રાજકારણમાં તેમ જ સમાજશાસ્ત્રમાં, હવે કેવળ રાષ્ટ્રીય ભૂમિકા ઉપર નિરાકરણ લાવી શકાય એવું રહ્યું નથી. તેમનાં પ્રમાણ, તેમના આકાર વિશાળ, રાક્ષસી થતા જાય છે. તેમને જ્યારે આંતરરાષ્ટ્રીય ભૂમિકાની વિશાળ દૃષ્ટિથી હલ કરવામાં આવે ત્યારે જ તેમનું નિરાકરણ થઇ શકે. આજનો સૂર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો, આંતરરાષ્ટ્રીય સંગઠનોનો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો છે. એ ઐક્યભાવનાનું નિદર્શક છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ રોજ-બ-રોજ ભૌતિક તત્ત્વો તરફ પણ એવી જ વિશાળ દૃષ્ટિ રાખવાનું વૈજ્ઞાનિકોનું વલણ થતું જાય છે. તમે ભૌતિક પદાર્થોનો વિચાર કરો તો આખું વિશ્વ એક દ્રવ્યસમૂહો, દ્રવ્યનો એક સાગર હોઈને અંદર તમે અને હું, સૂર્ય, ચંદ્ર અને બીજાં બધાં તેમાંનાં કેવળ જુદાં જુદાં નાનાં નાનાં વમળનાં નામમાત્ર બનીએ છીએ; તેથી વિશેષ કાંઈ નહીં. માનસિક દૃષ્ટિએ વાત કરો તો આ સઘળું વિચારોનો એક સાગર છે, જેમાં તમે અને હું તેવાં જ નાનાં વમળો છીએ, અને ચૈતન્યની દૃષ્ટિએ જો કહેવા માગતા હો તો એ ગતિશીલ નથી, એમાં પરિવર્તન થતું નથી, એ એક અવિકારી, અખંડ અને સમરસ આત્મા છે. નીતિ માટેની બૂમ પણ ઊઠી રહી છે. અને એનો ખુલાસો, નીતિશાસ્ત્રનું મૂળ, એ પણ દુનિયા માગે છે. અને તે પણ એને અહીં જ સાંપડવાનું છે.

અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો તરીકેની બડાઇ મારતાં હોવા છતાં બીજી ઘણી પ્રજાઓની સરખામણીમાં, મારે તમને કહેવું જોઈએ કે આપણે દુર્બળ છીએ, અતિ દુર્બળ છીએ. સૌથી પહેલી આવે આપણી શારીરિક દુર્બળતા. ઓછામાં ઓછા આપણાં એક તૃતીયાંશ દુઃખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે. આપણે આળસુ છીએ; આપણે કામ કરી શકતા નથી; આપણે સંગઠન સાધી શકતા નથી, આપણને એકબીજા પ્રત્યે પ્રેમ નથી; આપણે અતિશય સ્વાર્થી છીએ; આપણામાં ત્રણ જણ જરા પણ એકબીજાનો દ્વેષ કર્યા વિના કે એકબીજાને ધિક્કાર્યા વિના ભેગા થઈ શકતા નથી. એનું કારણ શું? શારીરિક નબળાઈ. આ જાતનું મગજ કાંઈ પણ કરવા શક્તિમાન નથી થતું. આપણે તેને મજબૂત બનાવવું જોઈએ. સૌ પહેલાં આપણા નવયુવકો તાકાતવાન બનવા જોઈએ; ધર્મ પાછળથી આવશે. મારા યુવક મિત્રો! સુદૃઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબૉલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે એ સંભળાવવા પડે છે, કારણ કે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડોક અનુભવ લીધો છે. તમારાં બાવડાં અને સ્નાયુઓ જરા વધુ મજબૂત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં જરા તાકાતવાળું લોહી હશે તો શ્રીકૃષ્ણની શક્તિશાળી પ્રતિભા અને મહાન સામર્થ્ય વધુ સારી રીતે સમજી શકશો, જ્યારે તમારું શરીર તમારા પગ ઉપર ટટ્ટાર ઊભું રહેશે અને તમને લાગશે કે તમે માણસ છો, ત્યારે ઉપનિષદો અને આત્માનો મહિમા વધુ સારી રીતે સમજશો. આપણી જરૂરિયાતોનો વિચાર કરી આપણે કામે લાગવાનું છે.

– સ્વામી વિવેકાનંદ

(‘જાગો, હે ભારત’માંથી, પૃ. ૪૧-૪૩)

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.