આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘માની લો આવતી કાલે જ તમને સ્વાધીનતા મળી જાય, તો પણ શું તમે તેને પચાવી શકશો? તમારામાંથી જ કેટલાક લોકો શાસનની ડોર હાથમાં આવ્યા પછી દેશવાસીઓનું શોષણ કરશે.’ સ્વામીજી ભારતની સ્વાધીનતા અવશ્ય ચાહતા હતા. તેમણે કહ્યું હતું, ‘સ્વાધીનતા વિકાસની પ્રથમ શરત છે.’ આપણા દેશના સ્વાધીનતા આંદોલનના મોટા ભાગના નેતાઓના પ્રેરણાસ્રોત તેઓ જ હતા. પણ તેઓ એમ માનતા કે જ્યાં સુધી માનવ નિર્માણકારી શિક્ષણ પ્રાપ્ત કરી દેશના મોટા ભાગના લોકો સાચા અર્થમાં શિક્ષિત નહીં બને ત્યાં સુધી તેઓ મત આપવાના અધિકારનો યોગ્ય ઉપયોગ નહિ કરી શકે; જ્યાં સુધી ચારિત્ર્યવાન નેતાઓ, અફસરો, વેપારીઓ દેશને નહિ સાંપડે ત્યાં સુધી આપણને સ્વાધીનતાનાં મીઠાં ફળ નહીં સાંપડે, આજે જ્યારે ચારિત્ર્યવાન લોકોના અભાવે આપણા દેશની દુર્દશા થઈ છે ત્યારે સ્વામીજીના ઉપર્યુક્ત વિચારોની મહત્તા આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ.

સ્વામી વિવેકાનંદજીએ આજથી એકસો વર્ષ પહેલાં કહ્યું હતું, ‘કોઈ પણ દેશ એટલા માટે મહાન અથવા સારો નથી બની જતો કારણ કે તેની સંસદ એક અથવા બીજો નિયમ ઘડે છે, પણ એ તો આધાર રાખે છે. – દેશવાસીઓ કેટલા મહાન અને સારા છે. સમસ્ત વિશ્વની સંપત્તિ કરતાં પણ મનુષ્યો વધારે મૂલ્યવાન છે, માટે પ્રથમ મનુષ્યોનું નિર્માણ કરો.’ આજે જ્યારે આપણો દેશ કૌભાંડોની ઘટમાળમાં અટવાઈ ગયો છે, ચારિત્ર્યવાન નેતાઓના અભાવમાં લોકો કોને મત આપવો તેની વિમાસણમાં પડ્યા છે ત્યારે સ્વામીજીના ઉપર્યુક્ત કથનનું તાત્પર્ય બરાબર સમજાય છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘કેવળ ધર્મ જ ભારતનું પ્રાણરૂપ તત્ત્વ છે અને એ જ્યારે ચાલ્યું જશે ત્યારે ભારતવર્ષને એની રાજનીતિ કે સામાજિક સુધારણા જીવાડી શકશે નહિ – પછી ભલે ને એના પ્રત્યેક સંતાન પર કુબેરની સંપત્તિનો વરસાદ વરસતો હોય. એથી હું એમ નથી કહેવા માગતો કે રાજકીય અથવા સામાજિક સુધારણાની આવશ્યકતા નથી. હું તો એટલું જ કહેવા માગું છું, ને તમને પણ સદા યાદ રાખવાનું કહું છું કે એ બધું આપણા દેશમાં ગૌણ સ્થાને છે. પ્રધાન સ્થાને તો કેવળ ધર્મ જ છે.’ આપણે સ્વામી વિવેકાનંદજીના આ ઉપદેશ પર ધ્યાન ન આપ્યું, ‘ધર્મ નિરપેક્ષતા (Secularism)નો ખોટો અર્થ કરી શિક્ષણમાં અને અન્ય ક્ષેત્રોમાં ધર્મ અને આધ્યાત્મિકતાને સ્થાન ન આપ્યું, તેથી જ મૂલ્યોની કટોકટી ઊભી થઈ છે. સૂપીમ કૉર્ટના જસ્ટિસ શ્રી એચ. આર. ખન્નાએ, શ્રી એમ. એમ. શંખધર દ્વારા સંપાદિત પુસ્તક ‘Secularism and India : Dilemma and Challenges’માં પ્રકાશિત ‘The Spirit of Secularism’ (ધર્મનિરપેક્ષતાનું હાર્દ) નામના લેખમાં કહ્યું છે તે પ્રમાણે ધર્મનિરપેક્ષતા એ ઈશ્વરવિરોધી પણ નથી અને ઈશ્વરતરફી પણ નથી, એ તો આસ્તિકને, નાસ્તિકને, અદ્વૈતવાદીને, સમાનરૂપે સ્વીકારે છે. શ્રી ખન્નાના મત પ્રમાણે જો કોઈ વ્યક્તિ હિન્દુ ભક્ત હોય અથવા મુસ્લિમ ભક્ત હોય તો તેથી કંઈ ધર્મનિરપેક્ષતાથી અળગી થઈ જતી નથી. સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજીનું ઉદાહરણ ટાંકતાં તેઓ કહે છે કે તેઓ મહાનતમ હિન્દુઓ હતા અને તેમ છતાં તેઓનું સમસ્ત જીવન અને ઉપદેશો ધર્મનિરપેક્ષતાના સારસ્વરૂપ હતા.

આજે આપણે આઝાદીનાં – લોકશાહીનાં – મીઠાં ફળોથી વંચિત છીએ એનું મુખ્ય કારણ છે આમજનતામાં – મતદાન કરનારાઓમાં – શિક્ષણનો અભાવ. યુગદ્રષ્ટા સ્વામીજીએ આ સમસ્યાને પારખીને આજથી સો વર્ષ પહેલાં ૧૮૯૭માં, મદ્રાસમાં ‘મારી સમર યોજના’ નામના પોતાના ભાષણમાં કહ્યું હતું, ‘પ્રજા શા માટે જાગતી નથી? પ્રથમ પ્રજાને શિક્ષણ આપો. તમારું બંધારણ ઘડનારું મંડળ રચો, એટલે કાયદાઓ ઘડાતા આવશે. પ્રથમ જે શક્તિમાંથી, જે પ્રજાકીય સંપત્તિમાંથી કાયદો ઉત્પન્ન થવાનો છે, એ શક્તિ, એ સંમતિ તો પેદા કરો! રાજાઓ તો ગયા, નથી પ્રજાકીય સંપત્તિ, લોકોની નવી શક્તિ ક્યાં છે? શક્તિને ઉપ૨ લાવો. એટલા માટે સામાજિક સુધારા માટે સુધ્ધાં, આપણી પહેલી ફરજ છે, લોકોને શિક્ષણ આપવાની. એ સમય આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની જ છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ – ૪ પૃ. ૯૭)

આજે ૫૦ વર્ષોની સ્વાધીનતા પછી પણ સમસ્ત વિશ્વમાં સૌથી વધુ નિરક્ષર બાળકો અને પ્રૌઢો ભારતમાં છે! વિશ્વના ૨૨ ટકા નિરક્ષર બાળકો અને ૩૦ ટકા પ્રૌઢ લોકો ભારતમાં વસે છે. શિક્ષણ ખાતાના અહેવાલ પ્રમાણે બિહાર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના ૪૮ જિલ્લાઓની અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની માત્ર ૧ ટકા બહેનો જ સાક્ષર છે!

સાક્ષરતા અભિયાન સફળ ન થયું તેનું કારણ છે – આપણે સ્વામી વિવેકાનંદજીનાં સૂચનોને અમલમાં ન મૂક્યાં. તેમણે ૨૦મી ૧૮૯૪ના રોજ શિકાગોથી જૂનાગઢના દિવાન શ્રી હરિદાસ દેસાઈને પત્રમાં લખ્યું હતું, ‘ધારી લઈએ કે આપણે દરેક ગામડામાં મફત શિક્ષણ આપતી નિશાળો ઉઘાડી શકીએ; તો પણ ગરીબ વિદ્યાર્થીઓ તમારી શાળાઓમાં આવવાને બદલે રોજી કમાવા, ખેતી કરવા જ જશે, આપણી પાસે નથી પૈસા, તેમ જ કેળવણી આવવાની આપણે તેમને ફરજ પાડી શકીએ એમ પણ નથી. આમ પ્રશ્ન તદ્દન આશા ઉકેલ વિનાનો દેખાય છે. પણ આ અશક્ય દેખાતા પ્રશ્નને શક્ય બનાવવાનો માર્ગ મેં શોધ્યો છે, તે આ છે : ‘જો પર્વત મહમ્મદ પાસે ન જાય તો મહમ્મદે પર્વત પાસે જવું. જો ગરીબો ભણવા ન આવી શકે તો આપણે તે ગરીબ લોકો પાસે તેમનાં ખેતરમાં, કારખાનામાં અને દરેક સ્થળે ભણતર પહોંચાડવું’ પહેલેથી જ આપણે સ્વામીજીના સૂચન પ્રમાણે ‘દૂરવર્તી શિક્ષણ’ (Distance education) ની યોજના કાર્યાન્વિત કરી હોત તો આજે દેશમાં ૪૦ ટકા લોકો નિરક્ષર ન હોત.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘આપણી દૃષ્ટિ સમક્ષ, અહીં ભારતમાં બે મોટાં ભયસ્થાનો દેખાય છે. એમાંનું એક તે ભૌતિકવાદનો ભસ્માસુર અને બીજું તે નર્યો વહેમીવેડાનો નરકાસુર, પુરાણમતવાદ. આ બંનેનું જડમૂળ કાઢવું જોઈએ.’ સ્વામીજી ચાહતા હતા – આપણા દેશના વિકાસ માટે પાશ્ચાત્ય વિજ્ઞાન અને ટૅકનૉલૉજી સાથે વેદાંતનો સમન્વય. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણના તેઓ વિરોધી હતા. આપણે આ સલાહ ન સ્વીકારી એટલે જ પાશ્ચાત્ય સમાજના બધા દૂષણો આપણા સમાજમાં આવી રહ્યાં છે ઉપભોક્તાવાદનો શિકાર બની લોકો પૈસાને પરમેશ્વર માની યેનકેનપ્રકારેણ ધન મેળવવામાં લાગી ગયા છે, મનની શાંતિ ગુમાવી રહ્યાં છે, માનસિક રોગો, શારીરિક રોગોના શિકાર બની રહ્યા છે, વ્યસનોમાં ડૂબી રહ્યા છે. આત્મહત્યા કરી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદજીએ ‘માનવસેવા એ જ પ્રભુસેવા’નો ઉપદેશ આપતા કહ્યું હતું, ‘તમારે ઈશ્વરને બીજે ક્યાંય શોધવા જવાની શી જરૂર છે? આ બધાં ગરીબ, દુઃખી, અશક્ત દેવો નથી? પહેલાં એમને જ શા માટે નથી પૂજતા? ગંગાને કાંઠે કૂવો ખોદવા શા માટે જાઓ છો?’ આપણો ધર્મ બાહ્ય આડંબરોમાં, આચારોમાં અટવાઈ ગયો તેથી જ આટલાં બધાં મંદિરો, મસ્જિદો, ગિરજાઘરો, ગુરુદ્વારાઓનું નિર્માણ થઈ રહ્યું છે, ધર્મકથાઓ ચાલી રહી છે, ધાર્મિક તહેવારો ઉજવાય છે તો પણ સમાજમાં પરિવર્તન નથી આવતું.

સ્વામી વિવેકાનંદજીએ ‘હિતવાદી’ના સંપાદક પંડિત સખારામ ગણેશ દેવસ્કરને વાતચીતના પ્રસંગમાં કહ્યું હતું, ‘જ્યાં સુધી આપણા દેશનો એક કૂતરો પણ ભૂખ્યો હોય ત્યાં સુધી તેને ખવડાવવું અને તેની દેખભાળ લેવી તે આપણો ધર્મ બની રહે છે; તે સિવાયનું બધું આડંબર બની રહેશે અથવા તો અધર્મ.’ આપણે દૈનિક જીવનમાં આવા વ્યાવહારિક વેદાંતનું આચરણ ન કર્યું તેથી જ આજે આપણા દેશના લોકો અજ્ઞાનમાં, ગરીબીમાં સબડે છે.

આપણા દેશની સંસ્કૃતિ આટલી મહાન છે છતાં આપણને સેંકડો વર્ષોની ગુલામી ભોગવવી પડી તેનું કારણ છે, આપણે બે મહાન પાપો કર્યાં – આમજનતાની ઉપેક્ષા અને નારીજાતિ પ્રત્યેના અત્યાચાર. સ્વામીજીએ કહ્યું હતું, ‘આમ જનતાની ઉપેક્ષાને હું આપણા દેશનું એક મોટું પાપ ગણું છું. જ્યાં સુધી ભારતમાં આમવર્ગને ફરીથી યોગ્ય કેવળણી, યોગ્ય ખોરાક અને માવજત ન મળે ત્યાં સુધી રાજનીતિની ગમે એટલી ચર્ચા કરશો તેનો કશો જ અર્થ નથી. આપણી કેળવણીને લગતા ખરચ – ભાર એ લોકો વહન કરે છે, આપણાં મંદિરો એ લોકો બાંધે છે, પણ બદલામાં એ લોકોને શું મળે છે? – લાત. એક રીતે એ લોકો આપણા ગુલામો બની ગયા છે. ભારતનું નવવિધાન આપણે કરવું હોય તો એ લોકોના શ્રેયને માટે આપણે પ્રયત્ન કરવા જ જોઈએ.’ આપણે સ્વામીજીની વાત ન સ્વીકારી તેથી જ આજે સ્વાધીનતાનાં પચાસ વર્ષો પછી પણ દેશમાં વીસ કરોડ લોકો ભરપેટ ભોજન નથી પામતાં.

સ્વામીજીએ કહ્યું હતું; ‘પક્ષી એક પાંખથી ઊડી શકે નહિં, તેવી જ રીતે નારીઓના ઉદ્ધાર વગર દેશ કદાપિ આગળ ન વધી શકે.’ આપણા દેશમાં નારીઓ પર અત્યાચાર વધતો જાય છે, તેનું કારણ, આપણે સ્વામીજીની સલાહ ન સ્વીકારી.

સ્વામીજીએ કહ્યું હતું, ‘આપણા રાષ્ટ્રીય આદર્શો છે- ત્યાગ અને સેવા.’ આપણે સ્વાધીનતા પછી ભોગ અને ભ્રષ્ટાચારને પોતાના આદર્શો બનાવ્યા, પોતાનું ગજવું ભરવામાં લાગી ગયા, દેશસેવાની વાત વિસારી દીધી, તેથી જ દેશની આવી દુર્દશા છે.

અસ્પૃશ્યતાનો સખત વિરોધ કરતાં સ્વામીજીએ કહ્યું હતું, ‘આપણો ધર્મ રસોડામાં જ પૂરાઈ તો નહિ રહે એવો ભય લાગે છે. આપણામાંના ઘણા હવે નથી વેદાંતી કે નથી પુરાણી કે નથી તાંત્રિક, આપી તો કેવળ અસ્પૃશ્યતાના ચુસ્ત હિમાયતી છીએ.. ‘મને અભડાવશો નહિ.’ ‘હું પવિત્ર છું’ એ આપણો ધર્મ છે. આવું ને આવું જો એકાદ સદી વધારે ચાલ્યા કરશે તો આખરે આપણે બધા પાગલખાનાના વાસી બની જઈશું.’ જો સ્વામીજીના ઉપદેશ પ્રમાણે ચાલ્યા હોત તો લાખો લોકો સનાતન ધર્મ છોડી અન્ય ધર્મ અંગીકાર ન કરત અને આજે જે રાજકીય પરિસ્થિત સર્જાઇ છે તે ન સર્જાત.

આજની એક મોટી સામાજિક અને રાજનૈતિક સમસ્યા છે – ઉચ્ચવર્ણ અને નીચ વર્ણના લોકોની વચ્ચેનું ઘર્ષણ. વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ આજથી સો વર્ષ પહેલાં સ્વામીજીએ આપી દીધો હતો. તેમણે કહ્યું હતું, ‘જેઓ ઊંચી કક્ષાએ પહોંચી ચૂક્યા છે, તેમને નીચે પાડવા, ખાવાપીવાની સ્વચ્છંદતા મેળવી ગાંડા થઈ જવું, વધારે ઉપભોગ માણવાને માટે આપણી મર્યાદા ઉલ્લંઘવી એથી વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. સૌ કોઈ વેદાન્તના ધર્મના આદર્શને, આધ્યાત્મિક જીવન ગાળીને, આદર્શ બ્રાહ્મણ બનીને જીવનમાં ચરિતાર્થ કરશે ત્યારે જ એ સમસ્યાનો ઉકેલ થશે. સમસ્યાનો ઉકેલ ઊંચી કક્ષાનાને નીચે પાડવામાં નથી, પણ નીચી કક્ષાનાને ઊંચી કક્ષાએ લઈ જવામાં છે…ચાંડાલને બ્રાહ્મણની કોટિએ પહોંચાડવો એ જ આપણું મુખ્ય કર્તવ્ય છે.’ આજે એથી ઊંધું જ થઈ રહ્યું છે! ઉચ્ચ વર્ણના લોકો પોતાને નિમ્ન વર્ણના ગણાવી – ખોટાં સર્ટિફિકેટ મેળવી – વિશેષાધિકારોનો લાભ મેળવવા તલપાપડ થઈ રહ્યા છે.

સ્વામીજી ઉચ્ચ વર્ણના અને નિમ્ન વર્ણના લોકો વચ્ચે સાંમજસ્ય ઈચ્છતા હતા, ઘર્ષણ નહિ. આજથી સો વર્ષ પહેલાં ઉચ્ચ વર્ણના લોકોને ચેતવણી આપતા કહ્યું હતું, ‘બ્રાહ્મણો, ચેતો, આ જ તો મૃત્યુનાં લક્ષણો છે. જાગ્રત થાઓ અને તમારી આસપાસના અબ્રાહ્મણોને બ્રાહ્મણની કક્ષાએ લઈ જઈને – એક સ્વામીની અદાથી નહીં, પણ એક સેવકની અદાથી બ્રાહ્મણની કક્ષાએ લઈ જઈને – તમારા પુરુષાતન, અને બ્રાહ્મણત્વની પ્રતીતિ કરાવો.’ જો ઉચ્ચ વર્ણનાં લોકોએ સ્વામીજીની આ ચેતવણી બરાબર સાંભળી હોત તો વર્તમાન રાજનૈતિક સંકટ ટાળી શકાત.

આજથી સો વર્ષ પહેલાં સ્વામીજીએ આપણી બધી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ આપી દીધો હતો. સ્વાધીનતા પહેલાં, તે વખતના આપણા દેશના નેતાઓએ તેમના સંદેશથી પ્રેરણા લઈ, દેશભક્તિથી તરબતર થઈ પોતાનું બલિદાન આપી દીધું – દેશને રાજનૈતિક સ્વાધીનતા અપાવી. પણ સ્વાધીનતા પછી આપણે સ્વામી વિવેકાનંદજીના સંદેશને વીસરી ગયા – માતૃભૂમિ પ્રત્યેનું કર્તવ્ય ભૂલી ગયા અને પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું છે. ખેર, જાગ્યા ત્યારથી સવાર! હજુ પણ જો આપણે સ્વામીજીના સંદેશ અનુસાર માતૃભૂમિના પુનર્નિર્માણના કાર્યમાં મંડી પડીશું તો સ્વામીજીનું સ્વપ્ન – ‘ભારત દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય’ અવશ્ય પૂર્ણ કરી શકીશું.

દેશની પ્રવર્તમાન કટોકટીની સ્થિતિમાં દરેક વિચારશીલ નાગરિક હતાશા અને નિરાશા અનુભવે એ સ્વાભાવિક છે. પણ આપણે આશા સેવીએ કે દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. સ્વામીજી ભવિષ્યવેત્તા નહોતા પણ યુગદ્રષ્ટા હતા. તેમણે ઈ.સ.૧૮૯૭માં કહ્યું હતું કે, ‘ભારત પચાસ વર્ષોની અંદર સ્વાધીન થશે – અણધારી રીતે.’ ખરેખર, ઠીક પચાસ વર્ષો પછી ભારત સ્વાધીન થયું – અણધારી રીતે – યુદ્ધ કર્યા વગર – અહિંસાની લડત દ્વારા. જો કે સ્વામીજીએ ભવિષ્ય ભાખ્યું ત્યારે ગાંધીજી આફ્રિકામાં હતા. ઈ.સ. ૧૮૯૩માં સ્વામીજીએ કહ્યું હતું કે, ‘બ્રિટિશ સરકાર ભારત છોડી દે પછી એવી શક્યતા છે કે ચીન ભારત પર આક્રમણ કરે.’ ખરેખર ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું!

બેલુર મઠમાં બેસીને એક વાર સ્વામીજીએ કહ્યું હતું, ‘મેં બધું જોઈ લીધું છે, ભારતવર્ષનાં આગામી પાંચસો-છસો વર્ષના ઇતિહાસનું પાનું ફરી ગયું છે.’ સ્વામીજીનો વિશ્વાસ હતો કે ભારતનું ભવિષ્ય તેના ભૂતકાળ કરતાં વધુ મહાન હશે. તેમણે કહ્યું હતું. ‘ભારત સ્વાધીન થયા પછી ધીરે ધીરે પશ્ચિમના ભૌતિકવાદ તરફ ઢળતું જશે. ભારતમાં ભૌતિક સમૃદ્ધિ એટલી વધશે કે તેનો પ્રાચીન વૈભવ ઝાંખો પડી જશે.’ સ્વામીજીનું સ્વપ્ન હતું – ‘ભારત દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય.’

આજથી સો વર્ષ પહેલાં ૧૮૯૭માં સ્વામીજીએ દેશવાસીઓને આહ્‌વાન આપ્યું હતું કે આગામી પચાસ વર્ષો સુધી અન્ય દેવી-દેવતાઓને ભૂલી જાઓ, માત્ર ભારતમાતાની સેવા કરો. ઠીક પચાસ વર્ષો પછી આપણને સ્વાધીનતા મળી. પણ સ્વાધીનતા પછી પચાસ વર્ષો સુધી આપણે ભારતમાતાની પૂજા બંધ કરી દીધી. આજે સ્વામીજી ભૌતિકરૂપમાં હોત તો કહેત – ‘જે થયું તે થયું. હવે આગામી પચાસ વર્ષો સુધી ફરી ભારતમાતાની સેવામાં લાગી જાઓ.’

આજે જ્યારે આપણે દેશની સ્વાધીનતાની સ્વર્ણજયંતી ઉજવી રહ્યા છીએ અને દેશ અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સ્વામી વિવેકાનંદજીના જન્મદિન પ્રસંગે તેમના ચરણોમાં પ્રાર્થના કરીએ, ‘સ્વામીજી, આપના સંદેશથી પ્રેરિત થઈ અમે જાગ્યા, સ્વાધીનતા પ્રાપ્ત કરી, પણ પાછા સૂઈ ગયા, દેશભક્તિની ભાવના ભૂલી ગયા, ભોગ અને સ્વાર્થમાં રાચવા લાગી ગયા; એ બદલ અમને ક્ષમા કરો. હવે એવી શક્તિ આપો, સબુદ્ધિ આપો કે અમે ફરી જાગ્રત થઈએ, પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ભૂલી, પોતાના ચારિત્ર્ય ઘડતરના અને માતૃભૂમિના પુનર્ઘડતરના કાર્યમાં મંડી પડીએ અને ‘ભારતની આધ્યાત્મિક શક્તિ દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય’નું આપનું સ્વપ્ન સાકાર કરીએ જેથી સમસ્ત જગતના સર્વ દેશોના સર્વ ધર્મોના સર્વ લોકો સુખી થાય અને શાંતિ પામે.’

Total Views: 18
By Published On: April 29, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram