૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ નામના ગ્રંથમાં (બીજા વૉલ્યુમના એપેન્ડિક્સ ‘સી’) આ લેખ સૌ પ્રથમ પ્રસિદ્ધ થયેલ હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના નવમા ખંડમાં પણ આ લેખ પ્રકાશિત થયો છે.

હિન્દુ નારીના ચિત્રણમાં સ્વામીજી તેઓનાં સૌંદર્ય અને ઉચ્ચ ચારિત્ર્યની વાત ભાર દઈને કરે છે, અને જણાવે છે કે જ્યારે સંસ્કૃતિ સોળે કળાએ ખીલી હતી. ત્યારે સ્ત્રીઓનો કેટલો બધો આદર થતો હતો. આની સાથે તુલના કરવાથી આપણને તરત જ જણાઈ આવે છે કે કહેવાતા ‘ડેવલપમૅન્ટ’ એટલે કે ‘વિકાસ’ને માટે આપણને કેટલી મોટી માત્રામાં નુકસાન થઈ ગયું છે. આ ઉપરથી આપણે વિચારતાં થઈશું કે – શું નારીના આદર્શ વિશે ભૂતકાળ તેમ જ વર્તમાનકાળના સર્વોત્તમ તત્ત્વોનું સંતુલન કરી શકાય તેમ નથી? – સં.

(ગતાંકથી આગળ)

હવે આપણે મહાન નિયામક મનુ ભગવાન વિષે થોડું વિચારીએ. તેમણે રચેલા સ્મૃતિગ્રંથમાં બાળકને કઈ રીતે શિક્ષણ આપવું તે વિષે ખૂબ જ ઝીણવટપૂર્વક લખાયું છે. અત્રે આપણે યાદ રાખવાનું છે કે આર્યોમાં બાળકને શિક્ષણ આપવું ફરજિયાત ગણાતું. પછી તે ગમે તે જ્ઞાતિનું કેમ ન હોય, બાળકનું શિક્ષણ કઈ રીતે થાય તે વર્ણવ્યા પછી મનુ ઉમેરે છે, ‘તેમ છતાં, આ જ દૃષ્ટિએ, છોકરાઓની જેમ છોકરીઓનું પણ શિક્ષણ હોવું જોઈએ.’ મેં સાંભળ્યું છે કે મનુસ્મૃતિના કેટલાક ભાગોમાં નારીઓને અનુપયોગી અને દોષિત ઠરાવવામાં આવી છે, અને લાલચ વધારનાર કહેવાઈ છે. પરન્તુ તમે જોઈ જ શકો છો કે બીજા કેટલા બધા ભાગોમાં નારીને ભગવાનની ‘શક્તિ’ તરીકે બિરદાવવામાં આવી છે. એવા એક ભાગમાં લખાયું છે કે જે સ્થળે સ્ત્રીના આંસુનું એક ટીપું પણ પડે ત્યાં દેવો પ્રસન્ન રહેતા નથી, બલકે તે ઘરને તેઓ ખંડેર જ બનાવી દે છે. દારૂનું સેવન, સ્ત્રીની હત્યા અને બ્રાહ્મણની હત્યાને હિન્દુ ધર્મ સર્વ કરતાં વધુ ઘૃણાજનક પાપ માને છે. હું કબૂલ કરું છું કે નારીને ‘દોષિત’ માનનારા ભાગો પણ આ જ સ્મૃતિમાંથી મળે તેમ છે, તેમ છતાં અન્ય પવિત્ર ગ્રંથો (અન્ય ધર્મોના) કરતાં હિન્દુ ગ્રંથોનું સ્થાન ઉચ્ચ જ છે, એવું હું જાહેર કરું છું; કેમ કે અન્ય ગ્રંથો તો સ્ત્રીને કેવળ દોષિત જ માને છે, અને ક્યારેય તેની પ્રશંસા કરતા જ નથી (જે હિન્દુ ધર્મગ્રંથો કરે તો છે!)

