્ષાત્કાર પહેલાંનો સર્વસાધારણ ઉપાન્ત્ય અનુભવ છે. શ્રીરામકૃષ્ણને આ અનુભવ થયો હતો. ‘જગદંબાએ મને બધું શૂન્ય-ખાલીખમ બતાવ્યું’ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘એકડા પછી પચાસ મીંડાં મૂકો. જબરી રકમ થશે. એકડો જ કાઢી નાખો, કંઈ જ નહિ રહે. એટલે પહેલો એકડો એટલે ઘણા.’ શ્રીરામકૃષ્ણ તો સ્થલકાલાતીત પરા ચેતનાના પ્રદેશમાં વારંવાર ઉડ્ડયન કરી શક્યા હતા. બુદ્ધની અનુભૂતિ ‘હોવા’ અને ‘ન હોવા’ ની – બન્નેની પેલી પારની હતી. ‘તેઓ નાસ્તિક ન હતા. ફક્ત એટલું જ કે તેઓ પોતાની અનુભૂતિને શબ્દોમાં અભિવ્યક્ત કરી શકતા ન હતા.’ – એમ શ્રીરામકૃષ્ણે કહ્યું છે.

વળી, તેમણે કહ્યું છે : ‘વિશુદ્ધ ચેતનાનું ધ્યાન અને તેની સાથેની એકાકારતા જ બોધ છે’

સંત પૉલ કહે છે : આ પછીની (એકાકારતા) વસ્તુ અવિનાશી પારમાર્થિક સત્ તત્ત્વની અભિવ્યક્તિને હણી નાખ છે.

શૂન્યતાની આધ્યાત્મિક વિભાવના એ બૌદ્ધોના મહાયાન સંપ્રદાયમાં શૂન્યતાથી અવળી રીતે જ ફૂટી નીકળેલો ફણગો છે. એણે વાસ્તવિક રીતે, જીવનની વિનાશકતા અને ક્ષણભંગુરતાનું જ ચિંતન કરતા રહેતા સંન્યાસપ્રધાન અને સંકુચિત સ્વરૂપના બૌદ્ધધર્મને નવીન ચેતનાથી સમૂળી ક્રાંતિ કરીને સાંકડાપણામાંથી મુક્ત કર્યો અને એને બોધિસત્ત્વના અનુગ્રહથી નિર્વાણપ્રાપ્તિના ઉચ્ચતમ વિધાનાત્મક વિચારોવાળો પ્રગતિશીલ અને પ્રસરતો વિશ્વધર્મ બનાવી દીધો: ‘નિર્વાણ નાશમાં નહિ, પણ જીવનની શાશ્વતતામાં છે.’ ‘પારમિતા’ (જીવનની પૂર્ણતા) અને ‘ધર્મકાય’ (ધર્મશરીર) તેમ જ સૌથી આગળ બધી જ આધ્યાત્મિક સિદ્ધિઓના લક્ષ્યરૂપ બુદ્ધના પરમોચ્ચ સ્થાને વિરાજિત જીવતા જાગતા વ્યક્તિત્વના વિચારો એમાં છે : ‘बुद्धं शरणं गच्छामि’। ‘નિર્વાણ પોતાનામાં એક પરમોચ્ચ વિધાયક અનુભૂતિ છે.’ અને ‘ધર્મકાય, સર્વ વિચારાતીત, પરાવૈયક્તિક પૂર્ણતા યે છે અને સાથોસાથ સર્વોચ્ચ સર્વવ્યાપક વ્યક્તિત્વ પણ છે. આ વ્યક્તિત્વ કંઈ બૌદ્ધોની ઈતિહાસપ્રસિદ્ધ પ્રજ્ઞામાં જ પ્રકટ થતું નથી પરંતુ એ તેમના નિર્બન્ધ પ્રેમ અને કરુણામાં પણ પ્રગટ થાય છે.’ સીડની સ્પૅન્સરે આવું લખ્યું છે.

શૂન્યતા એ પૂર્ણતાની બીજી બાજુ છે :

ઉપનિષદોનું પારમાર્થિક સત્ તત્ત્વ ‘નેતિ નેતિ’ છે. બૃહદારણ્યકોપનિષદે આ પારમાર્થિક સત્ તત્ત્વને કે બ્રહ્મને ‘નેતિ નૈતિ’ તરીકે વર્ણવ્યું છે : ‘अथात आदेश: नेति नेति । न ह्वेतस्मात् इति अन्यत्परम् अस्ति ।’ ‘હવે બ્રહ્મની છેલ્લી વ્યાખ્યા, ‘આ નહિ આ નહિ’ – એ છે; આ સિવાય બીજી કોઈ વધારે બંધબેસતી વ્યાખ્યા નથી.’ (બૃ.ઉ. ૨/૩/૬)

અથવા ‘यतो वाचो निवर्तन्ते । अप्राप्य मनसा सह ॥-જ્યાંથી શબ્દો અને સાધારણ મન પાછાં ફરે છે, તે બ્રહ્મ છે.’(તૈત્તિરીય ઉપ.૨/૪)

વળી પણ ઉપનિષદ આ અવર્ણનીય બ્રહ્મને ‘સર્વશક્તિમાન, જ્ઞાનસ્વરૂપ અને આનંદમય તરીકે વર્ણવે છે. જીવ અને બ્રહ્મ એક જ છે. એ સર્વજ્ઞાન. સર્વમન, સર્વશક્તિ, સર્વઆકાશ, સર્વપ્રકાશ વિશ્વરૂપ છે’ એમ કહીને વર્ણવે છે. ‘स वा अयमात्मा विज्ञानमयो मनोमयः प्राणमय आकाशमय: तेजोमयः पृथिवीमयः ।’ (બૃહ. ઉપ. ૪/૪/૫) અથવા તો, ‘આરંભમાં કેવળ બ્રહ્મ જ હતું, તે પોતાને ‘હું બ્રહ્મ છું’ એમ જાણતું હતું.’ ‘ब्रह्म वा इदमग्र आसीत्तदात्मानमेवावेत् । अहं ब्रह्मास्मीति ।’ (બૃહ. ઉપ. ૧/૪/૧૦) અથવા તો ‘અરે, ગાર્ગી, આ અવિનાશી બ્રહ્મ વડે સમગ્ર વિશ્વ અને આકાશ ઓતપ્રોત છે’ ‘स खलु अक्षर: गार्गि, ओतश्च प्रोतश्च’ (બૃહ. ઉપ. ૩/૮/૧૧) અથવા તો તુરીય સ્થલકાલાતીત પરાત્પર અનિર્વચનીય સત્ તત્ત્વ તો સર્વવ્યાપક અને સર્વપદાર્થોનું મૂળ – ઉપાદાન છે – એમ માંડૂક્યોપનિષદ ઉપરની ગૌડપાદની પદ્યાત્મક ટીકા-કારિકામાં દસમા શ્લોકમાં કહ્યું છે. અથવા તો ‘બ્રહ્મ એ સત્ય, જ્ઞાન અને અનન્ત છે’ ‘सत्यं ज्ञानमनन्तं ब्रह्म’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧/૧) અથવા તો ‘આત્મા વૈશ્વિક શક્તિ, વૈશ્વિક મન, અનંત જ્ઞાન અને અનંત આનંદનું સ્વરૂપ છે…. આ આત્માથી માનવદેહ ભર્યો છે. तेनैषा पूर्ण આ આત્મા પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય છે. (તૈત્તિરીય ઉપ.૩) અથવા તો તેથી જ્યારે સાધક આ અદ્દશ્ય, અશરીરી, અનભિવ્યજ્ય અને કોઈનો અવલમ્બ ન હોય તેવા બ્રહ્મમાં નિર્ભયતાથી સ્થિર થાય, ત્યારે તે નિર્ભયતાની સ્થિતિ પામે છે. ‘यदा ह्येवैष  एतस्मिन्नदृश्येऽनात्म्येऽनिरुक्तेऽनिलयनेऽभयं प्रतिष्ठां विन्दते । अथ सोऽभयं गतो भवति ।’ (તૈત્તિરીય ઉ૫. ૨/૭/૩) અથવા તો, મુંડકોપનિષદમાં કહ્યું છે : ‘यस्मिन्द्यौः पृथिवी चान्तरिक्षमोतं मनः सह प्राणैश्च सर्वैः । तमेवैकं जानथ आत्मानमन्या वाचो विमुञ्चथामृतस्यैष सेतुः’

‘કેવળ એ એક જ આત્માને જાણો કે જે આ સ્વર્ગ અને પૃથ્વીમાં ઓતપ્રોત છે. મન અને પ્રાણ સહિત ભીતર અને બહાર વ્યાપ્ત છે. બીજી બધી નકામી વાતો છોડો. કારણ કે આ આત્મા જ ફક્ત સાપેક્ષ જગતથી અમરતા તરફ લઈ જનારો સેતુ છે.’

શૂન્યતા અને બૌદ્ધધર્મ

શૂન્યતાની તાત્ત્વિક વિભાવના તો મુખ્યત્વે બૌદ્ધ તત્ત્વજ્ઞાનની નીપજ છે. આ તત્ત્વજ્ઞાન બે મહત્ત્વના વિભાગોમાં વિભક્ત છે. એક હીનયાન અને બીજો મહાયાન, વૈભાષિક (સર્વાસ્તિત્વવાદ), સૌત્રાન્તિક, માધ્યમિક (શૂન્યવાદ) અને વિજ્ઞાનવાદ – આમ ચાર એના મુખ્ય સંપ્રદાયો છે. એમાં પહેલા બે સંપ્રદાયો હીનયાનના છે અને બાકીના બે મહાયાનના છે. પહેલા બે બાહ્ય જગતની હસ્તીને સ્વીકારે છે, જ્યારે બાકીના બે એ નકારે છે.

‘મધ્યમપ્રતિપત્’ (મધ્યમ દૃષ્ટિ) – મધ્યમમાર્ગ ૫૨ ભાર મૂકતા હોવાથી એ લોકો માધ્યમિકો કહેવાયા. વારાણસીમાં પોતાના પહેલા ઉપદેશપ્રવચનમાં બુદ્ધે આ મધ્યમમાર્ગ ઉપદેશ્યો હતો. આ માર્ગ આત્મપીડન પણ નથી અને ઈન્દ્રિયવિલાસ પણ નથી. પછીનાં માધ્યમિક મતના અનુયાયીઓએ આ મધ્યમમાર્ગની જે રીતે સમજૂતી આપી. એ ઉપર પ્રમાણેની જ ન રહી, પછી એ બુદ્ધે આપેલા ઉપદેશ પ્રમાણે પ્રાયોગિક કે નૈતિક હોવા કરતાં વધારે પરાભૌતિક-આંતરિક થઈ ગઈ છે.

અહીં મધ્યમમાર્ગ, અસ્તિત્વ, અનઅસ્તિત્વ શાશ્વતતા – અશાશ્વતતા, આત્મા-અનાત્મા વગેરે સંબંધી બંનેના અસ્વીકાર કરવા ઉદ્ભવ્યો છે. ટૂંકમાં એને આ વિશ્વના સત્ નો સિદ્ધાંતે ય માન્ય નથી અને ‘અસત્’નો સિદ્ધાંત પણ માન્ય નથી. એ ફક્ત સાપેક્ષતાના જ પક્ષ કરે છે.

ઈશ્વર કે આત્માની બાબતમાં સદા મૌન ધારણા કરતા બુદ્ધના સમયથી જ શૂન્યવાદનો ઉગમ થયો છે. આમ, આપણે જોઈએ છીએ કે, સુભૂતિ ભગવાન બુદ્ધને કહે છે કે ‘વેદના, સંજ્ઞા, સંસ્કાર વગેરે બધાજ સ્કંધો (ભીતરી દુનિયાનાં લાગણી, ખ્યાલ અને નિર્ણય વગેરેનાં જૂથો) ‘માયા’ છે. -ભ્રમ છે. બધા સ્કન્ધો, ધાતુઓ અને આયતનો (જૂથો, પદાર્થો અને રૂપો) સાવ ખાલી – શૂન્ય જ છે. બધી ઘટનાઓને વિશુદ્ધ શૂન્યમયતારૂપ સમજવી, એ જ ઉચ્ચતમ જ્ઞાન-પ્રજ્ઞા પારમિતા માનવામાં આવેલ છે. બધું જ શૂન્ય હોવાથી પ્રક્રિયા કે સ્થગિતતા જેવું કશું જ છે નહિ.

સત્ય શાશ્વત નથી અને અશાશ્વત પણ નથી. પણ વિશુદ્ધ શૂન્ય જ છે. સંતપુરુષની સાધનાનું લક્ષ્ય, પોતાને ‘તથતા’માં મૂકવાનું ‘એવાપણા’માં રાખવાનું હોવું જોઈએ અને જગતના બધા જ પદાર્થોને ‘શૂન્ય’ ગણવાનું હોવું જોઈએ. આ ‘તથતા’ની – એવાપણાની – સિદ્ધિ જ ‘પ્રજ્ઞાપારમિતા’ છે. એ જ જ્ઞાનની પૂર્ણતા છે. એ ‘શીલપારમિતા’ (ચારિત્ર્યપૂર્ણતા) તરફ દોરી જાય છે. બૌદ્ધ સાધુઓની બીજી પારમિતાઓ (પૂર્ણતાઓ) છે. સાચી ‘પ્રજ્ઞાપારમિતા’ તો બધાં જ દૃશ્યોના સંપૂર્ણ વિલયમાં છે. ‘यः अनुपलम्भ: सर्वदृश्यानां, सा प्रज्ञा पारमिता इत्युच्यते  ।

હોવા ન હોવાની બધી જ ઘટનાઓ ભ્રમાત્મક છે. પારમાર્થિક સત્ તો એ છે કે જેમાં વિધાનાત્મકતા અને નિષેધાત્મકતા એક- અભિન્ન હોય- ભાવાભાવ સમાનતા હોય. પોતે સંપૂર્ણપણે પોતાનામાં જ હોય અને નામ કે પદાર્થ કશું ન હોય, એવી સ્થિતિને લંકાવતારસૂત્રમાં ‘તથતા’ કહેવામાં આવી છે.

‘તથતા’ની આ સ્થિતિને લંકાવતારસૂત્રમાં અન્ય સ્થળે પણ શૂન્યતાના રૂપમાં વર્ણવી છે. એને કોઈ મૂળ નથી, જન્મ નથી, સત્ત્વ નથી. વળી અન્ય સ્થળે એને ‘તથાગતગર્ભ’નું નામ અપાયું છે.૧૦

વસ્તુઓની શૂન્યતાને સાત બાજુઓથી જોઈ શકાય. અંતિમ વિશ્લેષણમાં માધ્યમિકોની શૂન્યતાની વિભાવના આ પ્રમાણે છે : (૧) દરેક વસ્તુને પોતાનો અનિર્ણીત સ્વભાવ છે – લક્ષણશૂન્યતા છે. – એનો સંદર્ભ અવ્યાખ્યેય છે. (૨) વસ્તુઓને કોઈ હકારાત્મક અસ્તિત્વ નથી. ભાવસ્વભાવશૂન્યતા છે. કારણ કે તેઓ સ્વાભાવિક અભાવમાંથી ફૂટી નીકળે છે. સ્વભાવાભાવોત્પત્તિવાળી છે. (૩) તે વસ્તુઓ અજ્ઞેય પ્રકારના અભાવવાળી છે – અપ્રકારિત શૂન્યતાવાળી છે. કારણ કે બધા જ સ્કન્ધો (લાગણી વગેરેના જૂથો) નિર્વાણમાં નાશ પામે છે. (૪) તે ખરી રીતે અભાવાત્મક હોવા છતાં કાર્યકારણથી જોડાયેલી હોય તેમ ઘટનાસ્વરૂપે દેખાય છે. (૫) ભાષાથી પ્રદર્શિત કરી શકાય તેવું કોઈ ખાસ લક્ષણ વસ્તુમાં વર્ણવી શકાય તેમ નથી. (નિરભિલાપ્યશૂન્યતા) (૬) આપણી દૃષ્ટિને વિકૃત કરતી વાસનાઓની ચિરકાલ સ્થિતિ ક્ષતિઓથી જ ઉત્પન્ન થતા જ્ઞાન સિવાય બીજું કોઈ વસ્તુજ્ઞાન હોઈ શકે નહિ. (૭) એક રીતે વસ્તુઓ પોતે પણ અભાવાત્મક છે અને આપણે જ એને અમુક સ્થળ અને અમુક સમયે એના અસ્તિત્વનો નિશ્ચય કરીએ છીએ, કે જ્યાં તેઓ હોતી જ નથી.૧૧

પહેલી સદીના અશ્વઘોષે મહાયાન બૌદ્ધોના પાયાના વિચારોને ખાસ કરીને બૌદ્ધોના ‘તથતા’ના ખ્યાલ સાથે સંબંધ રાખતા વિચારોને પોતાના એક નાનકડા પુસ્તકમાં સંગ્રહ્યા છે.૧૨ એની એ કૃતિએ મહાયાન બૌદ્ધોના વિખ્યાત તત્ત્વજ્ઞાની નાગાર્જુન પર પ્રભાવ પાડ્યો. એણે પોતાની તેજસ્વી તર્કધારાથી પોતાના સમયના અધ્યાત્મ સંબંધી વિચારોને ભૂંસી નાખ્યા અને દર્શાવ્યું કે વિચારોથી કે વિભાવનાઓથી સત્ તત્ત્વ પકડી શકાતું જ નથી. એટલે એણે એનું નામ ‘શૂન્યતા’ આપ્યું. આ પારિભાષિક શબ્દ, અશ્વઘોષની ‘તથતા’નો સમાનાર્થી શબ્દ છે. જ્યારે બધી જ વિભાવનાઓની તુચ્છતા પરખાય ત્યારે આ ‘તથતા’ની અનુભૂતિ થાય છે.૧૩

બૌદ્ધોમાંના અણુ-અસ્તિત્વવાદી સૌત્રાન્તિકોએ વૈભાષિક બૌદ્ધોનાં ૭૫ તત્ત્વોને ઓછાં કરીને ૪૩ રાખ્યાં. વૈભાષિકો એની વિષય તરીકે અને સ્વતંત્ર રીતે એની હસ્તી સ્વીકારે છે. બાકીનાં તત્ત્વોનો એમણે આત્મલક્ષી અને અસત્ ગણીને અસ્વીકાર કર્યો છે. નાગાર્જુને આ વિચારો નકાર્યા અને ભારપૂર્વક જણાવ્યું કે અસ્તિત્વ જેવું કશું જ છે નહિ, વિષયરૂપ કોઈ પદાર્થ જ નથી. અસ્તિત્વ ધરાવતું બધું જ સાપેક્ષ છે. પરસ્પરાધારિત છે અને તેથી ‘અસત્’ છે. આ ઘટનાત્મક સૃષ્ટિમાં બધું જ એકબીજા પર અવલંબેલું છે.

આ ક્ષણભંગુર, સાપેક્ષ, ઘટમાળવાળા વિશ્વની પાયાની ઘટના-મુળ કારણ કેવળ તર્કથી કદી પણ સમજી શકાશે નહિ. કારણ કે તર્ક ખાતર કરાતો તર્ક સ્વભાવતઃ જ ઉકેલી ન શકાય તેવા વિરોધો તરફ દોરી જાય છે. વિશ્વની આખી ઘટમાળ આત્મલક્ષી જ છે. અને આત્મા પોતે જ ‘અસત્’ છે. એનો કોઈ પાયો જ નથી! આમ, નાગાર્જુન એ તારણ પર આવે છે કે અનન્ત વાસ્તવિકતા માત્ર શૂન્ય જ છે. એ શૂન્ય એ અર્થમાં છે કે એ વિચારો અને વાણીની પેલી પારનું છે, એ અનિર્વચનીય છે, અનિર્ણીત છે અને અદ્વૈત છે. એ વિષય પણ નથી અને વિષયી પણ નથી.

ગમે તેમ પણ નાગાર્જુનનું શૂન્ય, સાવ ‘ખાલીખમ’ના વિધાનથી ઘણું દૂર છે. ઉપનિષદોની પેઠે એ માત્ર ભારપૂર્વક એ જ કહે છે કે માનવના સીમિત મનથી બાંધેલા ‘સત્ તત્ત્વ’ સંબંધી બધા ખ્યાલો છેવટે નકામા-શૂન્ય-જ છે. શૂન્યતા કંઈ ખાલીખમપણું નથી. સમગ્ર જીવનનું એ મૂળ પણ છે અને બધાં રૂપોનું સારતત્ત્વ પણ છે.

એટલા માટે મહાયાન બૌદ્ધશાખામાં બધા પદાર્થોનું મૂળ સ્વરૂપ કંઈ ‘તથતા’ જેવું ધૂંધળું – ભાવાત્મક અભૌતિક જ નહિ ખાલીપણું જ નહિ- પણ ધર્મકાય તરીકે પણ ઓળખાવ્યું છે. ધર્મની કાયા અથવા વિશ્વના નિયમો- આમ, ભૌતિક અને પરાભૌતિક – એમ બંને અર્થો એમાં અભિપ્રેત છે. એક રીતે આ ધર્મકાય, ઉપનિષદના બ્રહ્મ જેવું છે. એ વિશ્વની બધી જ ભૌતિક વસ્તુઓને વ્યાપીને રહ્યું છે અને માનવમનમાં એનો આભાસ ‘બોધિ’ (જ્ઞાન, પ્રકાશ, પ્રજ્ઞા) તરીકે થાય છે. આ આધ્યાત્મિક વસ્તુ છે અને વિશ્વના બધા ભૌતિક પદાર્થોમાં એ ઓતપ્રોત છે.૧૪

શુન્યતા કે તથતાના હકારાત્મક અર્થધ્વનિને કારણે પ્રજ્ઞાના એક અતિ આવશ્યક ભાગરૂપે પ્રેમ અને કરુણા ઉપરનો ભાસ બોધિસત્ત્વના આદર્શમાં ખૂબ જોરશોરથી અભિવ્યક્ત થયો છે. ‘બુદ્ધ’ બનવાને માર્ગે ખૂબ જ આગળ વધેલી માનવહસ્તીને ‘બોધિ સત્ત્વ’ કહેવાય છે. આવી વ્યક્તિ કેવળ કંઈ શૂન્યતાનું ખાલીપણાનું ધ્યાન ધરી બેસી રહેતી નથી. અથવા તો કેવળ પોતાને ખાલીપણામાં ખોવાઈ જવા ઈચ્છતી નથી. પરંતુ એણે અન્ય વ્યક્તિઓની બદ્ધ બનવાની સિદ્ધિમાં સહાય કરવાના શપથ લીધા હોય છે. ત્યાર પછી જ એ પોતે નિર્વાણ પામે છે.૧પ (ક્રમશઃ)

અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

સંદર્ભ સૂચિ

(૧) The Gospel of Sri Ramkrishna, Page 870 (Translated by Swami Nikhilananda NewYork)
(૨) એજન : પૃ. ૬૭૨
(૩) એજન : પૃ. ૯૪૭
(૪) એજન : પૃ. ૯૪૭
(૫) A Study of History – આર્નોલ્ડ ટૉયમ્ન્બી ૧ થી ૪ – સંક્ષેપ : D. C. Samerville પૃ. ૩૯૦
(૬) બુદ્ધિઝમ : પંજાબ યુનિવર્સિટી : પતિયાલા, ૧૯૬૯, પૃ. ૭૮
(૭) 2500 years of Buddhism, Editor, P.V. Bapat (Ministry of Information, Govt. of India P. 106
(૮) A History of Indian Philosophy : Cambridge University Press, 1951, Vol. I, P. 140,
(૯) એજન : પૃ. ૧૪૦
(૧૦) એજન : પૃ. ૧૪૭
(૧૧) એજન : પૃ. ૧૪૯
(૧૨) Tao of Physics : Fritzof Capra, 1975
(૧૩) એજન : પૃ. ૧૦૪
(૧૪) એજન : પૃ. ૧૦૪
(૧૫) એજન : પૃ. ૧૦૫

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.