પુસ્તક-સમીક્ષા

રામ,તારો દીવડો!

લેખક – કરસનદાસ માણેક

પ્રકાશક- આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી

કિંમત : પાંચ રૂપિયા

શ્રી કરસનદાસ માણેક એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના આગળ પડતા સૈનિક, સામાજિક વિષમતા પ્રત્યે આગ ઓકતા કવિ, વાદવિવાદ અને સંવાદના ગાયક, ગીતા, ઉપનિષદ કે પુરાણોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવનાર અને માણ ઉપર ભાગવતી કથા સંભળાવનાર એક સમર્થ ભાગવતકાર, માણભટ્ટ. એમ કહેવાય છે કે, એમણે માત્ર ‘હરિનાં લોચનિયાં’ એક જ કાવ્ય આપ્યું હોત તો પણ એમનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ બની જાત. જુદા જુદા પ્રસંગોએ વ્યક્ત થતી વિષમતાઓથી સાક્ષાત્ ભગવાન પણ દુઃખી દુઃખી થઈ જાય છે અને પરિણામે ભગવાનની આંખોમાંથી આંસુ સરી પડે છે. ભજનિકોએ આ કાવ્યને ઘેર ઘેર પ્રચલિત કરી દીધેલું.

એમની સંકીર્તન પ્રવૃત્તિના ફળરૂપે એકસો-બે ગીતોનો કાવ્ય સંગ્રહ ‘રામ તારો દીવડો’ પ્રગટ થયો. એમાંનાં અમુક કાવ્યોના થોડા અંશો આપણે માણીએ. એ આસ્વાદ માણ્યા પછી આપણે પણ સાહિત્યકારોના સૂરમાં સૂર મેળવી વિશ્વાસપૂર્વક કહી શકીશું કે ખરેખરે માણેક એ સિંધના મેઘાણી જ હતા.

‘બ્રહ્માંડના કોડિયામાં સતનું ધૃત છલ્ છલે, ચિદ્ની અનંત છે વાટ; જ્યોતિ આનંદની જલે’ બ્રહ્માંડ રૂપી કોડિયું સતરૂપી ઘીથી છલોછલ ભર્યું છે, એમાં ચિદ્નની અનંત વાટ છે અને આનંદરૂપી જ્યોતિ પ્રગટી ઊઠી છે. કવિની કલ્પના કેટલી અદ્ભુત છે?

રામનાં રખવાળાં હોય એને ભય શાનો? પ્રભુને ખોળે માથું મૂકનારને ડર કોનો?
‘રામતણાં રખવાળાં, અમને રામતણાં રખવાળાં,
છોને ગગન ગ્રસીને ઊભાં વાદળ કાળાં કાળાં,
પ્રલય તણા ઉદરેથી ઊગશે અંતે તો અજવાળાં’

‘અંતે કાવ્ય પણ મજાનું છે. નદી પાર તરીને જતો તરવૈયો સામે કિનારે જ ડૂબે એવી જ કોઈ વાત માણેક અહીં કરે છે.

‘અંતે મોહ્યો તું મૃગલામાં.’
મેરું સમગ્ર ચઢયો ને લથડ્યો છેવટના પગલામાં.

સાધનાનું છેલ્લું શિખર સર કરે એ પહેલાં સાધકનું પતન થાય એવી કોઈ વાત કવિ અહીં કરે છે.

એકાદ ગઝલનો શેર પણ જોઈએ-

‘જે દીવાના મુજ પરે, તે પર દીવાનો થાઉં છું,
હું જશોદાનું જીવન રાધાનો કહાનો થાઉં છું!’

ગીતાનો ૧૫મો અધ્યાય, પુરુષોત્તમ યોગ – એના ઉપરથી માણેકે કાવ્ય બનાવ્યું.

એક પીપળો રે
એક પીપળો રે, ઊભો કૈં કાલ કેરે તીર,
પુરાણો એક પીપળો રે!…
ડાળિયું આકાશમાં ડાળિયું પાતાળમાં;
દશે દિશે જામી અડાબીડ…

આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી દ્વારા પ્રકાશિત આ કાવ્ય સંગ્રહની કિંમત, ફક્ત પાંચ રૂપિયા રાખી છે એ પ્રજાની મોટી સેવા કરી ગણાય.

– ક્રાંતિકુમાર જોષી

Total Views: 61
By Published On: April 26, 2022Categories: Karsandas Manek0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram