પ્રશ્ન : અધ્યાત્મક્ષેત્રમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કેટલે અંશે હોવો જોઈએ?

ઉત્તર : આધ્યાત્મિક જીવનમાં બુદ્ધિની ઘણી મોટી ભૂમિકા છે. નિર્ણય કરનારી વૃત્તિ જે આપણા અંતઃકરણમાં છે તેને બુદ્ધિ કહેવામાં આવે છે. સત્ય-અસત્યનો નિર્ણય આપણે એના દ્વારા જ કરીએ છીએ. આધ્યાત્મિક જીવનની જ્યારે શરૂઆત થાય છે ત્યારે જીવનનું પરમ સર્વોચ્ચ લક્ષ્ય શું છે, તેને ક્યા માર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકાય, અને આપણું પોતાનું સ્વરૂપ શું છે, તે તમામ વિષયોનો નિશ્ચયાત્મક નિર્ણય બુદ્ધિ દ્વારા જ થાય છે. ત્યાર પછીની તમામ પ્રક્રિયાઓ જાણે કે બુદ્ધિની એક પ્રકારની શુદ્ધીકરણની જ પ્રક્રિયા છે. વિશુદ્ધ બુદ્ધિ દ્વારા જ અને એની મદદ વડે જ પરમાત્મ તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે –

एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्यया बुद्धयां सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥

(કઠોપનિષદ – ૧/૩/૧૨)

આનો અર્થ એમ થાય કે આપણો આત્મા પ્રાણીમાત્રમાં ગૂઢ રહસ્યરૂપે રહેલો છે અને અપ્રગટ છે, પરંતુ જે લોકો કુશાગ્ર છે તેઓ એ જ આત્માને પોતાની કુશાગ્ર (તીવ્ર) બુદ્ધિ દ્વારા એને જોઈ શકે છે.

સાધનાના જુદા જુદા તબક્કે પણ, શ્રેય અને પ્રેય બેમાં કલ્યાણકારી કર્યું છે, ક્યું ગ્રહણ કરવા લાયક છે અને ક્યું ત્યજવા લાયક છે, વગેરે બાબતોનો નિર્ણય ખૂબ સાવધાનીપૂર્વક કરવો પડે છે; અને એવો નિર્ણય પણ બુદ્ધિ દ્વારા જ થાય છે.

શાસ્ત્રોક્ત માર્ગમાં જે સાધના દરમિયાન, આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ તથા એ બંનેનું જે એકત્વ છે તેનો નિર્ણય સૂક્ષ્મ વિચારો મારફત માત્ર બુદ્ધિ દ્વારા જ શક્ય છે. પરંતુ એ વિચારો પણ શાસ્ત્ર સંમત હોવા જોઈએ, અન્યથા સાધકની અપરિપકવ અને અશુદ્ધ બુદ્ધિ અને વિષયગામી બનાવીને એના લક્ષ્ય પરથી હટાવી દેશે.

કોરો બુદ્ધિવાદ, અનેક શાસ્ત્રોનું વાચન, શાસ્ત્રોના અર્થો અંગેનાં પ્રવચનો વગેરેને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. એને સારી રીતે સમજવા માટે શરૂઆતમાં ભલે તર્ક-વિતર્ક, વાદ-વિવાદ વગેરેનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ એનાથી વધારે એનો ઉપયોગ નથી. ‘નૈષા તર્કેણ મતિરાપનેયો’ વગેરેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરીને તર્કની નિંદા કરવામાં આવી છે.

પ્રશ્ન : શાસ્ત્રીયસૂક્ષ્મ બુદ્ધિનો શો અર્થ થાય?

ઉત્તર : બુદ્ધિનાં બે કાર્યો છે : (૧) વિશ્લેષણ – સંશ્લેષણ (પૃથક્કરણ અને સમન્વય) તથા (૨) કાર્યકારણની સાંકળની મદદથી એ જ નિર્ણય ઉપર પહોંચવું. દરેક વસ્તુના ગુણો વગેરેનો આધાર લઈને વિવિધ પ્રકારની અનેક વસ્તુઓને અલગ કરવી એને વિશ્લેષણ અથવા પૃથક્કરણ કહેવાય છે. દાખલા તરીકે પ્રાણીઓમાં મનુષ્ય, પશુ, પક્ષી, જીવ-જંતુ એમ વિભાજન કરવું; જુદી જુદી વસ્તુઓમાં સર્વસામાન્ય રીતે પ્રવર્તતા કોઈ વિશિષ્ટ ગુણધર્મોનો આધાર રાખીને તે તમામને એક શ્રેણીમાં મૂકવા તેનું નામ સંશ્લેષણ અથવા તો સમન્વય. દાખલા તરીકે મનુષ્ય, પશુ વગેરે તમામને પ્રાણી તરીકેની શ્રેણીમાં મૂકવાં. આ બંને પ્રકારોનાં ઊંડાણોમાં જઈ શકે એનું નામ સૂક્ષ્મ બુદ્ધિ. આપણી સમન્વયાત્મક બુદ્ધિ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને આ જગતની બધી વસ્તુઓથી જુદો પાડે છે અને આ કાર્ય માટે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે છે. આ સમન્વયાત્મક બુદ્ધિ, સર્વત્ર સત્તા સ્વરૂપે વિદ્યમાન આત્માનું અન્વેષણ કરે છે. આ પ્રમાણ કાર્યકારણની અંતિમ ખોજ પછી જે મૂળ કારણ છે ત્યાં સુધી પહોંચવાનું કાર્ય સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જ થાય છે. દાખલા તરીકે બે વાહનો અથડાયાં એવી એક સામાન્ય ઘટનાને લઈને આપણી સામાન્ય બુદ્ધિ એમ જ નિર્ણય કરે કે આનું કારણ વાહન ચલાવનારાઓની બેકાળજી અથવા એવા જ કોઈ કારણ હશે; પરંતુ સૂક્ષ્મ બુદ્ધિ તો એ વાહન ચલાવનારાઓની બેકાળજી પાછળ એનું ચંચળ મન, અને એની પાછળ લોભ, મોહ વગેરે છે એમ શોધ કરશે. ભગવાન બુદ્ધની સૂક્ષ્મ બુદ્ધિએ ઘડપણ, રોગ અને મૃત્યુ જેવી રોજબરોજની સામાન્ય ઘટનાઓનું કારણ શોધતાં શોધતાં દુ:ખનું મૂળ કારણ તથા એને દૂર કરવાના ઉપાયો પણ શોધી કાઢયા હતા.

ભગવાન બુદ્ધે જે નિયમો શોધી કાઢયા તે બધા આજે પુસ્તકોમાં ઉપલબ્ધ છે અને કોઈ પણ વ્યક્તિ એ વાંચી શકે છે. પરંતુ એ વાંચવા માત્રથી કોઈની પણ બુદ્ધિ સૂક્ષ્મ બની જતી નથી. પુસ્તક વાંચવા માત્રથી અથવા તો સમજવા માત્રથી વ્યક્તિનાં દુઃખો કે કષ્ટો દૂર થઈ શકતાં નથી. આનાથી ઉલટું કોઈ અભણ સંતની બુદ્ધિ પણ એવી કુશાગ્ર હોઈ શકે છે કે જેના દ્વારા એ આધ્યાત્મિક સત્યોને સમજીને આત્મસાત્ કરી શકે છે.

પ્રશ્ન : પથભ્રષ્ટ કરે છે એવી અશુદ્ધ બુદ્ધિની આપે વાત કરી. અશુદ્ધ બુદ્ધિ શું છે? સૂક્ષ્મ બુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ શું એક છે?

ઉત્તર : કામનાઓ, વાસનાઓ, રાગ, દ્વેષ, મનના પૂર્વગ્રહો વગેરે જ બુદ્ધિની અશુદ્ધિઓ છે. આ અશુદ્ધ બુદ્ધિ વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવા દેતી નથી. જ્યારે નિશ્ચયાત્મિકા બુદ્ધિ આ બધા પૂર્વગ્રહોથી પ્રભાવિત હોય છે ત્યારે યોગ્ય નિર્ણય થઈ શકતો નથી. અને તેથી બુદ્ધિની દિશા બદલાઈ જાય છે. અનેક કામનાઓ અને વાસનાઓ અથવા પૂર્વગ્રહોથી જ્યારે બુદ્ધિ પ્રભાવિત થઈ જાય છે ત્યારે એ એકાગ્ર અથવા તો સૂક્ષ્મ થઈ શકતી નથી. દાખલા તરીકે એક દોરો લો. એને વાળીને એક તાર બનાવી દીધો હોય તો એ અણીદાર, સૂક્ષ્મ, સ્થિર અને કુશાગ્ર બની જાય છે, પરંતુ જ્યાં સુધી એને બરાબર વાળીને એક તાર બનાવ્યો ન હોય ત્યાં સુધી એના આગળના ભાગમાંથી ઝીણાઝીણા રેસાઓ નીકળતા રહે છે. અને આવા અનેક તારવાળા દોરાને સોયમાં પરોવી શકાતો નથી. બુદ્ધિના વિષયમાં પણ આ જ વાતને સમજવી જોઈએ. આ પ્રકારની બે બુદ્ધિને વ્યવસાયાત્મિકા અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ તરીકે ગીતામાં વર્ણવવામાં આવી છે.

પ્રશ્ન : જીવન જીવવા માટે તો છે, જાણવા માટે છે કે જાણીને જીવવા માટે છે?

ઉત્તર : જીવન જીવવા માટે તો છે જ પરંતુ એ સુખપૂર્વક જીવવા માટે છે એ વાતનો બધા જ સ્વીકાર કરશે. હા, સુખ અંગેની માન્યતા જુદી જુદી હોઈ શકે છે. માત્ર થોડોક જ વિચાર કરીશું તો એ વાત સ્પષ્ટ થઈ જશે કે જ્ઞાન વગર વાસ્તવિક સુખ સંભવી શકે નહીં. એટલે જ સ્વામી વિવેકાનંદ જેવા મનીષીઓએ જ્ઞાનને જીવનના લક્ષ્ય તરીકે ગણાવ્યું છે. બીજા લોકોએ મુક્તિને જીવનનું લક્ષ્ય બતાવ્યું છે પરંતુ એ પણ જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે જીવવું, જાણવું અને જાણીને મુક્ત બનીને જીવવું એ ત્રણેય બાબત પરસ્પર સંબંધ ધરાવે છે. પ્રત્યેક આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દરેક વ્યક્તિ જીવવાની ઈચ્છા ધરાવે છે, (સત્) જાણવાની ઈચ્છા ધરાવે છે, (ચિત્ અને આનંદની પણ ઈચ્છા ધરાવે છે. આ ત્રણેય એક બીજા સાથે સંબંધ ધરાવે છે અને એક બીજાના પૂરક છે હકીકતમાં તો જાણ્યા પછીથી જીવન જીવવામાં જ સાર્થકતા રહેલી છે. એક સુંદર શ્લોક છેઃ

દુર્જનો સજ્જનઃ ભૂયાત્ સજ્જનો શાન્તિમાપ્નુયાત્।
શાન્તો મુચ્યેત બન્ધેભ્યો મુક્તશ્ચાન્યાત વિમોચયેત્ ॥

અર્થાત્, દુર્જન સજ્જન બને, સજ્જન શાંતિ પ્રાપ્ત કરે. જેમણે શાંતિ પ્રાપ્ત કરી છે તેવી વ્યક્તિ લોકોને સંસારના બંધનમાંથી મુક્ત કરે અને મુક્ત થએલા આત્માઓ બીજાઓને મુક્ત કરવા પ્રયાસ કરે.

પ્રશ્ન : અધ્યાત્મનો માર્ગ મુક્તિનો માર્ગ (Way of Salvation) છે કે નિર્વાણનો માર્ગ (Way of Extinction) છે?

ઉત્તર : બંને. જેનાથી મુક્ત થવાનું છે તેનો ત્યાગ અથવા તો નાશ તો કરવો જ પડશે. આપણી અસત્ય ભ્રાન્તિઓ વગેરે જે બંધનો છે તેના વિનાશ સિવાય મુક્તિ કઈ રીતે સંભવી શકે? બૌદ્ધ ધર્મમાં ‘ચરમ અવસ્થા’ને ‘નિર્વાણ’ એમ નામકરણ કરવામાં આવ્યું છે. ખરેખર તો મુક્તિ અને નિર્વાણ અને એ બંને એક જ વાતનાં દ્યોતક છે. એક સકારાત્મક અભિવ્યક્તિ છે અને બીજી નકારાત્મક અભિવ્યક્તિ છે.

પ્રશ્ન : શું ઈશ્વરને મેળવવા માટે સર્વસ્વનો ત્યાગ અનિવાર્ય છે?

ઉત્તર : આ પ્રશ્નનો સ્પષ્ટ અને અસંદિગ્ધ જવાબ છે ‘હા’. સર્વસ્વ ત્યાગ સિવાય ઈશ્વરની પ્રાપ્તિ શક્ય નથી. આ પ્રશ્ન આપણા મનમાં ઊઠે છે એ જ બતાવે છે કે ઈશ્વરપ્રાપ્તિ અને તેનું સ્વરૂપ શું છે, સર્વસ્વનો ત્યાગ કોને કહેવાય એ બાબતમાં આપણી ધારણાઓ જ અસ્પષ્ટ છે.

પરંતુ ત્યાગ શબ્દથી આપ આટલા બધા ગભરાઈ કેમ જાઓ છો? જીવનના પ્રત્યેક સ્તરે આપણે કોઈ ને કોઈ પ્રકારે ત્યાગ કરતા જ રહ્યા છીએ અને અંતે તો સર્વસ્વનો ત્યાગ કરીને જ જવાનું છે. બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પદાર્પણ કરીએ એટલે બાલ્યાવસ્થા દરમ્યાન ઊભી થએલી આસક્તિઓ, ઈચ્છાઓ પ્રિય ચીજ વસ્તુઓ અને માન્યતાઓનો ત્યાગ આપોઆપ કોઈપણ પ્રકારના પ્રયાસ સિવાય થઈ જ ગયો હતો. અને આ જ પ્રકારે ઊંચી વસ્તુઓ અને માન્યતાઓને ગ્રહણ કરવાનું અને નિમ્ન પ્રકારની બધી વસ્તુઓનો ત્યાગ કરવાનું એ થયા જ કરે છે. ખરેખર તો સંસારની તમામ વસ્તુઓ, બધી ઈચ્છાઓ અને કામનાઓથી આપણને ઉબકો આવે નહિ અને એ તમામ તરફ આપણો અણગમો ઊભો થાય નહિ અને પરિણામે એનો ત્યાગ કરી દેવાની ઈચ્છાનો આપણામાં ઉદય થાય નહિ ત્યાં સુધી ઈશ્વરપ્રાપ્તિ માટેની તમન્નાનો ઉદય થશે નહિ. બીજી બાજુ જોઈએ તો માત્ર એક વાર ઈશ્વર પ્રાપ્તિના અસીમ આનંદ અને માધુર્યનો સ્વાદ આપણે ચાખી લઈએ અથવા એ તરફનો દૃઢ નિશ્ચય પણ જો થઈ જાય તો સંસારની બધી જ વસ્તુઓ અસાર, અસુંદર અને ફીક્કી લાગવા માંડશે અને આપોઆપ ત્યાગ થવા માંડશે.

પ્રશ્ન : મધ્યમ માર્ગ શું છે?

ઉત્તર : ગીતાના છઠ્ઠા અધ્યાયમાં તથા ભગવાન બુદ્ધના ઉપદેશોમાં મધ્યમ માર્ગ વિશે સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. એનો સંબંધ યોગ સાથે છે. વધારે પડતું ઊંઘવાનું રાખીએ અથવા તો વધારે પડતો આહાર લેવાનું રાખીએ અથવા તો બિલકુલ ઊંઘીએ જ નહિ કે ઉપવાસ જ કર્યા કરીએ તો યોગ સાધી શકાતો નથી. આપણાં બધાં જ આચરણમાં ‘અતિ’નો ત્યાગ ક૨વો જોઈએ. પરંતુ યોગને ભોગની સાથે ભેળવી દેવાનો છે એવો એનો અર્થ થતો નથી. કદાચ જો કોઈ વ્યક્તિ યોગ કરવા માટે ભોગનો બધી રીતે ત્યાગ કરવા સમર્થ ન હોય તો એ થોડો સમય આ બંને સાથે સાથે ભલે કરે, પરંતુ સ્પષ્ટપણે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈશે કે આ તો માત્ર આપતકાલિન વ્યવસ્થા અથવા તો સમજણ છે, અને એનો અંત કોઈ ને કોઈ વખતે આણવો પડશે.

પ્રશ્ન : ધર્મ અને વિજ્ઞાન કોક કોક ઠેકાણે પરસ્પર સહયોગી દેખાય છે અને કોક કોક ઠેકાણે પરસ્પર વિરોધી દેખાય છે. બંનેમાં પરસ્પર સાચો મેળ કેવી રીતે બેસાડી શકાય? જો બે એકબીજા સાથે અથડાય તો બેમાંથી શ્રેષ્ઠ કોને ગણવો?

ઉત્તર : જેમ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો મેળ અથવા વિરોધ નથી, જેવી રીતે ઇતિહાસ અને ભૂગોળ વચ્ચે કોઈ મેળ કે વિરોધ નથી તે જ પ્રકારે ધર્મ અને વિજ્ઞાનનો સંબંધ સમજવો જોઈએ. બંનેનું કાર્યક્ષેત્ર – વિધિઓ તથા લક્ષ્ય જુદાં જુદાં છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે એમાં વિરોધ શા માટે હોય? દાખલા તરીકે એક આધ્યાત્મિક સંત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, વિજ્ઞાને શોધેલ વિમાન, રેલવે અથવા મોટરનો ઉપયોગ કરે એમાં અધ્યાત્મને શો વાંધો હોય? મંદિરો બાંધવામાં, ધર્મગ્રંથોના પ્રકાશનમાં, ધર્મ-પ્રચારમાં, વિજ્ઞાને શોધેલા જ્ઞાનનો અને વિજ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કરી શકાય છે. અધ્યાત્મનો સંબંધ આંતરજગત સાથે છે, વિજ્ઞાનનો હસ્તક્ષેપ બાહ્ય જગતમાં છે. એ બંને એકબીજાથી જુદાં હોવા છતાં એકબીજાનાં પૂરક બની શકે છે. એક વૈજ્ઞાનિકે જ કહ્યું છે કે વિજ્ઞાન જીવનને માત્ર લંબાવી આપે છે. ધર્મજીવનને ઊંડું બનાવે છે. અર્થાત વિજ્ઞાન તો જીવનને માત્ર વધારે છે અથવા લંબાવે છે, ધર્મ જીવનને ગંભીરતા પ્રદાન કરે છે.

સમાનદૃષ્ટિથી આ બંનેને આપણે સ્વીકારી લઈએ તો સંઘર્ષ ઊભો થવાની શક્યતા જ નથી. આ બંનેનાં વિકૃતરૂપોની વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે અથવા તો આ બંનેને ખોટી રીતે સમજવાથી સંઘર્ષ ઊભો થાય છે. આવી પરિસ્થિતિ આવે ત્યારે વ્યક્તિએ પોતાના લક્ષ્યને અનુરૂપ કોઈ પણ એકની પસંદગી કરવી જોઈએ. જો ભૌતિક સમૃદ્ધિ એ જ લક્ષ્ય હોય તો વિજ્ઞાનની પસંદગી કરવી જોઈએ અથવા જો આંતરિક શાંતિ અથવા સંતોષ એ જ લક્ષ્ય હોય તો અધ્યાત્મની પસંદગી કરવી.

પ્રશ્ન : રામાયણ, મહાભારત, શ્રીમદ્ભાગવત વગેરે સદ્ગ્રંથો વાસ્તવિકતાલક્ષી છે કે તત્ત્વલક્ષી? સમાજ કેન્દ્રિત છે કે સત્ય કેન્દ્રિત?

ઉત્તર : આપે વાસ્તવિકતા અને તત્ત્વનો ભેદ કર્યો. શક્ય છે કે વાસ્તવિકતા શબ્દ દ્વારા આપ વ્યાવહારિક સત્યની વાત કરો છો અને તત્ત્વ શબ્દથી પારમાર્થિક સત્ય એમ તાત્પર્ય ઘટાવો છો. પશ્ચિમની દાર્શનિક ભાષામાં આને યથાર્થવાદ (રિઆલિઝમ) અને આદર્શવાદ (આઈડિયાલિઝમ) એમ કહી શકાય.

આપે જે ત્રણ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો એ ત્રણેય પુરાણ છે. પુરાણોમાં પરમ સત્ય અને તત્ત્વના નિરુપણની સાથે સાથે બીજી ઘણી વાતોનું નિરુપણ કરવામાં આવે છે, જેનો, સંબંધ વ્યાવહારિક જગત અથવા સમાજ સાથે હોય છે. આ દૃષ્ટિએ આ બધા ગ્રંથો તત્ત્વલક્ષી અને વાસ્તવિકતાલક્ષી અને સત્યકેન્દ્રિત તથા સમાજ કેન્દ્રિત એમ બંને છે. એ (બધાં) મોક્ષ-શાસ્ત્ર હોવાની સાથે સાથે ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર પણ છે અને આ બંનેનો સંબંધ સમાજ સાથે છે.

વ્યક્તિ અને સમાજ એકબીજા ઉપર આધારિત અને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જો વ્યક્તિ સારી હશે તો સમાજ સારો હશે અને જો સમાજ સારો હશે તો વ્યક્તિ પણ સારી હશે. આ પરસ્પર સંબંધને ધ્યાનમાં રાખીને જ આ સદ્‌ગ્રંથોની રચના કરવામાં આવી છે એ (પુરાણો)નું લક્ષ્ય એક જ છે અને તે એ કે વ્યક્તિ અને સમાજ બંને આદર્શ હોય અને સુખી હોય.

પ્રશ્ન : સંસાર સિવાય કોઈનું પણ જીવન શક્ય નથી. આમ હોય તો પછી સંસારનું મિથ્યાપણું અને સર્વત્યાગની વાતો ક્યાં સુધી યોગ્ય અથવા વ્યવહાર્ય ગણી શકાય?

ઉત્તર : જો જંગલ, પર્વતની ગુફા, નિર્જન સ્થળ, આશ્રમો વગેરેને સંસારનાં જ અંગ માનો તો પછી સંસારનો ત્યાગ થતો નથી, કારણ કે કોઈ પણ સંન્યાસી આ સંસારની બહાર જઈ જ ના શકે. મને લાગે છે કે આપનો પ્રશ્ન નગર કે ગામડાંના લોકોની વસતીને લગતો છે જ્યાં સાંસારિકતા અને લોકવ્યવહાર ચાલતાં રહે છે. સંન્યાસી આનો ત્યાગ જરૂર કરે જ છે અને આ પ્રશ્ન બધાની સાથે સંબંધ ધરાવે છે. પરંતુ સૌથી પહેલાં તો સંસાર સિવાય કોઈનું જીવન શક્ય જ નથી એવી આપની માન્યતા જ અસ્પષ્ટ છે. શરીરનું ભરણપોષણ તો પ્રારબ્ધને અધીન છે તથા ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં સ્પષ્ટ ઘોષણા કરી છે કે

અનન્યાશ્ચિન્તયન્તો મામ્ યે જનાઃ, પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥

(ગીતા ૯.૨૨)

અર્થાત્ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે, ભક્તિભાવે મને ભજે છે અને મારામાં જ પરોવાયેલા રહે છે તેમને ખૂટતું આપવાનો અને તેમનું હોય તે સાચવવાનો એટલે કે તેમના યોગક્ષેમનો ભાર હું વહન કરું છું. સંતોના જીવનમાં આવાં અનેક ઉદાહરણ મળે છે, જ્યાં તેઓનો કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન હોવા છતાં ભગવાને જ એમનું ભરણપોષણ કર્યું છે.

તો હવે વિચારવાની બાબત છે સંસારનું મિથ્યાપણું. સંસારનું મિથ્યાપણું તો એક દાર્શનિક, સૈદ્ધાન્તિક અને અવલોકન કરવાની બાબત છે, અને લૌકિક વ્યવહારમાં એનો કોઈ સંબંધ નથી. જગત મિથ્યા છે એનો અર્થ એ થાય કે એની પારમાર્થિક સત્તા નથી. પરંતુ વ્યાવહારિક અને સૌ કોઈને નજરે ચઢી શકે એવી સત્તા તો છે જ અને એનાથી લોકવ્યવહારને કશું નુકસાન પણ થતું નથી. સૂર્ય પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે એમ લાગે છે અને આપણે રોજબરોજના વ્યવહારમાં પણ એમ કહીએ છીએ કે ‘સૂર્ય ઊગ્યો’ અને ‘સૂર્ય આથમી ગયો’. ખરી હકીકત તો એ છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને સૂર્યનો કદી ઉદય નથી અને અસ્ત પણ નથી. સંસાર ત્યાગનો પ્રશ્ન છે ત્યાં આ વિષે બે મત છે. એક એવો મત છે કે સંસારનું મિથ્યાપણું ખરેખર સંપૂર્ણ જ છે. એટલે કે સંસાર અસત્ છે, અનિત્ય છે, મૃગજળની માફક એની ફક્ત પ્રતીતિ થાય છે. આ બાબતનો દૃઢ નિશ્ચય થઈ જાય એ જ ખરેખરો ત્યાગ છે. સંસાર તરફના આપણા દૃષ્ટિકોણમાં અવશ્ય ગંભીર અને સંપૂર્ણ પરિવર્તન એ જ સંન્યાસ છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આ જ વાત કહી છે. બીજો મત એવો છે કે ભાવનાત્મક અને બૌદ્ધિક ત્યાગની સાથોસાથ બાહ્ય સંન્યાસ અથવા તો જેને લિંગ-સંન્યાસ પણ કહે છે તેવો સંન્યાસ આવશ્યક છે. આચાર્ય શંકરાચાર્ય પણ આ જ મતનું પ્રતિપાદન કરે છે. એમની દલીલ એવી છે કે જ્યારે જગત જ મિથ્યા છે એવો દૃઢ નિશ્ચય થઈ જાય પછી તો કોઈપણ વ્યક્તિ આ અસત્ અને અનિત્ય સંસારમાં શા માટે રહે? મિથ્યાપણાનો એનો માપદંડ જ એ હશે કે એ પોતેજ એનો (સંસારનો) ત્યાગ કરી દેશે. દાખલા તરીકે, દૂરથી કોઈ વસ્તુ માખણ જેવી દેખાય પરંતુ એની પાસે જઈએ તો ખબર પડે કે એ તો કાગડાની વિષ્ટા છે, તો પછી આવું જાણ્યા પછી એને કોણ ખાશે?

પ્રશ્ન : ઉપનિષદોના કેટલાયે ઋષિઓ બ્રહ્મનિષ્ઠ હતા, પરંતુ તેઓ દામ્પત્ય જીવન જીવતા હતા. જનક વિદેહી એનું દૃષ્ટાન્ત છે. તો શું લોકો માટે પણ જગત મિથ્યા હતું?

ઉત્તર : એક શ્લોક છે

કૃષ્ણ ભોગી શુકસ્ત્યાગી નૃપૌ જનક રાઘવૌ ।
વશિષ્ઠ: કર્મકર્તા ચ ત એતે જ્ઞાનિનઃ સમાઃ ॥

અર્થાત કૃષ્ણ ભોગી હતા, શુકદેવજી ત્યાગી હતા, જનક અને શ્રીરામ રાજાઓ હતા, વસિષ્ઠ કર્મકાંડી રાજપુરોહિત હતા. વ્યવહારમાં આટલું બધું જુદાપણું હતું છતાં પણ બધા જ એકસરખી રીતે બ્રહ્મજ્ઞાની હતા. આ અગાઉ મેં કહ્યું છે તે પ્રમાણે બે મત છે. એકમાં આસક્તિ એટલે કે માનસિક સ્થિતિને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યારે બીજા મત પ્રમાણે બાહ્ય ત્યાગને પણ જરૂરી ગણવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ આ બે મતોના આધાર ઉપર બે સંસ્કૃતિઓનો વિકાસ થયો છે. વૈદિક અથવા તો બ્રાહ્મણ સંસ્કૃતિમાં ઋષિ અથવા જીવનમુક્ત એ આદર્શ હતો; જ્યારે માગધ અથવા શ્રમણ સંસ્કૃતિમાં, જેના બૌદ્ધ અને જૈન ધર્મો પ્રતિનિધિરૂપ છે, તેમાં સર્વત્યાગી સંન્યાસી અને બૌદ્ધપુરોહિત આદર્શરૂપે હતા. આ બીજી સંસ્કૃતિમાં બ્રહ્મચર્ય અને સર્વસ્વ ત્યાગને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.

વૈદિક સંસ્કૃતિ અને વેદાન્તમાં પણ સાંસારિક કર્મો પ્રત્યે ઉદાસીનતા અને વૈરાગ્યના આશયને અનુરૂપ બ્રહ્મજ્ઞાનીઓ બ્રહ્મવિદ્, બ્રહ્મવિદ્વર, બ્રહ્મવિદ્વરિષ્ઠ વગેરે તારણો કાઢવામાં આવ્યાં છે. જે બ્રહ્મજ્ઞાની લોકવ્યવહાર અને સાંસારિક ભોગોથી જેટલો વધારે વિ૨ક્ત હશે એટલો એ વધારે શ્રેષ્ઠ મનાશે.

ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

(હિન્દી માસિક પત્રિકા ‘વિવેક શિખા’ માંથી સાભાર)

Total Views: 21
By Published On: April 26, 2022Categories: Brahmeshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram