ક્રોધજયી-ધર્મજયી

એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત અલી અને એમની વચ્ચે ઘણા સમયથી અણબનાવ રહ્યા કરતો. હજરત અલીને જોતાં જ પેલા ભાઈએ ભાંડવાનું શરૂ કર્યું પણ તેઓ શાંત રહ્યા. પરંતુ પેલા ભાઈએ સંભળાવવાનું ચાલુ જ રાખ્યું એટલે હજરત અલી પણ આવેશમાં આવીને પોતાના દ્વેષીને ભાંડવા માંડ્યા. આ બધું જોઈને મહંમદ સાહેબ તો ચૂપચાપ ઝડપથી ચાલવા માંડ્યા અને થોડે દૂર નીકળી ગયા.

હજરત અલીએ જોયું કે મહંમદ સાહેબ તો ઘણા દૂર નીકળી ગયા છે એટલે ઝઘડો છોડીને આવેશમાં ને આવેશમાં ચાલવા લાગ્યા. થોડી વારમાં મહંમદ સાહેબની સાથે થઈ ગયા. ચાલતાં ચાલતાં એમણે મહંમદ સાહેબને પૂછ્યું, “પેલો માણસ મને જેમતેમ સંભળાવતો હતો છતાં તમે ઊભા રહેવાને બદલે ચાલ્યા કેમ ગયા? તેમણે શાંતિથી કહ્યું, “જુઓ, હજરત અલી! એ મૂર્ખ પોતાની મૂર્ખતાને કારણે તમને ભાંડતો હતો અને તમે શાંત રહ્યા ત્યાં સુધી મેં જોયું કે દસ ફિરસ્તા તમારું સર્વ રીતે રક્ષણ કરતા હતા. પણ જેવું તમારું વર્તન પણ બગડ્યું કે મેં પેલા દસેય ફિરસ્તાઓને એક પછી એક ચાલ્યા જતા જોયા અને મને એમ લાગ્યું કે, હવે અહીં ઊભું ન રહેવાય. તેથી હું ચાલતો થયો. હજરત અલી! આટલું યાદ રાખો કે બીજાનું વર્તન ગમે તેવું હોય તો પણ આપણે મન-કર્મ-વચનથી કોઈનુંય બૂરું ન કરવું, કોઈનેય મનદુ:ખ થાય તેવું ન તો વિચારવું, બોલવું કે આચરવું. આ જ સાચો ધર્મ છે.”

હજરત અલીનું માથું શરમથી ઝૂકી ગયું. તેમણે મહંમદ સાહેબની માફી માગી અને પેલા માણસના કલ્યાણની પ્રાર્થના કરી.

સત્સંગનું ફળ

મહાપુરુષો માટે જ્ઞાન-પ્રાપ્તિનો સ્રોત સામાન્ય માનવી-ઘટના પણ હોઈ શકે. જેને જ્ઞાન મેળવવું જ છે એને ક્ષોભ શો? ભેદ-અભેદ શો? આવો જ એક પ્રસંગ-જ્ઞાન પ્રાપ્તિ અને વિનમ્રતાનો પ્રસંગ ખલિફ હજરત ઉમ્મરના જીવનમાં પણ જોવા મળે છે.

એક રાત્રે ઉમ્મરસાહેબ શહેરના રસ્તેથી પસાર થતા હતા ત્યારે એક ઘરમાંથી સ્ત્રી-પુરુષોના ખડખડાટ હાસ્યનો અવાજ સાંભળ્યો. તેમણે મનમાં વિચાર્યું : “આ તે કેવા માણસ, કે જે પોતાની ઊંઘ તો બગાડે છે પણ બીજાની ઊંઘમાં પણ ખલેલ કર્યે જાય છે!” જિજ્ઞાસાવૃત્તિથી ઉમ્મર સાહેબ દીવાલ-વંડી ઠેકીને અંદર ગયા ને જોયું તો એક ટેબલ પર દારૂની બોટલ પડી છે અને મોઢે શરાબનો ગ્લાસ માંડીને સ્ત્રી-પુરુષ બંને હસી રહ્યાં છે. પવિત્ર કુરાનમાં દારૂને વર્જ્ય ગણ્યો છે. એટલે નશામાં ચકચૂર બનેલ પતિ-પત્ની પાસે જઈને ક્રોધ સાથે કહ્યું, “મૂરખ, તમને શરમ નથી આવતી? આટલી રાતે દારૂ ઢીંચીને બક્યે જાઓ છો!”

ઉમ્મર સાહેબ સામે જ જોઈને પતિ-પત્નીનો નશો ઊડી ગયો અને એ ઝંખવાણાં પડી ગયાં. પુરુષે કહ્યું, “ઉમ્મર, ક્ષમા કરો, અમારી ભૂલ થઈ અને પવિત્ર કુરાનના ઉપદેશનું ઉલ્લંઘન કર્યું.”

ઉમ્મર સાહેબે તેમને ક્ષમા આપી પરંતુ જેવા બહાર જવા નીકળ્યા કે, પેલા યુવાને કહ્યું, “સાહેબ, અમે તો એક જ અપરાધ કર્યો પણ આપે તો ત્રણ અપરાધ કર્યા તેનું શું?”

ઉમ્મર સાહેબે આશ્ચર્ય સાથે કહ્યું, “ભાઈ, મેં વળી ક્યા ત્રણ અપરાધ કર્યા?”

ગૃહસ્થે કહ્યું. “અલ્લાહની આજ્ઞા છે કે કોઈના દોષ બીજાની સમક્ષ ન બતાવવા. જ્યારે આપે તો આવેશમાં આવીને મોટા અવાજે અમારા દોષ પાડોશીઓ પણ સાંભળે તે રીતે વર્ણવ્યા. ખુદાનો એ આદેશ છે કે, કોઈના ઘરમાં પ્રવેશવું હોય તો સામેના મુખ્ય દરવાજેથી જ પ્રવેશવું. જ્યારે આપ તો વંડી ઠેકીને પ્રવેશ્યા. અને પરવર દિગારની આજ્ઞા છે કે, ઘરમાં પ્રવેશતાંની સાથે ઘરના માણસોને ‘સલામ’ કરવી. આપે આ ત્રીજા નિયમનું પણ પાલન ન કર્યું.”

એક શરાબી પાસેથી પણ આ જ્ઞાન સાંભળીને ઉમ્મર સાહેબને પસ્તાવો થયો. તેમણે તેની માફી માગી અને એ દંપતીએ પણ દારૂ ન પીવાની પ્રતિજ્ઞા કરી.

સ્વાશ્રય અને પરસેવા

‘છે કામના ખપી જવાની પીડિતનાં દુ:ખ નિવારવા’માં ને પોતાનો જીવનધર્મ માનીને ચાલનારા સંત ફ્રાંસિસ ઓફ એસીસીનું સેવા મંડળ વૃદ્ધિ પામવા લાગ્યું. ભલે દુનિયા એને ગાંડા-ઘેલા કે ધૂની ગણે પણ સંત ફ્રાંસિસ અને તેના બે સાથી મિત્રોએ દીનદુ:ખી અને રક્તપિત્તિયાંની સેવાની ધૂણી ધખાવી, એક ઝૂંપડાને દવાખાનું બનાવી દીધું.

પતિયાંને નવરાવવાં-ધોવરાવવાં અને એમને પોષવાં એ જ એમની સેવાપૂજા બની ગયાં. ફ્રાંસિસ બાઈબલ વાંચીને આ માર્ગે આગળ વધવા પોતાની મેળે માર્ગદર્શન મેળવતા. જાણે કે ભગવાન ઈસુ એમને કહી રહ્યા છે, “જ્યાં જ્યાં જાઓ ત્યાં કહો કે, ઈશ્વરનું રાજ્ય આંખ સામે છે. માંદાની સેવા કરો, પતિયાંની સેવાચાકરી કરો. ભૂત-પ્રેતો અને બીજા વહેમોમાં ફસાયેલાંને મુક્ત કરો. તમને ઈશ્વરે છૂટે હાથે આપ્યું છે તે સર્વસ્વ છૂટે હાથે આપી દો અને સેવાના પંથે ઝંપલાવો.”

આ સંદેશાનો સાદ સાંભળીને ઘણા સેવકો મળવા લાગ્યા. શણનાં ભૂરાં કપડાં પહેરીને કેડે દોરડું બાંધીને આ બધા નીકળી પડ્યા, ફ્રાંસિસ-ચીંધ્યા સેવા-પંથે. પોતાના સાથીઓને કહેતો, “પ્રભુએ આપણને આપણા પોતાના ઉદ્ધાર માટે નથી મોકલ્યા, પણ બીજાનાં ઉદ્ધાર અને કલ્યાણ માટે જ મોકલ્યા છે. આપણે કંઈ નાચીજ નિર્માલ્ય નથી, આપણે સૌ કોઈને સન્માર્ગે વાળનારા છીએ.” આ સંદેશ લઈને તેમના સેવાભાવી સહસાથી ચાલી નીકળ્યા, સેવાના આકરા પંથે. ખેતરોમાં કામ કરતા ખેડૂતોને સહાય કરે, મજૂરોને સહાયક થાય ને જે મળે તે ખાય. ન મળે તો હરિભજન કરે અને ઘાસની પથારીમાં સૂઈ રહે. હવે તો ફ્રાંસિસની આસપાસ લોકોનાં ટોળાં ફરવા લાગ્યાં. પૈસા તો જોઈએ નહીં ને મજૂરી કરીને જ ખાવું. કામ કે મજૂરી ન મળે તો ભિક્ષાન્ન પર નભવું પણ તેય તે આજના પૂરતું જ ભિક્ષાન્ન માગવું. કાલ તો દેનારો દઈ દેશે રામ. આવા અલગારી બનીને ફરે છે બધે. ગામડાં વીંધતા ફરતા ફરતા આ સેવકો ક્યારેક ભેગા થઈ જાય અને અનેરો આનંદ અનુભવે, પ્રભુ ઈસુને આવા જ ભક્તો પ્રિય હતા ને? સંઘજનોને સંબોધીને ફ્રાંસિસ કહેતા, ‘પૂછે તેનો વિવેક-વિનમ્રતાથી જવાબ આપજો, કોઈ ગાળ દે તેને મીઠી વાણી કહેજો. તમને કોઈ દુ:ખી કરે, રંજાડે તેમને માટે કલ્યાણ પ્રાર્થના કરજો, જ્યાં ધિક્કાર છે ત્યાં પ્રેમ વાવજો. હતાશા, નિરાશા છે ત્યાં આશા-શ્રદ્ધા આપજો. પ્રભુના કામ માટે જે નિંદા-દુ:ખ સહન કરે તેનું પ્રભુના દરબારમાં અનેરું સ્થાન છે.’

તે સમયના ધર્મ-મઠોમાં કેટલાક વિલાસ અને ઢોંગને પોષતા હતા. જેમતેમ ભીખીને પેટનો ખાડો પૂરવો અને આળસુ પ્રમાદી બનીને પડ્યા રહેવું એ એમનો ધર્મ થઈ પડ્યો હતો. આ બધું જોઈને સંત ફ્રાંસિસે પોતાના સાથીઓને ચેતવીને કહ્યું, “ભિખારી ભીખ માંગીને આળસુ બને એટલે બીજાનો ઓશિયાળો અને દંભી બની જાય છે. આપણે તો પ્રભુએ ચીંધેલ સેવા-માર્ગ અપનાવ્યો છે. આપણે આળસ ન રાખી શકીએ. આપણે શારીરિક શ્રમ તો કરવો જ પડે. આ પરિશ્રમના પરિણામે પેટ પૂરતું મહેનતાણું જ સ્વીકારવું યોગ્ય. મહેનત-મજૂરી ન મળે તો બે ટંક પૂરતું ભિક્ષાન્ન મળી રહે એટલી જ ભિક્ષા માગવી જોઈએ.”

ફ્રાંસિસના સાથી મિત્રોને કંઈ ને કંઈ ધંધો આવડતો. કોઈ લાકડાં કે વાસણો પર સુંદર કોતરકામ કરી શકતા, તો કોઈ ટોપલા – ટોપલી ગૂંથી દેતા, કોઈ જોડા પણ સીવતા અને ઉદ્યમ કરીને જ પેટનો ખાડો પૂરતા.

પ્રભુના ઘર સુધી પહોંચવાનો આ સેવા સ્વાશ્રય સિવાય બીજો ક્યો માર્ગ હોઈ શકે?

પ્રભુના સંગાથે નિર્ભયતા

સંત ખય્યામ પોતાના શિષ્ય સાથે એક વેરાન અને ગાઢ જંગલમાંથી પસાર થતા હતા. નમાજનો, ખુદાની બંદગીનો સમય થવા આવ્યો હતો. તે બંને નમાજ પઢવા બેઠા ત્યાં તો નજીકમાંથી વાઘનો ઘૂરકાટ આવતો સાંભળ્યો. અને થોડી વારમાં પેલો વાઘ પણ નજીક આવી પહોંચ્યો. ખય્યામનો શિષ્ય તો ઝડપથી દોડીને એક વૃક્ષ પર ચડી ગયો. અને સંત ખય્યામ હલ્યાચલ્યા વિના ખુદાની બંદગીમાં મગ્ન હતા. પેલો વાઘ ઘૂરકાટ કરતો કરતો ત્યાંથી ચાલ્યો ગયો. એટલે ખય્યામનો શિષ્ય ઝાડ પરથી ઊતર્યો અને ત્યાં સુધીમાં ખય્યામની નમાજ પણ પૂરી થઈ ગઈ, તેઓ પણ ઊભા થયા અને બંને થયા ચાલતા

ચાલતાં ચાલતાં જંગલના અંધારિયા કાદવ-કીચડવાળા રસ્તેથી પસાર થયા. આ રસ્તે મચ્છરનો તો ભયંકર ત્રાસ. મચ્છર ખય્યામના ગાલ પર બેસી ગયા અને ખય્યામે તરત જ ગાલ પર તમાચો લગાવ્યો. અને પેલા મચ્છરનું આવી બન્યું.

આમ, જંગલનો રસ્તો પસાર કરીને બહાર નીકળ્યા. એટલે ખય્યામના સાથીદારે કહ્યું, “મારા એક પ્રશ્નનો જવાબ આપશો? તમે નમાજ પઢતા હતા. અને વિકરાળ વાઘ આવ્યો છતાં ન હલ્યા કે ચલ્યા અને આ તુચ્છ મચ્છરને તમાચો મારીને મારી નાખ્યો! તમારા આ બે વર્તનનો ભેદ હું પામી શક્યો નથી. તેનું રહસ્ય મને કહેશો?”

સંત ખય્યામે હસતાં હસતાં કહ્યું. “મિત્ર, જ્યારે વાઘ આવ્યો ત્યારે હું નમાજ પઢતો હતો. અને ખુદાની બંદગીમાં મગ્ન હતો. ત્યારે ખુદા પણ મારી નજીક હતા. એટલે હું નિર્ભય રહ્યો. કારણ, મને ખુદાનો સાથ હતો. અને મચ્છર કરડતા હતા. ત્યારે હું એક માનવી સાથે હતો. તેથી તેને ભગાડવા – મારવા મેં એવું વર્તન કર્યું.”

ઈશ્વરનો સાથ, તેની નિકટતા નિર્બળને સબળ બનાવે. તે જ નિર્બળનું બળ છે. એકલો માનવી પ્રભુના સાથ વિના સામાન્ય છે.

માનવીના પ્રકાર

એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, “મહારાજ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે તેનું સ્થાન, કક્ષા અને પ્રકાર કહી શક્યા. તો માનવીના પ્રકાર વિશે હું જાણવા માગું છું. મને એ વિશે સમજણ આપો એવી મારી વિનંતી છે.”

તથાગતે કહ્યું, “હે રાજન્! માનવના ચાર પ્રકાર આ પ્રમાણે છે; અંધકારમાંથી અંધકાર તરફ જનારા, પ્રકાશમાંથી અંધકાર તરફ જનારા, અંધકારમાંથી તેજ-પ્રકાશમાં જનારા અને તેજમાંથી તેજ તરફ જનાર.”

તથાગતે વિગત સમજાવતાં કહ્યું, “જે માનવી અતિ સામાન્ય કે હલકા કુળમાં જન્મ અને કુકર્મો, હિંસા, દુરાચાર, અવિદ્યા, અસત્યાચરણ અને અજ્ઞાનને માર્ગે ચાલતો રહે તે તે માનવી અંધકારમાંથી ઊંડા અંધકાર તરફ જનારો પામર, નિર્માલ્ય માનવી છે.

‘પરંતુ જે માનવી ગમે તેવા હલકા કુળ કે સંસ્કારવાળા ઘેર જન્મ લે પરંતુ વિજ્ઞાન, જ્ઞાન, વિવેક, સદ્વિચાર સત્યપાલન, સહાનુભૂતિ, પ્રેમ, કરુણાને માર્ગે આગળ વધીને સાચા સાધક બનીને પ્રગતિશીલ જીવન જીવે તે ઊંડા અંધારામાંથી નીકળીને પરમ તેજના પંથે ચાલનારા કહેવાય. સંસારમાં કેટલાય માનવી એવા હોય છે જે કુલીન, ગુણવાન અને સંસ્કારી મા-બાપને ત્યાં જન્મ લે છે અને અધર્મ, અસત્ય, પાખંડ અજ્ઞાન, અવિવેક અને વેરને ભજીને ચાલે છે. અને જીવનને સ્વર્ગમાંથી નરક જેવું બનાવે છે. આવા માનવી પરમ તેજમાંથી ઊંડા અંધારા તરફ ગતિ કરનારા અતિ નિર્માલ્ય અને પામર માનવી કહેવાય.

જગતમાં એવા માણસ હોય છે જે જન્મથી કુલીન, વિદ્યાવાન, શાણા, ચતુર અને વિવેકી હોય છે અને આવા ઉદાત્ત ગુણવાળા કુટુંબમાં જન્મ લઈને એવું જ વાતાવરણ મેળવવાનું સદ્ભાગ્ય પામે છે. આ સદ્ભાગ્યને સાથે લઈને વધુ કુલીન, વિવેકી, સહાનુભૂતિશીલ પ્રેમાળ-કરુણાળુ, ઉદાર અને ઉદાત્ત ચારિત્ર્યશીલ બનવાનો નિરંતર પ્રયાસ કરતા રહે છે અને સર્વોત્કૃષ્ટ જ્ઞાન-પ્રેમ- દિવ્ય તત્ત્વને પામે છે. આવા માનવીને એક દિવ્ય અને તેજોમય જગતમાંથી બીજા પરમોચ્ચ દિવ્ય તેજોમય જગતમાં પહોંચવાનું, એ જગતને પામવાનો નિરંતર પ્રયાસ કરતાં રહે છે અને દિવ્ય તત્ત્વને પામીને પોતાના, પોતાના કુટુંબના અને સમગ્ર માનવ સમાજને તારક, ધારક અને ઉદ્ધારક બની શકે છે.

માત્ર જન્મને કારણે કે કુળને કારણે કોઈ ઊંચ કે નીચ નથી બનતો. ગુણોના સાગરમાં રહીને સદ્‌ગુણની ઉપાસના કરનાર કે સગુણોનો સંગાથ મેળવીને ઉચ્ચતર સદ્‌ગુણોની ઉપાસના કરનાર માનવમાત્ર માટે કલ્યાણકારી-ઉપકારી છે. માટે હે રાજન્! માનવીની ગતિ ઉચ્ચ અને ઉચ્ચતર કે સર્વોત્તમ તરફ હોય એમાં જ એના જીવનની સાર્થકતા છે.

સાચો બ્રાહ્મણ

‘जन्मना जायते शूद्र : संस्कारात् द्विज उच्यते’ જન્મથી તો દરેક વ્યક્તિ શુદ્ર જ છે. પણ માનવસમાજને જીવાડતા – સમાજની દરેક વ્યક્તિની સર્વાંગી ઉન્નતિ સાધતા ગુણોની ઉપાસના કરનારા અને પોતાના જીવનમાં આ ઉદાત્ત ગુણોને ઉતારીને સદાચરણ દ્વારા બીજાના જીવનની દીવાદાંડી બનનારા સાચા બ્રાહ્મણ છે. જૈન ધર્મમાં જયઘોષ નામના એક મહામુનિ હતા. પંચ મહાવ્રતનું સદાસર્વદા પાલન કરતા હતા. તેઓ તીર્થાટન કરતા કરતા એક વખત કાશીમાં પહોંચ્યા. તેમણે શહેરની બહારના એક ઉદ્યાનમાં વાસ કર્યો. કાશી એટલે વેદપાઠી – વેદજ્ઞ – યજ્ઞ – યાગ કરનારા બ્રાહ્મણોની ભૂમિ. વેદમાં કુશળ વિજયઘોષ નામનો બ્રાહ્મણ કાશીમાં મહાન યજ્ઞ કરતો હતો. અણગાર – ઘર ત્યજીને યતિ બનેલ મુનિ જયઘોષ એક માસના ઉપવાસ કરીને પારણા માટે ભિક્ષાન્ન લેવા વિજયઘોષના આંગણે આવીને ઊભા રહ્યા. જયઘોષને જોઈને તેણે કહ્યું. “હું તમને ભિક્ષાન્ન આપી શકું તેમ નથી. હું તો વેદનું જ્ઞાન ધરાવનારા, યજ્ઞના પરમ રહસ્યને જાણનારા, જ્યોતિષજ્ઞ અને આત્મજ્ઞાની તેમ જ પારસમણિ જેવા પોતાના સંસ્પર્શથી બીજામાં આત્મજ્ઞાન અને પરમાત્મજ્ઞાન ઉતારીને તેમનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય તેવા બ્રાહ્મણને જ દાન આપું છું એટલે તમે બીજેથી ભિક્ષાન્ન મેળવો.”

