(ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત)

શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો ડૉક્ટર’માં તેઓ તબીબો સાથેની મુલાકાતોનું વર્ણન કરે છે. તેમાં તેમની બહુમુખી પ્રતિભા પરિલક્ષિત થાય છે. તેનાં અંશો અહીં પ્રસ્તુત છે. – સં.

યુવાનો એ આ દેશની મહામૂલી મૂડી છે. તરવરિયા, ખડતલ અને સાહસિક યુવાનો હંમેશાં દેશને દીપાવવાનું ઉમદા કાર્ય કરી શકે.

આજે આપણે જ્યાં ને ત્યાં સાંભળીએ છીએ કે, યુવા પેઢી માદક-કૅફી દ્રવ્યોની લતે ચઢીને પોતાની યુવાની ખત્મ કરી રહી છે. સ્કૂલો, કૉલેજો નજદીક કૅફી પદાર્થો વેચતાં અસામાજિક તત્ત્વોના અડ્ડાઓ ચાલે છે અને પોતાનાં માબાપોથી દૂર હોસ્ટેલોમાં રહેતાં યુવાનો-યુવતીઓને ભોળવીને હળવે હળવે આ દ્રવ્યોના વ્યસની બનાવી દે છે.

ઘડી-બે ઘડી માટે દિવાસ્વપ્નોમાં ખોવાઈ જતાં યુવાનો-યુવતીઓ હળવે હળવે શારીરિક અને માનસિક શક્તિઓ ખોઈ બેસે છે, અને ખોખલો માંય-કાંગલો યુવા વર્ગ સમાજ સમક્ષ ઊભો થતો જાય છે.

કરોડો રૂપિયાનાં કૅફી દ્રવ્યો આ દેશમાં દાણચોરી દ્વારા ઘુસાડવામાં આવે છે. કેટલીક વખતે કરોડોનાં કૅફી દ્રવ્યો પકડાયાના સમાચારો અખબારો-ટી..વી. ઉ૫૨ વાંચીએ છીએ, જોઈએ છીએ પરંતુ એ તો ‘પાશેરામાં પહેલી પૂણી’ જેવું હોય છે. પકડાયા કરતાં ન પકડાયેલાં દ્રવ્યોનો જથ્થો ઝડપથી દેશના વિવિધ ભાગોમાં પહોંચી જાય છે અને આવા ગેરકાયદેસર વ્યવસાયમાં પડેલા દેશદ્રોહીઓ તાગડધિન્ના કરે છે.

કાયદો એ માટે સખત છે પરંતુ કાયદાના હાથ જેટલા લાંબા છે એથી વધારે લાંબા હાથ (આર્ટીફિશિયલ લીમ્સ!) આ તત્ત્વોના હોય તેવું અત્યારે તો દેખાય છે.

સરકારે, સમાજે સવેળા જાગૃત બનીને આ જડને જડમૂળથી ઉખેડી નાખીને આપણી યુવા પેઢીને વિનાશના માર્ગેથી પાછી વાળવી પડશે.

સાથોસાથ લોકોને આવા ઈન્ટરવ્યુ દ્વારા, વ્યાખ્યાનો દ્વારા, વ્યસનોની ભયાનકતાનો ખ્યાલ આપવાનો પણ જાગૃત નાગરિકોએ પ્રયાસ કરવો પડશે.

નશાબંધી સપ્તાહ, વ્યસનમુક્તિ સપ્તાહ ઉજવાય, એ તો સારી વાત છે પરંતુ આ ‘પ્રાસંગિક’ કામ નથી, સતત કરવું જોઈતું લોકહિતકારી કામ છે.

ડૉ. પ્રકાશ પાંભરના ઈન્ટરવ્યુ દ્વારા આ બાબતે આપણે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. આ વિષય તો ગહન છે પરંતુ વિષય અંગેની આછેરી જાણકારી પણ ઘણી જ ઉપયોગી સાબિત થશે.

પ્રશ્ન : વ્યસન કોને કહેવામાં આવે છે?

ઉત્તર : વ્યસન અને ટેવ બન્ને અલગ છે. જે ક્રિયા અથવા પદાર્થ બંધ કરવામાં આવે અને શરીર પર કે મન પર સામાન્ય અસર સિવાય તકલીફ ન થાય તેને ટેવ કહેવામાં આવે છે. પરંતુ જે પદાર્થ વ્યક્તિ દરરોજ લેતી હોય અને બીજી વાર ન લેવામાં આવે ત્યારે તેને શારીરિક અને માનસિક તકલીફ ઊભી થાય છે, આથી જે તે વ્યક્તિએ ફરીથી આ તકલીફો દૂર કરવા તે પદાર્થ લેવો પડે છે અને જો ન લે તો તેણે સાઈકિયાટ્રિસ્ટ (માનસિક રોગોના નિષ્ણાત) પાસે સારવાર ફરજિયાત લેવી પડે છે તેને વ્યસન કહેવામાં આવે છે. દા.ત. અફીણ, દારૂ, ચરસ, બ્રાઉન સુગર, મૅન્ડ્રેક્સની ગોળીઓ, હૅરોઈન વગેરે.

પ્રશ્ન : વ્યસનો થવાનાં કારણો સામાન્ય રીતે ક્યાં ક્યાં હોય છે?

ઉત્તર : વ્યસન (ઍડિક્શન) થવાનાં ઘણાં કારણો છે. હાલની પ્રવર્તમાન સ્થિતિમાં દરેક મનુષ્ય સમયનો અભાવ મહેસૂસ કરે છે, વધુ પડતી જવાબદારીઓ હોય છે, અને જુદા જુદા રોગોથી પીડાય છે.

વ્યસનો ઘણી જાતનાં છે. તેમાં દરેક વ્યસનને ધ્યાનમાં લઈને નહીં પરંતુ બધાં વ્યસનોને ધ્યાનમાં રાખી ક્યાં કારણોસર માણસ વ્યસન તરફ ધકેલાઈ જાય છે તે આપણે જોવા પ્રયત્ન કરીએ. અમુક વ્યસનનાં કારણો, બીજા વ્યસન જોડે સુસંગત ન પણ થતાં હોય તેથી આપણે સામાન્ય વચલો રસ્તો કાઢીએ છીએ.

વધુ પડતી મહાત્ત્વાકાંક્ષાઓ કે જે પૂરી ન થઈ શકે અને તેનાથી મનુષ્ય હતાશા અનુભવે અને બીજા માણસો કે જે તેનાથી વિશેષ સફળ થયા હોય તેમની સરખામણી કરે ત્યારે વ્યક્તિ વ્યસન તરફ જવા પ્રયત્ન કરે છે.

જિજ્ઞાસાને હિસાબે કૉલેજ, ધંધા, નોકરી વગેરે મિત્ર વર્તુળમાં વ્યક્તિ વ્યસનવાળા પદાર્થની અનુભૂતિ કરવા માટે શરૂઆતમાં થોડી આનાકાની કરી અને પદાર્થનું સેવન કરે છે. શરૂઆતમાં તેને થોડી શારીરિક અને માનસિક તકલીફ પડે છે. પરંતુ થોડા સમય પછી તે પદાર્થ ન મળે એટલે બહુ જ શારીરિક અને માનસિક રીતે પીડાવા માંડે છે અને વ્યસની બને છે.

વ્યક્તિના પોતાનામાં જ ઊણપ હોય કે, જેથી તે તેના મિત્રવર્તુળ, ધંધામાં, પ્રવૃત્તિમાં સ્થિર થઈ શકતો નથી. તે પોતે હતાશા, નિરાશા અને ઘણી વખતે માનસિક રોગી પણ બની જાય છે કે જેને ઈંગ્લિશમાં પર્સનાલિટિ ડિસઓર્ડર (વ્યક્તિત્વનો રોગ) કહેવામાં આવે છે. તેવા માણસો તેમના વ્યક્તિની ખામીઓ પૂરી કરવા માટે વ્યસન તરફ ધકેલાય છે અને ત્યાર પછી વ્યસન જ તેનું પીઠબળ બને છે.

ઘણી વખતે માણસ માનસિક અથવા શારીરિક રોગોથી પીડાતો હોય છે, પરંતુ તેની સારવાર કરાવતો નથી અને પોતાની જાતે તેનો ઉકેલ શોધવા પ્રયત્ન કરે છે અને ઘણા લોકોને સીધી કે આડકતરી રીતે પૂછીને તેની તકલીફનું નિવારણ કરવા પ્રેરાય છે. આમાં ઘણી વખતે તે જાતે દવા લેવામાં વ્યસની પદાર્થ ત૨ફ ધકેલાઈ જાય છે અને કાયમને માટે વ્યસની બની જાય છે. આથી હિતાવહ છે કે માણસે તેની શારીરિક કે માનસિક બીમારીનો ઉપાય યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવો જોઈએ.

અમુક રોગોમાં પેઈનકિલર અથવા વધુ પડતા દુઃખાવાને કાબૂમાં લેવા માટે અમુક પ્રકારની દવાઓ ડૉક્ટરે કાયદેસર રીતે તેને આપવી પડતી હોય છે. જો આ દવાઓ લાંબા સમય સુધી લેવી પડતી હોય અને તે દવા વ્યસની દવાના ગ્રૂપમાં આવતી હોય તો પણ માણસ સાજો થઈ જાય છતાં તે દવા લેવાનું ચાલુ રાખે છે અને વ્યસની બની જાય છે.

આપણા દેશમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિ, લોકો અને રીતરિવાજો છે. અમુક જ્ઞાતિ કે રીતરિવાજ ને હિસાબે વ્યસની પદાર્થ લેવો ફરજિયાત બની જાય છે અને માણસ વ્યસન તરફ ધકેલાઈ જાય છે.

૧૯૮૦ પછીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો દરેક દેશ અને વિશ્વ ખૂબ જ ઝડપી ગતિથી પ્રગતિ અને અધોગતિ કરી રહ્યું છે. આ અધોગતિનાં ઘણાં પાસાંઓ છે તેમાં વ્યસન મુખ્ય કારણમાં મૂકી શકાય. ૧૯૮૦ પછીથી લગભગ દરેક દેશમાં અને મુખ્યત્વે યુવાનો વ્યસન તરફ ઢળવા લાગ્યા છે. કારણોમાં મેં ઉપર જણાવેલ છે તે ઉપરાંત પણ ઘણાં કારણો હોઈ શકે. દા.ત. અત્યારના સમાજના માળખામાં પરિવર્તન આવી રહ્યું છે, તેથી યુવાન કદાચ પોતાને એકલો-અટૂલો સમજતો હોય, તેનાં મા-બાપ તેના પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતાં ન હોય, બીજા યુવાનનું અનુકરણ કરતો હોય, આવાં અનેક કારણોથી હાલ આ સમસ્યા જગતમાં એક માથાના દુઃખાવા રૂપ થઈ ગઈ છે.

બીજાં ઘણાં કારણો છે પરંતુ ટૂંકમાં હજુ થોડું જણાવું તો કહી શકાય કે જેમને વ્યસન માટે જરૂરી સાધનો, પદાર્થો વગેરે મળી રહેતાં હોય તેવા લોકો જલદીથી વ્યસન તરફ ધકેલાય છે. મોટાં શહેરોમાં મૅડિકલ (તબીબી) વ્યવસાયમાં સંકળાયેલ લોકોમાં પુષ્કળ લોકો વ્યસની થઈ ગયા છે. તેમાં ડૉક્ટરો પણ આવી જાય છે. છેલ્લે કહું તો માણસ ઘણી વખતે કોઈ પણ જાતની દવાનું વ્યસન ધરાવતો હોય છે. દા.ત. બી.કૉમ્પ્લેકસ, માથાના દુ:ખાવાની ગોળીઓ લોહીના દબાણના હળવા ડોઝમાં ગોળીઓ વગેરે જો તે નિયમિત રીતે ન લઈ શકે તો કોઈ પણ ભોગે આવી સામાન્ય અગર નશાકારક દવાઓ મેળવીને જ ઝંપે છે.

પ્રશ્ન : વ્યસનોમાં ક્યા ક્યા પદાર્થો હોય છે?

ઉત્તર : વ્યસનોમાં અફીણ (ઓપિયમ), ચરસ, ગાંજો, દારૂ, મૅન્ડ્રેક્સની ગોળીઓ, બ્રાઉન સુગર, હૅરોઈન, બારલીચ્યુરેટસ, બેન્જોડાયા જોયિન્સ, ઍમ્ફીટામાઈન નામની ગોળીઓ, મારીજુઆના, કોકેઈન, ઍલ.ઍસ.ડી., તમાકુ અને તેની બનાવટો મુખ્ય છે.

પ્રશ્ન : અફીણ (ઓપિયમ) વિષે દા.ત. તેની બનાવટ, તેમાંથી બનતી બીજી નશીલી દવાઓ, તેનાં લક્ષણો અને સારવાર જણાવશો?

ઉત્તર : અફીણ પોપી નામના છોડમાંથી બને છે. ઈસુના જન્મના ૫૦૦૦ થી ૬૦૦૦ વર્ષ પૂર્વે મૅસોપોટેમિયામાં ઓપિયમનો ઉપયોગ થતો અને ૧૦મી સદીમાં અફીણને ચીનમાં મધ્ય એશિયામાંથી લઈ જવામાં આવેલ. ૧૯૦૬ સુધીમાં એક કરોડ અને ૧૫ લાખ માણસો અફીણના વ્યસની બની ચૂક્યા હતા. ઈ.સ. ૧૯૬૦ પછીથી ઓપિયમ અને બીજાં વ્યસનોમાં ધરખમ વધારો થયો છે. તેમાં હૅરોઈન વ્યસનના રૂપમાં ૧૯૬૦ પછીથી ઘણું જ આગળ નામ ધરાવે છે.

ઓપિયમને આલ્કલૉઈડ ગણવામાં આવે છે અને તે પોપી નામના છોડમાંથી દૂધ જેવા પદાર્થ રૂપે મેળવવામાં આવે છે. પરતું આ પદાર્થને સૂકવવામાં આવે છે અને તેની ઉપર જુદી જુદી રાસાયણિક ક્રિયા, પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને જુદા જુદા પદાર્થો બનાવવામાં આવે છે કે જે વ્યસનમાં વપરાય છે દા.ત. મૉર્ફિન, થીબેઈન, પાયાવરીન, નૉસ્કૅપિન વગેરે છે. આમાંથી અમુક પદાર્થો ફક્ત દવાઓ માટે વપરાય છે અને મૉર્ફિન વ્યસન માટે વપરાય છે. મૉર્ફિનની શોધ ૧૮૮૩માં કરવામાં આવી હતી અને તેમાંથી હૅરોઈન ઈ.સ.૧૮૯૦માં બનાવવામાં આવ્યું હતું. હૅરૉઈનનો વ્યાપારિક ધોરણે ઉપયોગ ઈ.સ.૧૮૯૮માં ચાલુ થયેલ છે.

આલ્કલૉઈડ એટલે કે ઓપિઅમમાંથી જુદી જુદી કુદરતી અને રાસાયણિક રીતે બનાવેલી દવાઓ, જેને આલ્કલૉઈડ કહે છે, એમાં મૉર્ફિન, હૅરોઈન મુખ્ય વ્યસન તરીકે વપરાય છે.

હવે આપણે મૉર્ફિન કે હૅરૉઈન લેવાથી વ્યક્તિને તેના શરીર પર અને મન પર કેવાં લક્ષણો પેદા થાય છે તે જોઈશું. મૉર્ફિન અને હરોઈન નસમાં ઈજેક્શન વાટે અને સિગારેટમાં લેવાય છે. અફીણની ગોળીઓ મોં વાટે પણ લેવાય છે. જ્યારે આ પદાર્થો શરીરમાં જાય છે ત્યારે શરૂઆતમાં વ્યક્તિને ઊલટી થાય છે, ચક્કર આવે છે, બેચેની અને ગભરામણ પણ થાય છે, પરંતુ ધીરે ધીરે તે ટેવાઈ જાય છે અને તેના મગજ ઉપરથી ટૅન્શન ઓછું થવા લાગે છે, મોઢા ઉપર લોહી ધસી આવતું હોય તેવું લાગે છે. હૃદયના ધબકારા વધી જાય છે. જુદી જુદી જાતના મોટા વિચારો અને સ્વપ્નીલ વિચારો આવે છે. યૂફોરિનયા (બહુ જ ખુશમીજાજી અનુભવવી) આવે છે. જાતીય આવેગ નબળો પડે છે, આંખોની કીકીઓ સંકોચાય છે, કબજિયાત રહે છે, પોતે કંઈક છે તેવું અનુભવે છે. આનાથી પણ બીજાં ઘણાં લક્ષણો ઊભાં થાય છે કે જેમાં વ્યક્તિ પ્રાકૃત આનંદ મેળવે છે.

મૉર્ફિન, હૅરૉઈન વગેરે વ્યસનની મજા માણવા માટે જ્યારે જ્યારે તેની અસર આછી થવા લાગે ત્યારે ફરીથી વારંવાર મૉર્ફિન કે હૉઈનનો ડોઝ લેવો પડે છે. જો તે ડોઝ ન લે તો મૉર્ફિન અને હૅરૉઈનની અસર શરીરમાંથી ઓછી થાય ત્યારે એ વ્યક્તિ જુદાં જુદાં લક્ષણોથી ખૂબ જ પીડાય છે અને જો આ પદાર્થોનો વધુ ડોઝ લેવાઈ ગયો હોય અને બીજા ડોઝ એકાદ બે દિવસમાં ન મળે તો તેની ઊણપને હિસાબે વ્યક્તિ મૃત્યુ પામે છે.

જો વ્યસની માણસને અફીણ અને હૅરોઈન ન મળે તો શું થાય? માણસ બેચેની, ગભરામણ અને માથાનો દુઃખાવો અનુભવે છે. ઊલટી, ઝાડા અને પેટનો દુઃખાવો થાય છે. નાક, મોઢા અને આંખમાંથી પાણી પડવા લાગે છે. શરીર અને સ્નાયુમાં સખત કળતર થાય છે. આંખની કીકીઓ પહોળી થઈ જાય છે. વધુ વ્યસની માણસને વધુ તકલીફ પડે છે અને તે વધુ પીડા ભોગવે છે અને જો તેને યોગ્ય ટાઈમે વ્યસની પદાર્થ અથવા સારવાર ન મળે તો તેનું મૃત્યુ થાય છે. તદુપરાંત તેને ઘણી વખત લોહીનું દબાણ વધી જાય છે. ડિપ્રેશન (વિચારવાયુ) થાય છે, ઊંઘ નથી આવતી, ભૂખ લાગતી નથી, હરફર કરવાનું પ્રમાણ વધી પડતાં પરસેવો થાય છે, વજન ઘટી જાય છે, વીર્ય છૂટી જાય છે અને સ્ત્રીઓમાં યોનિમાંથી પુષ્કળ લોહીનો સ્રાવ થાય છે.

સારવાર વિશે જલદી નિદાન થવું જરૂરી છે. નિદાન થયા પછી વ્યક્તિનો પૂરો અભ્યાસ કરાય છે, તે કેટલો પદાર્થ લે છે; એક પદાર્થ લે છે કે એકી સાથે ઘણા પદાર્થો લે છે, કેટલા વર્ષોથી લે છે, કોઈ રોગથી પીડાય છે કે નહીં તે જાણી લેવામાં આવે છે. ભારત દેશમાં અત્યારે ઓપિયમમાંથી બનાવાયેલી પણ નુકશાનકારક ન હોય તેવી દવાઓ થોડા થોડા ડોઝમાં આપવામાં આવે છે તેમ જ વધુ ઉપયોગી અત્યારે મિથાડૉન નામની દવા વપરાય છે. તદુપરાંત કલોનિડિન નામની દવા વપરાય છે. ઘણી વખતે કોઈ દવા ન મળે ત્યારે ડૅક્ષોપ્રોપ્રોક્ષીફૅન નામની દવા પણ વપરાય છે.

વધુ ઉપયોગી અને તાત્કાલિક પરિણામ આપતી અને મૉર્ફિનમાંથી જ આવા વ્યસનીઓનાં વ્યસન છોડાવવા દવાઓ વપરાય છે તે નૅલૉક્ષૉન, સાઈક્લૉઝૉસિન અને નૅલફૅક્ષૉન છે. પરંતુ આપણી કમનસીબી છે કે આ દવાઓ ભારતમાં મળતી નથી.

પ્રશ્ન : બ્રાઉન સુગર શું છે?

ઉત્તર : બ્રાઉન સુગર એક નશીલો પદાર્થ છે કે જેમાં બેથી ચારેક જુદી જુદી નશીલી દવાઓનું મિશ્રણ કરવામાં આવ્યું હોય છે. દાખલા તરીકે હૅરૉઈન, બારબીચ્યુરેટ, મૉર્ફિન, મૅન્ડ્રૅક્સ વગેરે. બ્રાઉન સુગર બનાવવાનું કારણ એ છે કે હૅરૉઈન જેવી મોંઘી વસ્તુ ન પોસાય તે આ બ્રાઉન સુગર લઈ શકે છે. હૅરૉઈનની અંદાજિત એક કિલોની કિંમત એક કરોડ રૂપિયા થાય છે તેની સરખામણીમાં તેના જેટલો આનંદ બ્રાઉન સુગરમાં આવે છે અને પ્રમાણમાં બ્રાઉન સુગર સસ્તી પડે છે.

પ્રશ્ન : દારૂથી શું અસર થાય છે અને તેનાથી ક્યા ક્યા માનસિક અને શારીરિક રોગો થાય છે? તેની સારવાર શું?

ઉત્તર : દારૂથી માણસ થોડા સમય માટે પોતાનું ટૅન્શન ભૂલી જાય છે, મગજનાં કેન્દ્રો કાબૂની બહાર ચાલ્યાં જાય છે. તેથી તેને બોલવામાં તકલીફ પડે છે, તેનું મૂળ વ્યક્તિત્વ બહાર આવે છે અને ઘણી વખતે વ્યક્તિ અપશબ્દો પણ બોલે છે. ખુશમિજાજી અનુભવે છે. પોતે કંઈક છે તેવું માનવા લાગે છે. તદુપરાંત બીજા વ્યસનોમાં જે લક્ષણો આવે છે તેવાં લક્ષણો દારૂના વ્યસનમાં પણ આવે છે.

દારૂની અસર પૂરી થાય છે ત્યારે વ્યક્તિને માથું દુ:ખે છે, બેચેની, ગભરામણ, અકળામણ વરતાય છે, ઊલટી થાય છે, યાદશક્તિ ઓછી થાય છે. ઘણી વખતે સમય અને સ્થળનું ભાન રહેતું નથી વગેરે ચિહ્નો દેખાય છે.

દારૂના વ્યસનથી શારીરિક અને માનસિક રોગો ઊભા થાય છે. પહેલાં આપને જણાવી દઉં કે વ્યસન કોને કહેવાય તે સમજી લેવું જરૂરી છે અને ક્યારેક માણસ દારૂ પીતો હોય છે તેને વ્યસન કહેવામાં નથી આવતું તે પણ મગજમાં રાખવું જરૂરી છે.

દારૂના વ્યસનીને તેની ઉંમર, વ્યવસાય, તે દરરોજ કેટલો દારૂ પીએ છે, તે કેટલા વરસથી દારૂ પીએ છે તે પ્રમાણે તેને જુદા જુદા રોગો થાય છે.

તાત્કાલિક દારૂ ન મળવાથી તેને આલ્કોહૉલ વિટ્રૉલ ડિલિરિયમ કે જેને ડિલિરિયમ ટ્રૅમૅન્સ કહેવાય છે તે થાય છે. કૉરમાકૉફ સિન્ડ્રૉમ થાય છે, વિચાર વાયુ થાય છે, ડિમેન્શિયા થાય છે. યાદશક્તિ ઓછી થવા લાગે છે. લીવર ઉપર સોજો ચડે છે, હોજરીમાં ચાંદા પડે છે, અન્નનળીના છેડાના ભાગની લોહીની નળી ઘણી વખતે બેહદ ફૂલી જાય છે અને જો તે લોહીની નળી તૂટે તો વ્યક્તિને પુષ્કળ લોહીની ઊલટી થાય અને કદાચ મૃત્યુ પણ થાય છે. વધુ દારૂ પીવાથી બેભાન થઈ જવાય છે. ઍકિ્સડન્ટ કરી બેસે છે. હોજરીનું, લિવરનું, અન્નનળીનું વગેરેનું કૅન્સર પણ થઈ શકે છે.

ઘણી વખતે માણસ બહુ જ ઓછી માત્રામાં દારૂ પીતો હોય પરંતુ તે બીજી નશાકારક દવાઓ લેતો હોય અથવા બીજા રોગ માટેની દવા ચાલતી હોય તો તે બન્નેની અસરનો સરવાળો થાય છે અને દર્દી મૃત્યુના મુખ તરફ ધકેલાય છે.

માનસિક રોગોમાં ઉપર જણાવેલ તેમ ડિલિરિયમ કૉર્મોકૉફ સિન્ડ્રૉમ, ભૂલી જવું, ગભરામણ થવી અને મુખ્ય રોગ વિચારવાયુ (ડિપ્રેશન) થાય છે.

દારૂની સારવારમાં વ્યક્તિ પોતે દારૂ છોડવા માટે તૈયાર હોવી જોઈએ. તેને સંપૂર્ણ રીતે તપાસવામાં આવે છે. વિવિધ લોહી, પેશાબ, ફોટાની તપાસ કરવામાં આવે છે. તેની શારીરિક, માનસિક સ્થિતિનો અંદાજ મેળવાય છે. તેને દારૂના વ્યસન જોડે કોઈ રોગ હોય તો તેની જાણકારી મેળવાય છે. તેની સાઈકિયાટ્રિક હિસ્ટરી એટલે કે મનોવૈજ્ઞાનિક સંપૂર્ણ અભ્યાસ કરાય છે. ત્યાર પછી દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને વ્યસન તેમજ તેની જોડે બીજા રોગો અને વ્યસનોની આડઅસરોની સારવાર કરવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં દારૂના વ્યસનીને સારવાર માટેની ઘણી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ ભારતમાં બહુ જૂજ દવાઓ છે. તેમાં ઍસપૅરાવ એન્ટિડિપ્રેશન, ઍન્ટ ઍમિલિક તેમજ વ્યસનની જોડે રોગ હોય તે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દારૂના તેમજ અન્ય વ્યસનમાં દર્દીએ દાખલ થવું જરૂરી છે. તે પોતે વ્યસનમુક્ત થવા સહમત હોવો જોઈએ. સમાજ તરફથી તેને તિરસ્કાર ન મળવો જોઈએ. વ્યસન જોડે બીજા રોગો હોય તો તેની સારવાર થવી જોઈએ.

પ્રશ્ન : આપે બીજાં વ્યસનો કહ્યાં તેમનું અત્યારે કેટલું મહત્ત્વ અને તેનો ઉપયોગ અત્યારે કેવો થાય છે?

ઉત્તર : આપણે મૉર્ફિન, હૅરૉઈન, બ્રાઉન સુગર અને દારૂ વિષે ટૂંકાણમાં માહિતી મેળવી. પરંતુ તે સિવાય બારબીપ્યુરેટ, મૅપ્રોબૅમૅટ, મૅન્ડ્રૅક્સ (નિયાક્યાલોન) ઍલ.ઍસ.ડી. કોકેઈન, મારીજુઆના એન્ટિટામાઈન, બેન્જોડાયાજૅયિન્સ, ફૅનસાઈકિલડિન, તમાકુ અને તેની બનાવટો છે.

તમાકુ અને તેની બનાવટોને બાદ કરીએ તો બાકીની દવાઓ કે પદાર્થોની અસરો કંઈક અંશે અફીણ, હૅરોઈન, બ્રાઉન સુગર કે દારૂની અસરથી જુદી પડે છે તેમ જ અમુક બાબતમાં તે મળતી પણ આવે છે. આ દવાઓ ઘણી વખતે આપણે જે વ્યસનોનાં વર્ણન કર્યાં તેની જોડે સીધી કે આડકતરી રીતે જોડાયેલી હોય છે અથવા તેમાંથી અમુક દવાઓ સીધી મળવી દુર્લભ હોય છે પરંતુ આ વ્યસનો કદાચ હૅરૉઈન અને દારૂના વ્યસનથી પણ ખતરનાક નીવડી શકે છે અને તે પ્રત્યે બેદરકારી દાખવવી સમાજ અને વ્યક્તિ માટે પણ ખતરનાક પરિણામ લાવી શકે છે.

તમાકુ પ્રત્યે આપણે ઘણી જ બેદરકારી દાખવીએ છીએ અથવા તેને બહુ જ હળવી રીતે લઈએ છીએ. તમાકુ અને તેમાંથી બનતી બનાવટી દા.ત., બીડી, સુગંધી સોપારી, બજર વગેરે લાંબે ગાળે માણસને વ્યસની બનાવે છે.

તમાકુ અને તેની બનાવટથી માણસ જ્યારે તેનું સેવન કરે છે ત્યારે હૃદયના ધબકારા વધે છે. હાથમાં અને કપાળે પરસેવો વળે છે. શરીરમાં સ્ફૂર્તિ જેવું વર્તાય છે, મગજમાં થોડું ઘણું ટૅન્શન ઓછું થાય છે. આ ઉપરાંત બીજા ઘણા સારા અનુભવો થાય છે તેથી વ્યક્તિ દિવસે અને દિવસે આ વ્યસનમાં ઊંડી ઊતરતી જાય છે.

તમાકુ બંધ કરી દેવામાં આવે તો માણસને માથાનો દુ:ખાવો થાય છે. ચક્કર આવે છે, બેચેની થાય છે, ગભરામણ થાય છે, કામમાં મન લાગતું નથી, સ્વભાવ ચીડિયો થવા લાગે છે, કબજિયાત થાય છે, ખોરાક બરાબર પાચન ન થતાં ભૂખ ઓછી લાગે છે, હોઠ, જીભ, ગલોફાં, અન્નનળી, હોજરી અને આંતરડાનાં કૅન્સર પણ થાય છે, વગેરે તકલીફોનો વ્યસનીએ સામનો કરવો પડે છે.

તમાકુ અને તેની જુદી જુદી બનાવટો જો બંધ કરવામાં આવે તો તેનો યોગ્ય ઈલાજ કરવામાં આવી શકે છે. આ બાબતમાં અગાઉ ઘણું લખાઈ ગયું છે. પરંતુ તે સિવાય વ્યક્તિની તકલીફ મુજબ દવા દેવામાં આવે છે. દાખલ થવાની જરૂર બહુ ઓછા લોકોને પડે છે અને વ્યસનમુક્ત બને છે.

મિત્રો, જુદાં જુદાં વ્યસનો ઉપર ટૂંકસાર આપવા પ્રયત્ન કર્યો છે. દરેક વ્યસનમાં થોડા અથવા વધુ અંશે જુદાં જુદાં કારણો હોય છે, જુદાં જુદાં લક્ષણો હોય છે અને જુદી જુદી સારી અને ખરાબ અસરો થતી હોય છે. જુદા જુદા રોગો થતા હોય છે ને જુદી જુદી દવાઓ સારવાર માટે વપરાતી હોય છે. મેં વ્યસનને કેન્દ્રમાં રાખી અમુક વ્યસન ઉપર વધુ ભાર મૂક્યો છે કે જે આપણા સમાજમાં અત્યારે હયાતી ધરાવે છે.

આ વ્યસનોમાં અમુક સારવાર કે જે બધા વ્યસનોમાં આપવી પડે છે, તેમાં વિહેવિયર થૅરાપી, ઈન્ડિવિજ્યુઅલ થૅરાપી, ફૅમિલી થૅરાપી તેમજ સમાજ વ્યસની તરફ સૂગ ન રાખે તે માટે સમાજે તેનો પોતાના સ્વજનની જેમ સ્વીકાર કરવા, વ્યસન છોડવાને હિસાબે વિચારવાયુ થાય તો તેમાં સર્વેએ તેને સાઈકિયાટ્રિસ્ટની સારવાર માટે નિયમિત ધ્યાન આપવું. પોતે વ્યસનમાંથી બહાર આવે ત્યારે સમાજે તેની નોકરી, ધંધા વગેરે માટે બનતી કોશિશ કરવી. સામાજિક સંસ્થાઓએ અને ડૉક્ટરોએ આ વિસ્તારોમાં કૅમ્પો યોજવા અને તદુપરાંત જે તે સરકારે સેવાભાવી કાર્યકર્તાઓને આમાં કાયદાકીય રીતે, સામાજિક રીતે, વ્યસનીને કોઈ તકલીફ ન પડે તે માટે સરકારમાં અલગ વિભાગ બનાવવા બહુ જ જરૂરી છે.

યુવાનો દરેક દેશમાં કરોડરજ્જુ સમાન છે. જો જે તે દેશની કરોડરજ્જુ ભાંગી જશે તો તે દેશ ખતમ થઈ જશે તેના દાખલાઓ ઇતિહાસમાં મોજૂદ છે.

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.