તેમના (શ્રીરામકૃષ્ણ)ના જન્મ સાથે જ સત્ય યુગનો (સુવર્ણ યુગનો) પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરી પ્રેમનો ભાગીદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો, ગરીબ અને અમીર વચ્ચેનો, ભણેલા અને અભણ વચ્ચેનો, બ્રાહ્મણ અને ચાંડાલ વચ્ચેનો – આ બધા ભેદભાવો નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના પુરોગામી હતા. હિન્દુઓ અને મુસલમાનો તેમ જ હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. જુદાપણાનો જે ઝઘડો હતો તે હવે ગયા યુગની વાત બની ગઈ છે. આ સત્ય યુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધા છે.

કોઈ પણ ચરિત્ર શ્રીરામકૃષ્ણના ચરિત્ર જેટલું પરિપૂર્ણ ન હતું; અને તે જ કેન્દ્ર છે જેના વર્તુલમાં આપણે એકત્ર થવાનું છે, સાથોસાથ દરેક તેની પોતાની નજરે તેમને ઈશ્વર, ઉદ્ધારક, આચાર્ય, આદર્શ પુરુષ, જે ગમે તે રીતે ભલે મૂલવે.

જો એક એવું રાજ્ય રચી શકાય કે જેમાં ક્ષાત્ર સંસ્કાર, બ્રાહ્મણ સમયનું જ્ઞાન, વૈશ્યોની વહેંચી આપવાની ભાવના અને શૂદ્રોનો સમાનતાનો આદર્શ, આ બધાનો એમનાં દૂષણોને દૂર રાખીને સમન્વય સાધી શકાય તો આવું રાજ્ય આદર્શ બની રહે. હું માનું છું કે જ્યારે એક જ્ઞાતિ, એક વેદ અને શાંતિ તથા સુમેળની સ્થાપના થશે ત્યારે જ સત્ય યુગ – સુવર્ણ યુગ આવશે. સત્ય યુગનો આ આદર્શ ભારત વર્ષમાં નવચેતન ફેલાવશે. વિશ્વાસ રાખો. જાગ્રત થાઓ, નવયુવકો! અને કાર્યમાં લાગી જાઓ!… સનાતન હિંદુ ધર્મ હંમેશને માટે ટકી રહેવાનો! જાગો, જાગો, મારા નવયુવકો! જાગી ઊઠો, આપણો વિજય નક્કી છે!

હળ હાંકતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીમાંથી તેનું નવભારતનું ઉત્થાન થવા દો; મોદીની દુકાનમાંથી, ધાણી દાળિયા વેચનારાઓની ભઠ્ઠીમાંથી તેને બહાર આવવા દો. ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો… ઓ ભૂતકાળના અસ્થિપિંજરો! તમારી સામે જ તમારા ભાવિ ભારતના વારસદારો ઊભેલા છે. તમારી તે રત્ન પેટીઓ, તમારી એ મણિયમ મુદ્રિકાઓ એ લોકોને જેમ બને તેમ જલદી આપી દો; પછી તમે હવામાં અદૃશ્ય થઈ જાઓ, ફરી કદી જ નજરે ન ચડશો – માત્ર તમારા કાન ખુલ્લા રાખજો. તમો અદૃશ્ય થશો કે તુરત તમો કરોડો મેઘગર્જનાઓ સમા સમગ્ર વિશ્વને કંપાવનાર તથા નવ ભારતને જગાડનાર નાદ સાંભળશો : ‘વાહ ગુરુકી ફતેહ’ – ‘ગુરુનો જય હો.’

ઊઠો, જાગો અને આપણી ભારતમાતાને પુનરુત્થાન પામેલી પૂર્વે હતી તેના કરતાંયે વધુ પ્રતાપી, પોતાના સનાતન સિંહાસન પર અહીં જ બિરાજમાન થયેલી જુઓ.

(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’- પૃ. ૪૫-૪૬ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.