ભારતરત્ન અબ્દુલ કલામ

વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકવિજ્ઞાની સર સી.વી. રામન પછી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ‘ભારતરત્ન‘ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે. ભારતમાં પરમાણુ-યુગના પિતા ડૉ. હોમી ભાભા, અવકાશ યુગના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ અને ૫૨માણુ-બૉંબના સર્જક ડૉ. રાજા રમન્ના પદ્મભૂષણ પામ્યા હતા. પછી ડૉ. કલામ ભારતરત્નના ઇલ્કાબથી સમ્માનિત થાય છે. તે સરંક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના સચિવ તથા સરંક્ષણ વિભાગના સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

ડૉ. કલામનો જન્મ ૧૯૩૧માં તામિલનાડુમાં રામેશ્વરમ્ ખાતે થયેલો. સામાન્ય કુટુંબમાં જન્મેલ અબ્દુલ કલામ ગરીબીમાં ઉછર્યા હતા. પડોશી બ્રાહ્મણ રામાસ્વામી સાથે એવી દોસ્તી હતી કે તેના દૃઢ સંસ્કાર તેમના પર પડ્યા. તેઓ શાકાહારી છે અને ભગવદ્‌ગીતા વાંચે છે. બાળપણથી તેમને રૉકેટ બનાવવા અને ઉડાડવાનો શોખ હતો. ૧૯૮૩માં ડૉ. કલામે જમીન પરથી જમીન ઉપર પ્રહાર કરી શકે તેવું પ્રક્ષેપાસ્ત્ર ‘પૃથ્વી’ વિકસાવ્યું. ત્યાર બાદ ‘નાગ’ ‘આકાશ’ અને ‘ત્રિશૂળ’ પ્રક્ષેપાસ્ત્રો વિકસાવ્યાં. તેમની અજોડ સિદ્ધિ તો ‘અગ્નિ’ પ્રક્ષેપાસ્ત્ર છે, જે આયુધને ૨૫૦૦ કિલોમીટર સુધી લઈ જઈ શકે છે. ૨૦૦૩ સુધીમાં હળવા લડાયક વિમાન તૈયાર કરવાની તે નેમ ધરાવે છે. ઉપરાંત એવું એક વિમાન બનાવવા માગે છે, જે સંદેશાવ્યવહારના ઉપગ્રહને અંતરિક્ષમાં ૩૬૦૦ કિલોમીટરની ઊંચાઈએ લઈ જઈ નિર્ધારિત કક્ષામાં છોડી પૃથ્વી ઉપર પાછું ફરે. આવા વિમાનનો આવા હેતુ માટે અનેક વાર ઉપયોગ કરી શકાશે. જ્યારે ઉપગ્રહને તરતા મૂકનાર હાલની રૉકેટ પ્રણાલીનો બીજી વખત ઉપયોગ કરી શકાતો નથી.

અપરિણીત ડૉ. કલામે મિસાઈલ ટૅકનૉલૉજીના પિતા બની ભારતના સંરક્ષણ વિભાગને આધુનિક અને આત્મનિર્ભર બનાવ્યો છે. આ અસાધારણ સિદ્ધિનો યશ તેમણે પોતાના શિક્ષકો, ડૉ. વિક્રમ સારાભાઈ અને પોતાના સહકાર્યકરોને આપ્યો છે. ‘રૉકેટવાળા આદમી’ તરીકે જાણીતા આ કવિપ્રકૃતિના વૈજ્ઞાનિકે આ શોધ વિશે કાઢેલા ઉદ્‌ગાર સૂચક છે : ‘આ શું આનંદનો વિષય છે? મેં અવકાશ ખેડ્યું છે તે વિજ્ઞાનની પ્રગતિ માટે કે વિનાશ માટેનું શસ્ત્ર પૂરું પાડ્યું છે? ‘

ભારતીય વિશ્વકોશ-પ્રવૃત્તિના ભીષ્મપિતામહ

એમનું નામ વિનોદ કાનૂનગો. ઓરિસાના જૂના ગાંધીવાદી કાર્યકર, અંગ્રેજી છ ધોરણ ભણીને ઊઠી ગયેલા. અસહકારની લડતમાં ઝંપલાવીને જેલમાં ગયેલા. જેલમાં પુસ્તકો વાંચતા વાંચતાં તેમને પોતાની ઊડિયા ભાષામાં વિશ્વકોશ રચવાની પ્રેરણા થઈ. પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો વગેરેમાંથી જેલમાં જ ખંતપૂર્વક માહિતી એકત્ર કરવા માંડી હતી. છાપાં જેવા રદી કાગળની કાપલીઓ પર તેમણે નોંધો ટપકાવેલી. જેલમાંથી બહાર આવ્યા પછી એ કામ ચાલુ રાખ્યું, માહિતીની વિષયવાર ફાઈલ બનાવી. વખત જતાં એવી દસ હજાર ફાઈલો તેમની પાસે એકઠી થઈ. તેમાંની સામગ્રીને વ્યવસ્થિત વિશ્વકોશના રૂપમાં ઢાળવા માંડી. પણ તેનું પુસ્તક છપાવવા માટે તેમની પાસે પૈસા નહોતા. એક પઠાણ પાસેથી ૧૨૫ ટકાના વ્યાજે એક હજાર રૂપિયા ઉછીના લઈને તેમણે પહેલો ભાગ છપાવ્યો. ઊડિયા ભાષાનો તે પ્રથમ વિશ્વકોશ. એકલે હાથે પુરુષાર્થ કરીને બસો પાનાંનો એક એવા ચાળીસ ગ્રંથો તેમણે સ્થાપેલા જ્ઞાનમંડલ ફાઉન્ડેશનને ઉપક્રમે પ્રસિદ્ધ થયા.

૧૯૮૮ના જુલાઈની આખરમાં ભારતની વિવિધ ભાષાઓમાં વિશ્વકોશની પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓના પ્રતિનિધિઓની પરિષદ ભુવનેશ્વરમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના સહકારથી વિનોદ કાનૂનગોએ બોલાવી હતી. તેમાં હિન્દી, બંગાળી, ગુજરાતી, પંજાબી, તમિળ, તેલુગુ, મલયાલમ વ. ભાષાઓનું પ્રતિનિધિત્વ હતું. પરિષદમાં વિશ્વકોશને લગતા રચના, આયોજન, પરિભાષા, પ્રકાશન વગેરે પ્રશ્નોની ચર્ચા થઈ હતી.

ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝને તેમના જીવનકાર્યનું ૧૫ મિનિટનું દસ્તાવેજીચિત્ત ઉતાર્યું છે. સરકારે તેમને ૧૯૭૬માં ‘પદ્મશ્રી’ દ્વારા સન્માનિત કર્યા હતા. વિશ્વકોશ એ વિનોદ કાનૂનગોનું જીવનકાર્ય (mission) હતું. તેમના મૃત્યુ પછી તેમનાં પુત્રો, પુત્રી અને જમાઈ પણ તે કાર્ય સાથે સક્રિય રીતે સંકળાયેલાં છે. આજે ભુવનેશ્વર જ્ઞાનમંડલ ફાઉન્ડેશન દ્વારા અખિલ ભારતીય વિશ્વકોશ કેન્દ્રનું કામ કાનૂનગોના સ્મારકરૂપે ચાલે છે. એ રીતે કાનૂનગોએ ચેતાવેલી જ્ઞાનકોશની મશાલ તેમનાં કુટુંબીજનોએ જલતી રાખી છે.

કલ્પના ચાવલા

નાસા યોજિત કોલંબિયા મિશન મારફતે નવેમ્બરની ૧૯મી તારીખે અંતરિક્ષમાં ૧૬ દિવસ ૧૭ કલાક અને ૩૫ મિનિટની સફર કરવાનું બહુમાન પ્રથમ ભારતીય મહિલા હરિયાણાની કુડી કલ્પના ચાવલા (જ. જુલાઈ ૧, ૧૯૬૧)ને મળ્યું. ચંડીગઢની પંજાબ ઍન્જિનિયરિંગ કૉલેજમાં વૈજ્ઞાનિક ઈજનેરીમાં બી.એસસી.; ૧૯૮૪માં અમેરિકાની ટૅક્સાસ યુનિવર્સિટીમાંથી ઍમ.ઍસ. અને ૧૯૮૮માં કોલોરાડો યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. સૂર્યના બાહ્ય વાતાવરણ અને જુદાં જુદાં તત્ત્વો ઉપર માઈક્રોગ્રેવિટીની અસરનો અભ્યાસ એ કોલંબિયા મિશનનો હેતુ છે. આ સાથે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી પદાર્થ મુક્ત થતાં તે કઈ રીતે ઘનસ્વરૂપ ધારણ કરે છે તેને લગતું સંશોધન ભૌતિકવિજ્ઞાનની કેટલીક મૂળભૂત સમસ્યાઓ સમજવા માટે મદદરૂપ થશે. કલ્પનાની ધગશ, હિંમત અને સિદ્ધિ યુવા મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

(‘વિશ્વરંગ’ ડિસેમ્બર ૯૭ માંથી સંકલિત)

Total Views: 16
By Published On: April 30, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram