સ્વામી વિવેકાનંદ કહે છે:

“આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ.

“આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની પેઠે જુદા જુદા તારો ઉપર મરજી મુજબ જઈ શકીએ છીએ. અત્યારે તો કરોળિયો જાળમાં જે જગ્યાએ છે તે જગ્યાને જ જાણે છે; પણ સમય થતાં તેને આખીય જાળનું ભાન થશે.

“આપણે અત્યારે માત્ર જ્યાં આપણું શરીર છે તેને જ જાણીએ છીએ; એક જ મગજ આપણે વાપરી શકીએ છીએ. પણ જયારે આપણે સમાધિ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે સઘળું જાણીએ છીએ અને સઘળાં મગજોનો ઉપયોગ કરી શકીએ છીએ.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૯)

આપણે સીનેમામાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ જેમ કે ગાડી, મકાન, આકાશના ગ્રહો, વગેરે. આજે તો વળી એનિમેશનની મદદથી ડાયનોસોર જેવા પ્રાણીઓ પણ સીનેમામાં સાચા લાગે એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ.

પણ આપણને ખબર છે કે એ બધાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. આપણે માત્ર કલ્પના અને વિજ્ઞાનની સહાયતાથી એ દૃશ્ય-શ્રાવ્ય માયાજાળ ઊભી કરી છે. આમ જ આત્મા માયાની મદદથી આ સમગ્ર વિશ્વ-બ્રહ્માંડ, સમય અને અવકાશ, તારાઓ અને ગ્રહો, મનુષ્યો અને પ્રાણીઓ વગેરે ઉત્પન્ન કરે છે અને પોતે ઉત્પન્ન કરેલ સૃષ્ટિના કણ-કણમાં પોતે પ્રકાશે છે. જેમ કે સાચો સૂર્ય અને પાણી ભરેલા ઘડામાં એનું પ્રતિબિંબ. સાચો સૂર્ય એક જ છે પરંતુ હજારો ઘડાઓમાં સૂર્યનાં હજારો પ્રતિબિંબ હોઈ શકે છે.

સ્વામી સારદાનંદ લખે છે:

“એક અસીમ અનન્ત સમષ્ટિ-મનમાં જગતરૂપી કલ્પનાનો ઉદય થયો છે. તમારું, મારું અને સર્વ જનોનું વ્યષ્ટિમન આ વિરાટ મનના અંશ અને અંગરૂપ હોવાથી આપણે સૌને એ એક જ પ્રકારની કલ્પના અનુભવવી પડે છે. એને લીધે જ આપણે દરેક પશુને પશુ સિવાય બીજા કશા રૂપે જોઈ કે કલ્પી શકતા નથી. એને લીધે જ વળી યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ કરીને આપણામાંનો એકાદ વ્યક્તિ સર્વ પ્રકારના ભ્રમના હાથમાંથી મુક્તિ પામે, છતાં બાકીના બીજા સૌ જેવા એ ભ્રમમાં પડેલા છે તેવા ને તેવા જ પડ્યા રહે.

“અને વળી બીજી એક વાત, એ સર્વવ્યાપી પુરુષના અથવા તો ઈશ્વરના વિરાટ મનમાં જગતરૂપી કલ્પનાનો ઉદય થયા છતાં પણ તેઓ આપણી માફક અજ્ઞાનબંધનમાં જકડાઈ જાય નહિ. કારણ કે સર્વદર્શી એવા તેઓ અજ્ઞાનમાંથી જન્મેલી જગતકલ્પનાની અંદર અને બહાર અદ્વય બ્રહ્મ વસ્તુને ઓતપ્રોત ભાવે વણાઈ રહેલી જોઈ રહે છે. આપણે એ પ્રમાણે જોઈ શકતા નથી તેને કારણે જ આપણી વાત અલગ પ્રકારની થઈ જાય છે.

“ઠાકુર કહેતા તે પ્રમાણે, ‘સાપના મુખમાં ઝેર રહેલું છે, એ મોઢાથી રોજે રોજ ખાય-પીવે છે પણ સાપને એનાથી કશું થતું નથી. પરંતુ સાપ જેને કરડે તેનું એ ઝેરથી તત્ક્ષણ મોત નીપજે.’”

(શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ 1.136)

જ્યાં સુધી પ્રતિબિંબ-આત્મા કર્મના પાશમાં બદ્ધ છે ત્યાં સુધી જ એના માટે સંસાર વાસ્તવિક છે. જેમ કે ઘડાે ભાંગી જાય તો પ્રતિબિંબ-સૂર્ય સાચા-સૂર્યમાં વિલીન થઈ જાય એમ જે ક્ષણે કર્મના ફેરા પૂરા થઈ જાય એ જ ક્ષણે આપણી અંદર રહેલ પ્રતિબિંબ-આત્માનો પ્રકાશ વૈશ્વિક-આત્મામાં વિલીન થઈ જાય.પ્રતિબિંબ ભલે વિલીન થઈ ગયું પણ સાચો સૂર્ય તો હંમેશને માટે પ્રકાશતો જ રહેવાનો.

સ્વામી સારદાનંદ લખે છે:

“શાસ્ત્ર કહે છે કે જગતમાં સ્થૂળ, સૂક્ષ્મ, ચેતન-જડ જે કંઈ તમે જુઓ છો—ઈંટ, માટી, કાષ્ઠ, પથ્થર, મનુષ્ય, પશુ, ઝાડપાન, જીવ-જાનવર, દેવ-ગંધર્વ— બધાં એક અદ્વય બ્રહ્મવસ્તુ છે. બ્રહ્મવસ્તુને જ તમે વિવિધરૂપે નિરાળા ભાવે જુઓ છો, સાંભળો છો, સ્પર્શો છો, સૂંઘો છો અને આસ્વાદ કરો છો. એમને લીધે તમારો સર્વપ્રકારનો રોજિંદો વ્યવહાર જીવનભર ચાલતો હોવા છતાં તમે તેને સમજી શકતા નથી. વિચારો છો કે ભિન્ન ભિન્ન વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે તમે એવો વ્યવહાર કરી રહ્યા છો.”

(શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ 1.134)

જ્યાં સુધી આપણે કર્મના પાશમાં બદ્ધ છીએ ત્યાં સુધી આપણે પ્રતિબિંબ-સૂર્યની જેમ એક ઘડામાં કેદી છીએ. પણ જ્યારે ઘડો ભાંગી જાય છે અને આપણે સાચા સૂર્ય બની જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છા મુજબ બધા ઘડાઓમાં પ્રતિબિંબરૂપે ઉપસ્થિત થઈ શકીએ છીએ. અર્થાત્‌ પ્રતિબિંબ-સૂર્ય માટે ઘડો એ જેલખાનું છે પણ સાચા-સૂર્ય માટે ઘડો એ ખેલનું મેદાન છે. ઠાકુર કહેતા:

“સંસારમાં ઈશ્વરપ્રાપ્તિ થાય નહિ શા માટે? જનક રાજાને થઈ હતી. રામપ્રસાદે સંસારને મૃગજળ કહ્યો, પણ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ આવે તો આ જ સંસાર લહેરની કુટિર છે.

આ સંસાર તો મજાની કુટી,
ખાઈ પી ને મેં મજા લૂંટી,
જનક રાજા મહાન તેજી, તેને હતી રે શેની ત્રુટિ;
આણીગમ તેણીગમ બેઉ ગમ રાખી,
પીધી હતી તેણે દૂધની વાટી.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 5, અધ્યાય 6)

માટે જ સ્વામીજી કહે છે કે આપણું સાચું સ્વરૂપ તો જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગર જેવું છે. સાચા-સૂર્ય માટે પ્રતિબિંબ-સૂર્ય એ દૃશ્ય-શ્રાવ્ય માયાજાળ માત્ર છે.

“આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની પેઠે જુદા જુદા તારો ઉપર મરજી મુજબ જઈ શકીએ છીએ.” અર્થાત્‌ વૈશ્વિક-આત્મા કે જે આપણું સાચું સ્વરૂપ છે એ પ્રતિબિંબ-આત્માઓમાં ઇચ્છા મુજબ વિચરણ કરી શકે છે.

“અત્યારે તો કરોળિયો જાળમાં જે જગ્યાએ છે તે જગ્યાને જ જાણે છે; પણ સમય થતાં તેને આખીય જાળનું ભાન થશે.” જ્યાં સુધી આપણે કર્મના પાશમાં આબદ્ધ છીએ ત્યાં સુધી જ આપણે પ્રતિબિંબ-આત્માના રૂપમાં આપણા શરીરમાં કેદ છીએ. કર્મનો ભોગ પૂરો થતાં જ આપણે વૈશ્વિક-આત્મામાં વિલીન થઈશું અને બધાં શરીરોનું, સમસ્ત સૃષ્ટિનું ભાન થશે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:

अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च।।

 आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान्।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी।।

(શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા 10.20-21)

હે અર્જુન! હું બધાં પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. હું જ બધાં પ્રાણીઓનો આદિ, મઘ્ય અને અંત છું. હું આદિત્યોમાં વિષ્ણુ છું, જ્યોતિઓમાં કિરણવાળો સૂર્ય હું છું, મરુતોમાં મરીચિ નામે મરુત હું છું અને નક્ષત્રોમાં ચંદ્રમા હું છું.

સ્વામીજી આગળ કહે છે:

“આપણે અત્યારે માત્ર જ્યાં આપણું શરીર છે તેને જ જાણીએ છીએ; એક જ મગજ આપણે વાપરી શકીએ છીએ. પણ જયારે આપણે સમાધિ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે સઘળું જાણીએ છીએ અને સઘળાં મગજોનો ઉપયોગ કરી શકીએ છીએ.”

જ્યાં સુધી આપણે આ શરીરમાં કેદી છીએ ત્યાં સુધી આપણું જ મગજ વાપરી શકીએ છીએ, પરંતુ સમાધિ અવસ્થામાં જ્યારે પ્રતિબિંબ-આત્મા વૈશ્વિક-આત્મામાં વિલીન થઈ જાય ત્યારે આપણે બધાં શરીરમાં સ્થિત બધાં મગજોમાં નિહિત જ્ઞાનસાગરમાં ડૂબકી લગાવી શકીએ છીએ.

શ્રીરામકૃષ્ણ પોતાની અવસ્થાઓ વિશે કહેછે:

“સર્વભૂતમાં ઈશ્વરનાં દર્શન કરવા લાગ્યો. પૂજા બંધ થઈ ગઈ. આ બીલીનું ઝાડ. તેમાંથી બીલીપત્ર તોડવા આવતો. એક દિવસ પાંદડું તોડવા જતાં જરાક છાલ ઊતરી આવી. તરત મને દેખાયું કે ઝાડ ચૈતન્યમય! એટલે મનમાં દુ:ખ થયું. દૂર્વા તોડવા જતાં જોયું તો પહેલાંની પેઠે તોડી શક્યો નહિ. એટલે પછી જોર કરીને તોડવા ગયો.

હું લીંબુ કાપી શકતો નથી. તે દિવસે બહુ જ મુશ્કેલીથી ‘જય કાલી’ બોલી માતાજીની સામે બલિદાનની પેઠે રાખીને કાપી શક્યો. એક દિવસે ફૂલ તોડવા જતાં માએ દેખાડી દીધું કે ઝાડ પર જે ફૂલો ખીલ્યાં છે એ બધાં જાણે કે સામે જે વિરાટ છે, જેમની પૂજા તરતમાં જ થઈ ગઈ છે, તે વિરાટના માથામાં તોરા કરીને ભરાવેલ છે. ત્યારથી પછી ફૂલ તોડવાનું બન્યું નહિ!”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 38, અધ્યાય 3)

 

Total Views: 638

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.