પ્રાર્થનાનું મહત્ત્વ નિર્વિવાદ છે. પોતાનાં દુઃખ દરદોથી ગભરાઈને હેરાન પરેશાન થઈને લોકો ઈશ્વરની પ્રાર્થના કરતાં જોવામાં આવે છે. હકીકતે જીવનનું આ એક આવશ્યક પાસું થઈ ગયું છે. કોઈક જ વ્યક્તિ એવી હશે કે જે પ્રાર્થનાના મહત્ત્વનો સ્વીકાર ન કરતી હોય. નાસ્તિકોની વાત જ જુદી છે. પ્રાર્થનામાં ઈશ્વર અને તેનાં ઐશ્વર્યનાં ગુણગાન તથા રૂપનાં ગુણગાન મુખ્ય સ્થાને હોય છે. હૉસ્પિટલો વગેરેમાં દવાની સાથે પ્રાર્થનાને પણ હવે મહત્ત્વ આપવામાં આવે છે. રોગીએ દવાની સાથે સાથે પ્રભુ-પ્રાર્થના પણ કરવી જોઈએ. ડૉક્ટર અને દવાઓમાં શ્રદ્ધા રાખવાનું પણ આગવું મહત્ત્વ છે. ભલે સાવ સામાન્ય દવા કેમ ન હોય, પરંતુ રોગીની એ દવા માટેની શ્રદ્ધા પણ લાભકારક પરિણામ આપતી જણાઈ છે. પેલા સાધુની વાત યાદ આવે છે કે જે રાખની પડીકીઓ વાળીને આંગણે આવેલ દરદીઓને આપતો હતો…. આ આસ્થાનો જ ચમત્કાર છે કે દરદીઓ સારા થતા ગયા અને સાધુની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી ગઈ. પ્રભુ-પ્રાર્થના ચમત્કારિક પ્રભાવ માટે હોય છે. જેની કૃપાથી લંગડો પર્વત પાર કરે અને અંધ બધું જોઈ શકે’ પંક્તિ દ્વારા આ જ વાત વ્યક્ત થાય છે. પાશ્ચાત્ય જગત પણ આ પ્રભાવથી અજ્ઞાત નથી. આજે ત્યાં પણ આ બાબતને ઘણું મહત્ત્વ અપાઈ રહ્યું છે.

વીસમી સદી એક તરફ જ્યારે અંતિમ ઘડીઓ ગણી રહી છે ત્યારે જ દુનિયામાં લોકોનો પોતાની પ્રાપ્તિઓ અને દવાઓમાંથી મોહભંગ થઈ રહ્યો છે. અમેરિકામાં કેટલી બીમારીઓ ગંભીર રૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને લોહીનું ઊંચું દબાણ (બ્લડપ્રેસર), કરોડરજ્જુનો દુઃખાવો, હાડકાના રોગ, હતાશા, કૅન્સર, એઈડ્સ…અને બીજું કેટલુંય. ‘ટાઈમ’સામયિકના કહેવા પ્રમાણે ૬૦થી ૯૦ ટકા દરદીઓ માનસિક તાણથી ઘેરાયેલા હોય છે. માઈન્ડબોડી મેડિકલ સંસ્થાના અધ્યક્ષ શ્રી હર્બર્ટ બૅનસનના મતાનુસાર પરંપરાગત દવાઓ અને શસ્ત્રક્રિયાઓની રીત જાણે કે પોતાની ઉપયોગિતા ગુમાવી રહી છે. એટલે જ કેટલાક લોકો વૈકલ્પિક સારવારમાંથી સંતોષ અને આશ્વાસન મેળવે છે, જેમાં પ્રત્યેક વર્ષે લગભગ ૩૦ અબજ ડોલરનું કામકાજ થાય છે. નવા જમાનાના ડૉક્ટરો આજકાલ પૂર્વમાં પ્રિય એવા અધ્યાત્મ દ્વારા સારવારમાં નવી દિશાઓનો ઉઘાડ કરી રહ્યા છે. ત્યાં સુધી કે કેટલાક વૈજ્ઞાનિકો પણ સારવાર સંબંધી આ નવી ધારાને ખાસ રસથી નિહાળી રહ્યા છે. આ લોકોને પૂર્વના સાહિત્યમાંથી જ્યારે સા૨વારને અનુસંધાને અનેક ઉપયોગી બાબતોની ભાળ મળે છે ત્યારે તેમની હેરાનગતિનો પાર નથી રહેતો. આ અભ્યાસ એ વાતનું સમર્થન કરે છે કે વ્યક્તિ માટે ધર્મ સાર્થક છે. અને એ બાબત તરફ હવે ધ્યાન ખેંચાયું છે.

આ સદીમાં વ્યાપક પ્રમાણમાં પરીક્ષણો થયાં છે. ૧૯૯૫માં અટૈયાઆ હિચકોક મેડિકલ સેંટરના લગભગ ૨૩૨ હૃદયરોગના દરદીઓમાંથી વધારે પડતા દરદીઓને ધાર્મિક શ્રદ્ધાને કારણે તાકાત અને આરામની અનુભૂતિ જણાતી હતી. જે લોકોને આ બાબતમાં શ્રદ્ધા નહોતી તેમનું ટયુમર (ગાંઠ) ત્રણ ગણું વધી ગયું હતું.

લોહીના દબાણના રોગીઓ અંગેના ૩૦ વર્ષોનાં તારણ પરથી એમ જાણવા મળે છે કે ચર્ચમાં જનારા લોકો કરતાં નહીં જનારા લોકોને લોહીના દબાણ અંગેની ફરિયાદ વધારે હતી, તેઓ કોઈ કોઈ વખત કદાચ ચર્ચમાં જતા હતા. ૧૯૬૬માં નોર્થ કેરોલિનામાં મોટી ઉંમરની ૪૦૦૦ વ્યક્તિઓનું સર્વેક્ષણ થયું તેમાં એવું જણાયું છે કે જેઓ ઘેર રહીને પૂજા-પાઠ કરતા હતા તેમના કરતાં જેઓ ધાર્મિક સત્સંગમાં ભાગ લેતા હતા, તે લોકો વધારે સ્વસ્થ અને નિરાશા વગરના જણાયા હતા.

બહેનો પર કરેલા સર્વેક્ષણમાં એવું તારણ આવ્યું છે કે હાડકાનાં રોગથી પીડિત ૩૦ બહેનોમાંથી જેઓ ઈશ્વર પર શ્રદ્ધા રાખતી હતી અને ધાર્મિક સમારંભોમાં ભાગ લેતી હતી તેમને વધારે ફાયદો થયો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એવાં અનેક ઉદાહરણો મળે છે અને જેના દ્વારા પ્રતિપાદિત થાય છે કે જે લોકો ધર્મમાં શ્રદ્ધા રાખે છે તેઓને નિરાશા ચિંતા જેવી માંદગીનો ભોગ ઓછા બનવું પડે છે. તેની વિરુદ્ધમાં જેઓ આસ્થાહિન છે, ચર્ચમાં નથી જતાં, તેવા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ ચાર ગણું વધારે છે. જેઓ હંમેશાં એકાકી અને આસ્થાવિહીન જીવન જીવે છે તેના કરતાં જેઓ હંમેશાં ધાર્મિક અને સામાજિક સમારંભોમાં સહર્ષ ભાગ લે છે તેઓ ૧૪ ગણો વધારે લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં હોય છે.

આ વૈકલ્પિક ચિકિત્સાના પ્રવર્તક હાર્વર્ડના શ્રી હરબર્ટ બેન્સન છે. ૧૯૭૫નું તેમનું પુસ્તક ‘ધી રીલેકસેશન રીસ્પોન્સ’ (હળવાશના પ્રતિભાવો)થી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. તેમની માન્યતા છે કે સામાન્ય ધ્યાનયોગના અભ્યાસથી તણાવયુક્ત માંદગીમાં રાહત મળી શકે છે. મગજને કોઈ પણ એક અવાજ અથવા એક પ્રતીક પર ધ્યાનપૂર્વક કેન્દ્રિત કરવાથી શારીરિક સ્થિતિમાં ઉલ્લેખનીય ફેરફાર આવી જાય છે. એ કહેવાની જરૂર નથી કે ધ્યાનયોગથી હૃદયના ધબકારા, શ્વાસની ગતિ અને મગજના તરંગોને ધીમા પાડી શકાય છે. માંસપેશીઓને આરામ મળી શકે છે. આ ક્રિયાનો સતત અભ્યાસ કરવાથી ૭૫ ટકા અનિદ્રાના રોગીઓ પોતાનું નિદ્રાસુખ પ્રાપ્ત કરી શકે છે. ૩૫ ટકા વંધ્ય સ્ત્રીઓ સંતાન-સુખ મેળવી શકવાની સ્થિતિમાં પહોંચી છે. અને ગંભીર રોગોથી પીડાતા લોકો પોતાના રોગની દવાનું પ્રમાણ ઓછું કરતાં જોવામાં આવ્યાં છે. આજકાલ જેનો ઠીક ઠીક ઉલ્લેખ થઈ રહ્યો છે એ છે તેમનું નવું પુસ્તક ‘ટાઈમલેસ હીલીંગ’ – (કાલાતીત સુશ્રૂષા). તેમની સ્પષ્ટ માન્યતા છે કે મનુષ્ય ધાર્મિક આસ્થાથી જ બનેલો છે જ્યારે તેમના રોગીઓએ એમ કહ્યું કે ધ્યાનાવસ્થામાં તેઓએ ઈશ્વરને પોતાની સમીપે નિહાળ્યા છે ત્યારે તેમનું મનોબળ ઘણું વધી ગયું. પાંચ વર્ષના અભ્યાસને અંતે એવા તારણ પર પહોંચ્યા કે જેઓ આ અજ્ઞાત સત્તાની જેટલી નજદીક હતા તેટલો વધારે તેમણે આરોગ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો.

શેકેસ્ટર વિશ્વવિદ્યાલયના મસ્તિષ્ક વિભાગના અધ્યક્ષ શ્રી ડેવિડ પેટેનની એવી ધારણા છે કે ધ્યાનયોગ અને મસ્તિષ્કને નિયંત્રિત કરવાથી હોર્મોનની સક્રિયતાની જે ફેરબદલી થાય છે તેથી રોગ પ્રતિકારક પદ્ધતિ પર પ્રભાવ પાડી શકાય છે અને મસ્તિષ્કના મુખ્યસ્થાનમાં ‘રીલેકસેશન રીસ્પોન્સ’ (હળવાશના પ્રતિભાવો) અને ધાર્મિક અનુભૂતિનું સહઅસ્તિત્વ એ આકસ્મિક સંયોગ નથી. આમ પણ દવાઓનાં પરિણામોથી જાણવા મળે છે કે જે રોગીની ચિકિત્સામાં પૂરી શ્રદ્ધા હોય તો સાકરવાળી ગોળી કેમ ન હોય, તે પણ રોગીને આરોગ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રી બેન્સનનું સ્પષ્ટ માનવું છે કે ચિકિત્સક માટેની આસ્થાનો વિલક્ષણ પ્રભાવ હોય છે.

શું ઈશ્વર આસ્થાવાનને મદદ કરે છે અને તેની પ્રાર્થના સાંભળવામાં આવે છે? આ પ્રશ્ન વિશે વૈજ્ઞાનિક જેફરી લેબિનનું માનવું છે કે હું સીધે સીધો તેનો અભ્યાસ કરી શકતો નથી પરંતુ તેને એકદમ નકારી શકાય તેમ પણ નથી. એક ટાઈમ સી. એન. એન.ના સર્વેક્ષણ અનુસાર ૮૨ ટકા અમેરિકનો પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ કરે છે. ૬૪ ટકા એમ માને છે કે ડૉક્ટરોએ પણ તેમની સાથે પ્રાર્થના કરવી જોઈએ.

આવો, આપણે શ્રી દીપક ચોપડા અંગે થોડી જાણકારી પ્રાપ્ત કરીએ. ઉદાહરણ રૂપે ડૉ. હાવર્ડ ફ્યુઅર્સ્ટની વાત કરીએ. ૧૯૯૧માં તેમની સાવકી પુત્રીએ એક ભારતીય આધ્યાત્મિક ચિકિત્સક શ્રી દીપક ચોપડા લિખિત ‘કવૉન્ટમ્ હિલિંગ’ નામનું પુસ્તક તેમને મોકલ્યું. ડૉક્ટર ફ્યુઅર્સ્ટે પેનસિલવેનિયામાંથી પોતાનો ચિકિત્સા અંગેનો અભ્યાસ પૂરો કર્યો હતો. પરંતુ શ્રી ચોપડાનો સિદ્ધાંત કે મનુષ્ય – આત્મા અને શ૨ી૨ વચ્ચે ગાઢ સંબંધ છે એવું કંઈ તેમના અભ્યાસમાં ક્યાંય આવ્યું નહોતું. પ્રથમ નજરે તેમણે આ પુસ્તક તરફ કોઈ ધ્યાન ન આપ્યું. પાછળથી તેમને જાણ થઈ કે તેઓ પોતે ખૂબ આગળ વધી ગયેલા કૅન્સરથી ઘેરાયેલા છે. સ્થિતિ એવી હતી કે કોઈ શસ્ત્રક્રિયા પણ થઈ શકે તેમ નહોતી. છેવટે તેમણે શ્રી ચોપડાનું પુસ્તક વાંચ્યું. શ્રી ચોપડાનો એવો દાવો હતો કે ધ્યાનયોગ, યોગ્ય આહાર અને હિંદુ – રહસ્યવાદના પાશ્ચાત્ય સંસ્કરણથી બીમારી રોકી શકાય છે અથવા તો ઉલટાવી શકાય છે. બસ, પછી તો શું કહેવું, તેમના પર ચોપડાની ઘેલછા એટલી છવાઈ ગઈ કે તેઓ રોજ ૩૦ મિનિટ ધ્યાનયોગ કરતા, પ્રાર્થના કરતા અને પ્રસન્નતાથી ચોપડાનાં સૂત્રોનું પારાયણ કરતા. તેમના મગજમાં ચોપડા એવા છવાઈ ગયા કે ૩૫૦ કિલોમીટરની અવધિમાં જ્યાં તેમનું વ્યાખ્યાન હોય ત્યાં પહોંચી જતા. તેઓ સ્વસ્થ થઈ ગયા. તેમનું ટયુમર (ગાંઠ) અદૃશ્ય થઈ ગયું. તેઓ જાણતા હતા કે તેમણે કોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે.

ભાષાંતર : શ્રી પુષ્પાબહેન પંડ્યા

(હિન્દી સમાચાર-પત્ર ‘આર્યાવર્ત’ પટણા, ૫ સપ્ટેમ્બર ૧૯૯૬માંથી સાભાર)

Total Views: 33
By Published On: April 26, 2022Categories: Kantilal Kalani0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram