‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી. પરીક્ષાના આટલા સખત પરિશ્રમ પછી શરીર અને મનનો થાક ઉતારવો આવશ્યક છે. શરીર માટે સારો આહાર, સારો વ્યાયામ અને મન માટે સ્વસ્થ મનોરંજન આવશ્યક છે. પણ વ્હાલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, રખે ભૂલી જતાં કે વૅકેશન વ્યકિતત્ત્વના સમગ્ર વિકાસની ઉત્તમ તક છે. અફસોસની વાત છે કે આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વ્યકિતત્ત્વ વિકાસ પર-ચારિત્ર્ય ઘડતર પર ધ્યાન નથી અપાતું અને ભણતરનો બોજ એટલો છે કે ઘણાં વિદ્યાર્થી ભાઇ-બહેનો સ્કૂલ-કૉલેજનાં અભ્યાસમાંથી, લેશન (home work) માંથી તેમ જ ટ્યુશનોમાંથી ઊંચાં નથી આવતાં. થોડો સમય મળે છે, તે ટી.વી.માં વેડફાઇ જાય છે. પરિણામે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સમગ્રપણે વિકાસ થતો નથી. ભૂલશો નહિ, વૅકેશન આ વ્યક્તિત્વ વિકાસની સુવર્ણ તક છે. આ તકનો લાભ લેવા આટલું કરજો –

૧. વૅકેશનના ગાળામાં જે સિદ્ધિઓ હાંસલ કરવા ઇચ્છો છો તેની યાદી બનાવો – જેમકે – સ્વાસ્થ્ય સુધારવું (વજન વધારવું અથવા ઘટાડવું) અંગ્રેજી શીખવું, સંગીત શીખવું, પાકશાસ્ત્રમાં કે ભરતગુંથણમાં નિપુણ થાવું, અમુક ગ્રંથોનું વાચન કરવું, અમુક વિષયમાં પારંગત થવું વગેરે.

૨. ઉપર્યુક્ત લક્ષ્યો હાંસલ કરવા માટે એક વ્યાવહારિક સમય-પત્રક (Time – Table) તૈયાર કરો, જેમાં તમારા વ્યકિતત્ત્વના સર્વાંગીણ વિકાસ માટેનાં કાર્યો માટે પણ સમય ફાળવો. પળેપળનો સદુપયોગ કરો. નિયમિત જીવન જીવવાનો પ્રયત્ન કરો.

૩. તમને જેમાં મજા આવે છે એવી કોઈ પ્રવૃતિમાં કૌશલ્ય હાંસલ કરવાનો પ્રયત્ન કરો. આ માટે એકાદ-બે માસના અભ્યાસક્રમમાં પણ જોડાઇ શકો છો.

૪. સદ્‌ગ્રંથોનાં વાચન-મનન અધ્યયનની ટેવ પાડો, આસપાસના વિસ્તારમાં કોઈ સારું ગ્રંથાલય હોય તો નિયમિતરૂપે થોડો સમય પુસ્તક મિત્રો સાથે ગાળો. વાંચન શોખીન સાથે ઊઠો-બેસો-ચર્ચા કરતા રહો, પણ મનની બારી ઉઘાડી રાખીને. એક યુવા મંડળ રચી નાનકડું પુસ્તકાલય પ્રારંભ કરવાનો પ્રયત્ન કરો. વાંચનશોખીનો પાસેથી ઉછીનાં પુસ્તકો લાવો. જીવનને સમજવામાં મદદરૂપ થાય, દૈનિક જીવનની સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ બનાવે તેવા જીવનઘડતરને ઉપયોગી ગ્રંથોનું વાંચન કરો.

૫. આસપાસના ગામડાંઓમાં, ઝૂંપડપટ્ટી-ગંદી ગરીબવસ્તીમાં રહેલા લોકોની સેવા કરવા માટે થોડો સમય ફાળવો. સાક્ષરતા અભિયાન, વૃક્ષારોપણ, દર્દીઓને નાસ્તો આપવો, સમાજમાં લોકો સુધી મૂલ્યલક્ષી ગ્રંથો કે સામયિકો પહોંચાડવા વગેરે સેવાકાર્યો કરી શકાય.

૬. જો વૅકેશનમાં બહારગામ જવાનું થાય તો, ત્યાંના તીર્થસ્થાનો અને ઐતિહાસિક સ્થળોનો અભ્યાસ કરી જ્ઞાનવર્ધન કરવાનો પ્રયત્ન કરો. એ વિષેની માર્ગદર્શિકાઓ (guide books) અગાઉથી વાંચી લેવાથી આ સ્થળોની મુલાકાત વધુ ફળદાયી બનશે..

૭. ટી. વી ના દુરુપયોગથી સાવધાન રહો! જો એનો સદુપયોગ કરવામાં આવે તો માહિતી સંચયનું અને જ્ઞાનવર્ધનનું ઉત્કૃષ્ટ સાધન બની શકે, પણ જો એનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો ‘બુદ્ધુ બનાવનારું સાધન’ (Idiot box) બની જશે. અમેરિકામાં ટી. વી. દર્શકોની ત્રીજી પેઢી ચાલી રહી છે. એક ચોંકાવનારું સર્વેક્ષણ કહે છે કે ટીવી જોવાનો નશો લાગ્યો છે એવા માતાપિતાનાં બાળકો જન્મથી જ ભિન્ન પ્રકારનું મસ્તિષ્ક ધરાવે છે-જે વધારે સારી રીતે જોઇ શકે છે. પણ વિશ્લેષણ ઓછું કરી શકે છે. વધુ ટીવી જોવાથી આંખ બગડે છે, સામાજિક સંબંધો બગડે છે. એકાકી બની જવાય. સર્જનાત્મક શક્તિ ક્ષીણ બને. જો કાર્યક્રમો ખરાબ હોય તો મન પણ બગડે છે, હિંસા અને અનૈકિતાનું પ્રમાણ વધે છે. માટે ટી. વી. નો મર્યાદિત ઉપયોગ કરી, સારા માહિતીપ્રદ તેમ જ સ્વસ્થ મનોરંજક કાર્યક્રમો જુઓ ને!

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.