૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ નામના ગ્રંથમાં (બીજા વૉલ્યુમના એપેન્ડિક્સ ‘સી’) આ લેખ સૌ પ્રથમ પ્રસિદ્ધ થયેલ હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના નવમા ખંડમાં પણ આ લેખ પ્રકાશિત થયો છે.

હિન્દુ નારીના ચિત્રણમાં સ્વામીજી તેઓનાં સૌંદર્ય અને ઉચ્ચ ચારિત્ર્યની વાત ભાર દઈને કરે છે, અને જણાવે છે કે જ્યારે સંસ્કૃતિ સોળે કળાએ ખીલી હતી. ત્યારે સ્ત્રીઓનો કેટલો બધો આદર થતો હતો. આની સાથે તુલના કરવાથી આપણને તરત જ જણાઈ આવે છે કે કહેવાતા ‘ડેવલપમૅન્ટ’ એટલે કે ‘વિકાસ’ને માટે આપણને કેટલી મોટી માત્રામાં નુકસાન થઈ ગયું છે. આ ઉપરથી આપણે વિચારતાં થઈશું કે – શું નારીના આદર્શ વિશે ભૂતકાળ તેમ જ વર્તમાનકાળના સર્વોત્તમ તત્ત્વોનું સંતુલન કરી શકાય તેમ નથી? – સં.

સજ્જનો અને સન્નારીઓ,

આજે ભારતીય નારી વિષે બોલતાં મને એમ જણાય છે કે હું જાણે મારી ભારતની માતાઓ અને ભગિનીઓ અંગે, તદ્દન જુદા પ્રકારની જાતિની નારીઓ સમક્ષ બોલવા ઊભો થયો છું. તેમાંની પણ ઘણી નારીઓ અત્યાર સુધીમાં મારે માટે તો માતા અને ભગિની સમાન થઈ જ ચૂકી છે. દુર્ભાગ્યથી, છેલ્લા કેટલાક સમયથી અમારા દેશની નારીઓ માટે ઘણાના મુખે અપશબ્દો નીકળ્યા છે, જો કે કેટલાક લોકો એવા પણ છે જેઓ તેમના પર આશીર્વાદ પણ વરસાવે છે. આવા ઉચ્ચ આત્માઓ પણ અત્રે મોજૂદ છે, દાખલા તરીકે, શ્રીમતી બુલ, કુમારી ફાર્મ૨, કુમા૨ી વિલ્લાર્ડ, વગેરે. દુનિયાના ઉચ્ચતમ કુલીન કુળનાં નારી પણ અત્રે છે, જેમના જીવન મને ઇસવીના ૬૦૦ વર્ષ અગાઉ થઈ ગયેલા મહાત્માની યાદ અપાવે છે, જેમણે લોકસંપર્ક સાધવા માટે પોતાની રાજગાદીનો પણ ત્યાગ કરી દીધો હતો, એ છે લેડી હૅન્રી સોમરસેટ, જેઓ મારે માટે અદ્‌ભુત જ્ઞાનસ્રોત બની ચૂક્યાં છે. જ્યારે જ્યારે મને આવા કુલીન ઉચ્ચ આત્માઓનો સંપર્ક થાય છે, ત્યારે ત્યારે મારામાં હિંમત પ્રગટતી જાય છે : આવા આત્માઓને મુખે કદી શાપના શબ્દો આવતા નથી, તેઓના મુખમાં તો મારે માટે, મારા દેશ માટે, અમારાં નર નારી માટે સદૈવ આશીર્વચનો જ હોય છે, અને તેમનાં હૃદય અને કરકમળો માનવજાતની સેવા માટે તત્પર રહે છે.

સર્વ પ્રથમ તો હું ભારતના ઇતિહાસના અતીતનું દર્શન કરવા ઈચ્છું છું, અને આપણને એમાંથી જ કંઈ વિશિષ્ટ તત્ત્વ મળી જશે. આપ સહુને એ તો વિદિત જ છે કે તમે અમેરિકનો, અમે હિંદુઓ અને આ આયરીશ મહિલા (એક શ્રીમતી મૅગ્યુસન) પણ એક જ જાતિનાં વંશજો છીએ, જેઓને આર્ય કહેવામાં આવે છે. તદુપરાંત, જ્યાં જ્યાં આર્યો જાય છે, ત્યાં ત્યાં એમના આ ત્રણ વિચારો જોવા મળે છે. ગ્રામીણ જીવનપદ્ધતિ, સ્ત્રીઓના હક્કો અને આનંદસભર ધર્મ. આમાંનો પહેલો વિચાર છે ગ્રામીણ જીવનપદ્ધતિ. હમણાં જ જેમ આપણે શ્રીમતી બુલ પાસેથી સાંભળ્યું કે ઉત્તર Northમાં દરેક માનવ સ્વ-આધારિત રહેતો અને જમીનની માલિકી ધરાવતો હતો. દુનિયાની સર્વ પ્રકારની રાજકીય સંસ્થાઓ ગ્રામીણ જીવનપદ્ધતિમાંથી જ ઉદ્ભવી છે. જેમ જેમ આર્યો આગળ ધપતા ગયા અને વિવિધ દેશોમાં વસવાટ કરવા લાગ્યા, ત્યાં અમુક સંયોગોને કારણે અમુક પ્રકારની સંસ્થાઓનો ઉદ્ભવ થયો, અને બીજે ઠેકાણે (સંયોગાનુસાર) અન્ય પ્રકારની સંસ્થાઓ ઉદ્ભ‌વી. આર્યોનો બીજો મુખ્ય વિચાર હતો સ્ત્રીઓના હક્કો અને સ્વાતંત્ર્ય. આર્યોના પ્રાચીન સાહિત્યમાં જ આપણે એ જોઈ શકીએ છીએ કે પુરુષના જેટલો જ હિસ્સો સ્ત્રીનો પણ ગણાતો હતો. અન્ય કોઈ જાતિના સાહિત્યમાં આ વિચાર જોવા મળતો નથી. આપણે વેદ સાહિત્યની જ વાત કરીએ, જે દુનિયા આખીના પ્રાચીનતમ ગ્રંથો છે અને જે તમારા મારા પૂર્વજોએ રચ્યા છે (જેનું રચનાકાર્ય કદાચ ભારતભૂમિ નહિ પણ બાલ્ટિક સમુદ્રનો કિનારો પણ હોઈ શકે, કે પછી મધ્ય એશિયા પણ હોઈ શકે તેમ બને – કેમ કે આપણે એ – વિષે કશું નિશ્ચિતપણે જાણતા નથી); તે વેદોના પણ પ્રાચીનતમ વિભાગમાં આવેલા શ્લોકો એવા દેવોને ઉદ્દેશીને લખાયા છે જેની પૂજા આર્યો કરતા હતા – જો કે ‘દેવો’ જેવો શબ્દ વાપરવા માટે હું ક્ષમા ચાહું છું, કેમ કે તે શબ્દનું શાબ્દિકભાષાંતર થાય છે- ‘તેજસ્વી’ ઓ (The Bright Ones).

આ શ્લોકો (અથવા ૠચાઓ) અગ્નિ, સૂર્ય, વરુણ આદિ દેવોને સંબોધિત અને સમર્પિત છે. તે ૠચાઓના શીર્ષકોમાં જણાવ્યું છે કે ‘અમુક અમુક ઋષિએ આ રચના કરી છે અને તેને અમુક અમુક દેવને સમર્પિત કરી છે.’ ચોથા પાંચમાં શ્લોક પછી એક વિશિષ્ટ શ્લોક આવે છે, કેમ કે તેની રચયિતા એક નારી છે, અને એવા દેવને એ રચના સમર્પિત ક૨વામાં આવે છે જે અન્ય દેવોની પાર્શ્વભૂમિકામાં રહેલ છે. આ શ્લોકો તૃતીય પુરુષ એકવચનમાં બોલાય છે, જાણે કે કોઈ દેવને સંબોધીને જ કોઈ બોલતું હોય, છતાં આ શ્લોકમાં કંઈક એવી વિશિષ્ટતા છે જેમાં દેવ પોતે જ પોતાની સાથે જ વાત કરતો જણાય છે, તેમાં ‘હું’ સર્વનામ વપરાય છે: ‘હું આ વિશ્વની સામ્રાજ્ઞી છું, સર્વ પ્રાર્થનાઓને ફલિત કરનારી છું.’ (જેમાં નારીજાતિનો વપરાશ સ્પષ્ટ છે)

આ રીતે આ બાબતમાં, વેદોની રચનામાં, નારીનો ફાળો અગ્રિમ જણાય છે. આગળ જતાં પણ આપણે નારીને વધુ રચનાત્મક ભાગ લેતાં જોઈએ છીએ. એટલું જ નહિ, બલ્કે યજ્ઞયાગમાં હોત્રી તરીકે પણ તેઓનું કાર્ય વર્ણવાયેલું છે. સમગ્ર વેદ-સાહિત્યમાં એક પણ એવો પરિચ્છેદ નથી, જેને મારી મચડીને પણ જો ગોઠવો તો પણ તેનો અર્થ એવો નીકળે કે નારીઓને પુરોહિત બનવાનું નિષિદ્ધ છે. ઉલટાનું, એવાં તો ઘણાં બધાં ઉદાહરણો મળે છે જેમાં સ્ત્રીઓ જ પુરોહિતોનું કાર્ય કરતી હોય છે. હવે, જ્યારે આપણે વેદ-સાહિત્યના છેલ્લા વિભાગને પણ તપાસીશું ત્યારે જણાય છે કે તે વિભાગ ભારતના ધર્મનો સાચો આધાર ગણાય છે, અને તેમાં સચવાયેલા માનવજાતિના શાણપણમાં આપણી આ સદી પણ કશો નવો ઉમેરો કરી શકી નથી. એવા આ વિભાગમાં પણ આપણે નારીનું મહત્ત્વ જોઈ શકીએ છીએ; એમાં સમાયેલા શબ્દોનો ઘણો ખરો ભાગ નારીઓના મુખે ગવાયેલો છે; તે સ્ત્રીઓનાં નામ અને ઉપદેશ સાથે જ તેને નોંધી લેવામાં આવ્યો છે.

યાજ્ઞવલ્ક્યની એક સુંદર વાર્તા છે. મહાન રાજા જનકની ગુણી જનોની સભામાં પ્રશ્નોત્તરી કરવા માટે ઘણા લોકો આવ્યા. એકે પ્રશ્ન કર્યો, ‘આ યજ્ઞ હું કઈ રીતે કરું?’ બીજાએ પૂછ્યું; ‘અને આ યજ્ઞની (વિધિઓ) કઈ રીતે કરી શકાય?’ તે બન્નેને ઉત્તર આપ્યા પછી એક સ્ત્રીએ ઊભા થઈને કહ્યું, ‘આ બધા તો સાવ બાળક જેવા પ્રશ્નો છે. જુઓ હું આ બે તીર લઉં છું- જે મારા બે પ્રશ્નો છે. જો તમે ઉત્તર આપી શકો તો આપજો, અને પછી અમે તમને ઋષિ તરીકે સ્વીકારીશું.’ પ્રથમ પ્રશ્ન છે, ‘આત્મા શું છે?’ બીજો છે, ‘પરમાત્મા શું છે?’ આ બે પ્રશ્નોથી – બે મહાન પ્રશ્નોથી – આત્મા અને પરમાત્માના પ્રશ્નોથી – એક મહાન પરંપરાનો આરંભ કરનાર એક નારી હતી. આ સ્ત્રીની પરીક્ષામાંથી પસાર થયા પછી જ તે ઋષિનું સ્થાન સ્થિર થયું; જે તેઓ કરી શક્યા.

અમારા પ્રાચીન સાહિત્યના અન્ય સ્તરમાં આવે છે, મહાકાવ્યો. તેના સમયમાં પણ શિક્ષણની કોઈ પડતી થયેલી જણાતી નથી. રાજકુટુમ્બોમાં તો તેનો આદર્શ વિશિષ્ટ મહત્ત્વ ધરાવતો જણાય છે. વેદોના લગ્ન અંગેના વિચારોને જ લ્યોઃ, કન્યાઓ પોતાની પસંદગી અનુસાર લગ્નસાથી શોધી લેતી, અને યુવકો પણ તેમ જ કરતા. બીજા સ્તરમાં લગ્નોની ગોઠવણ માતાપિતાના નિર્ણય દ્વારા થતી, જો કે એક જ્ઞાતિમાં એ રિવાજ નહોતો. મારી વિનંતિ છે કે આ પ્રશ્નને જુદી બાજુથી તપાસીને જુઓ. વિશ્વમાં હિંદુઓ વિષે જે કંઈ કહેવાતું હોય તે ભલે, પરંતુ સમગ્ર વિશ્વમાં સહુથી વધુ જ્ઞાન ધરાવનાર જાતિ તો હિન્દુની જ છે. હિન્દુ આધ્યાત્મવાદી છે, અને દરેક બાબતમાં પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરતો હોય છે. દરેકમાં તે વળી જ્યોતિષની ગણતરી મુજબ નિર્ણયો લેતો થયો છે, કેમ કે તેના અભિપ્રાયથી તો પ્રત્યેક માનવનું પ્રારબ્ધ ગ્રહોને આધારે જ રહે છે…આજે પણ બાળકના જન્મના સમયની યોગ્ય ગણતરી કરીને તેની કુંડળી (જન્મપત્રી) બનાવવામાં આવે છે, તેના અનુસાર બાળકના ચરિત્ર આદિ અંગે અંદાજ ઠરાવવામાં આવે છે. સંભવ છે કે એક બાળક દૈવી પ્રકૃતિ ધરાવે, બીજું માનવીય અને ત્રીજું રાક્ષસી પ્રકૃતિ ધરાવતું હોય. જો કે આમાં પ્રશ્ન ઊઠે છે કે જ્યારે એક સારી પ્રકૃતિનું અને બીજું રાક્ષસી પ્રકૃતિનું બાળક હોય અને બન્ને એકબીજાના નિકટના સંપર્કમાં હોય ત્યારે શું તેઓ એકમેકને પતન તરફ દોરી નથી જતાં?

બીજો પ્રશ્ન એ થાય છે કે અમારા (સામાજિક) કાયદા મુજબ એક જ ગોત્રમાં અંદરોઅંદર લગ્ન કરવાનો નિષેધ છે. પોતાના કુટુમ્બના પિતરાઈ સાથે લગ્ન નહીં જ કરવાનાં એટલું જ નહિ પિતા અને માતાના પિતરાઈ કૂટુમ્બોમાં પણ લગ્ન ન થઈ શકે એવો નિયમ છે. ત્રીજો નિષેધ એવી બાબતમાં મૂકાય છે કે કન્યા અથવા વરની છ-છ પેઢીઓમાંથી કોઈને રક્તપિત્ત, ક્ષય વગેરે જેવો કોઈ રોગ થયો હોય તો તેઓ લગ્ન ન કરી શકે. આવી બાબતોને ધ્યાનમાં રાખીને જ બ્રાહ્મણ કહે છે, ‘જો હું લગ્નની પસંદગી કન્યા કે વર પર જ છોડી દઉં, તો તેઓ તો કેવળ સુંદર મુખ અને સુદૃઢ દહેયષ્ટીથી આકર્ષિત થઈને જ લગ્ન કરી લેશે, આ રીતે (અજાણતાં જ) કુટુંમ્બને વિઘ્ન ઊભું કરશે.’ અહીં તમે જોઈ શકો છો કે અમારા લગ્નના નિયમોની પાછળ આવા વિચારો રહેલા છે. પાર્શ્વભૂમિમાં એક ફિલસૂફી છે કે દવા કરવાની જરૂર પડે તે પહેલાં જ રોગને થતો અટકાવવો તે શાણપણ ગણાય. દુનિયામાં દુઃખ છે, કેમકે આપણે જ તે દુ:ખ ઊભું કરીએ છીએ; વળી આ સમગ્ર બાબત દુ:ખી બાળકોની ઉત્પત્તિ કેવી રીતે રોકી શકાય તેની સાથે સંકળાયેલ છે. અલબત્ત, એ પ્રશ્ન તો છે જ કે વ્યક્તિના હક્કો ઉપર સમાજના હક્કોનું વર્ચસ્વ કેટલી હદ સુધી હોવું જોઈએ. પરંતુ હિન્દુઓના મતે લગ્નની પસંદગીનો પ્રશ્ન માત્ર કન્યા અને વરના હાથમાં છોડી દેવો ન જોઈએ. મારું એમ કહેવું નથી કે આ જ ઉત્તમોત્તમ નિયમ છે, છતાં એટલું તો ખરું કે કેવળ તેમની પસંદગી ઉપર લગ્નનો પ્રશ્ન છોડી દેવાનો અભિપ્રાય પણ કંઈ સર્વોત્તમ ઉપાય તો નથી જ ને! મારી બુદ્ધિમાં પણ કોઈ એવો ઉપાય આવ્યો નથી, અને મને ખાતરી છે કે કોઈ પણ દેશે તેને હજી શોધ્યો નથી.

હવે આપણે બીજા ચિત્ર ભણી વળીએ. મેં જણાવ્યું છે કે કે લગ્નનો એક (જ્ઞાતિમાં) વિશિષ્ટ પ્રકાર પણ હોય છે (જે મોટે ભાગે રાજવીઓમાં પ્રચલિત હતો). આમાં કન્યાનો પિતા વિવિધ દેશોના રાજા અને રાજકુમારોને નિમંત્રણ આપીને પોતાના દેશમાં બોલાવતો હતો, અને પછી તે સર્વેની એક સભા ભરવામાં આવતી. રાજાની કુંવરી, એટલે કે લગ્નોત્સુક કન્યા, એક ખાસ પ્રકારની પાલખી પર બેસીને ત્યાર બાદ દરેક ઉપસ્થિત રાજા અથવા રાજકુમાર સમક્ષ જઈ તેમને મળતી, અને કોઈ મંત્રી તેનો એને પરિચય કહી સંભળાવતો, કે ‘આ અમુક રાજકુમાર છે.’ ‘આ અમુક દેશના રાજા છે’…વગેરે. ત્યાર બાદ તે કન્યા કાં તો ત્યાં થોભી જતી, અને નહિ તો આગળ ચાલતી. (જો કે આ બધું પહેલેથી જ ગોઠવેલું રહેતું. ખાસ તો એવે વખતે જ્યારે કન્યાએ અગાઉથી જ કોઈ ઉપર પોતાની પસંદગી ઉતારી દીધી હોય.) આખી સભામાં ફર્યા પછી છેલ્લે તે કન્યા પોતાની દાસીને એક હાર પોતે પસંદ કરેલા રાજા અથવા રાજકુમારના ગળામાં પહેરાવવા કહેતી. તે હાર ગળામાં પડતાં જ તેની પસંદગી થઈ ચૂકી છે એવી જાણ સભાને થઈ જતી. (આવી છેલ્લી સભામાં થયેલી પસંદગીને લીધે મુસલમાનોએ ભારત પર આક્રમણ કર્યું હતું!) આ પ્રકારે થતાં લગ્ન (સ્વયંવર) માત્ર રાજવીઓમાં જ ગોઠવાતાં, તે નોંધીએ.

સૌથી વધુ પ્રાચીન મહાકાવ્ય છે રામાયણ. હિન્દુ નારીના ઉચ્ચતમ આદર્શને તે રજૂ કરે છે સીતાના પાત્રમાં; અત્યારે આપણી પાસે સીતાની અખૂટ ધીરજ અને શાલીનતાભર્યા જીવન વિશે વાત કરવાનો સમય દુર્ભાગ્યે નથી. પરંતુ સીતાજીને અમે દેવીસ્વરૂપ ગણીને પૂજીએ છીએ (તે તમને વિદિત હશે.) રામ કરતાં પણ તેઓનું નામ પ્રથમ લેવાય છે, તે જાણે મી. અને મીસીસ અમુક નહિ પણ મીસીસ અને મી. અમુકની જેમ કહેવાય. આ જ પ્રણાલી અન્ય દેવીદેવતાઓ માટે પણ વપરાય છે, જેમાં સદૈવ દેવીઓનું નામ જ પ્રથમ લેવાય છે. હિન્દુઓનો બીજો પણ એક વિશિષ્ટ વિચાર જાણવા લાયક છે. જેમણે મારાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે હિન્દુ તત્ત્વજ્ઞાનના કેન્દ્રમાં પૂર્ણતા છે. આ પૂર્ણતા, જેની કોઈ પણ શક્તિને આપણે પ્રતિપાદિત કરી શકતા નથી, તેનો સંદર્ભ સ્ત્રી-જાતિમાં અપાય છે. આ ‘બ્રહ્મ’ની ‘શક્તિ’ સદૈવ નારીજાતિમાં વર્ણવવામાં આવે છે. રામને ‘બ્રહ્મ’ના એક સ્વરૂપ ગણવામાં આવે છે, જ્યારે સીતાને તેમની ‘શક્તિ’નું સ્વરૂપ ગણવામાં આવે છે.

જો કે અત્યારે આપણે સીતાજીના સમગ્ર જીવનની વિગતોમાં જઈ શકીએ તેમ નથી, છતાં તેઓના જીવનની એક વિગત અત્રે જણાવીશ જે આ તમારા દેશની સ્ત્રીઓ માટે (પણ) યોગ્ય છે. આ પ્રસંગ છે તે સમયનો જ્યારે પોતાના પતિ સાથે વનવાસના વચનના પાલન કરવા માટે સીતાજી વનમાં વિચરણ કરતાં હતાં. વનમાં એક ઋષિ-નારી હતાં તેમનાં દર્શને રામ અને સીતાજી ગયાં. ઉપવાસો અને અન્ય પ્રકારની તપશ્ચર્યાને કારણે ઋષિ-નારીનાં ગાત્રો પણ ગળી ગયાં હતાં, તેઓની સમક્ષ આવતાં જ સીતાજીએ ઋષિના ચરણોમાં વંદન કર્યું ત્યારે ૠષિએ સીતાના માથા પર હાથ મૂકી આશીર્વચન કહ્યાં, ‘સુંદર દેહ હોવો તે એક વરદાન છે, અને તે તારી પાસે છે. એક ગુણશીલ પતિ હોવો તે એનાથી પણ મોટું વરદાન છે, અને તે પણ તારી પાસે છે. તું ખરેખર સુખી હોવી જોઈએ જ!’ ત્યારે સીતાજી ઉત્તર આપે છે, ‘માતા, હું સુખી છું કે ભગવાને મને સુંદર દેહ આપ્યો છે, અને મને નિષ્ઠાવાન પતિ પણ આપ્યો છે. પરંતુ (મને મળેલું) ત્રીજું વરદાન એ છે કે અમે બન્ને એ જાણતાં નથી કે હું તેની આજ્ઞાનું પાલન કરું છું કે એ મારી આજ્ઞાનું પાલન કરે છે. હું એક જ વાત જાણું છું કે તેમણે પવિત્ર અગ્નિ સમક્ષ મારું પાણિગ્રહણ કર્યું છે; મને તે અગ્નિના પ્રકાશમાં અથવા તો સ્વયં પ્રભુની કૃપાને લીધે એમ જણાયું છે કે હું તેઓની છું અને તેઓ મારા છે. અને ત્યાર પછી પણ મેં જાણ્યું છે કે તેમના જીવનમાંની પૂર્ણતા હું છું અને મારા જીવનની પૂર્ણતા તેઓ છે.’ આ કવિતાના કેટલાક ભાગનું ભાષાંતર અંગ્રેજીમાં થઈ ગયું જ છે. ભારતની નારીનો આદર્શ સીતા છે, અને તેઓને એ દૃષ્ટિથી સર્વોચ્ચ સ્થાને પૂજવામાં આવે છે.

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

(ક્રમશઃ)

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.