વર્તમાન સમયમાં ભારતમાં 198 અને વિદેશમાં 67 શાખાકેન્દ્રો વિદ્યમાન છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલું શાખાકેન્દ્ર 1927માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્થપાયું હતું. 1994માં લીમડી, 1997માં પોરબંદર અને 2005માં વડોદરામાં આવાં શાખાકેન્દ્રો શરૂ થયાં હતાં. 1988માં અમદાવાદમાં સ્થાનિક ભક્તો અને શુભેચ્છકોએ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું કેન્દ્ર શરૂ કર્યું. આ કેન્દ્ર વસ્ત્રાપુરમાં કલ્યાણ ટાવરના બીજા માળ પર ઘણો વખત કાર્યરત રહ્યું.

2018માં રામકૃષ્ણ મઠ, બેલુર દ્વારા આ કેન્દ્રને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઉપકેન્દ્ર તરીકે સ્વીકૃત કરાયું. ડિસેમ્બર, 2021માં રામકૃષ્ણ મઠ, અમદાવાદ એક સ્વતંત્ર કેન્દ્રના રૂપમાં ગઠિત થયો અને શ્રીશ્રીમા શારદાદેવીની શુભ જન્મતિથિ, 26 ડિસેમ્બરના રોજ મેં રામકૃષ્ણ મઠ, અમદાવાદનું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું. સમય જતાં સાણંદ તાલુકાના લેખંબા ગામમાં 7.5 એકર જમીન આ મઠને દાનમાં મળી.

9 એપ્રિલ, 2022ના રોજ સંન્યાસીઓ અને ગુજરાતના ઉત્સાહી ભક્તોની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે મઠની જમીનનું ભૂમિપૂજન સંપન્ન કર્યું.

શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આશીર્વચન આપ્યાં હતાં:

“સંન્યાસી વૃંદ, બ્રહ્મચારી વૃંદ, ભકતવૃંદ, મંચ પર ઉપસ્થિત મંત્રીઓ, સજ્જનો અને ગ્રામવાસીઓ,

આ જે ભૂમિપૂજન ચાલી રહ્યું છે તે માટે જે લોકો અમને મદદ કરી રહ્યા છે તે સૌ માટે હું ભગવાન પાસે આશીર્વાદ માગું છું. એ બધા પર શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી આશીર્વાદ વરસાવે.

અત્યારે નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ભારતવર્ષની બહુ જ પુણ્ય-સ્મૃતિ તેની સાથે જોડાયેલી છે. હજારો-લાખો લોકો ભગવાનની પ્રાર્થના કરે છે, માતાજીની સ્તુતિ કરે છે, તેમના શરણે જાય છે. એવો આ માહોલ સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં ફેલાયેલો છે. હું જ્યારે આવતો હતો ત્યારે મેં જોયું કે કેટલાય લોકો પગપાળા જઈ રહ્યા છે. મેં પૂછ્યું તો મને જણાવાયું કે અહીં ચામુંડાદેવીનું મંદિર છે ત્યાં આ લોકો પૂજા કરવા જાય છે. આ તપસ્યા-સ્થળ છે. શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીએ આવીને એક બીજી તપસ્યા પણ આપી છે. એ શું છે? દેવી છે, દેવતા છે, શિવ છે, કાલી છે. એ બધું તો છે જ. પરંતુ તેની સાથે સાથે આપણા બીજા પણ એક દેવતા છે, જાગ્રત દેવતા. જે હાલતા-ચાલતા ચલાયમાન દેવતા છે. તે છે મનુષ્ય. તેને પણ આપણે એ રીતે યાદ કરવા જોઈએ. એક નવી દિશા ઠાકુરે આવીને બતાવી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે જ્યારે ઠાકુરનો જન્મ થયો ત્યારે કામારપુકુરને કોણ ઓળખતું હતું..! તેઓ તો કામારપુકુરમાં નિરાશ્રિત બનીને આવ્યા હતા. તેના પર કોઈની નજર ન હતી. પછી જ્યારે તેઓ સાધન-ભજન કરવા લાગ્યા ત્યારે પણ લોકો કહેતા કે એ તો પાગલ છે. એના પછી તેમની આધ્યાત્મિક શક્તિ, તેઓનું જ્ઞાન, તેમનો પ્રેમ, તેમનો ભાવ, તેમની સમાધિ જ્યારે લોકોએ જોઈ ત્યારે સાધુ લોકોને થયું આ કોઈ સામાન્ય માણસ નથી. કંઈક વિશિષ્ટ છે. તે પછી કેશવચંદ્ર સેને જ્યારે તેમને જોયા ત્યારે તેઓ સમજી ગયા કે આ સાધારણ વ્યક્તિ નથી. સમાજમાં તેમનું કંઈક ખાસ પ્રયોજન છે. એટલા માટે કેશવબાબુએ પહેલીવાર જાહેરમાં કહ્યું અને પછીથી તેમને લોકો ઓળખવા લાગ્યા. તે સમયે કેશવબાબુનું સમાજમાં મોટું નામ હતું. તેઓ ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય જગતમાં પ્રચાર કરવા લાગ્યા. અને તેથી બધા જ યુવાનો કેશવબાબુના અનુયાયીઓ-ભક્ત બની ગયા. જ્યારે કેશવ સેન રામકૃષ્ણ પરમહંસ વિષે આટલું બધું કહે છે તો જરૂર તેમાં કંઈક તથ્ય હોવું જોઈએ. એ પછીની વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.

ત્યારપછી નરેન્દ્રનાથ પણ તેમાં સામેલ થયા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરે પણ આવ્યા. ભારતની આટલી મહાન વ્યક્તિઓ એમાં સામેલ થઈ. જ્યારે ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણ તિરોધાન પામ્યા ત્યારે ઘણું કરીને લોકોએ તેમને ‘અવતાર’ તરીકે સ્વીકારી લીધા હતા. તે પછીની વાત આપ સૌ જાણો છો.

ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસનો જે ભાવ-સંદેશ મળ્યો તે આપણા જીવનમાં કેવી રીતે ઉતારવો? આ માટે કેટલાક યુવાનોએ મદદ કરી. એ યુવાનો વિષે ઘણા એવું માનતા કે તેઓ કારણ વગરનું તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે.

પછી સ્વામીજી મદ્રાસ પહોંચ્યા. તે વખતે તો તેઓ માત્ર પરિવ્રાજક સંન્યાસી હતા. આપણે રસ્તામાં જોઈએ છીએ તેવા ભિખારી જેવા. પરંતુ મદ્રાસમાં તેમની કદર થઈ કે તેમની પાસે કશુંક છે, તેમની અંદર કશુંક છે, કંઈક જવાબદારી છે. પછી જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા, ત્યારે ગુજરાતના રાજાઓ, દીવાનો વગેરે જે ભણેલ-ગણેલ હતા, શાલીન હતા, હિન્દુત્વથી ભરેલા હતા તે લોકો સ્વામીજીને ઓળખી ગયા કે તેમનામાં સમાજ માટે કંઈક કરી છૂટવાની સમર્પણ ભાવના છે. તે લોકોએ સ્વામીજીને મદદ કરી.

મેં સાંભળ્યું છે કે આ ગુજરાતની ધરામાં જ્યારે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ આવ્યા ત્યારે તેમણે ખૂબ તપસ્યા કરી હતી. પછી તેમણે જે મૂળભૂત વસ્તુની જરૂરિયાત છે તે સાહિત્ય ગુજરાતને આપ્યું. પછી જ્યારે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ગુજરાત આવ્યા ત્યારે તે સાહિત્યના આધારે તેઓ ગામે-ગામ જઈને ભાવનો પ્રસાર-પ્રચાર કરવા લાગ્યા. ભગવાનની કૃપાથી રાહતનું ઘણું કાર્ય કર્યું. રાહતકાર્યને કારણે તેમને ગામે-ગામ ફરવું પડ્યું. તેમનો ભાવ અને પ્રેમ જોઈને, ઉત્સાહ જોઈને ગામવાસીઓ બધા એકત્રિત થવા લાગ્યા.

ધીમે ધીમે સ્વામી ભૂતેશાનંદજીનું સાહિત્ય અને સ્વામી આત્મસ્થાનંદજીનાં ભાવ, પ્રેમ અને પ્રભાવ ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચી ગયાં. ગુજરાતમાંથી કેટલાય  સંન્યાસીઓ આવ્યા છે. આપણે જોયું કે અહીં કેટલા લોકોનું સન્માન થયું, કેટલાય ભક્તો બન્યા છે, કેટલા આશ્રમો બન્યા છે. તેનો અર્થ શું? ઠાકુર, મા, સ્વામીજીનો ભાવ કેટલો પ્રસાર પામ્યો..! ગામે-ગામ, ખૂણે-ખૂણે પહોંચી ગયો.

શ્રી કિરીટસિંહ રાણા વિષે જે ધ્રુવેશાનંદજી અને નિખિલેશ્વરાનંદજી પાસેથી સાંભળ્યું કે તે અમારી સાથે બાળપણથી જોડાયેલા છે, એક સેવકની જેમ. તેનો એ ભાવ તેઓ મંત્રી બન્યા પછી ભુલાઈ પણ જઈ શકે. પ્રખ્યાતિ, પ્રતિષ્ઠા કે અહંકારમાં એ જૂની વાતો ભુલાઈ પણ જાય. પરંતુ ભગવાનની તેમના પર કૃપા છે કે તેમને બધી વાતોનું સ્મરણ છે. જે એમ. એલ. એ. બોલ્યા તેનો અર્થ શું છે? એ જ કે આ ગામ માટે રામકૃષ્ણ મિશનની જરૂર છે. અમદાવાદમાં રામકૃષ્ણ આશ્રમ બનાવવો તે એટલું સરળ નથી. મેં આજે સવારે જ સ્વામી ધ્રુવેશાનંદજી પાસેથી સાંભળ્યું કે સ્વામી મુમુક્ષાનંદજીએ કેટલી મહેનત કરી છે. ભક્તોએ પણ ગામે-ગામ જઈ આશ્રમ માટે ભીખ માગી છે, ઘરે-ઘરે, એક-એક રૂપિયા માટે. તે પછી અમદાવાદમાં ભાડાનું મકાન લીધું અને તેમાં કેન્દ્ર બનાવ્યું. ધીમે ધીમે કેટલાક લોકોની મદદથી તે મકાનને ખરીદી લીધું. ત્યાં નાનો એવો આશ્રમ બન્યો. અને હવે જુઓ, તમારા બધાની, સરકારની, ભક્તોની અને ગ્રામવાસીઓની મદદથી આજે એવો સમય આવી ગયો કે અહીં એક વિશાળ જમીન મળી શકી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે આજ તમે વિશ્વમાં જ્યાં પણ જાઓ, બેલુર મઠનું નામ સાંભળતાં જ લોકો ને ખબર પડે કે તે રામકૃષ્ણ મઠ-મિશનનું મુખ્યાલય છે.

સ્વામીજીએ જ્યારે બેલુર મઠમાં ભૂમિપૂજન કરી ઠાકુરની પ્રતિષ્ઠા કરી ત્યારે કશું જ ન હતું. બની શકે કે સાત-આઠ સંન્યાસીઓ અને પંદરેક ભક્તો માત્ર હતા. અને આજે જુઓ, આ સ્થળે મંડપ બાંધી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. અને આટલી વાતો થઈ રહી છે. આજે એ બેલુર મઠનો કેવો પ્રભાવ કે અહીં આ બધું થઈ રહ્યું છે. અહીં જે થઈ રહ્યું છે તેનો પ્રભાવ પણ અન્ય સ્થળો પર આવો જ પડશે. એક દિવસ ભગવાનની કૃપાથી ઘણી પ્રગતિ કરશે. એવું કહેવાય છે કે અમે માત્ર ગરીબોને ધ્યાનમાં રાખી તેની જ સેવા માટે કાર્ય કરીએ છીએ. પરંતુ એવું નથી. અમારું ધ્યાન સમગ્ર માનવજાત પર છે. અમે ગરીબોના અભાવને દૂર કરવાની કોશિશ કરીએ છીએ.

ગીતામાં કહ્યું છે—

મનુષ્યને ઉગારવા પહેલાં તેને મદદ કરો. તે પછી તેના મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે મહેનત કરો. વધુ ને વધુ ઉપર જવું, આગળ વધવું. તે પછી વિસર્ગ. ભોગ ભોગવી લીધા, બધું થઈ ગયું, હવે ત્યાગ કરવાનું શીખો. તો અમે એવું ઇચ્છીએ છીએ કે ગામની તમામ વ્યક્તિઓનો ‘ભવ’ થશે, ‘ઉદ્ભવ’ થશે અને સાથે સાથે તેઓ દાનવીર પણ બનશે. એ માટે જ રામકૃષ્ણ મિશનનો ઉદ્ભવ થયો છે.

હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે ગ્રામવાસીઓની આ રીતે ઉન્નતિ થાય.

નમસ્કાર.”

Total Views: 549

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.