મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી અનુભવે છે. સમાજમાં આપણે જોઇએ છીએ કે છેવટે સત્યનો જ વિજય થતો હોય છે. ‘સત્યમેવ જયતે’ એમ કહીએ છીએ. ‘સત્ય’ એ જાણે કે મનુષ્યને જીવવા માટેનું પ્રબળ પ્રેરક બળ છે. (વ્યક્તિ સત્ય ખાતર ગમે તેવું પરિણામ પણ સ્વીકારી લે છે.) માણસની ઓળખાણ પણ આપણે તે સત્યનો કેટલો ઉપાસક છે તેના આધારે કરીએ છીએ. દરેક વ્યક્તિને ‘સત્ય’નો જુદો જુદો અર્થ અભિપ્રેત હોય છે. સત્ય વિશેનો કોઇ ચોક્કસ નિશ્ચિત અર્થ સૌ માટે સરખો નથી હોતો. ઘણી વાર તો વ્યક્તિ ‘હું કહું તે જ સત્ય’ એમ સ્વકેન્દ્રી ખ્યાલ ધરાવતો જોવા મળે છે. વ્યક્તિ જે પોતાને પ્રિય લાગે છે તેને સત્ય તરીકે ખપાવવા મથે છે. સત્ય એક વ્યવહાર – આદર્શ તરીકે આચરાતો આપણે જોઇએ છીએ. સમયના પસાર થવાની સાથે ‘સત્ય’નાં ધોરણો પણ જાણે કે બદલાતાં રહ્યાં હોય એમ આપણને લાગે છે. એટલે જ આપણે કહીએ છીએ કે વર્તન, વિચાર અને આચરણમાં સત્યને લાગુ પાડનારા હવે ક્યાં જોવા મળે છે. સત્ય હંમેશાં પારદર્શક હોય છે એટલે જ આપણે ‘નગ્ન સત્ય’ એમ કહીએ છીએ. સત્ય એ જ વાસ્તવિકતા છે. જેને આપણે જોઇ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, પ્રમાણી શકીએ છીએ તે વાસ્તવિકતા. અને આ વાસ્તવિકતાના સ્વીકારમાં જ સત્યનો સ્વીકાર છે. સત્ય એટલું આસાન પણ નથી હોતું. ઘણી વાર આપણે સત્યને શોધવું પડે છે. સત્યની શોધ કરનારાઓ સમાજમાં આદર પામે છે અને તેમનું અનુકરણ કરનારાઓ જોવા મળે છે.
આખા સંસારનું ચાલકબળ જ સત્ય છે. સંસારની ઘટનાઓ તેમની ગુણવત્તા, તેમનું અર્થઘટન બધું સત્યના આધારે થાય છે. સંસારની જે નક્કર વાસ્તવિકતા છે તેને સત્ય માનવામાં આવે છે. સંસારમાં કેટલીક વ્યક્તિઓના ખૂબ ઊંચા આદર્શો હોય છે તો તેમના આવા આદર્શોને પણ સત્ય ગણવામાં આવે છે. આવા આદર્શોને સામાન્ય માનવી કદાચ આચરણમાં મૂકવા અસમર્થ હોય છે તેથી તેમના આદર્શો એ જ સત્ય એમ કહેવાય છે. આચરણના આદર્શને પણ સત્ય કહી શકાય. ધર્મશાસ્ત્રોમાં તો દેવતાઓને સત્ય ગણવામાં આવ્યા છે. દેવો સત્યનું રક્ષણ કરનારા છે એમ રજૂઆત કરવામાં આવી છે.
સત્યના ઘણા બધા અર્થો થઇ શકે છે. વ્યક્તિ પોતાની રીતે સત્યનો અર્થ રજૂ કરે છે અને તે મુજબ તેનું પાલન થાય તેવો આગ્રહ રાખે છે. કુદરતમાં પણ આપણે નૈસર્ગિક સત્ય જોઇએ છીએ. સૂર્ય પૂર્વમાં ઊગે અને પશ્ચિમમાં જ આથમે છે તે નૈસર્ગિક સત્ય છે. સમાજમાં આપણને વ્યાવહારિક સત્યના દર્શન થાય છે. સમાજે દરેક નાગરિકે કેમ વર્તવું, આચરણ કરવું એ માટેનાં ચોક્કસ ધોરણો, માર્ગો નક્કી કર્યા છે. એ ધોરણો, માર્ગોમાંથી કોઇ વ્યક્તિ જ્યારે ચલિત થાય છે ત્યારે સમાજ તેની સામે શંકા ઊભી કરે છે. તેના આશયો સામે શંકા વ્યક્ત કરે છે અને તેને તેમ જ તેની પ્રવૃત્તિને સમર્થન મળતું નથી.
સત્યનું વિરુદ્ધ અસત્ય છે એમ આપણે કહીએ છીએ પરંતુ એમ નથી. ‘સત્ય’ એ સંસ્કૃત ‘ઋત્’ શબ્દનો ગણી શકાય. ઋત્ એટલે નક્કી કરેલા માર્ગે જવું. એનો વિરોધાર્થી શબ્દ છે અમૃત. અમૃત એટલે તેનાથી વિરુદ્ધનો માર્ગ આપણે તેને વૈશ્વિક માર્ગ કહીશું? આમ ‘ઋત્’ સંસ્કૃત શબ્દ દ્વારા તો પરમ સત્યનું સૂચન થાય છે.
પરંતુ સત્યનો મોટો અર્થ જ ઇશ્વર થાય છે. ‘ગીતા’ ઉપર હાથ મૂકીને સત્ય સિવાય બીજું કશું નહિ કહું એવા શપથ લેવડાવવામાં આવે છે. સત્યનો ભય મોટો હોય છે, આ સત્ય એટલે ઇશ્વર, ભગવાન. સત્યના પૂજારી મહાત્મ ગાંધીજી પોતાની ‘આત્મકથા’ની પ્રસ્તાવનામાં લખે છે કે, ‘મારે મન સત્ય જ સર્વોપરિ છે અને એમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્કૂલ વાચાનું – સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્યને આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય, એટલે કે પરમેશ્વર જ… હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું.’
કોઇ પણ સમાજમાં જ્યાં સુધી આવા સત્યની શોધ આદરનારા સક્રિય રહેશે ત્યાં સુધી તે સમાજ પણ રહેશે.
Your Content Goes Here