પર્યુષણ પ્રસંગે

મિચ્છા મિ દુક્કડમ્

પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણ પર્વ.

જીતે તે જિન. જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે. અહમ્-નો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. પર્યુષણ પર્વના દિવસો એ આત્માના શુદ્ધ ભાવો તરફ પ્રયાણ કરવાના અને અશુભ ભાવોમાંથી પીછેહઠ કરવાના દિવસો છે, કારણ કે જૈન ધર્મ એ આત્માનો ધર્મ છે, અહિંસા તેની પરિપાટી છે ને અનેકાન્ત એની પરિભાષા છે. આત્માને જાણવો અને ઓળખવો અને એને માટે પ્રયત્ન કરવો એ એના સિદ્ધાન્તનું મૂળ છે, સર્વ પ્રયત્નોનું ફળ છે. દેહ અને આત્મા એટલાં એકાકાર થઈ રહેલાં છે કે ઘણી વાર દેહને જ મહત્ત્વ આપી દેવામાં આવે છે. દેહના સુખ માટે રાત દિવસ પ્રયાસ કરવામાં આવે છે. ઇન્દ્રિય-મનને બહેકાવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા એક નથી. દેહ અને આત્મા ભિન્ન છે. દેહ સાધન છે; આત્મા સાધ્ય છે. એ સાધ્યનો પંથ તપ, ત્યાગ, અહિંસા ને સંયમથી ભરેલો છે. સાગર તરવા માટે જેમ હોડી સાધન છે એમ સંસાર તરવા દેહ સાધન છે. સાગર પાર કર્યા પછી જેમ કોઈ હોડીને ગળે વળગાડી રાખતું નથી, એમ સંસાર તરવા દેહ સાધન છે; એટલા પૂરતો જ એને સાચવવાનો હેતુ છે.

દેહને જ વળગી રહી આત્માનું અસ્તિત્વ ભૂલી જવું, એ જીવનદ્રોહ છે. દેહને સાચવવો પણ એની ખૂબ આળપંપાળ કરવી એ ધર્મદ્રોહ છે. આત્માને ઓળખવા માટે માણસે અભય, અહિંસા ને પ્રેમ જીવનમાં કેળવવાનાં છે. માત્ર મંદિરોમાં જવાથી કલ્યાણ થવાનું નથી. પણ એ મંદિરના નિત્યસંગથી આપણું દિલ પણ મંદિર બની જવું જોઈએ.

ગુરુવાણી સાંભળીએ, પણ એ શ્રદ્ધાથી જીવનમાં કેટલી ઉતારી, એનો રંગ જીવનના પોત પર પાકો લાગ્યો કે કાચો, તે સતત વિચારવું જોઈએ. વાણી તો પોપટની પણ હોય છે. પરંતુ એ પોપટિયા વાણી કંઈ કલ્યાણ કરતી નથી. વાણી પ્રમાણેનું વર્તન જ કલ્યાણકર છે.

ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાને પરમ ધર્મ જાહેર કર્યો, પણ સંસારમાં કેટલી હિંસા ચાલી રહી છે, કેટલાં યુદ્ધો ચાલી રહ્યાં છે! આપણાં સુખ-સગવડ માટે પણ કેટલી નિરર્થક હિંસાઓ નિત્ય આચરાઈ રહી છે તેનો ખ્યાલ કરવો ઘટે અને એ પાપ-વ્યાપારો ન થાય તેમ પ્રયત્નશીલ થવું ઘટે છે.

જે તલવારને જાળવે છે, તલવાર એને જાળવે છે. ધર્મનું પણ એવું છે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે.

આજે ભય અને હિંસાનું પ્રાધાન્ય સ્થપાઈ રહ્યું છે. સંસારની સમગ્ર શક્તિઓ અને વસ્તુઓનો મોટો ભાગ ભય ઉપજાવવામાં તેમ જ હિંસા કેળવવા પાછળ ખર્ચાઈ રહ્યો છે. એક બૉમ્બ લાખો ગરીબોનું એક ટંકનું જમણ જમી જાય છે. એ જમણ બંધ થાય તો જ દુનિયા સુખી થાય.

આ ભય ને હિંસા સામે પ્રેમ અને અહિંસા મૂકવાનાં છે. પણ નબળા હાથે એ રજૂ થઈ શકે તેમ નથી, કારણ કે એ વીરોની વસ્તુઓ છે.

આ સંસારનું ચિત્ર એક ભયંકર આગનું છે. ક્યાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે. ક્યાંક મોટાઈની ને સત્તાની આગ છે. આજે કોઈ દેશ કે માનવી ગમે તેટલો આગળ વધ્યો હોય તોય શીતળતાનો અનુભવ કરતો નથી. એ તમામ હાયકારાઓમાંથી છૂટવાનો ઉપાય આત્માની ખોજમાં છે. પ્રેય અને શ્રેયના, નશ્વર ને વિનશ્વરના વિવેકમાં છે.

સંસારનો સંગ્રામ તો સંતાપ આપે તેવો છે. સતત પ્રવૃત્તિ એ જ માનવીનું જીવન બન્યું છે. એને શાંતિ નથી, એને વિરામ નથી. ક્યાંય ચેન નથી; યંત્ર પણ પળ-વિપળ ધમધમતું બંધ થતું હશે, પણ માનવીના મનને કોઈ વિરામ નથી. એ ચાલતું દેખાતું નથી. છતાં સતત ચાલ્યે જ જાય છે. એ ઊભેલું નજરે પડે છે છતાં દોડતું હોય છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો દરેક જૈનનો પ્રયત્ન હોય છે. પર્યુષણ તે માટેનું પર્વ છે. નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી.

પર્યુષણ પર્વની સાધનાનો સરવાળો એટલે સંવત્સરી દિવસની ક્ષમાપના.

જે માગતાં મોટાઈ કે નાનાઈ નડે નહિ, એનું નામ મિચ્છા મિ દુક્કડમ્. જે માગતાં મન સહેજે આઘાત અનુભવે નહિ અને હૈયાની વેલી પ્રફુલ્લે એનું નામ ક્ષમા. જગતમાં સહુની સાથે હેત-પ્રીત થાય અને વઢવેડનાં કાંટા નાબૂદ થાય એનું નામ ક્ષમાપના.

દેહ ને તેમાં રહેલા મદ, માન અને મોહને છોડીને લાખેણા આત્માને ઓળખીએ. પર્યુષણ એ આત્માની નજીક જવાનું, આત્માને શોધવાનું પર્વ છે. ક્ષમાપના એનો સર્વશ્રેષ્ઠ મૂળમંત્ર છે.

‘મિચ્છા મિ દુક્કડમ્’ની ભાવનાનો સાચો અર્થ એ છે કે એક વાર જે ભૂલને માટે ક્ષમાપના કરી, જે ક્રોધને માટે પશ્ચાત્તાપ કર્યો, ને જે પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું એવી ભૂલ, એવો દોષ કે એવું પાપ ફરી ન કરવાથી હંમેશને માટે દૂર રહેવાનો સંકલ્પ કરીએ.

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.