અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે.

જેમને જેમને મળવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે, એવા શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યો વિષે બોલવાનું મને ઘણી વખત કહેવામાં આવ્યું છે. તેમના વિશે બોલવું કઠિન છે કારણ કે એમની હાજરી વખતે હું એટલો બધો અભિભૂત થઇ જતો કે એ વખતે શું શું બન્યું, તે બધું સ્પષ્ટ રીતે યાદ રહ્યું નથી. છતાં પણ જેમની સાથે મારે ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મળ્યું છે, એવા થોડાએકના વિષયમાં ઘણી વાતો સ્પષ્ટ રીતે મને યાદ તો છે.

સ્વામી બ્રહ્માનંદજી

સને ૧૯૨૩ માં હું વિધિસર સંઘમાં જોડાયો તેના ઘણા વખત પહેલાં હું સ્વામી બ્રહ્માનંદજીને મળ્યો હતો. એક યુવક ભક્ત તરીકે તેમને હું અવારનવાર મળ્યા કરતો. એ વખતે હું એક આશ્રમમાં રહેતો. એ આશ્રમ ઔપચારિક રીતે રામકૃષ્ણ સંઘ સાથે સંલગ્ન તો ન હતો, છતાં પણ શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યો સહિત મઠ-મિશનના સ્વામીજીઓ એ આશ્રમમાં અવારનવાર આવ્યા કરતા. ત્યાં મને સ્વામી અભેદાનંદજી, સ્વામી તુરીયાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી પ્રેમાનંદજી અને સ્વામી અદ્‌ભુતાનંદજીને મળવાની તક મળી. આમાંના છેલ્લા બે સ્વામીજીઓનાં સંસ્મરણો તો સાવ ઝાંખાં છે. કારણ કે એમની સાથેનો મારો સંપર્ક ખૂબ ટૂંકો રહ્યો હતો. બીજાઓના વિષયમાં પણ તેમની સાથે મારો સંપર્ક તો થોડા સમય પૂરતો જ રહ્યો હતો એટલે હું તેમને મળ્યો, ત્યારે શું શું બન્યું હતું, તે બધું સ્પષ્ટ રીતે મને યાદ રહ્યું નથી.

હું જ્યારે સ્વામી બ્રહ્માનંદજીને મળ્યો (‘મહારાજ’ના હેતભર્યા ટૂંકા નામથી એ ઓળખાતા) ત્યારે હું શાળાનો એક વિદ્યાર્થી હતો. સને ૧૯૧૭માં મેં પહેલ વહેલી બેલુર મઠની મુલાકાત લીધી હતી. એટલે કે સને ૧૯૨૨માં જ્યારે તેઓ બ્રહ્મલીન થયા ત્યાં સુધીનાં પાંચ વર્ષો દરમિયાન હું તેમને અવારનવાર મળ્યા કરતો હતો. એ વખતે મારી અપક્વ બુદ્ધિને કારણે તેમને પ્રશ્નો પૂછવાની પૂરતી હિમ્મત મારામાં ન હતી. એ વખતે તેઓ મને એટલા બધા મહાન વ્યક્તિત્વસંપન્ન દેખાતા હતા કે તેમની સાથે આત્મીયતાભરી રીતે વર્તવું અશક્ય હતું. જો કે અવશ્ય તેઓ અમારા બધા તરફ ખૂબ માયાળુ હતા. અને યુવાનો તરફ તેમની મમતા ખાસ કરીને વધારે રહેતી. અમે એમને નિગૂઢ ધાર્મિક ચર્ચાઓમાં પરોવાયેલા ભાગ્યે જ જોયા હશે. તેઓ યુવકોને અમારામાંના એક જેવા થઈને વારંવાર મળતા રહેતા. ઠઠ્ઠામશ્કરીઓ કરીને તેઓ દરેકને હસાવતા. અમને હંમેશાં એ ખ્યાલ હતો જ કે આ સીધાસાદા ટીખળી સ્વામીજી અમારે માટે પોતાને ખુલ્લા કરીને સાવ મોકળો માર્ગ કરી આપતા હોવા છતાં કંઈ સામાન્ય માણસ ન હતા. અમે જાણતા હતા કે તેમનાં ચરણો પાસે બેસીને તેઓ જે કંઈ કહે તે સાંભળવાની યોગ્યતા હોવી એ એક વિરલ લહાવો હતો. તેઓ વાતો કરવાના શોખીન હતા અને આખો વખત હળવાશથી વાતો જ કરતા રહેતા. નવાગન્તુકોને આથી કંઈક નવાઈ લાગતી. હું એક ઉદાહરણ આપીશ : એક દિવસ ગિરીશચન્દ્ર ઘોષના ભાઈ અતુલબાબુ પોતાના એક મિત્રને સાથે લઈને સ્વામી બ્રહ્માનંદજીને મળવા આવ્યા. એ મિત્ર મહારાજની આધ્યાત્મિક મહત્તા વિશે ઘણું ઘણું સાંભળેલું હતું. પણ દુર્ભાગ્યે મુલાકાતના એ આખા સમય દરમિયાન મહારાજ પાસે રહીને અતુલબાબુએ અને એમના મિત્ર મહારાજ પાસેથી ફક્ત હળવા અને મજાકભર્યા વિષયોની જ વાતો સાંભળી, અતુલબાબુ થોડા ક્ષુબ્ધ થયા અને ચિન્ત્તાતુર પણ થયા. પોતાનો મિત્ર મહારાજની કેવી છાપ લઈને ઘેર જશે એનો એમને ક્ષોભ અને ચિન્તા હતાં. પણ જ્યારે તેઓ છૂટા પડી રહ્યા હતા ત્યારે તેના મિત્રને ઉદ્દેશીને કોઈક રીતે મહારાજે કહ્યું : ‘જુઓ, અમે પ્રસંગોપાત ધર્મની વાતો પણ કરીએ છીએ ખરા!’ પછીને સમયે તેમના મિત્રે અતુલબાબુને કહ્યું હતું: ‘મારા જીવનમાં પહેલી જ વખત આજે હું એક વિશુદ્ધ આનંદથી ભર્યા ભાદર્યા માનવને મળ્યો છું.’ મહારાજ ગમે ત્યાં હોય, પણ પોતાની સાથે આસપાસ આવું વાતાવરણ રાખતા હતા. આ એમની રીત હતી. નવાગન્તુક તરફનો તેમનો અભિગમ કેવો હશે, તે ક્યારેય કોઈ જાણી શકતું નહિ.

સ્વામી બ્રહ્માનંદજીને ભુવનેશ્વરનું ભારે આકર્ષણ હતું. એ સ્થળને તેઓ આધ્યાત્મિક સાધના માટે અત્યંત પ્રેરક માનતા. એથી તેમણે ત્યાં એક મઠ શરૂ કર્યો. પહેલાંના એ દિવસોમાં મહારાજ પોતાનો ઘણો ખરો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. મહારાજના એક અંતેવાસી પાસેથી સાંભળેલો એક પ્રસંગ તમને કહીશ.

ત્યાં નજીકમાં એક હૉટેલ હતી. દેશના વિવિધ ભાગોમાંથી ભુવનેશ્વરની યાત્રાએ આવતા યાત્રાળુઓ ત્યાં રહેતા. અલબત, ત્યાં આવતા બધા જ લોકો કંઈ યાત્રાળુઓ ન હતા. ઘણા લોકો એવા પણ આવતા કે જેઓ શહેરી જીવનની ધમાલ અને કોલાહલથી દૂર નાનકડા ગામની શાન્તિને માણવા માટે અથવા તો કુદરતના દૃશ્યને નિહાળવા માટે પણ આવતા. એવું જાણવા મળ્યું કે કલકત્તાના ત્રણ યુવકો એ હૉટેલમાં ઊતર્યા હતા. તેમણે મૅનેજરને જોવા લાયક સ્થળોની પૂછપરછ કરી, મૅનેજરે તેઓને જોવા લાયક મુખ્ય મુખ્ય મંદિરોનાં નામ બતાવ્યાં અને તે યુવકોને કહ્યું કે ‘આ ગામમાં રામકૃષ્ણ સંઘનો એક આશ્રમ છે તે પણ તમે જોઈ શકો છો.’ પછી એણે લોકોમાં ચાલી રહેલી વાયકાની વાત પણ તેમને કહી કે ‘એ મઠના અધ્યક્ષ (એટલે કે મહારાજ) રાજવી ઠાઠમાઠમાં રહે છે. એમનો હુક્કો સોનાનો બનાવેલો છે. મઠનો પરિસર ઘણો વિશાળ છે.’ યુવકોએ કહ્યું : ‘એક સાધુ આવું વિલાસી જીવન જીવે એ તો ભારે અનાચાર કહેવાય. તમે લોકો એને પાઠ કેમ ભણાવી દેતા નથી?’ હૉટેલના મૅનેજરે કહ્યું : ‘અરે ભગવાન! એ તો વિચારી પણ શકાય તેવું નથી. મોટા મોટા કેટકેટલા ખેરખાંઓ એ સ્થાનની મુકાલાત લે છે! એટલે એ સ્વામીની વિરુદ્ધમાં કંઈ પણ કહેવાની મારી તો હિમ્મત ચાલતી નથી!’ યુવકોએ કહ્યું : ‘ઠીક છે ત્યારે, અમે તો કોઈથી ડરતા નથી. અમે જઈને એને પાઠ ભણાવી દઈશું.’

સ્વામી બ્રહ્માનંદજી મઠમાં મુલાકાતીઓ માટેના ઓરડામાં પોતાના અંતેવાસીઓ સાથે બેઠા હતા. તેઓ જાણે કે કોઈની રાહ જોઈ રહ્યા હોય એમ લાગતું હતું. તેમણે પોતાના અંતેવાસીઓને કહ્યું કે મુલાકાતીઓ આવે ત્યારે તેમને ખલેલ પહોંચાડવી નહિ. અને ખરેખર જ ત્યાર પછી પાંચેક મિનિટમાં જ પેલા ત્રણ યુવકો આવી પહોંચ્યા! તેમને મહારાજના ઓરડામાં લઈ જવામાં આવ્યા, આસનો આપવામાં આવ્યાં અને અંતેવાસીઓએ દૂર જઈને પાછળથી બારણું બંધ કરી દીધું.

ઓરડાની અંદર ખરેખરે શું બન્યું તે કંઈ અંતેવાસીઓને ખબર પડી નહિ. તેમણે તો ફક્ત ખડખડાટ હાસ્યના અવાજ જ સાંભળ્યા. થોડા વખત પછી એ યુવકોએ મહારાજની રજા લીધી. અને તેઓ પોતાની હૉટલે પાછા ફર્યા. મૅનેજરે તેમને રાજવી સ્વામી કેવા લાગ્યા, તે વિશે પૂછ્યું ત્યારે યુવકોએ કહ્યું : ‘અમારા જીવનમાં અમે પહેલવહેલા જ સાચી રીતે મહાન પુરુષને જોયા! પ્રેમ, સહાનુભૂતિ અને સમજણથી તેઓ ભરપૂર છે. આખી જિંદગી યાદ રહે, તેવો આ અનુભવ છે.’

સ્વામી બ્રહ્માનંદજીની આ ખાસિયત હતી કે કોઈક વાર તેઓ કેવળ શાન્ત રહીને જ લોકો પર પ્રભાવ પાથરતા તો વળી કોઈક વાર આનંદદાયક વાતો વડે લોકોને પ્રભાવિત કરતા. અને ક્યારેક જો તેમને યોગ્ય લાગે તો આધ્યાત્મિક ઉપદેશો દ્વારા પણ એવું કરતા. મહારાજ ગમે તે વિષયની વાત કરતા હોય, તો પણ તે સાંભળતા અને મળતા બધા જ તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વની ઊંડી છાપ લઈને જ જતા. એટલે અમે છોકરાઓ તરીકે જ્યારે તેમને મળતા ત્યારે તેમને પ્રશ્નો પૂછવાની હિમ્મત તો અમારામાં ન હતી. બસ, એમનાં દર્શન કરી લેવાં, એ જ પૂરતું હતું. એટલું જ અમને પૂરો સંતોષ અને આનંદ આપતું. તેમના માટેના આદર અને પ્રેમથી અમારા હૃદયોને ભરી દેવા માટે આટલું જ પર્યાપ્ત હતું. અને આ બધી બાબતો આખા જીવન સુધી અમારામાં એવી ને એવી અકબંધ જ રહી છે.

સ્વામી બ્રહ્માનંદજી ભારે મસ્તીખોર પણ હતા. એક વખત તેઓ અને તેમના ગુરુભાઈઓ બલરામ બાબુને ઘેર રહ્યા હતા, ત્યારે પાસે જ વહેતી ગંગામાં સ્નાન કરવાની મહારાજે ના કહી અને પોતાના ગુરુભાઈઓને કહ્યું : ‘આજે મને સારું લાગતું નથી, મારી હોજરીમાં ગરબડ છે. એટલે હું ગંગામાં સ્નાન કરવા જઈશ નહિ.’ એટલે પછી અન્ય બધા સ્નાન કરવા ગંગાએ ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે રોજની રીતે નાસ્તાની રાહ જોવા લાગ્યા. નાસ્તો એ ઘરનો મહિલાઓ રોજ તૈયાર કરી આપતી. આજે જ્યારે નાસ્તો આવવાનું ખૂબ મોડું થતું લાગ્યું, ત્યારે આ ઢીલનું કારણ તપાસવા માટે કુટુંબનો એક સભ્ય રસોડામાં ગયો. તો ત્યાં રહેલી સ્ત્રીઓ તો સ્તબ્ધ જ થઈ ગઈ! તેમણે કહ્યું : ‘અરે, અમે તો નાસ્તો ક્યારનોય મોકલી દીધો છે!’ એક નાની છોકરી મહારાજ પાસે આવીને પૂછવા લાગી : આ મોટી તાસકમાં અમે અહીં નાસ્તો આપી ગયાં તે શું તમે જોયું નથી કે મહારાજ?’ (એક જ મોટા થાળમાં નાસ્તાના ભાગ કરીને તેઓ રોજ નાસ્તો લાવતાં) મહારાજે કહ્યું : ‘હા, તમે નાસ્તો લાવ્યાં તો હતાં; પણ હું એટલો બધો ભૂખ્યો થયો હતો કે બધો જ નાસ્તો પૂરો કરીને સગેવગે કરી દીધો છે!’ આ સાંભળીને બધાને ભારે હસવું આવ્યું અને સ્ત્રીઓ નાસ્તાની બીજી વારી તૈયાર કરવા માટે ફરીથી રસોડામાં ધસી ગઈ!

જેમની સાથે મારો ઘણાં વર્ષોનો ગાઢ સંપર્ક રહ્યો છે, એવા સ્વામીજીઓમાંના એક મને આધ્યાત્મિક જીવનની દીક્ષા આપનાર સ્વામી શારદાનંદજી હતા અને મારા શરૂઆતના સંન્યાસી જીવન દરમિયાન જેમની સાથે બેલુર મઠમાં હું રહી શક્યો હતો તે બીજા સ્વામી શિવાનંદજી હતી.

સ્વામી શારદાનંદજી

સ્વામી શારદાનંદજી મારા તરફ ઘણા માયાળુ હતા. તે દિવસોમાં હું કલકત્તાના બાગબજારમાં આવેલા ‘માતાજીના ઘર’ તરીકે ઓળખાતા સ્થાનની તદ્દન નજીક રહ્યા કરતો. સ્વામી શારદાનજીએ એ મકાન શ્રીશ્રીમાને રહેવા માટે બંધાવ્યું હતું કે જેથી માતાજી જ્યારે કલકત્તા આવે ત્યારે એમને રહેવા માટે એમનું પોતાનું સ્થળ મળી રહે. શ્રીશ્રીમાની સારસંભાળ રાખવા માટે તેમ જ સંઘના સઁક્રેટરી તરીકેની વહીવટી જવાબદારીઓ વહન કરવા સ્વામી શારદાનંદજી પણ ત્યાં રહેતા. બપોર પછી અમે બધા જુવાનિયા તેમને વારંવાર ત્યાં મળતા રહેતા. ત્યારે તેઓ ભક્તોથી ઘેરાયેલા રહેતા. પોતાની ચિન્તાઓનો ભાર હળવો કરવા ભક્તો ત્યાં આવ્યા કરતા, પ્રશ્નો પૂછ્યા કરતા અને સલાહ લેતા. ભક્તોના ઘણા ખરા પ્રશ્નો મૂર્ખતાભર્યા અને આધ્યાત્મિક જીવન સાથે અસંબદ્ધ હોય તો પણ તેમને તેઓ શાન્તિપૂર્વક સાંભળતા રહેતા. મેં ક્યારેય એમને કંટાળેલા કે તેમની આસપાસ રહેલ કોઈ માણસ પ્રત્યે અસહાનુભૂતિ કર્યું વર્તન દાખવતા જોયા નથી. અમે જુવાનિયાઓ તો વારંવાર અધીરા થઈ ઊઠતા. કારણ કે અમને આવી બધી ઘરની સમસ્યાઓમાં રસ ન હતો. આ વાત સ્વામી શારદાનંદજી ખૂબ સારી રીતે સમજતા હતા. તેથી એ વાતો પછીના થોડા વખતે તેઓ હળવેકથી પોતાની વાતોને આધ્યાત્મિક બાબતો તરફ વાળી દેતા, ઘર વ્યવહારની એ બધી સમસ્યાઓને સાંભળવાની મુસીબતમાંથી અમને ઉગારી લેવા માટેની આ તરકીબ હતી. અલબત, હવે અત્યારે અમે એ વધારે સારી રીતે સમજવા અને પ્રમાણવા શક્તિમાન થયા છીએ કે તેમના જેવા ઉપદેશકો તો દરેકે દરેકની સહાય કરવા જન્મે છે; ભલે કોઈની સમસ્યાનું ગમે તેવું સ્વરૂપ હોય, એની એમને પરવા હોતી નથી. તેઓ ઘણું ઓછું બોલતા. થોડાક શબ્દોમાં જ તેઓ મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને કોઈક સલાહસૂચન આપી દેતા અને સમસ્યાનો ઉકેલ દર્શાવી દેતા અને લોકો ખૂબ પરિતોષનો અનુભવ કરતા.

ત્યાં કેટલીક વૃદ્ધ સ્ત્રીભક્તો પણ હતી. એમની સારસંભાળ લેનારું એમનું કોઈ સગું સમ્બન્ધી ન હતું. એમને માટે કોઈ વિશ્વાસ મૂકવા યોગ્ય માણસ ન હતું. એથી તેઓ તેમના પૈસા અને હિસાબો વગેરે સ્વામી શારદાનંદજી પાસે થાપણ રૂપે મૂકતી રહેતી અને તેઓ તેનો હિસાબકિતાબ રાખતા. એમના અવસાન પહલાં એમને સૅરિબ્રલ થ્રૉમ્બૉસિસ થયો અને તેમણે વાણી ગુમાવી. પણ એના એક દિવસ અગાઉથી જ એમને આનો ખ્યાલ આવી ગયો અને તેમણે પોતાના સૅક્રેટરીને એ વૃદ્ધ સ્ત્રીઓની મૂડીનો હવાલો સંભાળી એ લેવાની સૂચના આપી ને તે બાબતની સલામતી જાળવવા તેમ જ જરૂર પડ્યે પરત કરવા કહ્યું.

એક બીજી બાબત મેં સ્વામી શારદાનંદજીમાં જોઈ. તે માંદાં માણસો પ્રત્યેનું તેમનું વિશિષ્ટ વલણ હતું. સાધુ કે સામાન્ય ભક્તના કશા જ ભેદભાદ વગર ગમે તે બિમારની મદદ કરવા તેઓ હરહંમેશ સ્વેચ્છાએ તત્પર રહેતા અને ગમે ત્યાં ગમે ત્યારે જરૂર પડ્યે માંદાની માવજત કરતા. કેટલાય અયોગ્ય લોકો તેમની આ ભલમનસાઈનો ગેરલાભ પણ ઉઠાવતા. આવા લોકોનો સ્વભાવ પોતે જાણે છે એમ શારદાનંદજી કહેતા. આમ છતાં પણ એવા લોકોને આશરો આપવાનું યોગ્ય માનતા. કારણ કે એવાઓ માટે અહીં સિવાયના અન્ય સ્થળે ક્યાંય આશરો ન હતો. એમની હાજરી માત્ર જ એવી પ્રભાવશાળી હતી કે આવા આળવીતરા પણ તેમના કાબૂમાં આવી જતા અને કોઈને ય કશી ઈજા પહોંચાડતા નહિ. તેમની ઉપસ્થિતિ ન હોત તો તો તેઓએ કેટલીય ઉથલપાથલ કરી નાખી હોત!

મારી દીક્ષા થયા પછી હું કામારપુકુર અને જયરામવાટીની યાત્રાએ ઉપડ્યો. પાછા ફરતાં મારી જપમાળા ખોવાઈ ગઈ. હું તો એથી ખૂબ ચિન્તાતુર થઈ ગયો. અમારી પરંપરા એવી હતી કે અમુક જપ પૂરા કર્યા સિવાય કશો ખોરાક કે પીણું લઈ શકાય નહિ. એટલે હું તો કશું ખાધાપીધા વગર કલકત્તામાં માતાજીને ઘેર ગયો અને સ્વામી શારદાનંદજીને મારી જપ માળા ખોવાઈ જવાની વાત કરી. એ વખતે મેં ખરેખર એવું ધાર્યું હતું કે આ વાત એક મોટો ઉલ્કાપાત સર્જનારી બનશે. પણ સ્વામી શારદાનંદજીએ તો એ સાંભળીને મીઠું મંદ હાસ્ય કર્યું! અને કહ્યું : ‘અરે મૂર્ખ છોકરા, એમાં તે વળી આટલી બધી ચિન્તા શાનો કરી રહ્યો છે? જપમાળા કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી. મહત્ત્વની વસ્તુ તો છે ભગવાનનું નામ! અને જપમાળા વગર પણ તું ભગવાનના નામનું રટણ કરી શકે છે અને તારી આંગળીઓથી નામની ગણતરી કરી શકે છે.’ પછીથી તેમણે ઉમેર્યું : ‘સૌ પહેલાં તો જા, અને થોડુંક ખાઈ લે.’ આ જો કે ઘણો નાનો પ્રસંગ છે, છતાં મારા હૃદયમાં એ એક પવિત્ર સ્મૃતિની પેઠે જળવાઈ રહ્યો છે.

મેં અગાઉ જણાવ્યું છે તે પ્રમાણે હું એક એવા આશ્રમમાં રહેતો હતો કે જે ઔપચારિક રીતે સંઘનું શાખા કેન્દ્ર ન હતો. એ વખતે હજુ હું શાળામાં ભણતો હતો. એથી બ્રહ્મચર્યની દીક્ષા માટે યોગ્ય ન હતો. અમારા સંઘના સાધુઓને જે પ્રાથમિક શપથ લેવડાવવામાં આવે છે, તે આ બ્રહ્મચર્યદીક્ષા છે. એ વખતે આ વિશે હું જાણતો ન હતો. મેં તો સ્વામી શારદાનંદજીને વિનંતી કરી કે મને બ્રહ્મચર્યની દીક્ષા આપો! હું એ માટે અયોગ્ય છું, તેવું તો તેમણે મને કહ્યું નહિ. તેમણે તો ફક્ત મને બેલુરમઠમાં સ્વામી શિવાનંદજી પાસે જવાનું અને તેમને જ આ વિનંતી કરવાનું કહ્યું. મેં કહ્યું : ‘એમને મળતાં તો મને ડર લાગે છે. કારણ કે સંઘમાં જોડાવાની મારી વિનંતીને તેમણે અનેક વખત નકારી કાઢી છે. તેઓ ઈચ્છે છે કે પહેલાં મારે મારું ભણતર પૂરું કરી લેવું જોઈએ.’ મેં આમ કહ્યું ત્યારે તેમણે સૂચન કર્યું કે પહેલાં મારે સ્વામી વિવેકાનંદજીના શિષ્ય જ્ઞાનમહારાજને મળવું અને એ મને સ્વામી શિવાનંદજી પાસે લઈ જાય એમ કરવું. મેં તેમની સૂચના પ્રમાણે બધું કર્યું. જ્યારે સ્વામી શિવાનંદજીએ સાંભળ્યું કે મારે વિશે સ્વામી શારદાનંદજીની ભલામણ છે, ત્યારે તેમણે મને સંઘમાં દાખલ કરવાની ખાતરી આપી, તેમ જ બ્રહ્મચર્ય દીક્ષા આપવા માટે પણ તેઓ સંમત થયા. તેમની શરત માત્ર એટલી હતી કે મારે સંઘમાં વિધિસર રીતે જોડાતાં પહેલાં મારો કૉલેજનો અભ્યાસ અટકાવ્યા વગર પૂરો કરી લેવો. એટલે મારે તો મારું ભણતર પૂરું કરવા માટે પેલા સંઘ સાથે ન જોડાયેલા આશ્રમમાં જ રહેવું પડ્યું. જો કે હું તો સંઘમાં તરત જ જોડાવા માગતો હતો, પણ તે તો શક્ય ન હતું. આમ, આ એક એવી બીજી ઘટના છે કે જ્યારે સ્વામી શારદાનંદજીએ મારી મદદ કરવા નિયમને નેવે મૂકી દીધો!

ખાસ પ્રસંગોએ અવારનવાર અમે તેઓશ્રીને અમારા આશ્રમમાં પધારવા નિમંત્રણ આપતા અને તેઓ પણ હંમેશાં એ સ્વીકારતા અને આવતા. એ પૈકીનો એક પ્રસંગ મને યાદ રહી ગયો છે. અમારા આશ્રમનું મંદિર બીજે માળે હતું. અને એની સીડી સાંકડી હતી. સ્વામી શારદાનંદજીનું વાનું દરદ વધી પડ્યું હતું અને એમ છતાં પણ તેઓ અમને સંતોષ થાય એટલા માટે મંદિરે પહોંચવા માટે પગથિયાં પર ઢસડાતા ચાલ્યા! એ જોઈ મને ભારે દુઃખ થયું અને અમારા તરફની તેમની ઊંડી લાગણી જોઈને પ્રભાવિત થઈ ગયો. આવો એમનો સ્વભાવ હતો. તેઓ પોતાના શિષ્ય કે ભક્તને સંતોષ મળે તો ગમે તેવી મુસીબત પોતાને માથે લઈ લેતા. ક્ષયરોગથી પીડાતો એક ભક્ત હતો. એ જમાનામાં તો એ રોગ ઘણો ભયજનક અને અત્યન્ત ચેપી ગણાતો હતો. સ્વામી શારદાનંદજી જાણતા હતા કે જો બીજાઓ એમને પેલા રોગી ભક્તની પાસે જતા જોઈ જાય અથવા તો એવી અન્યોને ખબર પડી જાય તો તેઓ એનો સખત વિરોધ કરે. એટલે એક બપોર પછી, જ્યારે બધા આરામ કરી રહ્યા હતા ત્યારે માતાજીના ઘેરથી છાનામાના હળવેકથી ચાલી નીકળ્યા અને પેલા રોગીભક્તને ઘેર પહોંચી ગયા. એ વખતે એમના સેક્રેટરી સ્વામી અશેષાનંદજી જાગતા હતા અને એમણે સ્વામી શારદાનંદજીને બહાર જતા જોયા. દરેક વખતે મહારાજ તેમનો સથવારો ઈચ્છતા તેમ ધારીને તેમની સાથે જવાનું અશેષાનંદજીએ પહેલાં તો વિચાર્યું પણ પછી એમને લાગ્યું કે મહારાજ છાનામાના ગયા છે એટલે એમના અનુચર તરીકે આ વખતે પોતાને સાથે લઈ જવાની એમની મરજી જણાતી નથી. એટલે તેઓ દૂર રહીને તેમની પાછળ જવા લાગ્યા, અને મહારાજ શું કરી રહ્યા છે, તે નીરખવા લાગ્યા.

સ્વામી શારદાનંજી રોગી ભક્તની પથારીની એક બાજુએ બેઠા અને કેટલીક પૂછપરછ કરી. કેટલાંક ફળો ત્યાં રાખેલાં હતાં, તેમાંથી તેમણે થોડાં ખાધાં. પછીથી જ્યારે મઠના લોકોને આ વાતની ખબર પડી, ત્યારે તે બધાએ એમને ઠપકો આપ્યો : ‘મહારાજ, તમે આવું શા માટે કર્યું? તમે આવું જોખમ શા માટે ખેડ્યું?’ સ્વામી શારદાનંદજીએ જવાબ આપ્યો : ‘જો એ ફળોમાંથી કેટલુંક મેં ન ખાધું હોત તો તમે જ વિચારી લો કે એ ભક્તને કેવું લાગ્યું હોત? એને ક્ષયરોગ જેવો ચેપી રોગ થયો છે, તેથી શું થઈ ગયું? મારા પોતાના સ્વાસ્થ્ય કરતાં એનો સંતોષ વધારે મહત્ત્વનો છે.’

સ્વામી શારદાનંદજી અત્યંત મૃદુ અને છતાંય કઠોર હતા. તેમની પ્રેરણાઓ અને સહાયકારક સલાહો અમને આનંદથી અને હિંમતથી – ઉત્સાહથી – ભરી દેતી. સંઘના વહીવટનો આખો બોજો એમની શિરે હતો. તેમ છતાં તેઓ હંમેશાં શાન્ત અને ઠંડા કલેજાવાળા રહેતા. એમને કોઈ સામે કશી ફરિયાદ ન હતી કે નહોતી કશી વસવસાની ચણભણ!

(ક્રમશઃ)

અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

(‘વેદાંત કેસરી’ નવે. ‘૯૭માંથી સાભાર)

Total Views: 20
By Published On: April 30, 2022Categories: Bhuteshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram