‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો)

(ગતાંકથી આગળ)

ગોલાપમા ફરી કહેવા લાગ્યાં, ‘સહુને કહું છું આવો, આવો, મારો આનંદ જુઓ. મજૂરે લોટરીમાં એક રૂપિયો ભર્યો ને તેના તેને લાખ રૂપિયા મળ્યા એ જાણીને આનંદના આવેગમાં એ મરી ગયો. આજે મારી પણ એવી જ દશા છે. જુઓ, જુઓ આનંદથી મારું હૃદય ઉછાળા મારી રહ્યું છે. ક્યાંક એ શરીરમાંથી બહાર કૂદી પડશે! મને અત્યારે શું થઈ રહ્યું છે? તમે મને આશીર્વાદ આપો નહીંતર હું ખરેખર મરી જઈશ.’ આનંદનો આવો અપૂર્વ ભાવ તેના અંતરમાં ઉછાળા મારી રહ્યો હતો. અત્યાર સુધી દુઃખના નિવાસરૂપ બનેલું તેનું ઘર પરમપુરુષ શ્રીરામકૃષ્ણના આગમનથી આનંદધામ બની ગયું. તેના મન, પ્રાણ અને દેહના અણુએ અણુએ અપૂર્વ આનંદને વ્યક્ત કરી રહ્યાં હતાં. તેના આનંદમય ભાવની એ ઉચ્ચ સ્થિતિ જોઈને માસ્ટર મોશાયે તેને પ્રણામ કર્યાં ને તેની ચરણરજ માથે ચઢાવી, ત્યારે બ્રાહ્મણીને ભાન આવ્યું ને બોલી ઊઠી : ‘અરે, અરે, તમે આ શું કરી રહ્યાં છો?’ એમ કહીને તેણે માસ્ટર મોશાયને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘તમે બધા આવ્યા તેથી મને કેટલો બધો આનંદ થાય છે?’ આનંદના અતિરેકમાં તે તો ભૂલી જ ગઈ કે તેણે બધાંને પ્રસાદ આપવાની વ્યવસ્થા કરવાની છે. તે તો ઠાકુરનાં દર્શન કરતાં કરતાં સ્થળ – કાળ વિસરી ગઈ. પણ તેની બહેન ખૂબ મૂંઝવણ અનુભવતી હતી. તેને ખબર નહોતી પડતી કે હવે શું કરવું? એટલે તે અગાસી ઉપર આવી અને તેણે કહ્યું : ‘બહેન તમે નીચે આવો. હું એકલી બધું કેવી રીતે કરી શકીશ?’ પણ તે તો ભાવના એ જગતમાં હતી જ્યાં તેને આ શબ્દો સંભળાતા જ નહોતા. બહેનના બોલાવવા છતાં ય તે તો ઠાકુરનાં દર્શન કરતી ઊભી જ રહી. પછી જ્યારે આ ભાવનું શમન થયું ત્યારે તે શ્રીરામકૃષ્ણને અગાસીમાંથી પોતાના ઓરડામાં લઈ આવી અને ત્યાં મીઠાઈ ને ફળો ધર્યાં. પછી બધા ભક્તોને પણ પ્રસાદ આપ્યો. શ્રીરામકૃષ્ણ તેના ઘરે આઠ વાગ્યા સુધી રોકાયા. પછી જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે બ્રાહ્મણીએ પોતાના ભાઈઓને અને તેમના પરિવારને બોલાવ્યા ને ઠાકુરની ચરણરજ લેવડાવી આશીર્વાદ અપાવ્યા! બ્રાહ્મણીના ભાવને જોઈને ઠાકુર પણ પ્રસન્ન થઈ ગયા. સર્વને આનંદમાં તરબોળ કરીને ઠાકુર ત્યાંથી યોગીનમાને ઘરે ગયા.

શ્રીરામકૃષ્ણના આગમનથી આ બન્ને દુ:ખી બ્રાહ્મણીઓનું સામાન્ય ઘર તીર્થધામ બની ગયું. અને એમનું જીવન ભગવદ્ભાવથી છલકાતું બની ગયું! તે સમયે બંગાળી સમાજની બ્રાહ્મણકુળની સામાન્ય વિધવાઓનું જીવન તો ઘરના એક ખૂણામાં અંધારામાં જ વીતી જતું હતું. પણ શ્રીરામકૃષ્ણની કૃપાદૃષ્ટિથી આ બ્રાહ્મણીઓ તો પ્રાતઃ સ્મરણીય બની ગઈ, પૂજનીય બની ગઈ, સર્વને માટે આદર્શરૂપ બની ગઈ.

જેમ માતાની પાછળ પાછળ બાળક ચાલતું જાય તેમ ગોલાપમા પણ શ્રીરામકૃષ્ણની પાછળ પાછળ ચાલવાં લાગ્યાં. તેમને તો કંઈ ભાન જ નહોતું! અગાઢ આનંદના સાગરમાં જાણે ડૂબી ગયાં હતાં. એટલે તેઓ પણ ઠાકુરની પાછળ યોગીનમાને ત્યાં આવ્યાં. અને પછી ત્યાંથી ઠાકુરની પાછળ બલરામબાબુને ત્યાં પણ પહોંચ્યાં. ત્યાં થોડો સમય રહ્યાં. અને પછી ભાવ શાંત થતાં તેઓ પાછાં પોતાના ઘરે આવ્યાં. પણ હવે એમને લાગતું હતું કે ‘એમનું ઘર જાણે મંદિર બની ગયું છે!’

આ બાજુ બલરામ બોઝને ત્યાં, બધા ભક્તો પોતપોતાના ઘરે ગયા પછી ઠાકુર અને માસ્ટર મોશાય બંને એકલા પડ્યા. ત્યારે ઠાકુરે બ્રાહ્મણીના ભાવની પ્રશંસા કરતાં કહ્યું : ‘અહાહા, બંનેનો કેવો આનંદનો ભાવ હતો!’

‘ઠાકુર, આવું જ ઇસુના સમયમાં પણ બે બહેનો મેરી ને માર્યાનું બન્યું હતું!’ માસ્ટર મોશાયે કહ્યું.

‘શું બન્યું હતું? એ મને કહોને?’ ઠાકુરે બાળક જેવી જિજ્ઞાસાથી પૂછ્યું.

‘ઠાકુર, આપની જેમ જ ઈસુ ખ્રિસ્ત ભક્તોની સાથે મેરી અને માર્યાના ઘરે ગયા હતા. ઈસુનાં દર્શન કરતાં જ એક બહેન પરમ આનંદના ભાવમાં આવી ગઈ. જ્યારે બીજી બહેન ઈસુ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં રોકાઈ હતી. તે એકલી આ બધી વ્યવસ્થા કરવામાં મૂંઝવણ અનુભવતી હતી, એટલે તે ઈસુ પાસે આવીને બોલી : ‘જુઓને, મારી બહેન તમારી પાસે ઓરડામાં બેઠી છે, ને મારે એકલે હાથે આ બધી વ્યવસ્થા કરવી પડે છે.’ આ સાંભળી ઈસુએ તેની સામે જોયું અને કહ્યું : ‘તારી બહેન ખરેખર કૃપાપાત્ર છે. માનવ જીવનમાં એકમાત્ર જેની આવશ્યકતા છે એ વસ્તુ તારી બહેને મેળવી છે. અને તે છે, પ્રભુનો પ્રેમ.’

આ સાંભળીને શ્રીરામકૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા ને પછી તેમણે માસ્ટર મોશાયે પૂછ્યું : ‘આ બધું જોઈને તમે શું અનુભવ્યું?’ ત્યારે તેમણે કહ્યું : ‘મેં અનુભવ્યું કે ઈસુ, ચૈતન્ય મહાપ્રભુ અને તમે ત્રણેય એક જ છો.’

ત્યારે ઠાકુરના અંતરમાંથી નીકળેલા સહજ શબ્દોએ આ હકીકતની સચ્ચાઈની ખાતરી કરાવી દીધી. તેમણે કહ્યું : ‘હા, હા, એક જ તે ખરેખર એક જ છે.’ આમ ગોલાપમાના પ્રેમભાવે ઠાકુરને પણ વિભોર કરી દીધા અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ જ જીવન પરિવર્તનની એકમાત્ર ચાવી છે તેની પ્રતીતિ પણ સર્વને તેમણે કરાવી દીધી.

હવે ગોલાપમાના જીવનનો નવો જ તબક્કો શરૂ થયો. એ તબક્કો હતો સેવાનો, સાધનાનો, શ્રીમા અને શ્રીઠાકુરના સાંનિધ્યમાં પરમ તત્ત્વને આરાધવાનો. ઠાકુરના સાંનિધ્યમાં આ સામાન્ય બ્રાહ્મણીનું આંત૨કમળ ખૂલી ગયું ને ધીમે ધીમે વિકસવા લાગ્યું. તેઓ વારંવાર દક્ષિણેશ્વર આવવા લાગ્યાં ને મા પાસે રહેવા લાગ્યાં. એક દિવસ તેઓ જ્યારે જમાડી રહ્યાં હતા ત્યારે તેમણે જોયું કે ઠાકુર જેવો કોળિયો મુખમાં મૂકે છે, તે વખતે જ જાણે કોઈ સાપની જેમ નીકળીને એ કોળિયો ગળી જાય છે. દરેક કોળિયા વખતે આ રીતે બનતું જોઈને તેઓ હસી પડ્યાં. ત્યારે ઠાકુરે પૂછ્યું, ‘કેમ રે? બતાવો તો, હું ખાઉં છું કે કોઈ બીજું?’ ‘અરે બાપુ, આવું તો ક્યાંય જોયું નથી. તમે નથી ખાતા પણ સાપની જેમ કોઈ ગળી જાય છે!’

ત્યારે એ શું છે, તેની તેમને ખબર નહોતી. વરસો પછી તેમણે ભક્તોને આ વાત કરતાં કહ્યું, ‘લોકો કહે છે કે સર્પના જેવી કુંડલિની આહુતિ ગ્રહણ કરે છે, તેને મેં જોઈ હતી.’ આ ઉપરાંત તેમણે ઠાકુરમાં સાક્ષાત્ જગદંબાનાં દર્શન પણ કર્યા હતાં. એક વખત તેઓ મધ્યરાત્રિએ કોઈનો પદસંચાર થતાં જાગી ગયાં. નોબતમાંથી બહાર નીકળીને જોયું તો ઠાકુર આંટા મારી રહ્યા હતા. તેઓ દૂરથી જ ઠાકુરને નિહાળતા રહ્યાં. પણ એકાએક તેમના આશ્ચર્ય વચ્ચે ઠાકુરને બદલે તેમણે સાક્ષાત્ મા જગદંબાને જોયાં, આ દૃશ્યથી તેઓ એકદમ ભયભીત થઈ ગયાં ને ઝડપથી અંદર ચાલ્યાં ગયાં. પણ તેમને પ્રતીતિ થઈ ગઈ કે ઠાકુરમાં સાક્ષાત્ મા જગદંબા વસી રહ્યાં છે. આવા પરમપુરુષના સાંનિધ્યમાં પોતાને રહેવાનું મળ્યું છે તે માટે તેઓ હવે પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યાં.

અને સાચે જ તેઓ ભાગ્યશાળી બની ગયાં હતાં! ઠાકુરને જમાડવાનું કાર્ય તેમણે હવે પોતાના હાથમાં લઈ લીધું હતું. અત્યાર સુધી શ્રીમા એ કાર્ય કરતાં હતાં અને તેથી શ્રીમાને ઠાકુરના ઓરડામાં જવા મળતું અને તેમની સાથે વાતચીત કરવા મળતી. હવે એ કાર્ય ગોલાપમા કરવા લાગ્યાં. તેથી માને દિવસો સુધી ઠાકુરનાં દર્શન પણ થઈ શકતા નહીં, પરંતુ શ્રીમાએ કદી પણ ગોલાપમાને આ વિષે જણાવ્યું નહીં અને ગોલાપમાને એવો વિચાર પણ આવ્યો નહીં કે તેઓ શ્રીમાને પોતાના ઈષ્ટ દેવતાનાં દર્શનથી દિવસો સુધી વંચિત રાખી રહ્યા છે! તેઓ ઘણીવાર રાત્રે પણ ઠાકુરનો વાર્તાલાપ સાંભળવા તેમના ઓરડામાં બેસી રહેતાં અને નોબતખાનાની ઓરડીમાં શ્રીમા ભોજન માટે તેમની રાહ જોતાં મોડે સુધી બેસી રહેતાં! જ્યારે શ્રીરામકૃષ્ણને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ગોલાપમાને કહ્યું પણ ખરું કે શ્રીમાને અગવડ પડે છે. પણ તેઓ તો એ માની જ શકતા નહોતા કે શ્રીમાને તેમના વર્તનથી અગવડ પડી શકે. તેમણે ઠાકુરને કહ્યું, ‘શ્રીમા તો મને દીકરીની જેમ રાખે છે અને ખૂબ સ્નેહ કરે છે. એમને કંઈ મારાથી અગવડ પડે ખરી?’ અતિશય દુઃખમાં ડૂબેલી બ્રાહ્મણીને એકાએક સુખનો મહાસાગર મળી જતાં અન્યનાં દુઃખ કષ્ટો તેને દેખાતાં જ ન હતાં! પણ શ્રીરામકૃષ્ણ તો હતા અનોખા પથપ્રદર્શક. શિષ્યને ખબરેય ન પડે તે રીતે તેની પ્રકૃતિના ઊંડાણમાં રહેલાં નિમ્ન સત્ત્વોને બહાર કાઢીને તેને નિર્મલ ને શુદ્ધ કર્યે જતા હતા. પણ દરેકનો રસ્તો જુદો, જેવી પ્રકૃતિ તેવો માર્ગ. એ રીતે તેઓ ગોલાપમાનું પણ શ્રીમાના ભાવિકાર્યમાં સહાયક રૂપે ઘડતર કર્યે જતા હતા. ગોલાપમા વારંવાર દક્ષિણેશ્વર આવતાં રહેતાં. તેથી કલકત્તાનાં ભક્તો તેમની સાથે ઠાકુર માટે મીઠાઈ અને ફળો મોકલાવતાં. જો ગોલાપમાને આ ફળો શુદ્ધ ભાવે આપેલાં જણાય તો જ તેઓ ઠાકુર માટે લઈ જતાં નહીંતર સ્પષ્ટ ના પાડી દેતાં. આ રીતે તેમણે બલરામબાબુની ભુવનને ઠાકુર માટે આપેલાં જમરૂખ લઈ જવાની ના પાડી દીધી. તેથી ભુવન તો રડવા જેવી થઈ ગઈ. તેણે ખૂબ આજીજી કરી તેથી તેમને તે ફળો લઈ જવા પડ્યાં. જેવાં તેઓ દક્ષિણેશ્વર પહોંચ્યાં કે ઠાકુરે તેમને પહેલો જ પ્રશ્ન કર્યો ‘મારા માટે શું લાવ્યા છો?’ અને ગોલાપમા સમજી ગયાં કે ઠાકુર ભુવનના જમરૂખ બાબતમાં પૂછે છે. તેમણે તુરત જ તે ફળો આપ્યાં અને ઠાકુર આનંદથી તે ખાવા લાગ્યા. ત્યારે તેમને પ્રતીતિ થઈ કે ઠાકુર તો અંતર્યામી છે, ભાવગ્રાહી છે, ભક્તોના ભાવને દૂરથી પણ તેઓ ગ્રહણ કરે છે. તો પણ ગોલાપમા ક્યારેક ભૂલ કરી બેસતાં. બલરામબાબુના માતાએ ઠાકુર માટે ચંદ્રપુલી બનાવી હતી અને તેઓ ગોલાપમા સાથે તે મોકલવાં ઈચ્છતાં હતાં. પણ ચંદ્રપુલી બરાબર બની નથી એમ જણાતાં ગોલાપમાએ કહ્યુ ‘આવી ઠાકુરને ન મોકલાવાય.’ તેઓ ન લઈ ગયાં. ત્યાં દક્ષિણેશ્વર પહોંચતાં જ ઠાકુરે ખાવાનું માંગ્યું ત્યારે ચંદ્રપુલી ન લાવ્યાનો ગોલાપમાને ભારે અફસોસ થયો.

શ્રીરામકૃષ્ણ સાથે મહેશના ઉત્સવમાં અને વૈષ્ણવોના પાણીહાટી ઉત્સવમાં જવાનું સદ્ભાગ્ય ગોલાપમાને મળ્યું હતું. પ્રભુભક્તિનો સાચો આનંદ શું છે, તેનો અનુભવ થતાં હવે તેમને સાંસારિક બાબતોમાં બિલકુલ રસ રહ્યો ન હતો. છતાં પ્રકૃતિગત મર્યાદા અને સ્વભાવની સરળતા ને સ્પષ્ટ કહી દેવાની આદતને લઈને તેઓ હજુ પણ ઘણીવાર ભૂલો કરી બેસતાં. પણ ઠાકુર અને શ્રીમાની કૃપાને લઈને તેઓ તેમાંથી ઊગરી જતાં.

પાણીહાટીના ઉત્સવ પછી ઠાકુરનું ગળાનું દર્દ વધ્યું. ગોલાપમાએ ઠાકુરને કહ્યું: ‘મારા ઓળખીતા એક બાહોશ ડૉક્ટર કલકત્તામાં છે. તેઓ આ દર્દ મટાડી દેશે.’ બાલસહજ ચેષ્ટાથી ઠાકુરે કહ્યું, ‘એમ કે? તો ચાલો એમની પાસે.’ ગોલાપમા ઠાકુરને ત્યાં લઈ ગયાં. ડૉક્ટરે તપાસીને દવાઓ આપી પણ દર્દનું સાચું નિદાન એ ડૉક્ટર કરી શક્યા ન હતા. છતાં દવાઓ લઈને તેઓ બધાં પાછા દક્ષિણેશ્વર આવવા નીકળ્યાં. રસ્તામાં શ્રીરામકૃષ્ણને ભૂખ લાગી તેમણે સાથે આવેલા ભક્તોને પૂછ્યું, ‘કોઈની પાસે કંઈ છે કે?’ કોઈ પાસે કંઈ જ ન નીકળ્યું. બધાંને ખૂબ અફસોસ થયો. ગોલાપમાએ પોતાના ખીસ્સા ફંફોસ્યા. તો તેમાંથી ચાર પૈસા નીકળ્યા. તેમણે નજીક આવેલી મીઠાઈની દુકાનમાંથી ચાર પૈસાની મીઠાઈ ખરીદી. ઠાકુરને આપી. બધાના આશ્ચર્ય વચ્ચે ઠાકુર એકલા જ એ મીઠાઈ ખાઈ ગયા. તેમણે કોઈનેય પ્રસાદ પણ ન આપ્યો. પછી ગંગાજળ પીધું અને તેમની ભૂખનું શમન થયું. પછી બીજું આશ્ચર્ય સહુએ એ અનુભવ્યું કે ઠાકુરને તૃપ્તિ થઈ ગઈ તો બધાંએ પણ તૃપ્તિ અનુભવી અને સહુની ભૂખ શમી ગઈ! ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની સ્થિતિનો આ પ્રત્યક્ષ અનુભવ હતો. દુર્વાસા અને તેમની આખી મંડળીને ભગવાન શ્રીકૃષ્ણે દ્રોપદીના અક્ષયપાત્રમાં ચોંટેલું ભાજીનું એક પાંદડું ખાઈને આ જ રીતે તૃપ્ત કરી હતી ને! ગોલાપમા તો ઠાકુરની આ લીલાને મંત્રમુગ્ધ બનીને નિહાળતાં રહ્યાં!

ગળાના દર્દની સારવાર માટે ઠાકુરને દક્ષિણેશ્વર છોડીને કલકત્તા જવાનું થયું. દક્ષિણેશ્વરમાં સહુને ખૂબ જ દુઃખ થયું કે ઠાકુર કલકત્તા ચાલ્યા ગયા. સરળ સ્વભાવના ગોલાપમાના મનમાં વિચાર આવ્યો કે ઠાકુર શ્રીમાથી નારાજ થઈને તો કલકત્તા નહીં જતા રહ્યા હોય ને? આ તો મનમાં આવેલો વિચાર માત્ર હતો. પણ આ વિચારનું શું પરિણામ આવી શકે તેનો વિચારે તેમને નહોતો આવ્યો. તેમણે આ વાત યોગીનમાને કહી અને યોગીનમાએ શ્રીમા આગળ રજૂ કરી. શ્રીમા તો સ્તબ્ધ થઈ ગયાં, તેમને એકદમ આંચકો લાગી ગયો. ‘શું ખરેખર આમ હશે? ઠાકુર તેમનાથી નારાજ થઈ ચાલ્યા ગયા હશે?’ શ્રીમા ખૂબ જ વ્યથિત બની ગયાં. તેઓ તુરત જ કલકત્તામાં શ્યામપુકુર આવ્યાં ને પૂછ્યું કે, ‘આપ મારા પર નારાજ થઈને અહીં આવતા રહ્યા છો?’ ઠાકુર આશ્ચર્યથી શ્રીમાની વાત સાંભળતા રહ્યા. પછી ખરી હકીકત જાણી ત્યારે તેમણે માને આવી નકામી બાબતો પર ધ્યાન ન આપવા કહ્યું. ખૂબ સાંત્વન આપીને તેમને પાછા દક્ષિણેશ્વર મોકલ્યા. પછી જ્યારે ગોલાપમા ઠાકુરને મળ્યાં ત્યારે તેમણે આવી વગર વિચારેલી વાત ક્યારેય ન કરવા કહ્યું, ઠપકો પણ આપ્યો અને શ્રીમાની માફી માગવા કહ્યું. પોતાની ભૂલ સમજાતાં ગોલાપમાને પારાવાર અફસોસ થયો. તેઓ તત્ક્ષણ દક્ષિણેશ્વર ચાલી નીકળ્યાં. શ્રીમા પાસે રડતાં રડતાં માના ચરણોમાં પડ્યાં. પોતાની ભૂલની ક્ષમા માગી. શ્રીમાના મનમાં તો કોઈ પ્રત્યે રોષ ટકતો જ નહીં. તેઓ તો હસવા મંડ્યા ને પછી ‘મારી ગોલાપ’ કહીને તેમને બેઠાં કર્યાં ને તેમનો વાંસો થપથપાવીને તેમના ગ્લાનિના ભાવને દૂર કરી તેમને આનંદમાં લાવી દીધાં.

શરૂઆતમાં ગોલાપમા અન્યની વાતોમાં પણ આવી જતાં અને તેના પરિણામે પણ તેઓ ભૂલ કરી બેસતાં. એક વખત મનમોહનની માએ ગોલાપમાને કહ્યું : ‘જુઓને, ઠાકુર તો ત્યાગનું મૂર્તિમંત્ર રૂપ છે. જ્યારે મા? તેઓ તો કેટલાં બધાં ઘરેણાં પહેરે છે? એમનામાં કંઈ ત્યાગ જેવું જોવા મળતું નથી!’ સરળ ને આંટીઘૂંટી વગરના ગોલાપમાએ તો સીધી શ્રીમાને જ આ વાત કરી. શ્રીમાને તો ઘરેણાંનો મોહ હતો જ ક્યાં? એ તો ઠાકુરે ઘડાવી આપેલાં એટલે તેઓ પહેરતાં હતાં. તેમણે બધાં ઘરેણાં ઉતારી નાખ્યા. ફક્ત બે કંકણો કે જે ઠાકુરે ભાવદશામાં સીતામાતાનું દર્શન કરતી વખતે તેમના હાથમાં પહેરેલાં જોયાં હતાં, ને તેવાં પછી શ્રીમા માટે ઘડાવી દીધાં હતાં, એ કંકણો જ તેમણે રહેવા દીધાં. બીજે દિવસે યોગીનમાએ આભુષણ વગરના માને જોઈને કહ્યું : ‘અરે, શ્રીમા બધાં ઘરેણાં ક્યાં ગયાં?’ જ્યારે તેમણે બધી વાત જાણી ત્યારે તેમણે શ્રીમાને ફરી ઘરેણાં પહેરવાનો ખૂબ જ આગ્રહ કર્યો. પણ પછી તો ઠાકુરની માંદગી આવી અને શ્રીમાએ એ ઘરેણાં પહેર્યા જ નહીં. જ્યારે શ્રીરામકૃષ્ણે આ વાત જાણી ત્યારે તેમણે ગોલાપમા અને અન્ય ભક્તોને કહ્યું : ‘આ બધું શું છે? તેઓ પોતે કંઈ પોતાની મેળે ઘરેણાં પહેરતા નથી. એ તો મેં જ એમના માટે વ્યવસ્થા કરી છે. તેનું નામ શારદા છે. તે સરસ્વતી (પ્રજ્ઞાની દેવી) છે. તેથી તેને ઘરેણાં પહેરવાં ગમે છે. લોકોમાં જ્ઞાનની જાગૃતિ થાય તે માટે તેણે શરીર ધારણ કર્યું છે. પણ આ વખતે તેણે પોતાના દિવ્યરૂપને ઢાંકી દીધું છે કે જેથી મલિન દૃષ્ટિવાળા લોકોની તેના પર નજર ન પડે અને તે લોકોનું અમંગલ ન થાય.’ આમ શ્રીરામકૃષ્ણ સમયે સમયે ગોલાપમાને મા શારદામણિનો સાચો પરિચય કરાવતા રહ્યા અને તેમનામાં મા પ્રત્યે અતૂટ શ્રદ્ધાભક્તિ પ્રસ્થાપિત કરતા રહ્યા. (ક્રમશઃ)

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.