હવે આપણે સંસ્કૃત નાટ્યસાહિત્યમાં સ્ત્રીનું ચરિત્ર નિરૂપણ જોઈએ. ગ્રંથો ભલે ગમે તે કહે, નાટકો સમાજનું દર્પણ હોય છે, અને તે સમયની નારીની સ્થિતિ વિષે પણ આપણને ઘણું જાણવા મળે છે. ક્રાઈસ્ટ પહેલાંના ૪૦૦ વર્ષથી લખાતાં આવેલાં હોય તેવાં આ નાટકોમાં પણ બતાવ્યું છે કે કેટલાક વિશ્વવિદ્યાલયોમાં છોકરાઓ અને છોકરીઓ પણ અભ્યાસ કરતાં હતાં. જે પ્રકારની હિન્દુ સ્ત્રી પાછળના સમયમાં બની ગયેલી છે, તેવા પ્રકારની કોઈ હિન્દુ સ્ત્રી આ નાટકોમાં જણાતી નથી, કે જેને ઉચ્ચ શિક્ષણમાંથી બાકાત રાખવામાં આવી હોય. ઉલટાનું, આજે જે સ્થિતિમાં નારીઓ આ દેશમાં (તમારા અમેરિકામાં) છે, કંઈક એવી જ સ્થિતિમાં તે (સમયની) સ્ત્રીઓ રહેતી હતી એમ જણાય છે. બગીચાઓમાં વિહાર કરતી, અશ્વારોહણ વગેરે દ્વારા અહીં તહીં સંચરણ કરતી તે સ્ત્રીઓ હતી. આથી પણ એક વધુ નવીન બાબત તમને હું જણાવું છું, જેમાં દુનિયાની અન્ય સ્ત્રીઓની તુલનામાં હિન્દુ સ્ત્રી ઉચ્ચતર સ્થાન ધરાવે છે. તે છે તેના હક્કો અને અધિકારો. પુરુષના સંપત્તિહક્ક જેટલો જ સંપૂર્ણ સંપત્તિહક્ક ભારતીય નારી ધરાવે છે. તમારા જ કોઈ વકીલમિત્ર હોય, જેમણે હિન્દુ શાસ્ત્રો અને તેનાં ભાષ્યો વાંચ્યાં હોય, તેમની પાસેથી તમે આ બાબતને સ્પષ્ટ જાણી લેશો જ. પોતાના પતિને ઘેર કોઈ કન્યા ભલે એક કરોડ ડૉલર લઈને આવી હોય, તેમાંનો એકે એક ડૉલર તેની પોતાની જ સંપત્તિ રહે છે. તેમાનાં એક પણ ડૉલરને અન્ય કોઈ હાથ પણ નથી લગાડી શકતું. બાળક થયા વિના જો તેનો પતિ મૃત્યુ પામે, તો પતિની સમગ્ર સંપત્તિ પર તેનો જ અધિકાર છે; તેનાં સાસુ-સસરા જીવિત હોય તો પણ આ અધિકાર તેનો જ રહે છે. પ્રાચીન સમયથી માંડીને આજના સમય સુધી આ જ નિયમ ચાલુ રહ્યો છે. અન્ય દેશોની નારીઓની તુલનામાં હિન્દુ નારીઓનો આ અબાધિત અધિકારોને ઉચ્ચતર સ્થાન અપાવે છે.

પ્રાચીન ગ્રંથો અથવા વર્તમાન પુસ્તકો પણ હિન્દુ વિધવાને પુર્નલગ્ન કરવાનો નિષેધ કરતાં નથી. એવો નિષેધ છે એમ સમજવું તે એક ભૂલ છે. શાસ્ત્રો તો સ્ત્રીઓને પસંદગી કરવા દે છે – અને પુરુષોને પણ તેવો જ હક્ક છે (કે પુનર્લગ્ન કરવાં કે નહિ). અમારા ધર્મમાં એવો વિચાર છે કે જે ફરી લગ્ન કર્યા વગર ન રહી શકતા હોય તે જ લગ્ન કરે. હજી સુધી મને કોઈ એવું કારણ (તાર્કિક રીતે) જણાતું નથી જેને લીધે આ વિચારનો ત્યાગ કરીએ! જેમને પોતે સંપૂર્ણ છે એમ જણાતું હોય, તેમને માટે લગ્નનો શો ઉપયોગ છે? અને જેઓ લગ્ન કરે છે, તેઓને (સંપૂર્ણતા મેળવવાની) એક તક આપવામાં આવે છે; જ્યારે એ તક પૂરી થઈ જાય છે ત્યારે, જો એ નર કે નારી પુનર્લગ્ન કરે તો (સમાજ દ્વારા) તેમના પ્રત્યે અનાદર અવશ્ય રખાય છે કેમ કે નિર્બળતાનો કદી આદર થતો નથી, છતાં એનો અર્થ એ નથી કે પુનર્લગ્નનો નિષેધ થયો છે. કોઈ પણ સ્થાને એ લખાયેલું નથી કે વિધવાએ લગ્ન ન કરવું. છતાં, જે વિધુર કે વિધવા ફરીથી લગ્ન નથી કરતાં તેઓને આધ્યાત્મિક દૃષ્ટિથી, વધુ શક્તિશાળી ગણવામાં આવે છે. અલબત્ત, આ નિયમનો ભંગ કરીને પુરુષો તો ફરીથી લગ્ન કરી લે છે, પણ વધુ ઉચ્ચ આધ્યાત્મિક પ્રકૃતિને કારણે સ્ત્રીઓ બીજી વખત લગ્ન ન કરીને આ નિયમનું પાલન કરે છે. એવો જ બીજો દાખલો જોઈએ. આપણા ધર્મગ્રંથો માંસભક્ષણને ખરાબ અને પાપી કૃત્ય ગણાવે છે, તેમ છતાં તમે અમુક પ્રકારનું માંસ ખાઈ પણ શકો છો. મેં એવા હજારો માણસો જોયા છે જેઓ માંસ ખાય છે. પણ મેં એવી ઉચ્ચજ્ઞાતિની કોઈ સ્ત્રી જોઈ નથી જે કોઈ પણ પ્રકારનું માંસ ખાતી હોય. આ પરથી જણાઈ આવે છે કે સ્ત્રીઓમાં નિયમપાલન કરવાની મૂળભૂત પ્રકૃતિ છે, અને તેઓ ધર્મના નિયમો ચુસ્તપણે પાળે છે. પરંતુ આ ઉપરથી હિન્દુ પુરુષને તમે ઘણી સખ્તાઈપૂર્વક જોશો નહિ; તમારે તેને મારી દૃષ્ટિથી જોવો જોઈએ, કેમ કે હું પણ આખરે એક હિન્દુ પુરુષ જ છું ને!

વિધવાઓનાં પુનર્લગ્ન ન થવાનો રિવાજ આ પ્રમાણે ક્રમશઃ વિકાસ પામ્યો. અને, ભારતમાં જ્યારે રિવાજ એક વાર મૂળ પકડે છે, ત્યાર પછી તેને નાબૂદ કરવો લગભગ અશક્ય બની જાય છે. તમારા દેશમાં પણ તમે અનુભવ્યું હશે જ કે ‘પાંચ-દિવસીય કામ’ના અઠવાડિયાના બનાવેલા રિવાજને તોડવો તે કેટલું બધું મુશ્કેલ થઈ ચૂક્યું છે. અમારે ત્યાં નિમ્નતર જ્ઞાતિઓની વિધવાઓ – એકાદ બે જ્ઞાતિ કદાચ અપવાદરૂપ હોય પુનર્લગ્ન કરે છે પણ ખરી. પાછળથી રચાયેલા ધર્મશાસ્ત્રો અને સ્મૃતિઓમાં એવાં વાક્યો આવે છે કે નારીથી વેદોનું વાંચન કરી શકાય નહિ. એક નિર્બળ બ્રાહ્મણને પણ વેદો વાંચવાનો અધિકાર અપાયો નથી; મતલબ કે, જન્મે બ્રાહ્મણ હોવા છતાં જે મનુષ્ય ઓછી બુદ્ધિમત્તા ધરાવતો હોય તે વેદોનું વાંચન કરી શકે નહિ. પરંતુ આ નિયમથી એ તો સિદ્ધ નથી થતું કે તેઓને કોઈ શિક્ષણનો અધિકાર રહેતો નથી; કેમ કે, હિન્દુઓ પાસે કેવળ વેદોનું સાહિત્ય જ નથી (બલ્કે ઘણું બીજું સાહિત્ય પણ છે જ). બાકીના સર્વ ગ્રંથો, અન્ય સંસ્કૃત સાહિત્ય, સમગ્ર જ્ઞાનસાહિત્યનો સમુદ્ર, વિજ્ઞાન, નાટકો, કાવ્યો, આદિ, ધર્મગ્રંથો સિવાયનું બધું જ સાહિત્ય સ્ત્રીઓ અવશ્ય વાંચી શકે જ. પછીના સમયમાં એ વિચાર પ્રચલિત થયો કે જો સ્ત્રીનો ધર્મ પુરોહિત કાર્યો ક૨વામાં નથી, તો પછી તેણે વેદોનું વાંચન ક્યા હેતુથી કરવાનું રહે? આવો વિચાર કરનારા હિન્દુઓને પણ અન્ય દેશોના નિવાસીઓ કરતાં પછાત ન ગણવા જોઈએ, જ્યારે હિન્દુ સ્ત્રી દુનિયાનો ત્યાગ કરીને સંન્યસ્ત ધારણ કરે છે, ત્યાર પછી તે જાતિ (Gender) ની દૃષ્ટિએ ઓળખાતાં નથી, પુરુષ અથવા સ્ત્રી ગણાતાં નથી; કોઈ જાતીય ઓળખ અથવા ઉચ્ચ-નિમ્ન જ્ઞાતિનાં હોય તેવી ઓળખનો પ્રશ્ન જ રહેતો નથી. હું ધર્મ વિષે જે કંઈ જાણું છું, તે મારા ગુરુ પાસેથી શીખ્યો છું; અને તેમણે તેમનું જ્ઞાન એક સ્ત્રી પાસેથી પ્રાપ્ત કર્યું છે.

અમારા (ઇતિહાસના) મુસ્લિમયુગની રાજપૂત સ્ત્રીઓ વિષેની તમને એક વાત હું કહી સંભળાવું; જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક સ્ત્રીને કારણે ભારત ઉપર મુસલમાનોનું આક્રમણ થયું. દિલ્હી અમારું પ્રાચીન નગર છે, તેના રાજાની એક કુંવરીએ ચિત્તોડના રાજા ‘પૃથ્વીરાજ’ની બહાદુરી વિષે ખૂબ જ પ્રશંસા સાંભળી હતી, તેના પ્રતાપી સ્વરૂપને કારણે તે કુંવરી તેના પ્રેમમાં પડી ગઈ. આ બાજુ, તેના પિતાને ‘રાજસૂય’ યજ્ઞ કરવો હતો, તેથી તેણે ભારતના બધા રાજવીઓને નિમંત્રણ પાઠવ્યાં. આ યજ્ઞનું સ્વરૂપ એવું છે કે યજમાન રાજાને અન્ય રાજાઓ સર્વસત્તાધીશ સાર્વભૌમ રાજા તરીકે સ્વીકારે અને યજ્ઞમાં શારીરિક મહેનતથી સેવા આપી તે આ સ્વીકારનું સમર્થન કરે. પરંતુ આ રાજાની કુંવરી તો પૃથ્વીરાજના પ્રેમમાં હતી, અને પૃથ્વીરાજ પોતે પણ ઘણો જ પ્રતાપી હતો તેથી દિલ્હીના રાજાની સાર્વભોમ સત્તાનો સ્વીકાર કરીને તે પોતાની સેવાભાવી નિષ્ઠા દર્શાવવા ઈચ્છતો નહોતો. આને કારણે આ યજ્ઞના નિમંત્રણનો તેણે અસ્વીકાર કર્યો.

આ અસ્વીકાર પછી દિલ્હીના રાજાએ પૃથ્વીરાજની સોનાની એક મૂર્તિ બનાવી દરવાજે ઊભી કરી, અને જાહેર કર્યું કે તેણે પૃથ્વીરાજને એક મામૂલી પ્રતિહારની ફરજ બજાવવા ઊભો રાખ્યો છે. આ બધાંનું પરિણામ એ આવ્યું કે એક ખરા શૂરવી૨ની જેમ પૃથ્વીરાજે દિલ્હી આવીને રાજકુમારીનું અપહરણ કર્યું અને તેને પોતાના ઘોડા પાછળ બેસાડીને ઉઠાવી ગયો; બન્ને દિલ્હીથી ભાગી નીકળ્યાં. તેના પિતાને આ સમાચાર મળતાં જ તેણે પોતાની સેનાને તેઓની પાછળ મોકલી. પૃથ્વીરાજની સેના સાથે તે સેનાને મોટું યુદ્ધ થયું, અને બન્ને પક્ષે ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા. આ યુદ્ધ પછી રાજપૂતો ઘણા હતપ્રભ થઈ ગયા અને એથી મુસલમાનોએ આક્રમણ કર્યું ત્યારે સહેલાઈથી વિજય પામ્યા, અને તેમણે ભારત પર પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું.

જે સમયે હજી આ મુસલમાન સામ્રાજ્ય ચણાતું હતું, તે સમયે ચિત્તોડની રાણીના સૌંદર્યની ખૂબ બોલબાલા હતી. એ સૌંદર્યનું વર્ણન જ્યારે સુલતાનને કાને પહોંચ્યું, ત્યારે તેણે એક ફરમાન કાઢ્યું કે પોતાના જનાનખાનામાં આ રાણીને મોકલી આપો. આ કારણથી સુલતાન અને ચિત્તોડના રાજા વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. મુસલમાનોએ ચિત્તોડ પર મોટો હુમલો કર્યો. જ્યારે રાજપૂતોને જણાયું કે હવે તેઓ સામનો કરીને વિજય પ્રાપ્ત કરવાની સ્થિતિમાં રહ્યા નથી, ત્યારે જીવસટોસટની લડાઈ કરવા તલવારો લઈને સહુ નીકળી પડ્યા અને મારવા લાગ્યા અને મરવા લાગ્યા. રાજપૂત સ્ત્રીઓએ આ સમયે ‘જૌહર’ કર્યું અને સામૂહિક ચિતામાં તેઓ બળી મરી. જ્યારે એક એક રાજપૂત મૃત્યુ પામ્યો ત્યારે જ મુસલમાનો – તેમના ગઢમાં પ્રવેશી શક્યા, પરંતુ પ્રવેશ કરતી વેળા જ તેમણે જોયું કે ગઢના ચોકમાં એક મોટી ચિતા ખડકાઈ ચૂકી છે. તેની આસપાસ પ્રદક્ષિણા કરતી સ્ત્રીઓનું નેતૃત્વ સ્વયં ચિત્તોડની રાણી કરતી હતી. એ જોઈને સુલતાને તેની પાસે જઈને સૂચવ્યું કે રાણીએ આમ સતી ન થવું જોઈએ, ત્યારે રાણીએ ઉત્તર આપ્યો, ‘એક રાજપૂત સ્ત્રી આ રીતે જ તમારી સાથે વર્તન કરી શકે.’ એટલું કહેતાં જ તેણે અન્ય સ્ત્રીઓ સાથે ચિતામાં ઝંપલાવ્યું. એમ કહેવાય છે કે તેની સાથે ૭૫,૦૦૦ સ્ત્રીઓ એ દિવસે આ ચિતામાં પ્રવેશી હતી, કે જેથી મુસલમાનો એમની ઈજ્જત પર હાથ ન નાખી શકે. આજે પણ, જ્યારે અમે પત્ર લખીએ છીએ ત્યારે તેને બંધ કરતી વખતે પરિબિડ્યા ઉપર ‘૭૪ ૧/૨’ની સંખ્યા લખીએ છીએ. તેનો અર્થ એ છે કે જો કોઈ અન્ય (જેને ઉદ્દેશીને તે પત્ર ન હોય તે) વ્યક્તિ એ પરબીડિયું ઉઘાડશે તો ૭૪ ૧/૨ હજાર સ્ત્રીઓના હત્યાનું પાપ તેને શિરે રહેશે.

એક અન્ય સૌંદર્યવતી રાજપૂત નારીની વાત તમને કહું. અમારે ત્યાં એક વિશિષ્ટ રિવાજ છે ‘રક્ષા (બંધન)’ નો. એક રેશમી દોરાને એક સ્ત્રી કોઈ પુરુષના કાંડા પર બાંધે ત્યારે તે પુરુષ સાથે તેને ભાઈ-બહેનનો સંબંધ રચાઈ જાય છે, એમ ગણાય છે. જેણે ભારતના તેજસ્વી સામ્રાજ્યનો વિનાશ નોતર્યો હતો તે છેલ્લા મુગલ બાદશાહે પણ એક રાજપૂત રાજકન્યાના અદભુત સૌંદર્ય વિષે જાણ્યું, અને તેને પોતાના જનાનખાનામાં મોકલી આપવા માટે તેણે ફરમાન પણ કાઢ્યું. જ્યારે સમ્રાટના કાસદે તે કન્યાને રાજાનું ચિત્ર બતાવી તેનું મન જીતી લેવા પ્રયત્ન કર્યો, ત્યારે તેણે એ ચિત્રને પોતાના પગ તળે કચડી નાખ્યું અને કહ્યું, ‘એક રાજપૂત કન્યાનો તમારા રાજાને આ જ પ્રત્યુત્તર છે.’ આ અપમાનને કારણે મોગલ બાદશાહે રાજપૂતાના પર મોટું આક્રમણ કર્યું. પોતાના વતનને થતી હાનિ જોઈને રાજકુમારીએ વિચાર કર્યો અને ઘણી બધી રાખડીઓ અન્ય રાજપૂત રાજવીઓને પાઠવી. સાથે તેણે કહેવડાવ્યું કે ભાઈઓ તમે આવો અને અમને સહાય કરો.’ આ તદ્દન સાદા રેશમના તાંતણાના બંધનને માન આપીને રાજપૂતો એકત્ર થયા, અને મોગલ સેનાને પીછેહઠ કરવાની ફરજ પાડી. હવે હું તમને રાજપૂતાનાની એક ખાસ કહેવત જણાવું છું. ભારતનો વેપારી વર્ગ અથવા જ્ઞાતિ વૈશ્યો કહેવાય છે. તેમાંના કેટલાક, બુદ્ધિશાળી તો હોય છે, પણ સામાન્ય રીતે હિન્દુઓ તેમને ઘણી તીક્ષ્ણ બુદ્ધિવાળા ગણતા હોય છે, છતાં તેમની સ્ત્રીઓને બુદ્ધિશાળી ગણતા નથી, જે હકીકત છે. રાજપૂતાનામાં સામાન્ય વપરાશની એક કહેવત મુજબ, બુદ્ધિશાળી સ્ત્રી મંદ (અલ્પ) બુદ્ધિપુત્રને જન્મ આપે છે, જ્યારે અલ્પબુદ્ધિવાળી સ્ત્રી બુદ્ધિશાળી પુત્રને જન્મ આપે છે. જો કે હકીકતમાં તો, જ્યારે જ્યારે રાજપૂતાનામાંના કોઈ રાજ્યનો કારભાર એકાદ સ્ત્રીએ સંભાળ્યો હોય, ત્યારે તેનો વહીવટ ખૂબજ કુશળતાથી તે ચલાવે છે એ જાણીતી વાત છે.

હવે, સ્ત્રીઓના એક બીજા વર્ગ પ્રત્યે વળીએ. આ વર્ગમાંથી સમયે સમયે હિન્દુઓની યુદ્ધકુશળ સ્ત્રીઓ મળી આવે છે. આપ સહુએ તો એ સ્ત્રીનું નામ સાંભળ્યું જ હશે. તેણે ૧૮૫૭ની સાલમાં અંગ્રેજ સૈનિકોને બે-બે વર્ષ સુધી હંફાવ્યા અને પોતાના રાજ્યને ટકાવી રાખવા માટે પોતાનો જાન કુરબાન કર્યો. આધુનિક સેના, આધુનિક શસ્ત્રો અને સાધનોનો તેણે કુશળ ઉપયોગ કર્યો અને સેનાનું કુશળ નેતૃત્વ તેણે પૂરું પાડ્યું. લડાઈને સમયે સેનાની પ્રથમ હરોળમાં તે હંમેશાં રહેતી હતી. એ એક બ્રાહ્મણ સ્ત્રી હતી. હું એક એવા માણસને ઓળખું છું જેણે આ સંઘર્ષમાં પોતાના ત્રણ પુત્રો ગુમાવ્યા છે. તે જ્યારે આ બાબતને સંભારે છે ત્યારે તે શાંત રહે છે, પણ જ્યારે તે આ સેનાનું નેતૃત્વ કરનાર સ્ત્રીની વાત કરે છે ત્યારે ઉત્તેજનાપૂર્વક અને ઉત્સાહથી કરે છે. તેના કહેવા પ્રમાણે, તે સ્ત્રી ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઇ તો જાણે સામાન્ય મનુષ્ય જ નહોતી અને તેની ધારણા છે કે એણે કરેલ સેનાનું નેતૃત્વ કદી કોઈએ કર્યું નહીં હોય (તેવી કુશળતા અને માનવતાથી) તેવું અનન્ય હતું. અગાઉ પ્રસિદ્ધિ પામી ચૂકેલી રાણી ચાંદ સુલ્તાનાની વાત પણ ભારતીયોની સ્મૃતિમાં છે જ. ગોલ્કોન્ડાની આ રાણીના રાજ્યમાં હીરાની ખાણો આવેલી છે. તેણે દુશ્મનો સામે મહિનાઓ સુધી પોતાના ગઢની સુરક્ષા કરી. પણ છેવટે તેના ગઢની દિવાલમાં ભંગાણ પડ્યું. જ્યારે દુશ્મન સમ્રાટના સૈનિકોને તેણે પૂરજોશમાં ધસી આવતા જોયા ત્યારે જ તેણે પોતાની સેનાને પીછેહઠ કરી લેવાનો હુકમ આપ્યો. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે એક પ્રસંગે એક મહાન અંગ્રેજ સેનાપતિને પણ એક સોળવર્ષીય કુમારીનો સામનો કરવો પડ્યો હતો.

મુત્સદ્દીગીરીમાં, રાજ્યવહીવટમાં, દેશના કારભારમાં અને યુદ્ધનીતિમાં પણ નારીએ પોતાને પુરુષ સમોવડી સિદ્ધ કરી બતાવેલ છે. અને કદાચ તેનાથી પણ પોતાને વધુ ઉચ્ચ કક્ષાની પુરવાર કરેલી છે. જ્યારે જ્યારે નારીઓને કોઈ તક આપવામાં આવી છે, ત્યારે તેમણે પુરુષો જેટલી જ પોતાની શક્તિ પ્રગટ કરી બતાવી છે. વળી સાથે એ લાભ તો છે જ કે તેઓ કદીક જ અધઃપતનને માર્ગે વળે છે. નીતિમત્તાના નિયમોનું પાલન તેઓ પોતાની સ્વાભાવિક પ્રકૃતિને લીધે કરતી હોય જ છે, અને તે કારણે ભારતમાં તો રાજ્યના સંરક્ષક અને શાસક તરીકે તેની ભૂમિકામાં તેણે પોતાને ઉચ્ચતર કક્ષાની પુરવાર કરેલ છે. જહૉન સ્ટુઅર્ટ મિલ પણ આ બાબત નોંધે છે અને આજે પણ આપણે મોટી મોટી જાગીરોનો વહીવટ કુશળતાથી ચલાવતી નારીઓ જોઈએ જ છીએ. જે પ્રદેશમાં મારો જન્મ થયો ત્યાંની બે નારીઓ એવી છે જેઓ મોટી જાગીરોનો વહીવટ કરે છે એટલું જ નહિ, પણ શિક્ષણ અને કલાને પણ ખૂબ પોષણ અને પ્રોત્સાહન આપે છે. તેમણે વહીવટ માટે કોઈ ખાસ શિક્ષણ લીધું નથી; કેવળ આગવી બુદ્ધિશક્તિને લીધે તેઓ ઝીણામાં ઝીણી વિગતો પર ધ્યાન દઈને આ કામ સફળતાપૂર્વક નિભાવે છે.

સામાન્ય માનવજાતિ ઉપરાંત પ્રત્યેક દેશ પોતાનાં આગવાં ચરિત્રલક્ષણો પણ ધરાવતો હોય છે, જે ધર્મ, રાજ્ય અને વહીવટ, શારીરિક બંધારણ, માનસિક વલણો, સ્ત્રી-પુરુષના સંબંધો અને ચરિત્રોમાં જણાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વિવિધતા વિષે વિશ્વમાં સભાનતા આવવા પામી છે. જે વિશિષ્ટ લક્ષણ હિન્દુ નારીઓમાં વૃદ્ધિ પામ્યું છે તે એ છે કે તેઓના જીવનનો આદર્શ છે – માતા. તમે જ્યારે કોઈ હિન્દુના ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમે તેની પત્નીને તે પુરુષ સમાન સ્તરની ગણાતી નહિ જુઓ, પણ જ્યારે તમે તે ગૃહસ્થની માતાને મળશો ત્યારે જાણી શકશો કે તે નારીનું સ્થાન ગૃહના સ્તંભ જેટલું મહત્ત્વનું છે. પત્નીએ અહીં માતા બનવાની રાહ જોવી પડે છે અને પછી તેને બધું જ મળી જાય છે. જો કોઈનો પુત્ર સાધુ બની ગયો હોય, તો તેના પિતા તેને પ્રથમ વંદન કરે છે, કેમ કે તે પિતાથી ઉચ્ચ સ્થાન ધરાવનાર પુરુષ છે. પરંતુ એ જ પુત્ર જ્યારે તેની માતા સમક્ષ આવે છે, ત્યારે તેણે જ પ્રથમ માતાને વંદન કરવાનાં હોય છે, કેમ કે માતા મહાનતર ગણાય છે. સંન્યાસી પુત્ર એક પાત્રમાં પાણી લઈ માતાના ચરણ પખાળે છે અને પછી એમાંનું આચમન મોંમાં લે છે, આ કૃત્યથી દરેક પુત્ર ધન્યતા અનુભવે છે અને હજારો વખત તે આ કરતો રહેશે! વેદની નીતિનો પ્રથમ પાઠ જ છે : ‘પ્રભુને માતા ગણો!’ અને માતા તો તે છે જ!

જ્યારે પણ ભારતમાં અમે નારી વિષે વિચારીએ છીએ, ત્યારે નારીનું પાત્ર અમારે મન તો માતાના પાત્રની સમાન જ છે. સ્ત્રીનું મૂલ્ય જ એ છે કે તે માનવજાતિની માતા છે. આ જ અમારો હિન્દુ આદર્શ છે. મેં મારા ગુરુને જોયા છે, જ્યારે તેઓ નાની બાલિકાઓનો હાથ પકડીને એક આસને બેસાડી તેની પૂજા કરતા હતા, તેમનાં ચરણોમાં ફૂલ સજાવીને તેમને દંડવત્ પ્રણામ કરતા હતા; આ બાલિકાઓ માતૃદેવીનું પ્રતિનિધિત્વ કરતી હતી. અમારાં કુટુમ્બોમાં માતા જ દેવ છે. આમાં મુખ્ય વિચાર એ છે કે દુનિયામાં જેને આપણે સાચો પ્રેમ, સહુથી વધુ સમર્પિત પ્રેમ, નિઃસ્વાર્થી પ્રેમ કહીએ તે તો માત્ર માતા જ આપે છે. પોતે કેટલું ય કષ્ટ ઉઠાવીને પણ માતા સદૈવ પ્રેમ જ આપે છે. માતાના આ પ્રેમથી વધુ સારી રીતે પ્રભુના પ્રેમના પ્રતિનિધિત્વ કરતો પ્રેમ અન્યત્ર ક્યાં છે? આમ, માતા એક પ્રરૂપ (પ્રતિરૂપ) છે; હિન્દુઓ માટે માતા પૃથ્વી પરનો (ભગવાનનો) અવતાર જ છે. ‘એ જ બાળક પ્રભુને સમજી શકે છે જેણે પોતાની માતા પાસે પ્રથમ શિક્ષણ લીધું હોય!’ અમારી નારીઓની નિરક્ષરતા વિષે મેં ઘણું બધું સાંભળ્યું છે. પણ, હું દસ વર્ષનો થયો ત્યાં સુધી મારી માતાએ જ મને શિક્ષણ આપ્યું. મેં મારાં દાદી જ નહીં પણ વડદાદીને પણ હયાત જોયેલાં છે અને હું ખાતરીથી કહી શકું છું કે આ મારી માતાઓની એક પણ પેઢી એવી ન હતી કે જેમને લખતાં વાંચતાં આવડતું ન હોય, અને જેમણે કાગળો પર પોતાનો અંગૂઠો મારવો પડતો હોય. જો તેમાંની એક પણ સ્ત્રીને લખતાં – વાંચતાં આવડતું ન હોત, તો મારો જન્મ થવો જ અશક્ય હતો. (અમારી) જ્ઞાતિના નિયમો જ આ પ્રકારના જ્ઞાનને જરૂરી ગણે છે.

આ બધી વિચિત્ર વાતો મે પણ સાંભળી છે – કે મધ્યયુગમાં હિન્દુ સ્ત્રીઓ પાસેથી લખવા વાંચવાના હક્કો છીનવી લેવાયા, વગેરે. તો તમે પણ સર વિલિયમ હંટરની ‘હિસ્ટ્રી ઑફ ધી ઇંગ્લિશ પીપલ’ નામની કૃતિ વાંચો તો જરા. તેમણે નોંધ્યું છે કે હિન્દુ સ્ત્રીઓ તો સૂર્યગ્રહણની ગણત્રી પણ માંડી શકતી હતી. મને એમ જણાવવામાં આવે છે કે માતાની વધુ પડતી પૂજા કરવાથી માતા પોતે જ સ્વાર્થી બની જાય છે અથવા બાળકો પ્રત્યે રખાતો વધુ પડતો પ્રેમ બાળકોને સ્વાર્થી બનાવી દે છે; પણ હું આ વાતનો સ્વીકાર કરતો નથી. મારી માતાએ મને જે પ્રેમ આપ્યો છે તેને કારણે જ હું જેવો છું તેવો બની શક્યો છું; હકીકતમાં હું તો તેમનો ઋણી છું અને એ ઋણ હું તેમને કદી ચૂકતે કરી શકીશ નહિ.

(ક્રમશઃ)

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.