પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ :

લેખક (મૂળ) ડોલરરાય માંકડ,

ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય,

પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦

આચાર્ય શ્રી ડોલરરાય માંકડના વિખ્યાત સંશોધનકાર્ય પૌરાણિક ક્રૉનોલૉજીનો મૂળ અંગ્રેજીમાંથી શ્રી તરલિકાબહેન આચાર્યે કરેલો આ ગુજરાતી અનુવાદ છે. આ અનુવાદથી ગુજરાતી વાઙ્‌મયમાં સંશોધન ક્ષેત્રે સંદર્ભ ગ્રંથોમાં એક અતિ મહત્ત્વના ગ્રંથનો ઉમેરો થાય છે.

આ ગ્રંથના કુલ ચાર ખંડો પાડવામાં આવ્યા છે અને દરેક ખંડને ચાર-ચાર પ્રકરણોના ઉપ-વિભાગોમાં સાંકળ્યો છે. પહેલા બે ખંડોને છેડે પ્રકરણો ઉપરાંત પરિશિષ્ટો પણ અપાયાં છે. પહેલા ખંડમાં મન્વન્તર – ચતુર્યુગની પદ્ધતિ, એનું અમલીકરણ, કલિપૂર્વ વંશક્રમ, કલિકાલગણના, વગેરે વિષયો સિદ્ધાંત સાથે ચર્ચાયા છે. તો બીજા ખંડમાં કાશ્મીર, નેપાળ, આસામ વગેરેની કાળક્રમની – કાલક્રમવંશાવળીની વિવિધ ગણતરીઓની સમજૂતી આપી છે. સિકંદરના સમકાલીન તરીકે લેખકે ચન્દ્રગુપ્ત મૌર્યને નહિ પણ ચંદ્રગુપ્ત પહેલાની – ગુપ્ત વંશનાની – સ્થાપના કરી છે. ત્રીજા ખંડમાં ગુપ્તો અને મૌર્યોની કાલમીમાંસા ગ્રીક પુરાવાઓ આપીને કરી છે અને ચોથા ખંડમાં યુગો, સપ્તર્ષિ સંવત, હર્ષ – વિક્રમાદિત્ય અને મહાભારત પહેલાંના અયોધ્યાના વંશની વાત કરી છે.

આ પુસ્તકમાં લેખક દ્વારા મનુ વૈવસ્વતથી લઇને ગુપ્તવંશના ઉદય સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસની કાલક્રમાનુસાર વંશાવળી નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સંબંધમાં પુરાણોમાં મળતી સ્પષ્ટ માહિતીનું આલોચન કરતાં એમાં જે કંઇ ઊણપ લેખકને લાગી, એ આ અભ્યાસગ્રંથનું મૂળ ઊગમસ્થાન છે.

પુરાણોની કાલગણના અને વંશાવળીઓ જેમ ફાવે તેમ અટકળો કરીને લખાયેલ છે, એવું લેખકનું મંતવ્ય છે અને એવા મંતવ્ય ધરાવવા પાછળ મૅગૅસ્થનીસ અને હિરોકિટસના પુરાવાઓ અને નંદો અને આંધ્રોની હાલની પૌરાણિક વંશાવળીઓ કારણભૂત છે.

લેખકે પોતાના આ અભ્યાસગ્રંથમાં આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. અને એનું નામ ‘મન્વન્તર પદ્ધતિ’ પાડ્યું છે. આ પદ્ધતિ કાશ્મીર, નેપાલ, આસામની રાજવંશાવળીઓમાં છે. આ પદ્ધતિ વિશે પણ આ ગ્રંથમાં ચર્ચા કરી છે.

આ પદ્ધતિએ જોતાં વંશાવળીનો પૌરાણિક ક્રમ લેખકને આધારભૂત લાગતો નથી. પણ લેખકે પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, ‘એટલું ચોક્કસ છે કે પુરાણોમાં આપેલા નામની વ્યક્તિનું રાજા તરીકે અસ્તિત્વ હતું જ. ભલે એ એમાં આપેલા ક્રમ પ્રમાણે ન પણ હોય પણ ઘણું ખરું એ કુળમાં તો હોય જ.’

લેખક માને છે કે મનુ વ્યક્તિનું નહિ પણ રાજવંશનું નામ હતું અને મન્વન્તર એ રાજ્ય શાસનનો અમુક સમયગાળો હતો. આ રીતે જે ચતુર્યુગ પદ્ધતિને લેખક અનુસર્યા છે તે અનુસાર તેમણે મનુ વૈવસ્વતથી માંડીને કલિના અંત સુધીનો કાલનિર્ણય આ ગ્રંથમાં વ્યવસ્થિત રીતે કર્યો છે. અને એથી આગળ વધતાં પછી એવા નિર્ણય પર આવ્યા છે કે ઍલૅકઝાંડરનો સમકાલીન ચંદ્રગુપ્ત મૌર્ય નહિ, પણ ગુપ્તવંશનો ચંદ્રગુપ્ત હતો. આ મુદ્દા પર ભાર મૂકીને જ લેખકે મહાભારતોત્તર કાલાનુસારી વંશાનુક્રમનો નિર્ણય કર્યો છે અને એ અનુસાર શિશુનાગ – નંદ વચ્ચેનો સમયગાળો ૩૫૦ વર્ષ, મૌર્ય – શૃંગ વચ્ચેનો ૩૦૦ વર્ષ અને શૃંગ – કાલ વચ્ચેનો ૧૨૦ વર્ષનો નક્કી કર્યો છે.

આ પ્રકારના સંશોધનમાં આચાર્યશ્રી ડોલરરાય રંગીલદાસ માંકડનો આ ગ્રંથ એક સીમાચિહ્ન રૂપ બન્યો છે અને એનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ થતાં અંગ્રેજી ન જાણતા સંશોધકોને ખૂબ મદદગાર નીવડે તેમ છે. વળી, એથી ગુજરાતી વાડ્મયની સમૃદ્ધિ પણ વધશે.

ગુજરાત સાહિત્ય અકાદમીએ સુંદર પરિવેશમાં મોટા અને સુવાચ્ય ટાઇપમાં આ પુસ્તકનું પ્રકાશન કર્યું તે માટે એને પણ ધન્યવાદ આપીએ. આ પુસ્તક સંશોધનપ્રેમીઓને અવશ્ય પ્રિય થઇ પડશે એવી આશા રાખીએ.

– કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.