૯ મે, બુદ્ધપૂર્ણિમા પ્રસંગે

આ જગતમાં કદી વેરથી વેર શમતું નથી. (પણ) અવેરથી – પ્રેમથી શમે છે, એ સનાતન ધર્મ છે.

જે મૂરખ પોતાનું મૂરખપણું સમજે છે તેટલે અંશે તે ડાહ્યો છે, પણ જે મૂરખ પોતાને ડાહ્યો ગણે છે તે ખરેખર મૂરખ કહેવાય.

જે કામ માટે માણસને પસ્તાવો થાય અને જેનું ફળ રડતાં રડતાં આંખમાં આંસુ સાથે ભોગવવું પડે તે કામ કરવું યોગ્ય નથી.

જે માણસ તમને ત્યાગ કરવા યોગ્ય શું છે તે બતાવે, તમારી ઊણપ બતાવે, જે બુદ્ધિશાળી માણસ તમારું હિત વિચારી તમને ઠપકો આપે, તેવો જ્ઞાની મનુષ્ય જો તમને મળે, તો દાટેલું ધન બતાવનારની પાછળ પાછળ માણસ જાય તેમ, તમે તેને અનુસરજો. તેવા જ્ઞાનને જે અનુસરશે તેનું સદાય કલ્યાણ થશે.

સારથિએ સારી રીતે કેળવીને વશ કરેલા ઘોડાઓની પેઠે જેણે ઇન્દ્રિયોને કાબૂમાં લીધી છે, જેણે માનાપમાન છોડી દીધાં છે, જેણે તૃષ્ણાનો ત્યાગ કર્યો છે, તેવા પુરુષની દેવો પણ ઇર્ષા કરે છે.

એક માણસ હજાર શબ્દોનું ભાષણ આપે, પણ જો તેના શબ્દો અર્થ વગરના હોય તો તે ભાષણ નકામું છે, પણ તેને બદલે અર્થવાળો એક શબ્દ, જે સાંભળવાથી માણસ શાંત બને છે, તે વધારે સારો ગણી શકાય.

હજાર શબ્દના બનેલા અર્થ વગરના કાવ્ય કરતાં ધર્મનું એક પદ શ્રેષ્ઠ છે, જે સાંભળવાથી માણસ શાંતિ પામે છે.

જે સંગ્રામમાં હજારના હજાર (દશ લાખ) માણસોને જીતે, તે કરતાં એક આત્માને જીતે તે ઉત્તમ યોદ્ધો છે.

જે સાચો ધર્મ સમજ્યા વિના સો વર્ષ જીવે છે, તે કરતાં જ્ઞાનપૂર્વક ગાળેલો એક દિવસ વધારે ઉત્તમ છે.

આકાશમાં, દરિયામાં, પર્વતની ટોચે અથવા વિશ્વમાં એવી કોઈ જગા નથી, જ્યાં વસવાથી મનુષ્ય પાપકર્મના ફળથી મુક્ત થઈ શકે.

કોઈને પણ કઠોર શબ્દો કહેશો મા. જેને કહેશો તેઓ તમને સામા કહેશે. ક્રોધ ભરેલું વચન દુ:ખકારક છે. ઘાના બદલામાં તમારે ઘા સહન કરવો પડશે.

જગત પાણીના પરપોટા સમાન છે, એમ જાણો. જગત મૃગજળ સમાન છે, એમ જાણો. જેઓ જગતને આ રીતે નાશવંત માને છે તેના સામે જમરાજા પણ જોતો નથી.

સંસાર સમુદ્રને તરવાની ઇચ્છાવાળા હે પુરુષ, ભૂતકાળની તૃષ્ણાનો ત્યાગ કર, ભવિષ્યની તૃષ્ણાનો ત્યાગ કર, વર્તમાનની તૃષ્ણાનો ત્યાગ કર. જો તારું ચિત્ત સર્વ રીતે તૃષ્ણામુક્ત હશે તો તને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થશે નહિ.

આકાશમાં, દરિયાના મધ્ય ભાગમાં, પર્વતની ગુફામાં અથવા આખી દુનિયામાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં રહેવાથી મનુષ્ય મરણના ભયથી મુક્ત થઈ શકે.

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.