રામપુરાથી નર્મદા તટ પાસેની પગદંડી છોડી ઉપર આવેલ કાચા રસ્તા પર ચાલવું પડે છે. માંગરોલનાં મંગલેશ્વર તીર્થથી ૨ કિ.મી. દૂર રામાયતી સંપ્રદાયના એક મહાત્માનો આશ્રમ બનતો હતો. ત્યાંથી થોડે દૂર તપોવન આશ્રમમાં પહોંચ્યા. અત્યંત વિશાળ અને અતિસુંદર આશ્રમ આંબા અને વિવિધ વૃક્ષોથી શોભતો ખરેખર તપોવન જ હતો. આ આશ્રમ સંન્યાસીના મનમાં જે વન-તપોવનની પરિકલ્પના હતી તેના જાણે કે પ્રતિબિંબ સમાન હતો. અહીં પરમપૂજ્ય શ્રીમત્‌ સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી મહારાજ બિરાજમાન હતા. તેમના સેવક બ્રહ્મચારી હરિદાસ મહારાજ હતા. સંન્યાસીને આશ્રમ ગમી જતાં, હરિદાસ મહારાજે વધુમાં વધુ ત્રણ દિવસ રોકાવાની પરવાનગી આપી. ગૌશાળા પાસે આવેલ લંબચોરસ જૂના વિશાળ હૉલમાં સફાઈ કરી સંન્યાસીની મંડળીએ આસન લગાવ્યાં. પાસે ગૌશાળા, ઘટાદાર વૃક્ષોથી શોભતો વિશાળ આશ્રમ, જમણા હાથે કેટલાંય પગથિયાં ઊતરીને નર્મદા ઘાટ વગેરે જોઈને સંન્યાસીના મનમાં આનંદ અને મધુરતાની છોળો ઊઠવા લાગી. ૭૫ વર્ષના પ.પૂ. પૂર્ણાનંદ સરસ્વતી મહારાજ ખરેખર તપસ્વી અને સદ્‌ગુરુ તેમજ સાંઈબાબાનો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરેલ વિરલ મહાત્મા હતા. ભક્તોની ભીડ ઓછી કરવા માટે પૂજ્ય મહારાજનાં દર્શન રાત્રીના એક-બે વાગ્યે માત્ર થોડા સમય માટે જ થતાં. સંન્યાસીએ જોયું કે રાત્રે પણ ૩૦-૪૦ ભક્તો-દર્શનાર્થીઓ શિસ્તબદ્ધ રીતે પૂજ્ય મહારાજનાં દર્શનની આતુરતાથી રાહ જોતા હોય છે! આવી જ રીતે સંન્યાસી પણ રાત્રે પૂજ્ય મહારાજનાં દર્શન કરવા ગયા. મોટા ભાગના લોકો પોતાના વ્યક્તિગત સાંસારિક અને આધ્‍યાત્મિક સમસ્યાઓના સમાધાન માટે આવતા હોય છે. પૂજ્ય મહારાજ પહેલા માળે આવેલ પોતાના ઓરડામાં આવેલ નાનાશા પૂજા-મંદિરની સામે ખુરશી ઉપર કાચની બારી પાસે બેઠેલા હોય છે. કાચની બારી પહેલાં એક નાનો પડદો પણ હોય છે. દર્શનાર્થી કાચની બારી પાસે આવે ત્યારે પૂજ્ય મહારાજ પડદો અને કાચની બારી ખોલે અને ખૂબ જ આત્મીય ભાવે દર્શનાર્થીની સમસ્યા સાંભળે અને ફરી પડદો બંધ કરી તેમની સામે આવેલ નાનાશા પૂજા-મંદિરમાંના પોતાના ઇષ્ટદેવતાની સાથે થોડા સમય માટે જાણે કે એકલીન થઈ જાય! ફરી પાછો પડદો ઉઘાડી તેમના પાવન મનમાં આવેલ સમાધાન દર્શનાર્થીઓને કહે! સંન્યાસીએ પણ પોતાની આધ્‍યાત્મિક સમસ્યા કહી અને પૂજ્ય મહારાજે ઉત્તમ ઉપાય પણ સૂચવ્યો. પૂજ્ય મહારાજ પ્રત્યેક ગુરુવારના રોજ રાત્રીના સમયે એકથી બે વાગ્યા દરમ્યાન આશ્રમ પરિસરમાં આવેલ સાંઈ મંદિર તેમજ નાનાશા દત્તાત્રેય મંદિરમાં પુષ્પાંજલી અર્પણ કરી આરતી કરે. તત્‌ પશ્ચાત્‌ મહારાજ પોતાના નિવાસસ્થાનની બાજુમાં આવેલ ખંડમાં બિરાજે અને આતુર ભક્તજનોને મહારાજનાં પ્રત્યક્ષ દર્શન અને સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે તથા અડધો કલાક ભક્તો ભજન-કીર્તન કરે. મહારાજ ભાવવિભોર બની દિવ્ય આનંદમાં બિરાજમાન થાય. આજે કોઈ પ્રશ્નોત્તરી થાય નહિ. આમ અઠવાડિયામાં એક દિવસ એકાદ કલાક માટે ભક્તોજનો પૂજ્ય મહારાજનાં દર્શન-સાન્નિધ્ય મેળવી ધન્ય બને છે.

સંન્યાસીએ પણ ત્રણ દિવસ સુધી આશ્રમની દિવ્યતાનો લાભ લીધો અને ૨૫ માર્ચ, ૨૦૧૫ના રોજ અહીંથી ૧ કિ.મી. દૂર આવેલ ભવ્ય અને રમણીય શ્રીરામાનંદ આશ્રમમાં પ્રવેશ કર્યો.

પવિત્ર ગંગા નદી (હિમાલયમાં) ઉત્તર દિશામાંથી દક્ષિણ દિશા તરફ વહી રહી છે. પરંતુ, જ્યાં જ્યાં મા ભાગીરથી ગંગાનો પ્રવાહ પુનઃ ઉત્તરાભિમુખ બને છે તે સ્થળને પવિત્ર કાશી તીર્થ કહેવામાં આવે છે, જેનું આધ્યાત્મિક ક્ષેત્રમાં આગવું વિશેષ મહત્ત્વ છે. આવું જ કાશીતીર્થ આપણા ગુજરાતમાં પણ છે, જેનું નામ નર્મદાકાશી. નર્મદા જિલ્લામાં રાજપીપળાથી વીસેક કિલોમીટર દૂર જૂના ગુવાર ગામને પખાળતી મા નર્મદા ઉત્તરવાહિની થઈને વહી રહી છે. આથી તે નવ-દશ કિલોમીટરના ઉત્તરવાહિની વિસ્તારને નર્મદાકાશી તરીકે સંતો ઓળખે છે. પતિતપાવની ઉત્તરવાહિની મા નર્મદાજીના પશ્ચિમ કાંઠે પ્રાકૃતિક ગોદમાં હિમાલયના સંતશિરોમણિ મહામંડલેશ્વર સ્વામી અભિરામદાસજી ત્યાગી દ્વારા શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ નિર્માણ પામ્યો છે. આ આશ્રમના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૭-૨-૨૦૦૮થી ૧૧-૨-૨૦૦૮ સુધી યોજાયો હતો.

Total Views: 696

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.