સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં

(ગતાંકથી આગળ)

અહંકારે દ્વિઘા વર્તે, કાચો બાંધે અહં પમે
‘તારો હું દાસ છું’ એવો પાકો છેવટ છોડતો                ૨૫૬

યોગ આ યોગમાયાનો પુરુષ પ્રકૃતિ તણો
કાલીના ચરણો નીચે ચંપાયા જેમ શિવ છે                  ૨૫૭

યોગ છે કૃષ્ણ રાધાનો – કૃષ્ણનો આત્રિભંગ છે
કૃષ્ણનાઠે યથા મોતી શુભ્રને શ્યામનીલમ                   ૨૫૮

યથા રાધા તણે કર્ણે; કૃષ્ણ વ્હેરે પીતામ્બર
અને રાધાપરિધાન નીલવર્ણનું વાસસ                       ૨૫૯

એક અદ્વૈત છે બ્રહ્મ શેખ સૌ બ્રહ્મ નીપજ્યું
અગાશી જેથી નિર્માઇ એ દ્રવ્યે જ સીડી રચી              ૨૬૦

એક્કેકું કરી સોપાન – ધાબે પહોંચી ગયા પછી
એ જ દ્રવ્ય સીડી – ભાંગો – રક્ષો યથામતિ                ૨૬૧

હું તું અદ્વૈત છે કિંતુ જ્યાં સુધી હું-તું ભેદ છે
ત્યાં સુધી દ્વૈતથી એને ભજ્યામાં ય મહાસુખ               ૨૬૨

સીડીનાં બ્રહ્મ સોપાને – ઊંચે નીચે મઝા પડે
તું – હું – હું —તું કર્યાથી તે કવચિત્ કેવળ તું તણી     ૨૬૩

ચૈતન્ય પ્રાપ્તિ અદ્વૈતે, ચૈતન્યે સર્વ ચેતના
વિશ્વ ચૈતન્યથી શેષ રહે આનંદ કેવલ                        ૨૬૪

જ્યાં સુધી ભોગ ઇચ્છા રહે સ્ફુરે ના ઇશની સ્પૃહા
ક્રીડાલીન યથા શિશુ ખાવું પીવું બધું ભૂલે                   ૨૬૫

ક્રીડાન્તે યાદ આવે ‘મા’ પોકારે વાર થાય તો
રડી ઊઠે, પછી એને પટાવી જ શકાય ના                  ૨૬૬

ખિલોને કે મીઠાઇથી, એને કેવળ એક ‘મા’
જોઈએ એક એની જ પોતાની ‘મા’ ન કૈં બીજું            ૨૬૭

ઇશ પ્રાપ્તિની આવી કો એકાગ્ર ઝંખના વિના
ઇષ્ટ આવી મળે નાહીં; અન્યથા અધબોલથી              ૨૬૮

‘સોહં હું જ પરમાત્મા’ જ્ઞાનીને યોગ્ય બોલવું
સંન્યાસી ય વદે આવું, સંસારીને રુચે નહીં                 ૨૬૯

આત્મા નિર્લેપ છે મૂળે લેપાતો દ્વંદ્વથી નહીં
મલિન થૈ શકે ભીંત; રહે આકાશ અનાવિલ               ૨૭૦

‘હું છું બદ્ધ અને પાપી’ આવો જાય જ બાંધતો
‘હું છું મુક્ત, જીવન્મુક્ત’ જાયે જીવ છૂટી જતો              ૨૭૧

પૂર્વ જન્મોનું સંચિત કર્મ ભોગવવું પડે
દરેક દેહધારીએ – એમાં કો અપવાદ ના                    ૨૭૨

દેહમાં સુખ દુ:ખોની આવજા ભક્તનેય છે
કિંતુ એ જ્ઞાનભક્તિનું ઐશ્વર્ય ના ખૂવે કદી                  ૨૭૩

વિપદા પાંડવોને કૈં ઓછી આવી હતી? છતાં
છતાં પાંડવો કૃષ્ણભક્તિમાં ક્યારે મંદ પડ્યા હતા?      ૨૭૪

સચ્ચિદાનંદ તો નિત્ય છે જ – પર્દાની આડશે
વિષયાસક્તિ જો જાય – પર્દો મેળે ખસી જતો             ૨૭૫

રાધા જેમ સરી, કૃષ્ણ ગંધ વીંટાઈ ગૈ
નદી સિંધુ તટસ્પર્શે એમ વેલાકુલા થતી                     ૨૭૬

જ્ઞાનગંગા સ૨ે સિંધુપાત્રમાં માત્ર; ભક્તિની
ગંગા તો બે ય બાજુ વ્હે – ઘડીઓટ – ઘડી વીળ         ૨૭૭

કોઈવાર રડે, નાચે, ઇશનું વિલસે -હસે
સિંધુમાં રહે તાર્યો ડૂબ્યો હિમના ટુકડાસમ                 ૨૭૮

સચ્ચિદાનંદ છે એ તો શક્તિરૂપે કરે ક્રિયા
સ્થિર રહે તોય પાણીએ – તરંગતેય તોય છે               ૨૭૯

શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિ એક સપાટી લે
પરંતુ ભક્ત જીવોને ભક્તિમાર્ગ વધુ પ્રિય                    ૨૮૦

બ્રહ્મ – આત્મા અને શક્તિ – બધુંય એ જ છે સ્વયમ્
આપણે યંત્ર શા જીવો યંત્રચાલક એ સ્વયમ્                ૨૮૧

જ્યાં લગી દેહમાં ઇચ્છા, વાસના જ્યાં લગી મને
ત્યાં લગી કર્મનો પીછો; અનાસક્તિ જ શાંતિ દે           ૨૮૨

સાધનાભ્યાસથી નિત્યે ધીમે ધીમે ક્રમે ક્રમે
નિષ્કામ થાય છે કર્મ એમ મેળે પછી થતું                    ૨૮૩

સંકામ માત્ર કર્મોને મેળે થાય પછી ક્ષય
કોઈ નારદના જેવું – કરે માત્ર પરાર્થ તે                      ૨૮૪

સંન્યાસી કોઈ વસ્તુને સંગ્રહે ના, કરે વ્યય
મધમાખી મધુપૂટ રચે – અન્ય નિચોવી લે                  ૨૮૫

સંસારીને પરિવાર, તેણે સંઘરવું ઘટે
પંખિણીય ઈંડુ ફૂટયે નીડે વ્હે ચણ ચાંચથી                  ૨૮૬

સાધુ જો સંઘરાવાળા – સંસારી જ ગણાય, ને
ના એવા સાધુમાં કોઈ વિશ્વાસ મૂકવો ઘટે                  ૨૮૭

હરિના શરણે જાતાં લજ્જાદિ વર્જવું બધું
કોઈ કહેશે શું યે એનો વિચાર જ ન આણવો              ૨૮૮

મીરાં નાચી, અને નાચી રાધા – ચૈતન્ય યે નાચ્યા
લોક નિંદા સ્તુતિ મુક્ત – પ્રભુપ્રીતિ રચ્યા પચ્યા           ૨૮૯

લજ્જા ઘૃણા અને ભીતિ ત્રણેય ત્યજવાં રહ્યાં
જાતિનું અભિમાને ય, જો સંસારથી છૂટવું                  ૨૯૦

પક્ષબદ્ધ જીવાત્મા તે – મુક્ત તે શિવ જાણવો
ઇશ પ્રત્યે પ્રીતિ એ તો સંસારે છે સુદુર્લભ                   ૨૯૧

ભક્તિભાવ થતાં વ્હેંત ઇશેલીન થવાય છે
ભાવમૂર્છા – બધું સ્થિર – આપોઆપ જ કુંભક            ૨૯૨

બંદૂકથી છૂટે ગોળી, એવું એકાગ્ર થૈ મન
છૂટે છે લક્ષ્ય યે બંધવાણી; પ્રાણ તો થતો સ્થિર          ૨૯૩

મત્સ્યવેધે યથા પાર્થે દીઠી’તી માત્ર આંખને
મીનની-અન્ય અંગો ના એવી એકાગ્રતા ફળે              ૨૯૪

ઇશ દર્શનનું ચિહ્ન વાયુ ધર્ધ૨ – ઊર્ધ્વગ
ઊર્ધ્વ શીર્ષ ભણી જાતાં સમાધિ જીવ પામતો              ૨૯૫

વિદ્વતા વ્યર્થ છે જો એ પાકેના પ્રેમભાવમાં
કાંઠે ઈશ્વર છે પ્રેમ- રસરૂપ – ન નીરસ                        ૨૯૬

રામનું નામ લેતાં જો પડે ના રસ – ચેતવું;
રસરૂપ સ્વયં રામ – આપણી જ કશી ક્ષતિ                ૨૯૭

દ્રવ્યાદિનો અહં વજર્ય ટકેના, ઊતરે જ એ
આગિયાનો અહં જેમ ઊતરે છે ઉડુ ઊગ્યે                  ૨૯૮

ઉડુનો ચંદ્રને ઊગ્યે, ચંદ્રનો અરુણોદયે
સૂર્યના ઊગવા ટાણે છતે ચંદ્ર ન ભાસતો                    ૨૯૯

નિત્ય એક જ છે બ્રહ્મ આ સંસાર અનિત્ય છે
બ્રહ્મ જાણ્યા પછી આનો આ સંસાર અનિત્યના        ૩૦૦

એથી સંસારી લોકે તો સંસાર જીવવો ઘટે
એક હાથ પ્રભુ પાદે રાખી, વ્હેવારમાં બીજો                ૩૦૧

રામની વાડ બાંધીને પછી ખેતર ખેડવું
પછી ખેતરના શેઢા લગી પાક લણો લણો                  ૩૦૨

વને સંસાર વર્જીને જવાનું ના કહે જ કો
કિંતુ એકાન્ત સેવ્યાનો ખપ છે, સાધુ સંગમે                ૩૦૩

સાધુને જાણવો એમ : અંતરાત્મા ઇશાર્પિત
કાન્તા કાંચનનો ત્યાગી સર્વભૂતહિતેરત                     ૩૦૪

છોડ છે જ્યાં લગી કૂળો તેને થાડોલિયું ઘટે
જેથી ગાય અજા જેવાં પ્રાણીઓ ચાવી જાયના            ૩૦૫

કિંતુ મોટું થતાં ઝાડ-હાથી બાંધી શકો થડે;
ફણસ કાપતાં પૂર્વે હાથે તેલ લગાડવું                        ૩૦૬

ઇશ એક જ છે સત્તા – અસત્ અન્ય સમસ્ત છે
નિત્યાનિત્ય પરીક્ષાને વિવેક વેદવિદ્ કહે                    ૩૦૭

નિવૃત્તિ મનની પામ્યે વિવેક પ્રગટે અને
વિવેકે ધર્મને પામો બીજા અર્થોય, જો ચહો                 ૩૦૮

‘નેતિ નેતિ’ કહી સર્વે છોડતાં બ્રહ્મ પહોંચવું
બ્રહ્મ પામ્યું બધું છોડ્યું તે તે બ્રહ્મ પ્રતિષ્ઠિત              ૩૦૯

યથા બિલ્વ ફળે છાલ, ગર્ભ બીજ ત્રણેય છે
ત્રણે વાના મળી તોલ થાય તે તોલ બિલ્વનો               ૩૧૦

એકલી છાલના બિલ્વ, એકલાં ગર્ભ – બીજ-ના
બીલાંનો ભાર એકત્વે – સમસ્ત ગણવો ઘટે               ૩૧૧

જગત છે છાલ, ને જીવ બીજ પાર્થક્યની રીતે
અકકેકું એમ નકકામું – ફલજ્ઞાન સમસ્તમાં                ૩૧૨

બ્રહ્મના જ્ઞાનમાં એક જગત્ જીવ સમસ્ત છે
એ વિના બ્રહ્મનો તોલ આખો આવી શકે નહીં           ૩૧૩

માખણ છાશ માંહેથી, માખણે છાશ સંભવે
એમ આત્મા અનાત્માનું – અનાત્મા આત્મવિસ્મૃતિ      ૩૧૪

જે છે નિત્ય, અનિત્યે તે અદીઠ, એ જ ગોચર
જે ઇશ સંભવે તે જ જગત્ – જીવરૂપે તથા                 ૩૧૫

(ક્રમશઃ)

Total Views: 118
By Published On: April 26, 2022Categories: Ushns0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram