હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns – Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા ખુબ ગમે છે. લખવાના ટેબલ ઉપર ‘સૂરસાગર’ તો હોય જ, અને સૂરદાસ વિશેનાં અન્ય પુસ્તકો પણ. તરત શ્રી સાદાનીનું પુસ્તક વાંચી ગયો. બાહ્ય રૂપરંગે તો એ સુંદર છે જ (વિલી ઈસ્ટર્ન લિમિટેડે એને સુંદર રીતે પ્રકાશિત કર્યું છે) પણ ડાબા પાને સૂરદાસનાં પદોની સંશોધિત વાચના અને જમણા પાને એ પદોના સર્જનકલ્પ અનુવાદ જોઈ મન પ્રસન્ન થઈ ઊઠ્યું.

ઍઝરા પાઉન્ડે લખેલું કે આખા જનમારામાં એકાદું ભાવપ્રતીક આપી શકાય તો તે અનેક કાવ્યસંગ્રહો કરતાં ચડિયાતું છે. તેમ ઘણી વાર થાય છે કે સૂરદાસના જેવું ભક્તિ-નીતરતું એકાદ પદ રચાય તો પછી બસ… બીજું શું જોઈએ? સૂરદાસની વાણી એ અનુભવની વાણી છે. શ્રી કૃષ્ણ-ચેતનાના સઘન સંસ્પર્શ વગર આ વાણી ક્યાંથી પ્રગટે? સૂરદાસ (જ.ઈ.સ.૧૪૭૮)ના જન્મને પાંચસો ઉપરાંત વર્ષો થયાં, પરંતુ આજે પણ પ્રત્યેક ભારતવાસીને એ પોતીકા લાગે છે. એમના વિશેની પ્રસિદ્ધ ઉક્તિ છે – ‘સૂર સૂર તુલસી શશી ઉડુગન કેશવદાસ’ – ‘સાહિત્યના આકાશમાં સૂરદાસ સૂર્ય સમાન છે, તુલસી ચન્દ્ર સમાન છે અને કેશવદાસ તારાની સમાન છે.’ સૂરદાસ અને તુલસીદાસ વ્રજ-હિંદી ભાષા દ્વારા ભારતીય ચિદાકાશમાં છવાઈ ગયા છે. મધ્યકાળના અનેક કવિઓની જેમ સૂરદાસના જીવનની આસપાસ અનેક દંતકથાઓ ગૂંથાયેલી છે. તેમનો જન્મ ક્યારે થયો હતો, તે સારસ્વત બ્રાહ્મણ હતા કે પૃથ્વીરાજ ચૌહાણના દરબારના કવિ ચંદ બરદાઈના વંશજ બ્રહ્મભટ્ટ હતા, તેમના જન્મનું સ્થળ ક્યું, તે જન્મથી અંધ હતા કે પાછળથી આંખો ગુમાવી હતી, એમનું અવસાન ક્યારે થયું વગેરે બાબતો અંગે મતમતાંતર પ્રવર્તે છે. નંદદુલારે વાજપેયી, ડૉ. ધીરેન્દ્ર વર્મા, ડૉ. મુંશીરામ શર્મા, દેશરાજસિંહ ભાટી, બાલકૃષ્ણ આદિ વિદ્વાનોએ સૂરદાસ ઉપર કામ કર્યું છે. એમના જીવન વિશેની અનેક વાયકાઓમાંથી નિશ્ચિત બાબતો આટલી છે : સૂરદાસનો જન્મ ઈ.સ. ૧૪૭૮માં દિલ્હીની નજીક સીહી નામના ગામમાં થયો હતો. જન્મે તે સારસ્વત બ્રાહ્મણ હતા અને અત્યંત નિર્ધન કુટુંબમાં જન્મ્યા હતા. જન્મથી તે અંધ ન હતા પણ પાછળથી આંખો ગુમાવી હતી (નહિતર તેમની કવિતામાં આવતાં ઝીણાં પ્રકૃતિવર્ણનો, વન, યમુના, સમુદ્રનાં દૃશ્યચિત્રણો ક્યાંથી સંભવે?). વલ્લભાચાર્ય કરતાં તે દસ દિવસ નાના હતા અને વલ્લભાચાર્ય દક્ષિણ બાજુથી મથુરા આવતા હતા ત્યારે ગઉઘાટ ઉપર સૂરદાસ સાથે એમની મુલાકાત થઈ અને શ્રીકૃષ્ણલીલાનાં પદો રચવાનો અનુરોધ કર્યો. પુષ્ટિમાર્ગમાં દીક્ષિત થયા છતાં અને અષ્ટછાપ કવિઓમાં મુખ્ય ગણાતા હોવા છતાં સૂરદાસની કવિતા ક્યારેય સાંપ્રદાયિક બની નથી. માનવહૃદયના સનાતન ભાવો તે ગાય છે. અલબત્ત શ્રીમદ્ ભાગવત હવે તેમના કવનનો મુખ્ય આધાર બને છે પરંતુ સૂરદાસ માનવહૃદયના પરમાત્મા પ્રત્યેના અભિસરણને જ જુદી જુદી રીતે ગાયા કરે છે. સૂરદાસ, જયદેવ, વિદ્યાપતિની પરંપરાના કવિ છે. વાત્સલ્ય, શૃંગાર, આત્મનિવેદન, વિરહ, મિલન, ઉપાલંભ, નિર્હેતુક ભક્તિ, દૃઢ વિશ્વાસ, રાસલીલા – કેટલા બધા વિષયો અને ભાવો તેમની કવિતામાં ગવાયા છે! અને કેટલી કેટલી જુદી રીતે! ગોપી-ગીત, ઉદ્ધવસંદેશ અને ઉદ્ધવ સાથેનો ગોપીઓનો વાર્તાલાપ ભારે નજાકતપૂર્વક અભિવ્યક્ત થાય છે. સૂરદાસનું પ્રતિભાનેત્ર માનવહૃદયના ખૂણે ખૂણે ફરી વળે છે. અને કોક નિગૂઢ સૌંદર્યને બહાર લાવે છે. સમગ્ર ભારતીય સાહિત્યની સૂરદાસ એ એક અનન્ય ઊર્મિકવિપ્રતિભા છે. કવિ ઉમાશંકરે યથાર્થ કહ્યું છે કે ‘ઉત્તર-પશ્ચિમમાંથી જમુનાનાં પાણી લઈને આવેલી ગંગા અને ઉત્તર-પૂર્વમાંથી આવતો બ્રહ્મપુત્ર, બંનેના પ્રવાહ મળ્યા પછી એ સમસ્ત જળરાશિ અનેક ધારાઓમાં વિભિન્ન થઈ સમુદ્રને મળે છે તે ગંગા સાગરનું દૃશ્ય ભવ્ય અને નયનમનોરમ હોય છે. પ્રજ્ઞાચક્ષુ ભક્તકવિ સૂરદાસકૃત ‘સૂરસાગર’ એ ગંગાસાગરનું પુનિત સ્મરણ કરાવે છે. અનેક ભક્તિજ્ઞાન સાધન પ્રણાલિઓ સમ્મિલિત થતાં કૃષ્ણભક્તિનો મહાપ્રવાહ શ્રીમદ્ ભાગવતરૂપે પ્રગટ થયો તેને બહુસંખ્ય પદો દ્વારા વૈષ્ણવી ચેતનાના સમુદ્રમાં નિવેદિત થતો જેણે જોવો હોય તેણે ‘સૂરસાગર’નો પરિચય કરવો…. સૂરદાસ વ્રજ (હિંદી) ભાષાના જ નહિ, દુનિયાના એક ઉત્તમ ઊર્મિકવિ છે. ગીતનો ઉપાડ, આખા ગીતની ઇબારત, ભાવ-ભાવનાનું મૂલાયમપણું, શબ્દાવલિની સ૨ળ નજાકત, આખામાં પ્રગટતું એક જાતનું માર્દવ – એક જાતની ભીનાશ એમની કૃતિને અનુપમ બનાવી રહે છે.’

સૂરદાસનાં અસંખ્ય પદોમાંથી વધુ ગમતાં પદોની યાદી પણ ઘણી લાંબી થાય. પદની પ્રથમ પંક્તિમાં જ તે કથયિતવ્ય હાથમાં પકડાવી દે છે : मेरा मन अनत कहां सुख पावै – મારા મનને બીજે ક્યાં સુખ મળે? અને પછી ગંગા છોડીને કૂવો ખોદવા બેસે અથવા તો કામધેનુને છોડીને બકરી દોહવા બેસે એના જેવો દુર્મતિ કોણ હોય? એવાં દૃષ્ટાંતોથી પોતાની વાતને પુષ્ટ કરે છે. બીજા એક પદનો આરંભ થાય છે : चकई री, चली चरन-सरोवर, जहां न प्रेम-वियोग – જ્યાં પ્રેમમાં વિયોગ નથી એવું સ્થળ તો એકમાત્ર શ્રીકૃષ્ણ-ચરણ છે ત્યાં જવાનું કહે છે, એ જ અફાટ સૂર-સાગર, આ જાણ્યા પછી દુન્યવી સુખોનાં છીછરાં તળાવડાં તરફ તો નફરત જ થાય ને? એમનું જાણીતું પદ निसि दिन बरसत नैन हमारे અતીવ સુંદર છે. જ્યારથી શ્યામ છોડીને ગયા ત્યારથી ગોપીને તો ચોમાસું બેઠું છે! અપૂર્વ લાલિત્યપૂર્વક અંજન, કંચુકીપટના ઉલ્લેખ દ્વારા ગોપીઓનાં શરીર આંસુથી કેવાં લથબથ થઈ ગયાં છે. એ વિરહના ભાવને સઘન અભિવ્યક્તિ આપી છે. વાસ્તવિક રીતે તો આખું પદ લાગણીથી ભીનું ભીનું થઈ ગયું છે, ઉદ્ધવ ગોપીને ‘सुनहु गोपी हरि का सन्देश’ કહીને જણાવે છે કે હવે સમાધિ લગાવીને મનને અંતર્મુખ કરો, પરમાત્મા અવિગત, અવિનાશી અને પૂર્ણ છે અને અણુ અણુમાં વ્યાપ્ત છે વગેરે. પણ ગોપીઓ તો કહે છે કે નિર્ગુણ બિર્ગુણમાં એમને શી ખબર પડે? – ‘निरगुन कौन देस को बासी’ ગોપીઓને મન તો શ્રીકૃષ્ણ જ ભગવાનનું સ્વરૂપ હતા, એમનું સર્વસ્વ હતા, કૃષ્ણ આવો તો કેવો સંદેશ મોકલ્યો છે? કાંઈ એમની સમજમાં આવતું નથી. તેમ છતાં ઉદ્ધવ તેમના પ્રિયતમના સંદેશાવાહક છે, કૃષ્ણે જ તેમને મોકલ્યા છે, તેઓ ભાવવિભોર બની ગઈ! એ ભાવોનું અપૂર્વ સુંદરતાભર્યું વર્ણન સૂરદાસે આપ્યું છે :

उघौ हम आजु भई बड़ भागी ।
जिन अंखियन तुम स्याम बिलोके ते अंखियां हमे लागी ।
जैसे सुमन बास लै आबत पवन मधुप अनुरागी ।
अति आनन्द होत है जैसे अंग अंग सुख रागी ।
ज्यों दरपन में दरसन देखत दृष्टि परम रुचि लागी ।
तैसे ‘सूर’ मिले हरि हमको बिरह-ब्यथा तनु त्यागी ।

આ સૂરદાસ. એના જેવાં પદો ગુજરાતીમાં નરસિંહ મીરાં-દયારામે થોડાં આપ્યાં. આધુનિક કાળમાં રાધાકૃષ્ણના પ્રેમનાં ચબરાકિયાં પદો લખાયાં છે એ પણ મારા ખ્યાલમાં છે. પણ મારી માતૃભાષામાં સૂરદાસના જેવાં ઝાઝાં કાવ્યો નથી એથી થોડો સંકોચ અનુભવાય છે. ગુજરાતને એનો સૂરદાસ ક્યારે મળશે?

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.