(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને  ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે ઉદ્‌બોધન ભવનમાં રહેતાં. આ લેખ ‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) માંથી સાભાર સ્વીકૃત કરવામાં આવ્યો છે. -સં.)

સંતાનોની સુખસુવિધા તરફ માની તીક્ષ્ણ દૃષ્ટિ હતી. દીકરાઓનો નિસ્તેજ ચહેરો, દારિદ્ર્યમય પહેરવેશ કે ક્ષીણ શરીર મા જોઈ ન શકતાં. માટે જ ઉદ્‌બોધનમાં બધા માટે દરરોજ માછલીની વ્યવસ્થા હતી. કારણ કે માછલી ન હોય તો બંગાળી દીકરાઓનું પેટ ભરાય નહીં. આહાર બાદ બધા પાન ખાય, માટે મા પોતે જ પાન બનાવી રાખતાં. વળી જેઓ પાન વધુ પસંદ કરતા તેઓ વધુ મેળવતા. દીકરાઓ મોં ભરીને પાન ખાય છે, જોઈને મા ખૂબ ખુશ થતાં. દીકરાઓ સાદી, કિનારી વગરની ધોતી પહેરે એ માને બિલકુલ પસંદ ન હતું. ભક્તો માને પાતળી કિનારીવાળાં ઘણાં કપડાં આપતા અને એમની પોતાની જરૂરિયાતો ખૂબ સામાન્ય હતી. આ બધાં કપડાં નિઃસંકોચે દીકરાઓને વહેંચી દેતાં. (ભક્તો માને રંગીન કિનારીવાળી સફેદ સાડી આપતા, જે દીકરાઓ ધોતીના રૂપમાં પહેરી શકતા.) દીકરાઓમાં કોઈ કોઈ શોખીન હતા એ મા જાણતાં. તેને બારીક વણાટવાળું સુંદર કિનારીવાળું કપડું આપતાં. જેને બરછટ વણાટવાળું ગમતું તેને તે જ આપતાં. કોઈ કોઈનાં કપડાં જલદીથી ફાટી જતાં મા એને વધારે કપડાં આપતાં. ભોજન, નાસ્તો બધી બાબતોમાં- જેને જેમ જોઈતું, જેના પેટમાં જે રીતે સહન થતું, મા એને ઠીક એ જ પ્રમાણે આપતાં.

ઉદ્‌બોધનના સંન્યાસી-બ્રહ્મચારીગણ વિભિન્ન પ્રકૃતિના પરંતુ બધા માનાં સંતાનો, માના સ્નેહના સમાન અધિકારી. એ બધાના ભોજન, પહેરવેશ, સુખ-સુવિધા ઉપર મા વિશેષ ધ્યાન રાખતાં. આ સંદર્ભે એક ઘટના યાદ આવે છે: ઉદ્‌બોધનના ડોક્ટર મહારાજ(સ્વામી પૂર્ણાનંદજી) ક્યારેક ક્યારેક રાત્રિ ભોજન માટે સમયસર આવી શકતા નહીં અને એ માટે તિરસ્કારનો પણ ભોગ બનતા. એક દિવસે ઘણું મોડું થઈ જવાથી ઠપકો પણ વધુ સાંભળવા મળ્‍યો. આ જોઈ માએ એમને એકાંતમાં બોલાવી સસ્નેહ મોડા પડવાનું કારણ પૂછ્યું.

સ્વામી પૂર્ણાનંદ માના સ્નેહપૂર્ણ શબ્દો સાંભળી રોઈ પડ્યા અને કહ્યું, ‘રાજા મહારાજ(સ્વામી બ્રહ્માનંદ)નો આદેશ, પ્રતિદિન દસ હજાર જપ કરજે, અને ગણતરી બરાબર રાખજે. જો ભૂલ થાય તો પહેલેથી ફરીથી જપ ચાલુ કરજે. ગણતરીમાં ભૂલ થવાથી જપનું ફળ રાક્ષસ ખાઈ જાય.’

મા રાક્ષસ ખાઈ જાય એ વાત સાંભળી હસી પડ્યા અને કહ્યુંઃ ‘બેટા! તમે તો છોકરાઓ, તમારું મન ચંચળ, તમે એકાગ્રચિત્તથી જપ કરો એટલા માટે જ રાખાલે આમ કહ્યું. તો બેટા! હું કહું છું, ભોજનનો ઘંટ વાગવાથી તું ઠીક સમયે આવીને ભોજન કરી લેજે, જપની સંખ્યા પૂર્ણ ન થવાથી પણ કોઈ દોષ થશે નહીં. પછીથી સુવિધા અનુસાર ફરીથી જપ કરજે.’

માનો ભરોસો મેળવી સંતાન નિર્ભય બન્યો અને સમયસર ભોજન માટે આવવા લાગ્યો.

મા પ્રતિદિન સવારે પૂજા કર્યા પછી પ્રસાદી સાકરવાળું શરબત થોડું પીતાં. આ તેઓની કાયમની ટેવ હતી. આ જ હતો તેઓનો સવારનો મુખ્ય નાસ્તો. એટલું માત્ર પાન કરીને મા સંતાનોને નાસ્તો કરાવતાં. યાદ આવી જાય જયરામવાટીનું એ સુમધુર આહ્‌વાનઃ ‘બેટા! સમય થયો છે, નાસ્તો કરવા આવ!’ એ પોકાર હજુ પણ જાણે કાનમાં પ્રતિધ્વનિત થાય છે, પ્રાણ વ્યાકુળ થઈ ઊઠે છે. મનમાં થાય ‘પંખી બની ઊડી જાઉં’ ત્યાં, એ વરંડામાં, જ્યાં આસન પાથરીને પાણીનો પ્યાલો અને વાટકામાં ગોળ-મમરા, કેળના પાન પર ફળ-મીઠાઈ રાખી, વ્યગ્ર થઈ—વાછડાની પ્રતીક્ષામાં ગાયની જેમ—મા દરવાજા તરફ જોઈ સસ્નેહ નયને પ્રતિક્ષા કરી રહ્યા છે.

પરંતુ એવું સદ્‌નસીબ તો હવે મળશે નહીં. આખું વિશ્વ શોધી વળવા છતાં એ માતૃસ્નેહ મળશે નહીં. દિકરાઓનો નાસ્તો થઈ ગયા બાદ દિકરીઓને નાસ્તો આપી પોતે પણ થોડો ગ્રહણ કરતા. ભક્તો જે ફળ-મીઠાઈ લાવતા તે બીજાઓ જ મેળવતા, મા પોતે સામાન્ય થોડું ગ્રહણ કરતાં. એમનો નાસ્તો હતો માત્ર થોડા મમરા! પછીથી માના દાંત પડી ગયા હતા, ચાવી શકતાં નહીં માટે આંચલમાં (સાડીના છેડે) મમરા બાંધી એક દસ્તા વડે (વાટવા માટેનું સાધન)એને ખાંડીને નવાસનની વહુને બોલાવીને કહેતાં, “વહુમા, થોડાં મરચાં અને મીઠું આપો તો.”

જયરામવાટીમાં માના ઘરમાં ખાવાનું એક સાધારણ મધ્યમ પરિવાર જેવું હતું– સવારે મમરા, બપોરે બાફેલા મધ્યમ શ્રેણીના ચોખાનો ભાત, અડદની દાળ, પોસ્તો(ખસખસ નાખેલું એક પ્રકારનું બંગાળી શાક), એક તીખું શાક અને થોડી ખાટી વાનગી(જેમ કે દહીં કે ચટણી); ક્યારેક ભાજી, મસાલાવાળું શાક અને તળેલી વાનગી. ઘણા સમયે બીજી કોઈ વાનગી પણ હોય. થોડી માછલી લગભગ હંમેશાં રહે. જેટલા દિવસ માનું શરીર સ્વસ્થ અને સબળ હતું તેટલા દિવસ મા પોતે જ રાંધીને પીરસતા. પછીથી એટલું કરી શકતાં નહીં. પરંતુ પહેલેથી છેલ્લે સુધી ભક્તો ભોજન કરે છે તે સામે બેસીને જોતાં. આસન, પતરાળુ, પાણી બધું વ્યવસ્થિત હોવું જોઈએ, સ્વચ્છ સજાવેલું હોવું જોઈએ. પ્યાલામાં પાણી વધારે-ઓછું ન હોવું જોઈએ, પતરાળું આસનની સામે વચ્ચોવચ્ચ હોવું જોઈએ. આસનો નજીક નજીક પણ ન હોવાં જોઈએ, દૂર દૂર પણ ન હોવાં જોઈએ અને તેમની વચ્ચે સમાન અંતર હોવું જોઈએ.

પીરસાઈ રહ્યું છે એ સમયે માનું સુમધુર આહ્‌વાન સંતાનોના કાનમાં ગુંજ્યું, “બેટા, સમય થઈ ગયો છે, મોડું થઈ જાય છે, જલદી જલદી આવો. પતરાળામાં ભાત પીરસાયો છે, આવી ને જમો.” દીકરાઓને આવવામાં થોડું મોડું થઈ રહ્યું છે, હાથમાં લીધેલ કામ પૂરું કરતા પહેલાં આવી શકતા નથી. મા પતરાળાની પાસે બેસીને પાલવથી માંખી ઉડાવે છે, દીકરાઓ જમે છે એ જોઈ માની આંખો અને ચહેરા પર કેવો ગભીર આનંદનો પ્રકાશ! સુમધુર સ્વરે દીકરાઓને પૂછે છે, “કેમ થયું છે?” કોઈના પતરાળામાં ભાત નહીં, કોઈના પતરાળામાં દાળ ઓછી થઈ ગઈ છે, કોની શેમાં રુચિ જોઈ સાંભળીને કહી કહીને પેટ ભરીને ખવડાવે છે.

કોઈ નવાગત ભક્ત દીકરાની હાર્દિક ઇચ્છા કે માનો પ્રસાદ મેળવે. માએ તેને સમજાવી-પટાવીને પહેલાં જ ખવડાવી દીધું. બોલ્યાં: “અત્યારે બેસીને પેટ ભરીને ખા, મને જમતાં મોડું થશે. હું તારા માટે પ્રસાદ રાખીશ, પછીથી તને મળશે જ!” બપોરે મા થોડો દૂધ-ભાત પણ ખાતાં. શાક થોડું થોડું ચાખીને વાટકીમાં દૂધ અને ભાત મિશ્રીત કરતા. પોતે થોડું ગ્રહણ કર્યું; પછી પ્રસાદપ્રાર્થી ભક્તને બોલાવ્યો. એ ઉપસ્થિત થતા પ્રસન્ન મુખે બોલ્યાં: “બેટા! આ લે! પ્રસાદ માગ્યો હતો, હવે બેઠા બેઠા તૃપ્તિપૂર્વક ખા.” સંતાનનો પ્રાણ શીતળ થયો, માને પણ પરમાનંદ થયો!

ઘણી વાર એમ પણ થયું છે કે, કોઈ ભક્તના માનો પ્રસાદ મેળવવાના ખૂબ આગ્રહના કારણે માએ એક સંદેશ હાથમાં લીધો; ઠાકુરને દૃષ્ટિભોગ આપ્યો, અને પોતાની જીહ્વાગ્રે સ્પર્શ કરી પરમ સ્નેહની સાથે સહર્ષે સંતાનને આપ્યો! “બેટા! પ્રસાદ ખા.”

જયરામવાટીમાં માના ઘરમાં રાત્રીનું ભોજન રોટલી, શાક, ગોળ અને થોડું દૂધ રહેતું. રોટલી ખૂબ સ્વાદિષ્ટ થતી. મા પોતાના હાથે લોટ બાંધતાં, ઘણા સમય સુધી ટીપી ટીપીને અતિ મુલાયમ કરતાં. સંધ્યા બાદ ઠાકુરને ભોગ ધરાવીને, એ ખાવાનું સારી રીતે ઢાંકી દઈને પાસે લઈ બેસી રહેતાં, જેથી ઠંડું ન થઈ જાય. દીકરાઓ થોડી રાત થાય ત્યારે જમવા બેસતા—સંધ્યાવેળા ઠાકુરને પોકારતા, એમનું સ્મરણ કરતા. વળી થોડી રાત થતાં પહેલાં ભૂખ પણ લાગતી નહીં, પેટ ભરી ખાઈ શકતા નહીં. માટે જ મા પ્રતીક્ષા કરે છે. ટમ ટમ કરી પ્રદીપ જલતો. ઠાકુરને અગરબત્તી કરી, પ્રણામ કરી, પ્રકાશ ઓછો કરી મા પગ લાંબા કરી બેસી રહેતાં. કયા કયા રાજ્યમાં માનું મન વિચરણ કરતું કોને ખબર! ચારે બાજુ નિરવતા.

માની રોજની ઠાકુરપૂજા માટે હું ફૂલ, બીલીપત્ર વગેરે તોડી લાવતો. એક દિવસ તુલસીપત્ર લાવવાનું ભૂલી જવાથી મા ખૂબ દુઃખી થયાં અને બોલ્યાં- “તુલસી લાવ્યો નહીં! તુલસી કેટલી પવિત્ર, જેમાં આપે તેને શુદ્ધ કરે.” હું વ્યગ્ર અને દુઃખી થઈ તરત જ તુલસીપત્ર લઈ આવ્યો. ત્યારથી લઈ જીવનપર્યંત હું તુલસીનો વિશેષ અનુરાગી થઈ પડ્યો. રોજની પૂજાના અંતે મા જમીન ઉપર માથું ટેકાવી ઠાકુરને પ્રણામ કરતાં. ત્યારબાદ ચરણામૃત પાન કરવાના સમયે પૂજાના નિર્માલ્યમાંથી એક પ્રસાદી તુલસી અને એક ટુકડો બીલીપત્ર ગ્રહણ કરતાં.

Total Views: 798

3 Comments

  1. HIRJI BHUDIA May 23, 2022 at 2:45 am - Reply

    SIMPLY EXCELLENT.

  2. Jigar Joshi May 6, 2022 at 10:02 am - Reply

    Jai Maa! Adhyashakti jagdambaa, our mother (Holy Mother) Who is none another but Mother Laxmi who came as mother Saraswati and Mother Ananapurna. Love you Maa! Jai Thakur!

  3. Riddhi jani May 5, 2022 at 5:40 am - Reply

    Adbhut Jay maa

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.