બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને પ્રોવિડન્સ વેદાંત સોસાયટીની સ્થાપના કર્યા બાદ તેઓ અમેરિકાના સુવિખ્યાત વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેમના અનેક સુપ્રસિદ્ધ પુસ્તકોમાંના એક – રામકૃષ્ણ વેદાંત સોસાયટી બૉસ્ટન દ્વારા પ્રકાશિત ‘Hindu Psychology & Its Meaning for the West’નો અનુવાદ ડૉ. ભાવનાબહેન ત્રિવેદીએ કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત દ્વારા પ્રકાશિત આ પુસ્તકના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

એકાગ્રતા – આધ્યાત્મિક વિકાસનું હાર્દ

મનના સંપૂર્ણ સુગ્રથન વિના માનવ વ્યક્તિત્વની સર્જનાત્મક શક્તિ વિકસાવી શકાય નહીં. માણસની અંદર સુષુપ્ત રીતે અંતર્નિહિત તમામ અપ્રગટ શક્યતાઓને બહાર લાવવા માટે મનનાં ત્રણ પાસાં જ્ઞાન, આવેગ અને ઇચ્છા (cognition, emotion and volition) સંયોજિત થવાં જ જોઈએ, આપણને એ સુવિદિત જ છે, કે વિશ્વના ઇતિહાસમાં સર્વત્ર સંકલ્પશક્તિ ધરાવતાં સ્ત્રી- પુરુષો દ્વારા જ તમામ ઓજસ્વી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રેરિત અને પરિપૂર્ણ થતી હોય છે.

હિંદુ મનોવૈજ્ઞાનિકો એ સ્વીકારે છે, કે સંકલ્પ સંપૂર્ણપણે સુગ્રથિત હોવો જોઈએ અને મન પૂરેપૂરું સક્રિય બનાવવું જોઈએ, જેથી તેની તમામ માનસિક શક્તિઓને પૂરેપૂરી ઉપયોગમાં લઈ શકાય. મનને આપેલી વ્યક્તિલક્ષી તાલીમથી તેણે પ્રાકૃતિક વિજ્ઞાનોના સૂત્રધારોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. કલકત્તા વિશ્વવિદ્યાલયના સ્વ. સર બી. એન. સીલે બતાવ્યું છે કે મનની એકાગ્રતાના શિક્ષણથી પૂરેપૂરા સુસજ્જ નર-નારીઓએ કેવી રીતે હિંદુઓનાં પ્રાકૃતિક વિજ્ઞાનો વિકસાવ્યાં.

એકાગ્રતાનો અભ્યાસ નિઃશંકપણે ધાર્મિક વિકાસનું સત્ત્વ કે હાર્દ ગણી શકાય. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ વિના કદી કોઈ પણ માણસ આધ્યાત્મિક વિકાસની સર્વોચ્ચ સ્થિતિ પામવાનું કલ્પી પણ ન શકે. ખ્રિસ્તી, યહૂદી, હિંદુ, બૌદ્ધ અને મુસ્લિમ રહસ્યવાદીઓના જીવનનો અભ્યાસ કરતાં આપણને બરાબર અને પૂરેપૂરું સમજાય છે કે એકાગ્રતાની શક્તિના વિકાસ દ્વારા જ તેમણે સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરી હતી. એકાગ્રતાના અભ્યાસ દ્વારા અર્જિત ધાર્મિક અને દાર્શનિક સિદ્ધિઓ ઉપરાંત માનવીનાં મન અને વ્યક્તિત્વના સુગ્રથન માટે પણ એકાગ્રતાનું વ્યાવહારિક મૂલ્ય આપણે આંકીએ છીએ. જ્યાં સુધી માનવ સંઘર્ષો કે વિક્ષેપોના નિવારણને લાગે વળગે છે, ત્યાં સુધી એમ કહી શકાય, કે જો માણસે એકાગ્રતાની થોડીક પણ શક્તિ કેળવી ન હોય, તો તે મનના વિરોધાભાસી આવેગજનિત સંઘર્ષોને સફળતાપૂર્વક નાબૂદ કરી શકે નહીં. માનવમન ઇરણો તથા આવેગોના સંઘર્ષ માટેનું કુરુક્ષેત્ર કે યુદ્ધક્ષેત્ર છે, એ હકીકત સાંપ્રત પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને ભારતીય મનોવૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે સમજાવી છે.

ખૂબ જ આવેગાત્મક વિક્ષેપ અનુભવી રહેલ વ્યક્તિનું જ્યારે નિષ્ણાત મનોચિકિત્સક વિશ્લેષણ કરે, ત્યારે કદાચ એ સંઘર્ષનું સ્વરૂપ તે ઓળખી શકે, એમ બને. એ કદાચ એ પણ સમજી શકે, કે જ્યાં સુધી તેને દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી હકીકતમાં તેને માટે માનસિક શાંતિ અને સુખની કોઈ આશા નથી. આ ઉપરાંત તે કદાચ એ પણ સમજી શકે, કે પોતાના ક્રિયાત્મક રોગો એ પોતાના માનસિક સંઘર્ષો અને હતાશામાંથી જ પેદા થયા છે. આમ પોતાનું સ્વ-વિશ્લેષણ અને મનોવૈજ્ઞાનિક મનોવિશ્લેષણ કરવા છતાંય સંઘર્ષ કરી રહેલી વ્યક્તિ સંઘર્ષ પર કાબૂ મેળવવામાં પોતાને સંપૂર્ણ નિઃસહાય પરિસ્થિતિમાં અનુભવે એ શક્ય છે. હું એ જાણું છું કે કેટલાક લોકોને આ પદ્ધતિઓ મદદરૂપ નીવડી શકી છે. આમ છતાં તેઓમાં સાધારણ રીતે સ્થાયી કહી શકાય તેવું સુગ્રથન જોવામાં આવતું નથી. જ્યારે વધુ પડતી ચંચળતા કે અસ્થિરતાને થોડાક વખત પૂરતી દૂર કરી શકાઈ છે, ત્યારે પણ માત્ર આવી પદ્ધતિઓ વડે જ મનને વિકસાવી કે દૃઢ બનાવી શકાતું નથી.

ઘણા લોકો સુખદ અને દુઃખદ બંને પ્રકારના અનુભવો સાથે આસક્ત થઈ ચોંટી જતા હોય છે. વ્યક્તિ પ્રિય વસ્તુઓનો જ વિચાર કરવાનું પસંદ કરે એમ સામાન્ય રીતે જણાતું હોવા છતાં ઘણા લોકોને જીવનની અપ્રિય કે દુઃખદ ઘટનાઓ પ્રત્યે પણ આસક્તિ જોવા મળે છે, એ હકીકત છે. લોકો જાણે છે, કે પોતાની માનસિક શાંતિ હણાઈ રહી છે. છતાં કમભાગ્યે ડર, ભય અને એવા અન્ય અપ્રિય તથા મનને ક્ષુબ્ધ કરે તેવા આવેગોને તેઓ ચોંટી પડતા હોય છે. કોઈ પણ પ્રકારના સંયમ કે કાબૂ વગર તેમના વિચારો સતત ચાલ્યા જ કરે છે. પરિણામે માનસિક રીતે તેઓ અસ્વસ્થ થઈ જાય છે, સૂઈ શકતા નથી અને ભય, બીક, ચિંતા તથા જીવનની અપ્રિય ઘટનાઓને વાગોળતા રહેવાને પરિણામે તેઓ ઘણી ક્રિયાત્મક બીમારીઓના ભોગ બની જાય છે.

પ્રૉફેસર વિલિયમ જેમ્સ આવેગાત્મક સંઘર્ષોની તકલીફો સમજતા હતા. મનની પદ્ધતિસર કેળવણીનો ઉપયોગ પણ તેઓ જાણતા હતા. તેમના મત મુજબ :

‘હંમેશ મુજબની પરિસ્થિતિઓમાંથી સામાન્ય રીતે જન્મતા આવેગો અને આવેશો સંકલ્પને માટે સાધારણ રીતે ઉશ્કેરણીજનક નીવડે છે, પણ આવું સતત ચાલુ રહેતું નથી. વચ્ચેના વિશ્રાન્તિકાળ દરમિયાન જીવનના સપાટી પરના સ્તરો વચ્ચે આવીને આપણને બંધ કરી દે છે. આથી માનવ આત્માને ઉત્તમ અને વ્યવહારુ રીતે જાણનાર નિષ્ણાતોએ ચેતનાના ગહન સ્તરો સતત હાથવગા રાખી શકાય તે માટે પદ્ધતિસર ત્યાગ અને વૈરાગ્યનો અભ્યાસ કેળવ્યો છે. મારા ધારવા મુજબ એ સ્વીકારવામાં આવ્યું છે કે ત્યાગ કે વૈરાગ્યના અભ્યસ્ત શિષ્યો સ્વતંત્રતા અને સંકલ્પશક્તિના ઘણા ઊંચા સ્તરને પ્રાપ્ત કરી શકે છે.’

હિંદુઓ એકાગ્રતાના અભ્યાસની ઉપયોગિતા સમજે છે. માનવમનની વિક્ષિપ્ત અવસ્થાઓના મારા અનુભવને લાગે વળગે છે, ત્યાં સુધી મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે, કે આવેગાત્મક ઈરણો અને સંઘર્ષોમાં વેરવિખેર થઈને ક્ષીણ થઈ જતી માનસિક શક્તિઓનો સંચય એકાગ્રતાના અભ્યાસ વગર માણસ કરી શકે નહીં. એકાગ્રતાનો સતત અભ્યાસ મનને વિશ્રાન્તિ આપે છે. ચંચળ વિચારો એક જ વિષયને લગતા હોઈ જ્યારે સાતત્યપૂર્ણ અને એકાગ્ર બને છે, ત્યારે મજ્જાતંત્ર વિશ્રાન્તિ અનુભવે છે. પરિણામે વ્યક્તિ નિદ્રા અને આરામ પ્રાપ્ત કરે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એવું ક્યારેય ના કહેશો, કે અમુક માણસ નકામો છે. કારણ તે ટેવોનો એક સમૂહ, એક ખાસિયત પ્રગટ કરે છે, કે જે નવી અને વધારે સારી ટેવો કે ખાસિયતો દ્વારા નિયંત્રિત કરી શકાય છે.’

એકાગ્રતાનું વિજ્ઞાન

હિંદુ મનોવૈજ્ઞાનિકોએ એકાગ્રતાનું વિજ્ઞાન વિકસાવ્યું છે. રાજયોગ વ્યવસાયલક્ષી મનોવિજ્ઞાનના પિતા પતંજલિ આપણને એકાગ્રતાના વિજ્ઞાન વિશે સવિસ્તર માહિતી આપે છે. પૂર્ણ એકાગ્રતાની ચેતનાતીત અવસ્થાનાં આઠ સોપાનો (Stages) તેઓ દર્શાવે છે. યમ (મનોસંયમ), નિયમ (શારીરિક સંયમ અને વિશિષ્ટ માનસિક અભ્યાસ), આસન, પ્રાણાયામ (નિયંત્રિત શ્વાસોચ્છ્વાસ), પ્રત્યાહાર (ઈન્દ્રિજન્ય વિષયોમાંથી મનને ઉપામે કરવું તે), ધારણા (એકાગ્રતા), ધ્યાન અને સમાધિ (ચેતનાતીત અવસ્થા) – લક્ષ્ય પ્રાપ્તિ માટે આ સોપાનોનું ક્રમશઃ અનુસરણ કરવું જરૂરી છે.

જેમ્સ એ પામી ગયા કે ‘હિંદુસ્તાનનું યોગદર્શન નિઃશંકપણે અત્યંત આદરણીય અને ત્યાગ – વૈરાગ્ય પ્રેરક છે. તેનાં પરિણામો અત્યંત વિપુલ, પ્રાયોગિક પુરાવાઓ આપે છે.’ પતંજલિના મત મુજબ પોતાની માનસિક શક્તિઓને સંયોજિત કરવા માટે માણસે મનને એક વિષય પર કેન્દ્રિત કરી એકાગ્રતાનો પદ્ધતિસર અભ્યાસ કરવો જોઈએ. ‘મન વિખરાયેલું હોવાથી શરૂઆતમાં એકાગ્રતાની ઈચ્છિત શક્તિ સિદ્ધ કરવામાં કદાચ થોડી વાર લાગે એમ જરૂર બની શકે. સ્વામી બ્રહ્માનંદના શબ્દોમાં : નિયમિત અભ્યાસ વડે મનને શાંત કરી શકાય અને તેને કાબૂમાં લઈ નિયંત્રિત કરી શકાય…શરૂઆતમાં ધ્યાન ખૂબ જ અઘરું અને નીરસ જણાય છે, પણ તે છતાંય જે પ્રમાણે દવાનું નિયમિત સેવન કરવાનો અભ્યાસ ચાલુ રાખીએ તે પ્રમાણે જો તમે ધ્યાનાભ્યાસ ચાલુ જ રાખશો, તો તેમાં વિશુદ્ધ અને નિર્ભેળ આનંદ-પ્રાપ્તિનો સ્રોત જોઈ કે અનુભવી શકશો.

ભગવદ્‌ગીતામાં પણ એમ કહ્યું છે, કે મન ચંચળ જરૂર છે, અને તેથી તેને નિયંત્રણમાં લેવું મુશ્કેલ છે. પરંતુ સતત અભ્યાસ વડે અને વૈરાગ્ય દ્વારા તેને કાબૂમાં લાવી શકાય છે.

એકાગ્રતાનો અભ્યાસ કરવો અઘરો છે, પરંતુ વ્યવસ્થિત અભ્યાસો દ્વારા તેને દરેક વ્યક્તિ સિદ્ધ કરી શકે છે. એ બાબત અંગે ભારતના પ્રાચીન તથા અર્વાચીન મનોવૈજ્ઞાનિકો એકમત ધરાવે છે. શરૂઆતમાં એકાગ્ર થવા માટે અમુક નક્કર વિષયો કે પદાર્થો લેવાના. વૈષયિક જગતથી આપણું મન આકર્ષિત થતું હોય છે. આપણી જ્ઞાનેન્દ્રિયો તથા કરણો પણ સતત બર્હિમુખ ૨હે, એવું જ તેમનું બંધારણ હોય છે.

આથી સતત મળતા રહેતા નવાં સંવેદનો, અનુભવો અને તે દરેક તરફ તદનુરૂપ ઊભી થતી માનસિક પ્રતિક્રિયાઓનો ધોધ મનને અત્યંત ચંચળ અને અસ્થિર બનાવી દે છે. વધારામાં આપણે આપણા ભૂતકાળના અનુભવોની છાપો પહેલેથી જ આપણા અવચેતન માનસમાં સંઘરી રાખી છે. આપણા અવચેતન મનમાં તે સતત કામ કરતી હોય અને ચેતન સ્તર પર ધસી આવવાનો પણ પ્રયાસ કરે છે. આથી સ્વામી વિવેકાનંદ તેમના રાજયોગમાં૧૦ સુંદર દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે તે પ્રમાણે આપણું મન વાંદરાની માફક વર્તન કરે છે.

મનની અશાંત અવસ્થાઓને લીધે મજ્જાતંત્ર પણ અત્યંત વિક્ષુબ્ધ રહે છે. ચેતનાની ઉચ્ચતર અવસ્થાઓ પ્રાપ્ત થતાં સુધી મન લગભગ સંપૂર્ણપણે મજ્જાતંત્ર વડે જ કાર્ય કરે છે. જ્યારે મજ્જાતંત્ર પર અસર પડે, ત્યારે મન ઉપર પણ પ્રભાવ પડે છે. અને જ્યારે મન ઉપર પ્રભાવ પડે ત્યારે મજ્જાતંત્ર પર પણ અસર પડે છે. આથી હિંદુ મનોવૈજ્ઞાનિકો માનસિક એકાગ્રતાની પ્રાથમિક ભૂમિકારૂપે બે સોપાનની હિમાયત કરે છે:૧૧ યમ (નૈતિક વર્તન, નીતિમય જીવન અને માનસિક સંયમ), તથા નિયમ (શારીરિક સ્વચ્છતા અને ભોજનમાં સંયમ, અમુક પ્રકારના નિષેધો તથા અમુક પ્રકારનો માનસિક અભ્યાસ).૧૧ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને યમ કહેવામાં આવે છે. આંતર અને બાહ્ય શૌચ, સંતોષ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે.૧૨ પ્રારંભમાં યોગ્ય ક્રિયાઓ * દ્વારા વ્યક્તિએ પોતાના મન અને શરીરને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભોજન અંગેના કેટલાંક સરળ નિયંત્રણો વડે મજ્જાતંત્રને વધારે મજબૂત બનાવી શકાય. આપણે સહુ જાણીએ છીએ, કે જ્યારે આપણે ઉદ્દીપક કે ઔષધિનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાંનાં તંત્રોને કાં તો વધુ પડતા ઉદ્દીપ્ત કરી દેવામાં આવે છે, અથવા તો સુસ્ત બનાવી દેવામાં આવે છે. બીજી બાજુ, આપણે જ્યારે નરમ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ, પથ્ય એવું પોષક ભોજન કે પેય પીણાં લઈએ છીએ, ત્યારે મજ્જાતંત્ર અને સમગ્ર શરીર શાંત રહે છે. મન તથા મજ્જાતંત્ર વધારે પડતાં ઉદ્દીપ્ત કે ઉત્તેજિત ન થઈ જાય તેમ જ સુસ્ત પણ ના બની જાય તે માટે એકાગ્રતાના અભ્યાસના પ્રારંભમાં અન્ન અને પેય બાબતો અંગે અમુક પ્રમાણમાં સાદું નિયંત્રણ મદદરૂપ નીવડે છે. માનસિક શુદ્ધિ એ શારીરિક શુદ્ધિ કરતાં વધુ મહત્ત્વની છે. કમભાગ્યે અનુભવે એ બતાવ્યું છે, કે જ્યારે શારીરિક સ્વાસ્થ્ય પર વધુ પડતો ભાર મૂકવામાં આવે છે, ત્યારે ઘણી વાર માણસ માનસિક સ્વાસ્થ્યની અને તેથીય વિશેષ આધ્યાત્મિક સ્વાસ્થ્યની ઉપેક્ષા કરે છે. પરિણામે યોગીઓએ શારીરિક શક્તિ અને કેટલીક અસાધારણ મનોવૈજ્ઞાનિક તથા ગૂઢ શક્તિઓની સંસ્કૃતિ વિકસાવી. પરંતુ તેમાંના ઘણાએ આધ્યાત્મિક વિકાસની ઉપેક્ષા કરીને તેના તરફ બેપરવાઈ દાખવી. અમેરિકાનાં ઘણાં જૂથોમાં અને અન્ય સ્થળોએ હું જોઉં છું કે જ્યારે લોકો શારીરિક વિકાસમાં ખૂબ જ રસ ધરાવતા થઈ જાય છે, ત્યારે તેઓ ઘણી વાર વાસ્તવિક માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસને ભોગે ખાનપાન અંગે વધુ પડતા નખરાળા બની જાય છે. સ્વામી વિવેકાનંદ શારીરિક સ્વાસ્થ્યની સામાન્ય કાળજી રાખવાના મધ્યમમાર્ગની તરફેણમાં હતાં.૧૩

પ્રૉફેસર જેમ્સને એ ખાતરી થઈ જણાય છે કે સમગ્ર મનના વિકાસ માટે કેટલાક માનસિક અને શારીરિક વ્યાયામો ઉપયોગી છે, ‘ધ ઍનરજીઝ ઑફ મૅન’માં તેઓ એક કિસ્સો વર્ણવતાં કહે છે, કે તેમના મિત્રે કેટલાક હિંદુ યોગાભ્યાસો કર્યા અને તેની ઘણી સારી અસર થઈ.૧૪

માનસિક સંયોજન અને એકાગ્રતાના અભ્યાસ માટે આંતરિક સ્વચ્છતા અત્યંત મહત્ત્વની છે. હું જાણું છું કે મહત્ત્વાકાંક્ષા, ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા અને અદેખાઈ જેવા કેટલાક પ્રાથમિક ઈરણો અને દ્વૈયક્તિક આવેગોને લઈને માનવમન અત્યંત ક્ષુબ્ધ અને ઉત્તેજિત બની જાય છે. મારા પોતાના નિરીક્ષણ અને અનુભવ ઉપરથી હું પણ જાણું છું, કે જ્યાં સુધી અવ્યવસ્થિત, અતિશય આવેગોની વૃત્તિની મન ઉપર મજબૂત પકડ હોય, ત્યાં સુધી મન હંમેશાં અસ્થિર રહેવાનું જ. રાજયોગ પરનાં સૂત્રોના પ્રથમ પ્રકરણમાં પતંજલિ સંતોષ, સુખ અને એવા અન્ય ગુણોને ખીલવવાની ભલામણ આ કારણસર જ કરે છે. જ્યારે માણસ સંશય, ઈર્ષ્યા કે ધિક્કાર ખૂબ જ માત્રામાં વ્યક્ત કરે, ત્યારે તેને તેથી વિરુદ્ધ ગુણો પ્રતિપક્ષભાવના રૂપે પ્રયત્નપૂર્વક ખીલવવાની સલાહ આપવી જોઈએ. ગેરમાર્ગે લઈ જવાયેલા આવેગોથી વિશેષ કશું જ મનુષ્યની શાંતિ તથા સુખને પૂરેપૂરું છિન્નભિન્ન કરતું નથી. માનવજીવનના જુદા જુદા કિસ્સાઓના અભ્યાસ પરથી હું જાણું છું કે શંકા, ધિક્કાર, ઈર્ષ્યા અને વધુ પડતી મહત્ત્વાકાંક્ષાએ માનવજીવનને પૂરેપૂરું નષ્ટ કરી દીધું છે. પતંજલિ આદેશ આપે છે, કે જેનામાં નિષેધક વૃત્તિઓ હોય, તેણે મૈત્રી, ઉદારતા અને પ્રેમભાવ કેળવવા જોઈએ. કેટલીક વાર એ કષ્ટદાયી અને પ્રતિકૂળ પણ જણાય, છતાંયે વ્યક્તિએ રચનાત્મક વૃત્તિઓ કેળવવાનો વ્યક્તિગત પ્રયાસ તો કરવો જ જોઈએ, કારણ કે મનની ચંચળતાને કાબૂમાં લેવામાં તે મદદ કરે છે.

નિરાશા, હતાશા કે સંઘર્ષને લીધે પેદા થતી મનની વિક્ષિપ્ત અવસ્થાઓ પર વિજય મેળવવા કે તેને કાબૂમાં લેવા જેમ આપણે ઝઝૂમીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, તેમ એકાગ્રતા અને ધ્યાનની શક્તિને ખીલવવાનો વિધાયક પ્રયાસ પણ આપણે કરવો જોઈએ. મોટા ભાગના લોકો પોતાને એક વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાયેલા અનુભવે છે. લગભગ એક વિષચક્ર જેવું જ તે છે. જ્યાં સુધી માણસે વિરોધાભાસી ઈરણોને અને હતાશાની લાગણીને થોડે ઘણે અંશે પણ ઓગાળી નાખ્યા ન હોય, ત્યાં સુધી તેનામાં એકાગ્રતાની યોગ્ય શક્તિ આવતી નથી. બીજી બાજુ, જ્યાં સુધી તે એકાગ્રતાની શક્તિ સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરે ત્યાં સુધી તે આ વિક્ષેપકર્તા તત્ત્વો ઉપર વિજય મેળવી શકતો નથી. તેથી વ્યક્તિએ સભાનપણે સંધર્ષો અને હતાશાઓ ઉપર વિજય મેળવવાની સાથે સાથે એકધારા ધ્યાનાભ્યાસ ઉપરાંત વિશુદ્ધ અને ઉચ્ચતર રચનાત્મક આવેગો ખીલવવાની વિધાયક પદ્ધતિનો પણ સમન્વય કરવો જોઈએ.

એકાગ્રતાના અભ્યાસ દરમિયાન શરીર તનાવમુક્ત હોય એ ઈચ્છનીય છે. મોટા ભાગના લોકોના જ્ઞાનતંતુઓ એવા તો તનાવભર્યા હોય છે કે તેઓ સૂવા જાય ત્યારે પણ ઉચિત રીતે આરામ કરી શકતા નથી હોતા. માનસિક આરામને માટે શારીરિક રીતે તનાવમુક્ત હોવું અત્યંત જરૂરી છે. આથી જ હિંદુ મનોવૈજ્ઞાનિકો તનાવમુક્ત અવસ્થામાં આસનસ્થ થવાની અને સમગ્ર મજ્જાકીય સ્નાયુતંત્રને હળવાશભર્યું કરવાની સલાહ આપે છે. ધીરે ધીરે આખાય મજ્જાતંત્રને સ્વૈચ્છિક રીતે તનાવમુક્ત બનાવવામાં આ પ્રક્રિયા વ્યક્તિને મદદ કરે છે. અશક્ય જણાતું હોવા છતાં અનુભવ એ દર્શાવે છે, કે સવારે અને સાંજે આનો અભ્યાસ મજ્જાકીય સ્નાયુતંત્રને બાકીના સમય દરમિયાન તનાવમુક્ત કરવામાં મદદ કરે છે. એવું જોવામાં આવ્યું છે કે ઉત્તેજના પ્રેરે તેવાં કેટલાક કારણો જ્યારે ઉપસ્થિત થાય છે, ત્યારે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે મજ્જાકીય-સ્નાયુતંત્રને તનાવમુક્ત રાખીને જ્ઞાનતંતુનો તનાવ અને તેને પરિણામે પેદા થતા માનસિક વિક્ષેપોનું નિવારણ કરી શકે છે. અત્રે હું એમ કહેવા માગતો નથી કે મન એ મજ્જાતંત્રની નીપજ છે. પરંતુ આપણે હાલ પૂરતું તો તેને એ રૂપે ઓળખ્યા સિવાય રહી શકતા નથી, કારણ અત્યારે મન ઘણા મોટા પ્રમાણમાં મજ્જાતંત્રની ક્રિયાના સ્વરૂપ ઉપર આધારિત છે. માનસિક વિકાસક્રમમાં એક સમય એવો આવે છે, કે જ્યારે મન પોતે જ આખાય મજ્જાતંત્રનું સંપૂર્ણ નિયમન કરી શકે છે.

પ્રાણાયામ

પ્રાણાયામ પણ અસરકારક જણાયો છે. વ્યક્તિ જ્યારે પ્રાણાયામનો અભ્યાસ કરે છે, ત્યારે તેનું મજ્જાતંત્ર શાંત થઈ જાય છે. ભારતના કેટલાક મનોવૈજ્ઞાનિકો ખાસ કરીને રાજયોગી અને હઠયોગીઓ એકાગ્રતાના અભ્યાસને અમુક પ્રકારનો પ્રાણાયામ સૂચવે છે. આમ છતાં પ્રાણાયામના કેટલાક તીવ્ર અભ્યાસોને સ્વીકારતાં પહેલાં વ્યક્તિએ તેના ઔચિત્ય અંગે યોગ્ય કાળજી લેવી જરૂરી છે. અમુક તીવ્ર પ્રાણાયામના અભ્યાસો યોગના સારા અને નિષ્ણાત આચાર્યના નિર્દેશ હેઠળ જ કરવા જોઈએ. એટલું જ નહીં, પણ તેની સાથે ભોજન વિષયક કેટલાંક નિયંત્રણો અને કેટલાક તીવ્ર માનસિક અભ્યાસો પણ સાથે સાથે કરવા જરૂરી છે. નશીલો કે ઉત્તેજનાત્મક તથા બગડી ગયેલો કે વાસી ખોરાક અને પીણાનું સેવન સર્વથા વર્જ્ય હોઈ તેને કઠોરતાપૂર્વક છોડી જ દેવું જોઈએ. આમ નહીં કરવામાં મજ્જાતંત્ર અને મન બેયમાં વિક્ષેપો પેદા થવાનું ભયસ્થાન રહેલું છે. આમ છતાં ઘણા કિસ્સાઓમાં સાદા, લયબદ્ધ, શ્વાસોચ્છવાસની ટૂંકા ગાળાની પ્રક્રિયા મદદરૂપ જણાઈ છે. હું અહીં ચોક્કસપણે એ સ્પષ્ટ કરવા માગું છું, કે સાદા કે તીવ્ર પ્રાણાયામના અભ્યાસો તનાવમુક્ત થવામાં મદદરૂપ છે, પરંતુ એકાગ્રતાના અભ્યાસ માટે તે અનિવાર્ય ગણી શકાય નહીં.

પ્રત્યાહાર

થોડીક મિનિટો તનાવમુક્ત થવાનો અભ્યાસ કર્યા બાદ વ્યક્તિએ પોતાના મનને કેન્દ્રિત કરવા માટે કોઈક પ્રતીક કે ઈશ્વરનું સગુણ પાસું લેવું જોઈએ. એકાગ્રતાના અભ્યાસમાં અમુક પ્રતીક કે ઈશ્વરના અમુક પાસા સિવાયના બધા જ વિચારો દૂર કરી દેવા જોઈએ. એકાગ્રતાના વિષય કે ઈશ્વર ઉપર સમગ્ર મનને કેન્દ્રિત કરી તેને બની શકે એટલું તન્મયતાપૂર્વક ત્યાં રહેવા દેવું જોઈએ. શરૂઆતમાં એમ જણાશે કે મન અગાઉના વિચારોમાં તથા અગાઉ અનુભવેલા ઈન્દ્રિયજન્ય વિષયોમાં દોડી જાય છે. આ વિષયો અને વિચારો તરફથી મન વાળી લેવું જોઈએ (પ્રત્યાહાર). સામાન્ય રીતે એ જોવા મળે છે કે કમભાગ્યે અપ્રિય અને અણગમતા અનુભવો જ તે વખતે મનની સપાટી પર આવે છે. આ કારણસર જ ઈશુ ખ્રિસ્ત કહે છે : જો પ્રભુચરણે તારી ભેટ ધરવા તું વેદી પર જાય અને જો તને યાદ આવે, કે તારો ભાઈ તારી સામે થયો છે તો વેદીની સામે ભેટ છોડી દઈ પ્રથમ તું જઈને ભાઈની સાથે મનમેળ સાધી દેજે. પછી જ આવીને તારી ભેટ ધરજે.૧૫

પતંજલિ અને ભારતના અન્ય મનોવૈજ્ઞાનિકો હંમેશાં ભારપૂર્વક જણાવે છે કે વ્યક્તિએ પોતે યોગ્ય જીવનદર્શનને અપનાવીને મનની શાંત અવસ્થા હંમેશાં અર્જિત કરવી જોઈએ.

અગાઉ કહી ગયા મુજબ વ્યક્તિએ પ્રયત્નપૂર્વક પોતાની આસપાસ પ્રસન્ન અને મૈત્રીભર્યું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ. મનની શાંત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ ધિક્કાર, ઘૃણા, દ્વેષ, ઈર્ષ્યા અને અન્ય નિષેધક લાગણીઓ ઉપર કાબૂ મેળવવો જોઈએ. આ માટે સ્વસ્થ નૈતિક સિદ્ધાંતો હોવા અત્યંત અનિવાર્ય છે. શાંત અને તનાવમુક્ત મન ઈચ્છિત વિષયમાં સફળતાપૂર્વક લગાડી શકાય છે, પરંતુ મન એકાગ્ર હોવું જ જોઈએ.

ધૈર્યપૂર્વક લાગ્યા રહો

મન ઈશ્વ૨માં થોડીક સેકન્ડથી વધારે સમય સુધી લગાડી નહીં શકવાને લીધે હતાશ કે નિરાશ થઈને વ્યક્તિએ એકાગ્રતાનો અભ્યાસ છોડી દેવો ન જોઈએ. મહિનાઓ સુધીના અભ્યાસગાળા દરમિયાન ઈશ્વરના પ્રતીક યા ઈચ્છિત પાસા પર સતત વિચાર લાગુ કરવાની શક્તિ વ્યક્તિ મેળવી શકે છે. શરૂઆતમાં દેખાતી મનની ચંચળતાની અવગણના કરવી જોઈએ. એ સ્વાભાવિક છે કે એકાગ્રતાના અભ્યાસના પ્રારંભિક તબક્કામાં મન સારું એવું વ્યથિત થશે, કારણ કે હજુ તેનું અવમાનસ ક્ષુબ્ધ મનોવૃત્તિઓ, સંઘર્ષો અને વિક્ષેપોથી ભરેલું છે. પરંતુ અનુભવ એ દર્શાવે છે કે ટૂંક સમયમાં જ મન સ્વસ્થ અને શાંત બને છે. અભ્યાસની તીવ્રતા ઉપર પ્રગતિ આધારિત છે.૧૬

ચમત્કારથી સાવધાન!

એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસનું પરિણામ વિષયની પસંદગી પર આધારિત હશે. કેટલીક વાર મને આશ્ચર્ય થાય છે, કે આધ્યાત્મિક રીતે વિકાસ કરવા માટે ગમે તે વિષય ઉપર મનને કેન્દ્રિત કરવાનો આદેશ લોકોને અપાતો હોય છે. વિદ્યાર્થીએ જુદા જુદા કારણસર એકાગ્રતા માટે પસંદ કરેલા વિષયોનું વિસ્તૃત વર્ણન પતંજલિ રાજયોગમાં કરે છે. ભૌતિક અણુઓ કે ભૌતિક પદાર્થો ઉપર મન એકાગ્ર કરવાથી આપણે એકાગ્રતાની શક્તિ જરૂર મેળવી શકીએ; છતાં ઈશ્વરના કોઈક પાસા પર મન એકાગ્ર કરવાથી જે પરિણામ મળે, તેના કરતાં કંઈક જુદું જ પરિણામ મળશે. ગૂઢ, મનોવૈજ્ઞાનિક અને અન્ય અસાધારણ માનસિક શક્તિઓ –જેવી કે, હવામાં અદ્ધર તરતા રહેવાની શક્તિ, શ્વાસ રોકી રાખવાની શક્તિ, પ્રકાશનું પ્રસરણ કરવું, બીજાના વિચાર વાંચી લેવા કે પોતાનો વિચાર બીજામાં સંક્રમિત કરવો૧૭ વગેરે જુદા જુદા ભૌતિક વિષયો અને અન્ય સૂક્ષ્મ વિષયો ઉપર મન એકાગ્ર કરીને કુદરતના કેટલાક નિયમો ઉપરનું પ્રભુત્વ વિકસાવી શકાય. એકાગ્રતાના આવા પ્રકારોથી કેટલાક માણસોની કુતૂહલવૃત્તિ સંતોષાય અથવા તો પ્રકૃતિ અને માનવીઓ ઉપર અમુક પ્રકારનું પ્રભુત્વ વિકસાવી શકાય એમ બને. છતાં અંતે માણસના સમગ્ર વ્યક્તિત્વનો સમન્વય કરવામાં આવી શક્તિઓ મદદરૂપ નીવડતી નથી. થોડાંક વર્ષો પૂર્વે લંડન સ્થિત મૅડિકલ ઍસોસિયેશન સમક્ષ ભારતથી આવેલા ખોડા બૉકસ નામક સજ્જને અગ્નિથી નહીં દાઝવાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. એ આશ્ચર્યજનક અને રસપ્રદ પ્રદર્શન હતું. હું વ્યક્તિગત રીતે ભારતના કેટલાક લોકોથી પરિચિત છું, જેઓ ‘કુદરતના નિયમો’ને આંબી જવાની અસાધારણ શક્તિઓ ધરાવે છે. આમ છતાં, હું નિખાલસપણે એ સ્વીકારું છું, કે શક્તિનું અસાધારણ પ્રદર્શન કરનારા પુરુષો પોતાના વ્યક્તિત્વનું એકીકરણ કરવામાં સફળ નીવડ્યા નથી. આવા લોકો ‘આધ્યાત્મિક માણસો’ ગણી શકાય નહીં. મને મૂળભૂત રીતે માનસિક વિકાસ તથા આધ્યાત્મિક ઉત્કર્ષમાં રસ છે, કુદરતી નિયમોના નિયંત્રણમાં કે અસાધારણ માનસિક શક્તિઓ કે ગૂઢ શક્તિઓમાં નથી.

ભારતના મહાન મનોવૈજ્ઞાનિકો અને રાજયોગીઓ શક્તિનાં આવાં પ્રદર્શનો સામે લોકોને ચેતવે છે. જેણે અજાણતાં જ કેટલીક અસાધારણ શક્તિઓ વિકસાવેલી તેવા એક પોતાના અનુયાયીને બુદ્ધે પ્રોત્સાહન આપ્યું ન હતું. ઈશુએ ચમત્કારો કર્યા હોવાથી ખ્રિસ્તી જૂથમાંના ઘણા લોકો આવા ચમત્કારોને ખૂબ જ રસપૂર્વક અને ઉત્સાહથી જુએ છે. પરંતુ તેઓ એ સમજતા નથી કે ઈશુની કક્ષાના માણસમાં આ ચમત્કારોથી અસંગ કે અસ્પૃષ્ટ રહેવાની ક્ષમતા હતી, કારણ કે સ્વયં ઈશ્વરચેતનામાં સ્થિત હતા. ઇશુ કહે છે : ‘અનિષ્ટનો ભોગ બનેલી અને બગડી ગયેલી ગયેલી પ્રજા ચમત્કારોની શોધમાં જાય છે.’૧૮ અન્ય પ્રમાણભૂત હિંદુઓ પણ કહે છે કે ઉચ્ચતર માનસિક અને આધ્યાત્મિક વિકાસને માટે સિદ્ધિઓ વિઘ્ન કે અંતરાયરૂપ છે. પતંજલિ આવી શક્તિઓને વિકસાવવાની પદ્ધતિઓ વર્ણવે છે. અને પછી એ ચેતવણી આપે છે કે સત્યના પ્રામાણિક સાધકે આવા અભ્યાસોમાં પડવું જોઈએ નહીં.૧૯ શ્રીરામકૃષ્ણ આવી અસાધારણ અને ગૂઢ માનસિક શક્તિઓના પ્રગટનની ભારપૂર્વક ઉપેક્ષા કરે છે. તેઓ ચોક્કસપણે જણાવે છે, કે જ્યાં સુધી માણસનું મન માનસિક અને ગૂઢ શક્તિઓના ચિંતનમાં પરોવાયેલું રહે, ત્યાં સુધી માણસ આધ્યાત્મિક રીતે વિકાસ કરી શકતો નથી. વધુમાં, આવી શક્તિઓની અભિવ્યક્તિ કરવા જતાં માણસનું પતન થઈ જાય છે. તેઓ એમ પણ કહે છે, કે : ‘ચમત્કારો અને ગૂઢ શક્તિઓનું પ્રદર્શન કરનારાઓની પાસે જવું જ નહીં, કારણ કે આવા લોકો બીજાને સત્યના પથ પરથી ભ્રષ્ટ કરી, ગેરમાર્ગે દોરી જનારા હોય છે. આવા લોકોનાં મન માનસિક શક્તિઓમાં અટવાઈને બંધાઈ ગયેલાં હોય છે અને તે બ્રહ્મની શોધમાં નીકળેલા યાત્રી અને સાધકના માર્ગમાં વિઘ્નરૂપ નીવડે છે.૨૦

શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોએ પણ અમને બધાંને આવા કોઈ અભ્યાસોમાં રસ લેતાં અટકાવ્યા છે. મને સંપૂર્ણ ખાતરી છે કે એકાગ્રતાના વિષયની પસંદગીમાં વ્યક્તિએ અત્યંત સાવધ રહેવું પડે છે. (ક્રમશઃ)

સંદર્ભ:

૧. બી.એન.સીલ : ધ પૉઝિટિવ સાયન્સિસ ઑફ ધ એન્શિયન્ટ હિંદુઝ (લંડન : લાઁગ મૅન્સ, ગ્રીન ઍન્ડ કં; ૧૯૧૫)

૨. વિલિયમ જેમ્સ : ‘ધ ઍનરજીઝ ઑફ મૅન મૅમરીઝ ઍન્ડ સ્ટડિઝ’ (લંડન : લાઁગ મૅન્સ, ૧૯૧૧) પૃ. ૨૫૧.

૩. વર્ક્સ, I, ૨૦૮

૪. જેમ્સ : મેમરીઝ ઍન્ડ સ્ટોઝ, પૃ. ૨૫૧

૫. પતંજલિનું યોગદર્શન ભારતીય ચિંતનના સાંખ્યદર્શનની અમુક સંકલ્પના પર આધારિત છે.

૬. સ્પિરિચ્યુઅલ ટિચિંગ્સ ઑફ સ્વામી બ્રહ્માનંદ (બીજી આવૃત્તિ, મઈલાપોર, મદ્રાસ : શ્રીરામકૃષ્ણ મઠ, (૧૯૩૩), પૃ. ૧૦૦.

૭. શ્રીમદ્ ભગવદ્ ગીતા : ૬.૩૫

૮. કઠોપનિષદ : ૪ : ૧

૯. ગીતા ૨ : ૬૨-૬૮

૧૦ વર્કસ I, ૧૭૪.

૧૧. વર્કસ, ૧૩૭.

૧૨. એજન્ ૨૬૦-૬૧,

૧૩. એજન્ ૧૩૬

૧૪. જેમ્સ : મૅમરિઝ ઍન્ડ સ્ટડિઝ, પૃ. ૨૫૩

૧૫. Matt : ૫: ૨૩-૨૪

૧. પતંજલિનાં યોગસૂત્રો I : ૨૧-૨૨.

૧૭. એજન્ પ્રકરણ ૩,

૧૮. Matt : ૧૨ : ૩૯

૧૯. પતંજલિ : યોગસૂત્રો, પ્રકરણ – ૩

૨૦. સૅઈંગ્સ ઑફ શ્રીરામકૃષ્ણ (મઈલાપોર મઠ, મદ્રાસ : શ્રીરામકૃષ્ણ મઠ, ૧૯૨૫) પ્રકરણ ૩૬ : ૬૯૬.

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.