તેમના આ શબ્દો સાંભળીને મનોજયી જયઘોષે જરા પણ ગુસ્સે થયા વિના વિનમ્ર ભાવે સામાના કલ્યાણને જ નજર સામે રાખીને કહ્યું, “હે મિત્ર, મારી દૃષ્ટિએ વેદનું સારભૂતતત્ત્વ તમે જાણતા નથી. યજ્ઞ એટલે શું તેનું તમને જ્ઞાન નથી, આ સંસાર – સાગરમાંથી તરવા અને તારવા કોણ સમર્થ છે અને કોણ નથી તેનો પણ તમને ખ્યાલ નથી. છતાંય તમે આ વિષે કંઈ જાણતા હોય તો મને એ વિશે સાચી સમજણ આપો એમ હું ઇચ્છું છું.” વિજયઘોષ પાસે આ પ્રશ્નોના ઉત્તર ન હતા. તેના સાથી મિત્રો પણ જવાબ આપી શકે તેમ ન હતા. એટલે એણે અને એની સાથે રહેલા બીજા બધા બ્રાહ્મણોએ મુનિ જયઘોષને વિનંતિ કરી, “હે મુનિવર, આપે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા અમે અસમર્થ છીએ. એટલે વેદ, યજ્ઞ, નક્ષત્ર, ધર્મના સાચા રહસ્ય વિષે અમને સવિસ્તર જ્ઞાન આપો.”

મુનિ જયઘોષે આ બધું સવિસ્તર સમજાવ્યું અને અંતે કહ્યું, “જે પ્રાણીમાત્ર, – ચરાચર પ્રત્યે મન – વાણી અને કાયાથી મૈત્રી, કરુણા દાખવે અને જે મન – વાણી – કાયાથી અહિંસા પાળે તે જ સાચો બ્રાહ્મણ ગણાય. જે વ્યક્તિ ક્રોધ, ભય, લોભ કે મજાક – મશ્કરી તથા અસત્ય ન ઉચ્ચારે, જે દાન આપ્યા વિનાના ધનની કે કશી ચીજવસ્તુની એષણા કરતો નથી અને એ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે તેને ‘બ્રાહ્મણ’ જાણવો જોઈએ. જેમ કમળપત્ર જળમાં રહે છતાં તેને પાણી ભીંજવી શકતું નથી તેમ સંસારના ભૌતિક સુખના સર્વ પદાર્થોથી જે નિર્લેપ રહે છે તેને બ્રાહ્મણ કહેવો જોઈએ. માત્ર શિર મુંડનથી, ૐકારનો ઉચ્ચાર કરવાથી, વનમાં વસવાથી અને વલ્કલ ધારણ કરવાથી મુનિ કે બ્રાહ્મણ બની ન શકાય. સમતાથી શ્રમણ બને, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બને. માનવ પોતાના કર્મ દ્વારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર બને. બ્રાહ્મણ માટે મેં જે ઉત્તમ ગુણો વર્ણવ્યા તેવી ગુણધારી વ્યક્તિ પોતાના ઉદાત્ત ગુણો દ્વારા પોતાનોય ઉદ્ધાર કરી શકે અને અન્યના ઉદ્ધારક બની શકે.” આ સાંભળીને વિજયઘોષ અને તેમના સાથી મિત્રોને સાચા બ્રાહ્મણત્વનો ખ્યાલ આપ્યો. જાણે કે મુનિ જ્યઘોષે જ્ઞાન-શલાકા વડે દૃગાંજન કરીને તેમને સાચી અને નવી દૃષ્ટિ આપી.

સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.