આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા

કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક  એનો સામનો કરવો પડે છે. જેમ કે આધુનિક મનોવૈજ્ઞાનિકોએ બતાવ્યું છે, કામ સામાન્ય માનવીનાં જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, તથા એનું ચિંતન, ભાવનાઓ અને ઇચ્છાનો  મોટો  અંશ કામના સંબંધમાં રહે છે. જે લોકો તીવ્ર આધ્યાત્મિક જીવન વ્યતીત કરવા માંગે છે, એણે સર્વપ્રથમ પોતાનાં જીવનમાં કામના આ પ્રભુત્વને ઓછું કરવું જોઈએ. જે લોકોએ નાનપણથી જ પવિત્ર જીવન યાપન કર્યું છે, એમના માટે આ સમસ્યા આસાન હોય છે. પણ આધુનિક યુવક ઘણાં  જ અપવિત્ર વિચારોનો સંચય  કર્યા પછી આધ્યાત્મિક જીવનની તરફ જાય છે. સામાન્ય રીતે સફળતાપૂર્વક આધ્યાત્મિક જીવન વીતાવવાને  માટે એણે અપવિત્ર વિચારોના ઘોર જંગલને સાફ કરવું પડે છે.

કામની મુખ્ય સમસ્યા એ છે કે તે વ્યક્તિત્વના અનેક સ્તરો પર વિદ્યમાન છે. આમ માત્ર ભૌતિક કામ જ નથી. શારીરિક પ્રેરણાઓ ઉપરાંત માનસિક સ્તર પર કામ સૂક્ષ્મ આકર્ષણો અથવા મોહના રૂપમાં વિદ્યમાન રહે છે. તે એક તરતી હિમશિલા જેવો છે, જેનું માત્ર શિખર જ પાણીની સપાટી પર દેખાય છે. સાધક જેટલો અંતર્મુખી હોય છે, તેટલો જ તે પોતાની અંદર કામવાસનાની સૂક્ષ્મ શાખા-પ્રશાખાઓને સમજવામાં સમર્થ બને છે. આ પ્રાયઃ લોકોને ભયભીત કરી મૂકે છે. ખૂબ જ ઓછા લોકો કામવિજયના કઠિન પડકારનો સામનો કરી શકે છે. પરંતુ તેનો સંપૂર્ણપણે સામનો કર્યા વિના વાસ્તવિક આધ્યાત્મિક જીવન વિતાવી શકાતું નથી. એના માટે મહાન દૃઢતા અને પોલાદી ઇચ્છાશક્તિની આવશ્યકતા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ સાચા સાધકના મનમાં ડોકિયું કરીને જુએ તો તે ભય પામીને ઊભો થઈને નાસી જશે. તે સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે, જેમાં વિશુદ્ધ ધાતુને નિરંતર કાચી ધાતુથી અલગ કરવામાં આવે છે.

બ્રહ્મચર્ય અને વિવાહ

સાધકે સર્વપ્રથમ એ નિર્ણય કરવો પડે છે કે એણે વિવાહ કરવો જોઈએ કે બ્રહ્મચારી રહેવું છે. હિન્દુ ધર્મમાં વિવાહિત જીવનને અનિષ્ટ માનવામાં આવતું નથી, પરંતુ તે જીવનની કેટલીક નિશ્ચિત સીમાઓ નિર્ધારિત કરી દે છે. પણ બ્રહ્મચારીને માટે કઠોર નિયમો હોય છે. એકાંતિક આધ્યાત્મિક જીવનયાપન કરનારાઓ માટે આજન્મ બ્રહ્મચર્યપાલન તદ્દન આવશ્યક છે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છેઃ થોડાક નપુંસક માતાઓના ગર્ભથી પેદા થાય છે, થોડાક નપુંસક પુરુષોથી ઉત્પન્ન કરવામાં આવે છે અને થોડાક નપંુસકોએ પોતાને સ્વર્ગના રાજ્યને માટે નપુંસક બનાવ્યા છે. જેઓ આ ઉપદેશને ગ્રહણ કરી શકે છે તેઓ ગ્રહણ કરે. (બાઇબલ, સંત મેથ્યુ, ૧૯.૧૨)

શ્રીરામકૃષ્ણે શરત્ અને શશિ (જેઓ પાછળથી સ્વામી સારદાનંદ અને સ્વામી રામકૃષ્ણાનંદના નામે પ્રસિદ્ધ થયા.) નામના બે યુવાનોને એમની પ્રથમ મુલાકાતના સમયે આ અંશ વાંચવાને માટે કહ્યું હતું. એમણે કહ્યું કે વિવાહ સમસ્ત બંધનોનું મૂળ કારણ છે. બધા જ મહાન અવતારો આ સત્યના સંબંધમાં એકમત રહ્યા છે, પરંતુ સાંસારિક લોકો ઈશ્વરની સૃષ્ટિના વિષયમાં કંઈક કરવાને માટે હંમેશાં બહુ જ ચિંતિત રહેતા હોય છે, જાણે કે ઈશ્વરને એમની સહાયતાની જરૂર છે. આ બધું કપટ અને બકવાસ છે. ઈશ્વરને પોતાની સૃષ્ટિને માટે કોઈની પણ જરૂર નથી અને આ લોકો પણ ખરેખર એની પરવા કરતા નથી. તેઓ પોતાનું સુખ ઇચ્છે છે, ઈશ્વરની સૃષ્ટિ નહીં. પોતાના એક પ્રસિદ્ધ પત્રમાં સંત પોલે લખ્યું છેઃ તેથી અવિવાહિતો અને વિધવાઓને મારી આ સલાહ છે કે મારી જેમ અવિવાહિત રહેવું જ સારું છે. છતાં જો તેઓ સંયમ ન રાખી શકે તો કામવાસનાની અગ્નિમાં બળવા કરતાં વિવાહ કરવો શ્રેયસ્કર છે. (બાઇબલ,૧ કોરિન્થિયસ ૭.૮,૯)

આ બહુ જ કલ્યાણકારક સલાહ છે. અમે એમ નથી કહેતા કે બધાએ સંન્યાસી બની જવું જોઈએ. એ માણસના વિકાસની અવસ્થા પર નિર્ભર છે. પોતાનું મહાન વ્રત તોડનાર સંન્યાસી બનવાની અપેક્ષાએ ગૃહસ્થી બનવું શ્રેયસ્કર છે. બાહ્ય ત્યાગની પાછળ હંમેશાં આંતરિક ત્યાગ હોવો જોઈએ, નહીં તો એની કોઈ કિંમત નથી. સંન્યાસીમાં બન્ને પ્રકારના ત્યાગ હોવા જોઈએ. ફક્ત બહારના ત્યાગથી કામ ચાલશે નહીં. જેઓ પોતાની નબળાઈઓને કારણે આંતરિક ત્યાગ નથી કરી શકતા, અને જેઓ સાંસારિક વિચારો, આશાઓ અને આકાંક્ષાઓમાં વ્યસ્ત રહે છે, એમના માટે મિથ્યાચારી બનવાને બદલે ગૃહસ્થ જીવનયાપન કરવું શ્રેયસ્કર છે. સાચો આંતરિક ત્યાગ કરનાર વ્યક્તિ કોઈ બીજા મનુષ્યની સાથે વ્યક્તિગત સંબંધના બંધનમાં બંધાયા વિના સંસારમાં પણ રહી શકે છે તથા સાથો સાથ અહિંસાનું, જાતિય દૃષ્ટિથી પવિત્ર,  રાગ રહિત, દ્વેષ રહિત જીવન જીવી શકે છે. અને પૂર્ણ બ્રહ્મચર્યની શરતોને પૂરી કરી શકે છે.

પરંતુ પ્રારંભિક આધ્યાત્મિક અનુશાસન તથા વર્ષાે સુધીની લાંબી સાધના કર્યા વિના આ ઘણું જ કઠિન છે. અને મોટા ભાગના લોકો માટે બિલકુલ અસંભવ છે. પણ ઓછામાં ઓછું તેઓ એ તો જાણે કે દુર્લભ હોવા છતાં અને અધિકાંશ લોકો માટે ઘણું જ કઠિન હોવા છતાં, આવું જીવન સંભવિત છે.

Total Views: 673

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.