‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો)

‘આમ ને આમ તો તું ગાંડી થઈ જઈશ? ક્યાં સુધી ચંડીને યાદ કરતી બેઠી રહીશ?’

‘યોગીન્, હું જાણું છું કે જનાર કોઈ પાછું આવતું નથી. પણ વિધાતાએ મારી એકની એક ‘ચંડી’ને પણ મારા હાથમાંથી ઝૂંટવી લીધી. જનમભરમાં મેં સુખ તો જોયું જ નથી. પતિ ગુમાવ્યો. કેવો હસતો સુંદર દીકરો હતો, એ ય ભગવાને લઈ લીધો. અને દીકરીએ મને થોડાક સુખનો અનુભવ કરાવ્યો હતો, કેવા ઊંચા જમીનદારના કુળમાં મેં એને પરણાવી હતી! દોમદોમ સાહ્યબીમાં રહેતી હતી મારી ચંડી! હતી પણ કેવી સ્વરૂપવાન! એના જેવી સુંદર કોઈ છોકરી મેં હજુ જોઈ નથી! લગ્ન પછી એના ઠાઠમાઠ સાથે, પહેરેદારો ને સિપાઈઓ સાથે આવી હતી, ત્યારે તો મારા આનંદનો પાર ન હતો. મને થયું કે ભલે વિધાતાએ બધું ઝૂંટવી લીધું. પણ મારા રાંકના રતન સમી આ દીકરી છે, એટલે જીવી જવાશે. પણ બહેન, મેં એવાં તે ક્યાં પાપ કર્યાં હશે કે મારી દીકરી ય મરી ગઈ?’ આમ કહીને એ રડવા માંડી.

‘રડવાથી હવે શું વળશે? આમ ને આમ દુ:ખમાં દિવસો કેમ વીતશે? તું મારી સાથે એક વાર દક્ષિણેશ્વર આવ. ને જો તો ખરી. તને દુઃખમાંથી એકદમ ઊંચકીને મારા ઠાકુર બહાર મૂકી દેશે. બસ એક જ વાર મારી સાથે ચાલ. પછી તો મારે તને કહેવું પણ નહીં પડે.’ યોગીનમાએ ખૂબ આગ્રહ કર્યો એટલે એ દુઃખી બ્રાહ્મણીએ કહ્યું : ‘તું આટલું બધું કહે છે તો ભલે એક વાર તારી સાથે આવીશ.’

આ દુઃખી બ્રાહ્મણી હતી ગોલાપસુંદરી. ગૌરવર્ણ, ઊંચા, શક્તિશાળી ને સુદૃઢ શરીરવાળી આ બ્રાહ્મણીને પોતાના પ્રિય સ્વજનોના મૃત્યુના આઘાતે સાવ ભાંગી નાંખી હતી. નાનપણમાં લગ્ન થયું હતું. એક પુત્રી અને પુત્રની પ્રાપ્તિ પછી પતિનું અકાળ અવસાન થયું ને બ્રાહ્મણી શોકમાં ડૂબી ગઈ. હજુ શોક પૂરો શમ્યો નહીં ત્યાં પુત્રનું અવસાન થયું. અને પછી સાસરે ગયેલી પુત્રી ય મૃત્યુ પામી, આ અપાર દુ:ખથી તે સાવ ભાંગી પડી તી. પોતાની એક વિધવા બહેન સાથે ભાઈઓના પરિવારમાં તે રહેતી હતી અને રાતદિવસ પોતાના ભાગ્યને દોષ દેતી દિવસો પસાર કરી રહી હતી. તેમનું આ દુઃખ તેમની પાડોશમાં રહેતાં યોગીનમાથી જોઈ શકાયું નહીં. યોગીનમા પણ દુઃખી હતાં અને બલરામ બોઝના પત્ની એમને દક્ષિણેશ્વ૨માં શ્રીરામકૃષ્ણ પાસે લઈ ગયાં હતાં. શ્રીરામકૃષ્ણના સંસર્ગથી એમનું દુઃખમય જીવન પ્રભુભક્તિની મસ્તી અને આનંદમાં પલટાઈ ગયું હતું. તેથી તેમને થયું હતું કે આ દુ:ખી બ્રાહ્મણીને પણ કરુણામય શ્રીરામકૃષ્ણનો કૃપા સ્પર્શ મળે તો તેના શોક સંતાપ શમી જાય અને તેનું જીવન ભગવદાભિમુખ બને. એ હેતુથી તેઓ ગોલાપસુંદરીને પોતાની સાથે દક્ષિણેશ્વર લાવ્યાં. એ દિવસ હતો ૧૮૮૫ની ૧૩મી જૂનનો. બપોરનો ત્રીજો પહોર હતો. શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં બેઠા બેઠા ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. આ બ્રાહ્માણી ઉત્તર તરફના દરવાજા બાજુ ઊભી ઊભી શ્રીરામકૃષ્ણની અમૃતવાણી સાંભળતી રહી. ઠાકુર તો માનવોને સહેવા પડતાં દુઃખોની વાત સહજ રીતે કહેવા લાગ્યા. ઠાકુરે પોતાના બાળપણના મિત્ર રામમલ્લિકની વાત કરી. તેને પુત્ર નહોતો એટલે તેણે ભત્રીજાને મોટો કર્યો. તે ભત્રીજો મરી ગયો ને રામમલ્લિકને એના દુઃખનો એટલો બધો આઘાત લાગ્યો કે એ દુઃખથી આકુળ વ્યાકુળ બની ગયો. આ પછી ઠાકુરે બીજા એક માણસની વાત કરતાં કહ્યું કે બે દિવસ પહેલાં અહીં એક માણસ આવ્યો હતો. તેનો દીકરો મરી ગયેલો. તે કહે ‘મને મારા દીકરાનું મોઢું જોવું છે. એ બતાવો.’ દીકરાને જોવાની તેની તાલાવેલી જોઈને હું મારી જાતને રોકી શક્યો નહીં, મેં કહ્યું, ‘તારે ભગવાનનાં દર્શન છોડીને મરી ગયેલા દીકરાનું મોઢું જોવું છે? કેવો મુરખ છે તું? કેવળ ભગવાન જ સત્ય છે. બાકી બધું મિથ્યા છે. જાદુગર સત્ય છે. તેનું જાદુ એ ભ્રમણા છે. જન્મ અને મૃત્યુ એ બધું તો જાદુગરની ઈન્દ્રજાળ છે. જેમ અત્યારે છે, તો પછી નથી.’ ઠાકુરની આવી વાણી સાંભળતી સાંભળતી બ્રાહ્મણી તો સ્તબ્ધ જ થઈ ગઈ. ‘અરે, આ તો મારા જ દુઃખની વાત તેઓ કરી રહ્યા છે. જાણે બધું મને જ કહી રહ્યા છે! શું તેઓ મારા દુઃખ ને શોક સંતાપને જાણી ગયા હશે? નહીંતર આવી વાતો શા માટે કરે? ત્યાં તો ઠાકુરે આગળ કહ્યું : ‘ભગવાન સમુદ્ર છે. બધા જીવો તેમાં ઊઠતા પરપોટા છે. તેમાં જ સર્જાય છે, ને પાછા તેમાં જ શમી જાય છે. બાળકો એ મોટા પરપોટાની આજુબાજુ સર્જાયેલા નાના પરપોટા જ છે. કેવળ ભગવાન જ સત્ય છે. તેના પ્રત્યે પ્રેમ જાગૃત કરી. એમને પામવાનો માર્ગ શોધી કાઢો. દુઃખથી શું વળશે?’ દુઃખથી છલાછલ ભરેલા બ્રાહ્મણીના હૃદયમાં શ્રી૨ામકૃષ્ણની વાણીએ અમૃતનો છંટકાવ કરી જ દીધો અને શોક સંતપ્ત હૃદયમાં જાણે શીતળતાની મીઠી લહેર ફરી વળી. આ વાણીમાં એવું તો જાદુ હતું કે તે બ્રાહ્મણીના અંતઃસ્તલને સ્પર્શી ગયું અને તેના અંત૨માં કંઈક હલચલ મચી ગઈ. તેને થયું કે ‘સાચી વાત છે. દુઃખથી શું વળશે.’ શ્રીરામકૃષ્ણ તો ભક્તોની સાથે વાર્તાલાપ કરતા હતા. પણ આજનો આ વાર્તાલાપ જાણે આ બ્રાહ્મણી માટે જ હતો, તેવું તેને સ્પષ્ટ જણાયું, અને ખરેખર એમ જ હતું! ઠાકુરની તો ઉપદેશ આપવાની રીત જ અનોખી હતી! સીધો સ્પષ્ટ ઉપદેશ નહીં. છતાં કહેનારના અંતર સોંસરવી વાત ઊતારી દે ને અંતરમાં ખળભળાટ મચાવી દે, તેવી રીતે કોઈને ય ખબર ન પડે, એમ કહેવાનું કહી દેતા. અહીં પણ એમણે એ જ કર્યું. બ્રાહ્મણીના અંતરને ઢંઢોળીને તેમાં સાચી વાત મૂકી દીધી અને પછી જાણે કશું જ બન્યું નથી તેમ બધા સાથે વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણીને થયું કે ખરેખર આ કંઈ સામાન્ય મહાત્મા નથી. કોઈ સાધારણ સાધુ નથી. પણ આ તો અન્યના અંતરના ભાવને જાણી શકનાર કોઈ મહાન સિદ્ધ પુરુષ છે. હજુ તો તેમણે શ્રીરામકૃષ્ણની વાણી જ સાંભળી હતી, તેમની સમીપ જઈને પ્રણામ પણ નહોતા કર્યા. અને તેના અંતરમાં શ્રદ્ધા ભક્તિ જાગી ગયાં. વાર્તાલાપ પછી તે ઠાકુરની સમીપ ગઈ. પ્રણામ કર્યા. ઠાકુરે પ્રેમપૂર્વક પછી વાત પૂછી. ધીમે ઘીમે બ્રાહ્મણીએ પોતાના અંતરનું સમગ્ર દુઃખ ઠાકુરની સમક્ષ રજૂ કરી દીધું ને તેનું અંતર હવે તદ્દન ખાલી થઈ ગયું. જાણે અત્યાર સુધી દુઃખ ને શોકનો જે ભાર હૃદય ઉપાડતું હતું તે ભાર ચાલ્યો ગયો ને તે એકદમ હળવી થઈ ગઈ ને તેના હૃદયમાં વરસો પછી પહેલી જ વાર પ્રસન્નતા છવાઈ ગઈ. તેને પોતાને સમજાતું નહોતું કે તેની અંદર શું થઈ રહ્યું છે. ત્યાં તો ઠાકુરે હવે તેને જ ઉદ્દેશીને કહ્યું : ‘તમે ભાગ્યશાળી છો. ભગવાન એમને જ મદદ કરે છે, જેમનું પોતાનું કહી શકાય તેવું કોઈ નથી.’ ગરીબ, દુ:ખી, નિરાધાર, શોક સંતપ્ત બ્રાહ્મણીને જિંદગીમાં હજુ સુધી કોઈએ આવું કહ્યું નહોતું. બધા તેની દયા ખાતા. તે અભાગણ છે એમ કહેતા. બિચારી દુઃખી છે એમ કહી કહીને તેના દુઃખને તાજું રાખતા. તેમાં ઉમેરો કરતા! ત્યારે અહીં એક વ્યક્તિ એવી હતી જે તેને કહી રહી હતી : ‘તમે ભાગ્યશાળી છો.’ શું આ કોઈ સામાન્ય મનુષ્યના શબ્દો હતા? બ્રાહ્મણીને થયું કે ‘આ તો મનુષ્યનાં દુઃખોને દૂર કરવા માટે આવેલા અવતાર પુરુષના આ શબ્દો છે! કોઈ મનુષ્ય મારા જેવી બ્રાહ્મણીને માટે આવા શબ્દો કદી ઉચ્ચારી શકે ખરો?’ બ્રાહ્મણીના હૃદયમાં વાર્તાલાપે શ્રદ્ધાભક્તિ જગાડ્યાં હતાં, તેને આ શબ્દોએ દૃઢ બનાવી દીધાં. અને ઠાકુરના પછીના શબ્દો કે ‘ભગવાન તેને જ મદદ કરે છે જેનું કોઈ નથી’, તેનો તે મૂર્તિમંત અનુભવ કરી રહી કે સાચે જ ભગવાને તેને મદદ કરીને કેવા મહાપુરુષના સાન્નિધ્યમાં મૂકી દીધી! હવે તેને પોતાનું જીવન જીવવા જેવું લાગવા માંડ્યું. જે શોકની છાયા તેના ઉપર છવાયેલી રહેતી હતી, તે અદૃશ્ય થઈ જતાં તેનો ચેહરો પણ ચમકી ઊઠ્યો. આવી હતી દુ:ખથી ભરેલી ને હવે જઈ રહી હતી એક નવા જીવનની ભેટ લઈને. બપોરનો સમય હતો. જેઠ મહિનાના એ દિવસો હતા. ભક્તો સાથેનો વાર્તાલાપ પૂરો થઈ ગયો હતો. બ્રાહ્મણીએ પણ પોતાની વાત કરી દીધી હતી એટલે તેણે હવે પાછા કલકત્તા જવા માટેની શ્રીરામકૃષ્ણ પાસે રજા માંગી કહ્યું : ‘હવે હું જાઉં?’

‘તમે અત્યારે જશો? બહાર કેટલો બધો તાપ છે? ખરું ને? તમે આ લોકોની સાથે ગાડીમાં જ જજો.’ અરે, એક વિધવા ગરીબ બ્રાહ્મણીને માટે ઠાકુરની આટલી બધી કાળજી? આવી ચિંતા તો અત્યાર સુધી તેના માટે કોઈએ કરી ન હતી! તે તો આ સાંભળીને ગદ્ગદિત બની ગઈ. તેને થયું કે આ વૈરાગી સાધુપુરુષના હૃદયમાં તો ભરેલાં છે માનાં વાત્સલ્ય ને પ્રેમ. આ મહાપુરુષ કેવળ શુષ્ક વૈરાગ્યની વાતો કરનારા નથી પણ એ તો છે પારાવાર પ્રેમથી છલકાતા, પતિતો, પીડિતો ને દુઃખીજનોને પોતાના પ્રેમમાં તરબોળ કરી એના દુ:ખના બોજાને તુચ્છ બનાવી દેનાર અક્ષય સુખ ને સ્નેહના સાગર! જીવનભર દુઃખ સિવાય જેણે કંઈ જ જોયું નહોતું તેના માટે તો ઠાકુરનો આ કાળજીભર્યો વ્યવહાર અકલ્પનીય હતો. હવે તેને પ્રતીતિ થઈ ગઈ કે એ એક એવા સલામત આશ્રયસ્થાનમાં આવી છે કે જ્યાં એના પોતાના જીવનનો પણ બોજો નથી. તેની ચિંતા ટળી. મન શાંત થયું. શોક સંતાપ શમી ગયા. આવી હતી હોડીમાં ઉદ્વિગ્ન મને પણ પાછી જઈ રહી હતી ભક્તોની સાથે ગાડીમાં આનંદભર્યા સ્વસ્થ ચિત્તે, અને એ જ તો હતું શ્રીરામકૃષ્ણના દર્શનનું પરિણામ!

શ્રીરામકૃષ્ણ તો હતા દિવ્યતાનું ચુંબક. આત્માની આડે રહેલા અંધકારના આવરણોને ભેદીને છેક આત્માના અતલ ઊંડાણ સુધી પોતાના તેજ કિરણોને ફેલાવનાર જ્ઞાન સૂર્ય. એક વાર પણ એમની સમીપ આવ્યા બાદ જો આ કિરણનો આત્મા સુધી સ્પર્શ થયો હોય તો પછી તે વ્યક્તિ આ ચૂંબકથી ખેંચાઈને તેમની સમીપ આવ્યા વગર રહી શક્તી જ નહીં. પછી તે પાશ્ચાત્ય કેળવણીથી રંગાયેલા નરેન્દ્રનાથ દત્ત હોય કે વકીલ પિતાનો મેધાવી પુત્ર રાખાલ હોય કે અભણ ને અબુધ એવી ગ્રામ્ય નારી અધોરમણિ દેવી હોય! ગોલાપમાની બાબતમાં પણ એવું જ થયું. એક વખત ઠાકુરના દર્શન કર્યા બાદ તેમનું ચિત્ત વારંવાર ઠાકુરના દર્શન માટે તલસવા લાગ્યું અને તેઓ દક્ષિણેશ્વર જવા લાગ્યાં. ઠાકુરના કૃપા – સ્પર્શે એમનું દુઃખ વિસરાવા લાગ્યું. એક દિવસ ઠાકુરે શ્રીમા શારદામણિ સાથે ગોલાપમાનો પરિચય કરાવ્યો. કહ્યું, ‘આને સારી રીતે ખવડાવજો. તેથી તેનો શોક ઓછો થશે. આ બ્રાહ્મણીનું તમે ધ્યાન રાખજો. એ કાયમ તમારી સાથે રહેશે.’ આમ તેમણે શ્રીમાને એક સાથીદાર આપી દીધી! ત્યારે તો શ્રીમા કે ગોલાપમા બંનેમાંથી કોઈ જાણતું ન હતું કે ઠાકુર પોતાના લીલા સંવરણ બાદની વ્યવસ્થાનું સૂચન કરી રહ્યા છે! શ્રીમાએ આ દુઃખી બ્રાહ્મણીને પ્રેમથી અપનાવી લીધી અને દુ:ખી બ્રાહ્મણીના ભાગ્યનું ચક્ર પલટાઈ ગયું. તેઓ વારંવાર દક્ષિણેશ્વર આવવા લાગ્યાં. શ્રીમા પાસે નોબતખાનામાં રહેવા લાગ્યાં. પછી તો શ્રીરામકૃષ્ણના ઓરડામાં ભોજન લઈ જવાનું અને જમાડવાનું જે કાર્ય શ્રીમા કરતાં હતાં, તે કાર્ય તેઓ કરવા લાગ્યાં. ઠાકુરને જમાડવામાં તેમને ખૂબ આનંદ મળતો. શ્રીરામકૃષ્ણના ઓરડાને સાફ કરવાનું કાર્ય પણ તેઓ કરવા લાગ્યાં. ઘણી વાર રાત્રે પણ શ્રીરામકૃષ્ણના ઓરડામાં ભોજન બાદ તેઓ શ્રીરામકૃષ્ણ સાથે વાર્તાલાપ કરતાં. આમ શ્રીરામકૃષ્ણની કૃપાને પરિણામે તેમના જીવનમાં ભગવદ્ ભાવનો વિસ્તાર થવા લાગ્યો. તેમણે પોતે કહ્યું હતું કે ‘ઠાકુરની કૃપાથી હું મારા ઇષ્ટદેવના જીવંત રૂપમાં દર્શન કરી શકી છું’. બીજા એક પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘શ્રીરામકૃષ્ણની પ્રથમ મુલાકાત પછી ઠાકુરના સ્વરૂપ જેવો એક નાનકડો બાળક ઘણા સમય સુધી મારી સાથે ફરતો હતો.’ તેમની આંતર ચેતનાનું સૂક્ષ્મભૂમિકામાં શ્રીરામકૃષ્ણ સાથે અનુસંધાન થઈ ગયું હતું અને તેથી જ તો તેનું દુઃખ ભરેલું જીવન હવે આનંદમાં પલટાઈ રહ્યું હતું.

હવે બ્રાહ્મણીના અંતરમાં એવી ઈચ્છા જાગી કે ઠાકુરની ચરણરજથી પોતાનું ઘર પાવન કરવું. પણ એ તે કેવી રીતે શક્ય બને? મોટા મોટા ભક્તો પણ હાથ જોડીને ઠાકુરને પોતાને ત્યાં પધા૨વા આજીજી કરતા હોય છે, પણ ઠાકુર તેમને ત્યાં ય પધારતા નથી, તો પોતે તો ગરીબ, વિધવા, બ્રાહ્મણી ને વળી પોતાનું ઘર યે સાવ નાનકડું ને સગવડ વગરનું! ઠાકુર ત્યાં તો કેવી રીતે આવે? આમ તેનાં હૃદય અને મન વચ્ચે વાતો થવા લાગી. હૃદયની ભાવનાને બુદ્ધિની દલીલો કોઈ પણ રીતે દાબી શકી નહીં. એવામાં ઠાકુરને કલકત્તામાં નંદબાબુના ઘરે આવવાનો પ્રસંગ ગોઠવાયો અને બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. નંદબાબુનું ઘર તો તેના ઘરની સાવ સમીપમાં જ. તો તો હવે ઠાકુરની ચરણરજથી મારું ઘર કાશી બની જવાનું! પોતાના અંતરની વાત ઠાકુર આગળ રજૂ કરી ને તેના આશ્ચર્ય વચ્ચે ઠાકુરે સામેથી જ તેને કહ્યું ‘કેમ નહીં? જરૂર તમારે ત્યાં આવીશ. ને ત્યાંથી પછી ગનુની મા (યોગીનમા) ને ત્યાં જઈશ.’ ગોલાપમા અને યોગીનમા બંને ઠાકુરના આગમનના દિવસની ઉત્કટતાપૂર્વક પ્રતીક્ષા કરવા લાગ્યાં.

આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. તે દિવસ હતો ૧૮૮૫ની ૨૮મી જુલાઈનો. નંદબાબુના ઘરે ઠાકુર પધારવાના હતા. બ્રાહ્મણીએ તો આખો દિવસ તૈયારી કરી. પછી સાંજે અધીર બની ઠાકુરના આગમનની પ્રતીક્ષા કરવા લાગી. પણ ઠાકુર આવ્યા નહીં. મોડું થયું. બ્રાહ્મણીનું હૃદય આશંકાથી કંપવા લાગ્યું. તે વ્યગ્ર ચિત્તે આંટાફેરા કરવા લાગી. ઘડીમાં ઉપર અગાશીમાં, તો ઘડીમાં નીચે ઊતરીને ફળિયામાંથી જોવા લાગી. પણ ઠાકુરના આગમનની નિશાની ય જણાતી ન હતી. હવે તો બધા જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ‘અરેરે, હજુ ય ઠાકુર કેમ ન આવ્યા – શું તેઓ નહીં આવે? જો તેઓ નહીં આવે તો મેં આટલી બધી તૈયારી કરી છે, એ બધી ય ફેંકી દઈશ. અને એમની સાથે ક્યારે ય બોલીશ નહીં. દૂરથી જ એમના દર્શન કરી લઈશ. પણ એમની પાસે ક્યારેય નહીં જાઉં’ – આમ તેનું મન વિચારી રહ્યું. પણ પછી તો તેનાથી રહેવાયું જ નહીં ને તે સીધી દોડી ગઈ નંદબાબુના ઘેર. જેમને સત્કા૨વા આખો દિવસ તૈયારી કરી હતી, અરે દિવસોથી મનમાં ગોઠવણો કર્યે જ રાખી હતી, એ ઠાકુર તો આવી પહોંચ્યા, ને એ જ ત્યારે હાજર ન રહી શકી! અને બ્રાહ્મણીની બહેન તો ગભરાઈ ગઈ કે હવે ઠાકુરને બેસાડવા ક્યાં? ઘર તો હતું જૂનું પુરાણું ને પાછું સાંકડું, તેમાં અગાશી ઉપર ઠાકુરનું આસન રાખ્યું હતું. એકાએક ઠાકુરને આવેલા જોઈને બ્રાહ્મણીની બહેનને કંઈ સૂઝયું જ નહીં. પણ ઠાકુર તો ભાવગ્રાહી. તેઓ ભક્તોની સાથે અગાશી ઉપર જ પહોંચ્યા અને પોતાના આસન પર હસતાં હસતાં બિરાજ્યા. એટલામાં તો હાંફતી હાંફતી બ્રાહ્મણી આવી પહોંચી. ઠાકુરને અગાશીમાં બિરાજેલા જોઈને તે આનંદથી પાગલ થઈ ગઈ. ભાવનાં આવેગમાં શું કરવું ને શું બોલવું તે તેને સૂઝયું જ નહીં. પણ પછી થોડી વારે યાદ આવતા તે ઠાકુરની પાસે ગઈ ને તેમને પ્રણામ કરીને તેમની ચરણરજ લીધી. પછી ત્યાં હાજર રહેલા સર્વ ભક્તોની આગળ આનંદથી છલકાતી બોલવા લાગી; ‘અરે, આજે મારા આનંદનો પાર નથી. આજે હું તો આનંદથી પાગલ બની ગઈ છું. આટલો આનંદ તો મને જિંદગીમાં ક્યારેય મળ્યો નથી. મારી પુત્રી ચંડી જ્યારે સિપાહી સંત્રીઓને સાથે લઈને આવી ત્યારે ય મને આટલો આનંદ થયો ન હતો. અરે, મારી દીકરીના મરણનો શોક હવે મને જરાય રહ્યો નથી. ઠાકુર પધાર્યા છે!’ (ક્રમશઃ)

Total Views: 17
By Published On: April 26, 2022Categories: Jyotibahen Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram