પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ એ જ્ઞાન પ્રસાર અને જ્ઞાનપ્રસાદરૂપે ગણાય

– Swami Vivekananda – the friend of all,

– Swami Vivekananda – Prophet and path finder,

– The life of Swami Vivekananda (Eastern & Western disciples)

વગેરે પુસ્તકો પર આધારિત માહિતી એકત્રિત કરી અહીં ગુજરાતી અનુવાદરૂપે રજૂ કરવામાં આવેલ છે.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો અનુવાદક શ્રી દુષ્યંતભાઈ પંડ્યાના નામથી સારી રીતે પરિચિત છે. એમના લેખો, પુસ્તકોની સમીક્ષા, એમના આસ્વાદો વગેરે ખૂબ જ આવકાર્ય બન્યાં છે. એમના હાથે થયેલ આ અનુવાદ, લોકભોગ્ય બનશે એમાં શંકાને સ્થાન નથી.

પ્રકાશકનું નિવેદન જણાવે છે કે ઇશ્વરના સંદેશ વાહકનું જીવન સર્વદા પ્રેરણાદાયી હોય છે, પ્રચંડ પુરુષાર્થ, બલિદાન, સમર્પણ, પ્રેમ તથા પવિત્રતા વ. દૈવી સંપદ્ દ્વારા માનવમાંથી કેવી રીતે મહાવિભૂતિમાં તેનું પરિવર્તન થાય છે તેની ઝાંખી તેમના જીવન ચરિત્રમાં થાય છે. આવા લોકો જ છિન્નભિન્ન સમાજમાં શકવર્તી યુગ પરિવર્તન આણે છે.

કલકત્તામાં, વકીલ વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરીદેવીની કૂખે, નરેન્દ્રનો જન્મ થયેલો. પિતાની ઉદારતા, અને સર્વધર્મસમભાવ નરેન્દ્રને વારસામાં મળેલા તો મા નું ઋજુ હૃદય, વિનય-વિવેક છતાં અન્યાયની સામે ક્યારેય નમતું ન જોખવાની દૃઢતા પણ નરેન્દ્રને માતા પાસેથી પ્રાપ્ત થયેલાં. ૧૮૬૩ની સાલ, ૧૨ જાન્યુઆરી અને પોષ માસની સંક્રાંતને દિવસે સવારે ૬ કલાક, ૩૩ મિનિટ અને ૩૩ સેકંડે એમનો જન્મ થયેલો. ભુવનેશ્વરી દેવી માનતાં કે આ પુત્ર તેમને કાશીના વીરેશ્વર મહાદેવના અનુગ્રહથી થયેલો છે, એટલે જ પુત્રનું નામ વીરેશ્વર રાખવામાં આવેલું.

એમની બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા દરમિયાન તેઓ કંઈક જુદી જ માટીના માનવ હોય તેની પ્રતીતિ થયા કરતી. યુવાન વયમાં ઘોડેસ્વારી, અભિનય, કુસ્તીદાવ, વાચન, લેખન તેમ જ તરણ વિદ્યામાં એમણે નામ કાઢેલું. તેમની કૉલેજના અધ્યાપક વિલિયમ હૅસ્ટી એમની પ્રતિભાથી મુગ્ધ બની કહેતા, ‘નરેન્દ્રનાથ ખરેખર એક તેજસ્વી તારક છે. જર્મનીના વિશ્વ વિદ્યાલયોમાં પણ મેં એમના જેવો પ્રતિભાશાળી વિદ્યાર્થી જોયો નથી.’ અને વિલિયમ હૅસ્ટી પાસેથી જ નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણ ૫૨મહંસ વિશે સાંભળેલું.

શ્રીરામકૃષ્ણદેવ સાથે મિલન, શ્રીરામકૃષ્ણદેવની કસોટી અને છેવટે શ્રીરામકૃષ્ણદેવનાં શ્રીચરણોમાં આત્યંતિક સમર્પણ નરેન્દ્રનાથના જીવનના આ મુખ્ય તબક્કાઓ બની રહ્યા. શ્રીરામકૃષ્ણદેવના દેહવિલય બાદ, સંન્યાસ, પરિવ્રાજક તરીકે દેશાટન અને પરદેશગમન, શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સિંહગર્જના અને વિશ્વવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરવી. નરેન્દ્રનાથ વિવેકાનંદ બન્યા પછી એમણે પરદેશમાં જે પ્રવચનો આપ્યાં એનાથી આપણા દેશ વિશેની ખોટી છાપ જે હતી તે દૂર થઈ એટલું જ નહિ પણ ભારત પાસે વિશ્વને ઘણું બધું આપવાનું છે એની વિદેશીઓને પ્રતીતિ પણ થઈ. સવાસો પાનાની આ પુસ્તિકામાં, સ્વામી વિવેકાનંદના ભવ્ય જીવનની સાથે, ભવ્ય અને પ્રેરક પ્રસંગોને પણ સાંકળી લીધા છે. હારેલા, થાકેલા, ભાંગેલા જીવો માટે આ પુસ્તિકા જીવનદાયિની બની શકે એમ છે. ‘જીવ પર દયા નહિ, શિવભાવથી જીવની સેવા’ ઠાકુરના આ ઉપદેશને માત્ર સ્વામીજીએ જ નહિ પરંતુ આખી સંસ્થાએ આત્મસાત્ કર્યો છે, જેને પરિણામે અનેક સામાજિક પ્રવૃત્તિઓ, શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ચાલી રહી છે, જે કોઈ વ્યક્તિ, સંક્ષિપ્તમાં સ્વામીજીનાં જીવન કવન વિશે જાણવા માગતી હોય, એના માટે આ પુસ્તિકા દિશાસૂચક દીપ સમાન છે.

– ક્રાંતિકુમાર જોશી

Total Views: 20
By Published On: April 30, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram