Vivekananda: East meets West

By Swami Chetanananda

164 pp. St. Louis

VEDANTA SOCIETY OF SAINT LOUIS, USA

Price : $ 135

ચિત્રનું દર્શન – સારા ચિત્રને મન ભરીને નીરખવું એટલે એક હજાર શબ્દ સાંભળ્યાનાં ફળ-પરિણામની પ્રાપ્તિ થઈ સમજવી – આ છે ચિત્રની અમીટ છાપની વાત. સ્વામી વિવેકાનંદના પશ્ચિમના દેશોમાં પરિભ્રમણ વ્યાખ્યાનો, આધ્યાત્મિક વર્ગોનું સંચાલન અને તેમાંય ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરની વિશ્વધર્મ પરિષદનું સર્વને અમૃતનાં સંતાન સાબિત કરતું, ‘સર્વધર્મ સમન્વય વિના નહિ ઉદ્ધાર’ની સાચુકલા હૃદયની વાત કરતું અને ભારત-વર્ષની ધર્મ સંસ્કૃતિની ગૌરવગરિમાને સ્થાપિત કરતું સ્વામીજીનું ઐતિહાસિક ઉદ્‌બોધન અને ત્યાર પછી – અમેરિકાભરમાં એમણે આપેલાં વકતવ્યો એટલે અમૃતવાણીનો અસ્ખલિત અને સ્વયંભૂ વહેતો પ્રવાહ.

આ ચિત્રદર્શનવાળી સ્વામી વિવેકાનંદની જીવનકથાનું લેખનકાર્ય કર્યું છે સ્વામી ચેતનાનંદજીએ. હસ્ટન સ્મિથ જેવા વિદ્વત્જનની કલમે તેનું પુરોવચન અક્ષરોમાં મઢાયું છે, તેમ જ આર્ષદૃષ્ટિવાળા સિદ્ધહસ્ત લેખક ક્રિસ્ટોફર ઈશરવુડના શબ્દોમાં ઢાળેલી સ્વામીજીની જીવનકથા વિષેની એક પરિચયાત્મક નોંધ સાથેના આ ચિત્રાત્મક જીવનકથાવાળા ગ્રંથ દ્વારા આપણને સ્વામીજીના એ દિવસોની પુનઃ યાદ અપાવશે. એટલું જ નહિ પણ એમના સમગ્ર જીવનને વ્યક્ત કરતાં ૨૭૫ જેટલાં ચિત્રો આપણા સૌ માટે આ યુવાન સંન્યાસી ધર્મ સંસ્કૃતિના અરુણોદય સમી પ્રતિભાવાળા યુગપુરુષની જીવનયાત્રાના દર્શનનો અમૂલ્ય લાભ આપી જાય તેવો આ ગ્રંથ છે.

આ ગ્રંથમાં ‘Narendra – Chief of men’ અને ‘Ramakrishna – My master’ – ‘I have a message to the west’ – ‘I shall never see forty’ – વાળાં પ્રકરણોમાં સ્વામીજીનું નેતૃત્વ, એમની ગુરુભક્તિ, પૂર્વ અને પશ્ચિમના સુભગ સમન્વયની વાત છે, જે આજના યુગમાં – આપણી ૨૧મી સદીમાં સૌથી વધારે પ્રાસંગિક અને પ્રસ્તુત છે. પૂર્વની આધ્યાત્મિકતા, પૂર્વની પ્રાચીન સંસ્કૃતિની ગૌરવગરિમા અને પશ્ચિમના વિજ્ઞાન-ટૅકનૉલૉજીના સુભગ સમન્વયની વાત બધું આમાં છે – જો સ્વામીજીની આ યુગવાણીને ભૂલીને આપણે અવળે રસ્તે ચાલ્યા તો આપણું આવી બન્યું સમજવું.

આ ગ્રંથ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા, આધ્યાત્મિક સંદેશની શોધમાં લાગેલા જિજ્ઞાસુઓ માટે તો સંતર્પક છે. પણ સાથે ને સાથે બીજા ધર્મના ઈતિહાસ અને મહત્ત્વને જાણવા ઈચ્છતા જિજ્ઞાસુજનો માટે પણ ઉપયુક્ત નીવડે તેવો છે – P. ૨, ૧૨, ૧૮, ૨૦, ૨૩, ૨૪, ૨૬, ૨૮, ૨૯, ૪૨, ૪૬ તેમ જ P. ૭૭થી ૮૪ સુધીનાં ચિત્રો આપણને એ યુગની ઝાંખી કરાવી જાય છે. ખરેખર, અનન્ય ચિત્રોવાળી, આકર્ષક જૅકેટવાળી આ ચિત્રમય જીવનકથા એટલે ઘડીભર થાકેલા રાહી માટે જીવન જીવવાનું અમૂલ્ય પાથેય આપી જતું જીવનદર્શન છે.

– મનસુખલાલ મહેતા

આચાર્ય, વિરાણી હાઈસ્કૂલ, રાજકોટ.

Total Views: 444

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.